હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
એક નામી કૉર્પૉરેટ કંપનીમાં ઉચ્ચ કક્ષાના હોદ્દા પર એક વ્યક્તિ વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતી હતી. હવે એ વ્યક્તિ ઉંમર થતા રિટાયર્ડ થઈ. એમની જગ્યાએ નવી વ્યક્તિની નિમણૂંક કરવાનો સમય આવી ગયો. સ્વભાવિક રીતે આવી મોટી કંપની અને હોદ્દા માટે કેટલાય ઉમેદવારોની અરજી આવી. ઇન્ટરવ્યૂ માટેના નિશ્ચિત દિવસ અને નિશ્ચિત સમયે અનેક ઉમેદવારો સુટ-ટાઇ અને હાથમાં ડિગ્રીની ફાઇલ સાથે વગદાર વ્યક્તિઓના ભલામણ પત્રો અને મનમાં ઊંચી આશા લઈને હાજર થઈ ગયા. કંપનીના માલિક આ હોદ્દા માટે પોતે ઇન્ટરવ્યૂ લેવાના હતા.
એક પછી એક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાતા ગયા. આ બધામાં એક એવો ઉમેદવાર પણ હતો કે જેની પાસે કૉર્પૉરેટ કંપનીના માલિકના અંગત મિત્રનો ભલામણ પત્ર હતો. એ ઉમેદવાર પાસે ભલામણની સાથે ભણતરની ઉચ્ચ ડિગ્રીઓ પણ હતી. દેખીતી રીતે એ જ ઉમેદવારની પસંદગી થશે એવું એણે અને સૌએ માની લીધું હતું.
પરંતુ જ્યારે નિર્ણય જાહેર થયો ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે એક સાવ જ અજાણ્યા ઉમેદવારની પસંદગી થઈ હતી જેની પાસે એક પણ ભલામણ પત્ર નહોતો.
કંપનીના માલિકના મિત્રે એના આ નિર્ણય માટે આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્રશ્ન પૂછ્યો. “મેં એક એવી વ્યક્તિની ભલામણ કરી હતી જે ખરેખર એના ભણતર, એના અનુભવને લઈને તારી કંપનીના આ હોદ્દા માટે સર્વથા યોગ્ય હતી તો પછી એને પડતો મૂકીને તેં એવા એક સાવ અજાણ્યા ઉમેદવારને પસંદ કર્યો. એનામાં એવી કઈ વધારાની લાયકાત તેં જોઇ?”
કંપનીના માલિકે અત્યંત શાંતિથી જવાબ આપ્યો, “દોસ્ત, તારી વાત સાચી છે પણ આ ઉમેદવાર પાસે એક સૌથી મહત્વનું પ્રમાણપત્ર હતું જે કોઇનામાં નહોતું. એ જ્યારે રૂમમાં આવ્યો ત્યાર પહેલાં એણે દરવાજો ખટખટાવીને મારી પરવાનગી માગી હતી. સ્પ્રિંગવાળો દરવાજો એની મેળે બંધ થતો હોવા છતાં એણે પછડાય નહીં એના માટે પકડીને હળવેથી બંધ કર્યો. ખુરશીમાં બેસતા પહેલાં એણે મારી પરવાનગી લીધી. આ ઉમેદવારી માટેના તમામ જરૂરી પ્રશ્નોના એણે અત્યંત આત્મવિશ્વાસથી મુદ્દાસર જવાબ આપ્યા. ઇન્ટરવ્યૂ બાદ એ મારી પરવાનગી લઇને ઊભો થયો અને ચૂપચાપ આવ્યો હતો એવી જ કાળજીથી રૂમનો દરવાજો બંધ કરીને ચાલ્યો ગયો. ના તો એણે કોઇ સિફારિશનો ઉલ્લેખ કર્યો કે ના તો એણે પોતાના માટે કોઇ વધારાની વાત કરી. હવે તું જ કહે છે આવી વ્યક્તિને કોઇ વધારાના ભલામણપત્રની શી જરૂર?”
સીધી વાત- કોઇપણ કામ માટે એને યોગ્ય અત્મવિશ્વાસની સાથે લાયકાત તો જરૂરી છે જ પરંતુ સાથે સાથે વ્યહવારિક સમજ, ચીવટ પણ એટલી જ જરૂરી છે. પુસ્તકીય જ્ઞાન સાથે વ્યહવારિક જ્ઞાનનો ગુણાકાર થાય ત્યારે એ વ્યક્તિની યોગ્યતા વધી જાય છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

…અને તે સદગુણોની બારીકીની નોંધ લેનાર, તે પણ વિશિષ્ટ માનવી હોય છે.
સરયૂ
LikeLike