મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

(ધૂમકેતુએ તેમની ‘પોસ્ટઓફિસ’ નામની વાર્તામાં સંદેશ આપ્યો છે કે માણસ પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિએ જોવા જાય તો અર્ધું જગત શાંત થઈ જાય. આપણા મોટાભાગના ધાર્મિક કલહો અન્ય ધર્મને આપણી દૃષ્ટિથી જોવાને કારણે થાય છે. આપણા મહાન હાસ્યલેખક જ્યોતી‌ન્દ્ર દવે‌એ જે વાંચવાથી ખડખડાટ હસવું આવે એવા એક લેખથી આ વાત સમજાવી છે. આ ઉપરાંત એ લેખમાં પારસી બોલીની મજા પણ માણવા મળે છે. તો વાંચીએ આપણે જ્યોતી‌ન્દ્ર દવેનો એ લેખ)

મહાભારત: એક દૃષ્ટિ

                                                                    જ્યોતી‌ન્દ્ર દવે

મહાભારતની અનેક દૃષ્ટિથી સમાલોચના કરવામાં આવી છે. પણ મારા એક પારસી મિત્ર મારી સાથે “મહાભારત” નાટક જોવા આવ્યા હતા તેમણે જે દૃષ્ટિથી મહાભારતનું અવલોકન કર્યું હતું, તે દૃષ્ટિથી હજુ સુધી કોઈએ કર્યું હોય એમ જાણવામાં નથી. દરેક ધર્મના મંતવ્યો તેમ કથાઓ પારબૌધિક-બુદ્ધિથી પર- હોય છે એ સૂત્રનું રહસ્ય એમની મહાભારત પરત્વેની ટીકા પરથી હું બરાબર સમજ્યો.

હું મારા મિત્ર પેસ્તનજી સાથે માહાભારતનો નાટક જોવા ગયો હતો. એની ઈચ્છા તો ‘ગુલની એક ભૂલ’ કે ‘ભોલો દોનો યાને શીરેનની જિંદગીની સાત સફાઓ’ જોવા જવાની હતી “આંય મહાભારત સું ટેટો હું જાનટો બી નહિ, પણ તમે મક્કમ છેઓ તો હું બી આવસ.” મેં એવનને ખાતરી આપી કે, “હું મક્કમ છેઉં” ને એવન આવીઆ.

નાટક શરૂ થયો, પ્રવેશો પસાર થઈ ગયા. પણ પેસ્તનજીબાવાને કાંઈ રસ પડતો હોય એમ લાગ્યું નહિ. આખરે એમનાથી ન રહેવાયું તે મને પૂછવા માંડ્યું ને અમારો સંવાદ નાટક પુરો થયો ત્યાં સુધી ચાલ્યો. આસપાસ બેઠેલા કેટલીક વાર હસતા ને ઘણી વાર કંટાળો કે તિરસ્કાર વ્યક્ત કરતા. પણ તેથી કાંઈ અમારો સંવાદ અટક્યો નહિ. અમે રંગભૂમિ પર આવીને એ સંવાદ ભજવ્યો હોત તો નાટકના એ ફોર્સ કરતા અમારો સંવાદ વધારે દીપી ઊઠે એવો હતો. એ આખો સંવાદ અહીં ઉતારવા પ્રયત્ન કરું છું.

મત્સ્યગંધાએ પ્રવેશ કર્યૉ. પેસ્તનજીએ નાકને ટેરવે આગળી અરકાડી પૂછ્યું: “ એવન કોણ છે?”

“મત્સ્યગંધા.”

“હીંગ બહુ ખાટી હોસે!”

“શું?”

“એ કહુ ચ કે હીંગ બહુ ખાટી હોસે.”

“કેમ?”

“તમે કહેવો ચ ને એવનનું નામ મસગંઢા છે.”

“નહિ, નહિ. એનું નામ તો મત્સ્યગંધા- માછલી જેવી ગંધાતી.”

“માછલી જેવી? નહીં, નહીં, એ કાંઈ મનાતું નહીં બા, માછલી તો ગંઢાતી હોસે કે? માછલીની તો મોંમા પાની છૂતે એવી સુગંઢ આવે.”

“તે તો કોણ જાણે પણ એનું નામ તો મત્સ્યગંધા છે.”

“વારુ હોસે, પણ એવને આવો ફે‌ન્સી દરેસ કાંય કરીઓચ?”

“ફે‌ન્સી ડ્રેસ વળી ક્યાં છે?”

“આંય સું? કાને ફૂલ ખોસીઆચ ને આવો ગંદો -મસ-મેલો દરેસ પહેરીઓચ તે સું એવનના માટીદાને સોજ્જા કપરાં બી નહિ મલટાં હોં સે કે?”

“આ તો અસલના જમાનાનો ડ્રેસ છે.”

“એ સું બકોચ? તમારા ને મારાં મંમ‌ઇ જૂના જમાના છે. પન એવન વરી કારે કાને ફૂલ ખોસેચ ને આવો હંબગ જેવો દરેસ પહેરેસ?”

“અરે આ તો ઘણા જૂના જમાનાની વાત છે-બહુ વર્ષો પહેલાની. અસલ ઘરેણાંને બદલે ફૂલ ખોસતા.”

“અરે ટમે ટો કહેવોચને કે ટમે અસલ બી સુઢરેલા ઉટા? ને કંઇ વેડ બી લખીયા ઉટા? તો સું ઘરેના જ તમને બનાવતા નહિ આવરટાં? ટું નહિ સમજતો હોય ટો ના કહે, પન બાવા, ફેંક ના”

“વારુ ત્યારે સમજતો હોય તેને પૂછજે, મને હવેથી પૂછતો નહિ”

“નહિ ડીકરી! આમ છેરાઈ સું પરેચ? હવેથી પૂછીશ બી નહિ ને આવું ધટીંગ જોવસ બી નહિ”

થોડી વાર પેસ્તનજી મૂંગા રહ્યા. ઘણા પ્રવેશો સમજ્યા વગર પસાર થવા દીધાથી તેમનો જીવ તાળવે આવી હોઠ બહાર નીકળી જવા તલપી રહ્યો હોય એમ એના વ્યર્થ ઊઘડીને તરત બિડાઇ જતા હોઠો પરથી લાગતું હતું. પાંડવોએ સ્ટેજ પર પ્રવેશ કર્યો ને એમના હોઠો ઊઘડી ગયા.

“અરે, વલી આય કોન?”

“એ પાંડુ રાજાના પુત્રો; પાંડવો કહેવાય છે”

“પાંડવો કોનું નામ છે, એ ઘાટાઓ હસે?”

“ના રે! ઘાટાઓ નથી, પણ પાંડુરાજાના પાંચ પુત્રો છે ને એ બધાનું નામ પાંડવો છે.”

“સરને‌ઇમ(અટક) કે ફેમિલી ને‌ઇમ છે?”

“એ તો પાંડુના પુત્રો એટલે પાંડવો. એ સરને‌ઇમ કે ફેમિલી ને‌ઇમ નથી, સમજ્યા કે?”

“પન એ બઢાના એક જ નામ કેમ હોઈ શકે? તમે પન સું ગિલ્લી ફેંકોચ?”

“બાવા, અમારા પુરાણની વાતમાં તમે નહિ સમજો!” મેં કહ્યું.

“ટુ બી કાંય બાવા નકામો ભેજાનું દહીં કરેચ? ટમારી ફઈઓ બી કંઇ કમઅક્કલ લાગેચ, જે પાંચ માણસોના નામ પારતા બી મુઝાયચ!”

“એ તો પાંડુના છોકરા તે પાંડવ: ધૃતરાષ્ટ્રના તે ધાર્તરાષ્ટ્ર, એમ કહેવાય. પણ આ બધાનાં નામ તો જુદાં છે.”

“આંય પેલા જારીયાએ હાથમાં ઉંઢો ટંબૂરો કાંય રાખીઓચ?”

“એ તંબૂરો નથી. એ ગદા છે. એ જાડિયાનું નામ ભીમસેન.”

“એવન મહાભારટના શું થાય?”

“માહાભારત તો નાટકનું નામ છે.”

“તે તો નાનું પોરિયું બી જાનેચ પન આય નાટકની અંદર મહાભારટ કોન છે? ને આંય પાંડવો મહાભારટના સું લાગે ચ?”

“મહાભારત કોઈ માણસનું નમ નથી. એ તો ફક્ત નાટકનું નામ છે?”

“તમે લોકો નામ બી ઠીક પારોચ ! આંય પાંચ જનનાં નામ પાંડવ ને આખા નાટકમાં મહાભારટ કોઈ મલે જ નહિ ! ખોડાયના નામનું નરિયું ફેંક બાવા, ફેંક !

દ્રૌપદીએ પ્રવેશ કર્યો. પેસ્તનજીએ પૂછ્યું: “આંય કોન?”

“સતી દ્રૌપદી પાંડવોની સ્ત્રી.”

“પન નાનલાની કે મોટાની?”

“પાંચેય ભાઈઓની

.”સું?”

“હા, એ પાંચે ભાઈઓની આ એક સ્ત્રી છે.”

“સું બોલીઓ? પાંચ માટીરા વચ્ચે એક બૈરું? તેં બી છાંટોપાની લીઢો દેખું. ટને બી રાટ પરી નાખ ભીંજવવાની આદટ છે શું?

“એ તો આમારા શાસ્ત્રની વાત છે.”

“સું તમારા સાસ્ટરમાં બી બધા આવા ગોટારા જ ભરી આચ કે?”

“અરે એમ ન બોલ ! એ તો સતી છે.”

“સટી ! આય પાંચ માટીરાનું બૈરું સટી ? તમારો મોરેલીતીનો સ્તે‌ન્દર્દ બી ઘન્નો ઊંચો દેખું ! અમારામાં ટો આવા બૈરાની સામ્ભે બી કોઈ ના જોય. પેલો રુસ્તમ કરકરીઓ છેની ટેની સાથે આમારા સર બહેરામજી જંગબારીની ડીકરી ગુલાં અદરાઈ ઉટી. બંને સાથે ફરવા જટાં, સિનેમા જોવા જટાં. રુસ્તમજી કરકરીઓ ગુલાંને દર અથવારીએ બે પ્રેઝંત આપતો ને બાર લવલેતર લખ્તો; ને તેણી એ પ્રેઝંત લેતી ને લવલેતરના જવાબમાં ચકરદા ભમરદા જેવા અક્સર કાડી કાગજોબી લખતી. પછી નશરવાનજી નાકકટુનો દુક્તો લંદન જઈ દાકતર થઈ આયો ને ગુલબાઇને એ ચીચોરાવાળો આદમી ગમી ગયો તે બિચારા રુસ્તમને નાપાસ કરીઓ ને દાકતર જોરે પન્ની બી ગે‌ઇ. પન અમારી કોમમાં ગુલાંની જરી બી આબરૂ નથી, આય દરૌપદીની મિસાલ, તમારા વાનીઆમાં તો એ સટી કહેવાય કેમ? વીદો મેરેજની સાંભે ઠાઓચ ને એક સામાટા પાંચ માટીડા કરે તેણીને સટી કહેવોચ ! તમે હિંદુ બી જબરા ઇંકસીસ્ત્ન્ત છેઓ જો”

મેં કંઈ જવાબ દીધો નહીં. થોડી વાર એમણે તિરસ્કારથી રંગભૂમિ સામે જોયા કર્યું. પછી શ્રીકૃષ્ણે રંગભૂમિ પર પ્રવેશ કીધો. રાધા તથા અન્ય ગોપીઓએ આવી રાસ ખેલવા માંડ્યો. પેસ્તનજી બોલી ઊઠ્યા, “આય આદમીને ઝેરબેર ચરીઉંચ કે સું?”

“કેમ?”

“જોટો નહીં, બિચારો ભુરોભટ થઈ ગીઓચ ટે?”

“અરે એ તો શ્રીકૃષ્ણ.”

“હોસે, પન તે ભુરો કાંય બનીઓચ?”

“એમના શરીરનો રંગ એવો જ હતો.”

“બિચારો તદ્દન અગલી હેલ જેવો લાગેચ, નહીં વારું?”

“અગ્લી ! બદસૂરત ? અરે એ તો ખૂબસૂરતીનો અવતાર ગણાય છે.”

“આંય ખૂબસૂરટીનો અવટાર? ટું બી એ બિચારાને બનાવેચ કાંય ? એને  જોઈને તો કલેજું બી ટારૂં ટપ થઈ જાયેચ. પન આટલા બધા બૈરામાં એ એકલો માટીરો  કરેચ સું?”

“આ બધી ગોપીઓ છે. એની જોડે શ્રીકૃષ્ણ રાસ રમે છે.”

“રાસની ગે‌ઈમ તો મેં સાંભળી બી નઠી.”

“રાસ એટલે નાચ-ડેન્સ.”

“આંય એવન એકલા ડે‌ન્સ કરવાના  આટલા બઢાં બૈરાં જોરે?”

“હા”

“ઘેર બૈરુ નહીં હોય એટલે ફિકર નહીં. નહીં ટો ઘેર જતાં વારને એવનનું બેથ્થું દારમ ઝીલાવે. કેમ ડીકરી! ટું ટો બરાબર જાનેચને, ટું આવું કરે તો તારી ઘરવાલી ટારા કેવા હાલ કરે ટે? પન એવન તો પન્નેલા નહીં હોસે. એવનને પોતાની સુન્ના જેવી ડીકરી કોન આપે?”

“અરે એને તો સોળ હજાર સ્ત્રીઓ છે !”

“સું ક……હે…..ચ? સોલ હજાર બૈરી! તમે હિંડુ લોક બી જબરા છીઓ. પેલા બિચારા પાંચ જન વચ્ચે એક બૈરું ને આય એવન ભુરીયાને સોલ હજાર બૈરા! દીવીઝન ઓફ લેબર બી નહીં સીખેલા કે? ને સોલ હજાર બૈરાંઓ આય માટીડા પરથી જીવ ઓવારી નાંખતા હોસે કે? એવનને જોઈને બૈરાંનો જીવ બહુ ખુશ થાય એવું કૈં લાગટું નહીં.”

“એમ ના બોલ. એ તો ઇશ્વરનો અવતાર છે-અમારા ભગવાન છે.”

“કોન, આય તમારો ઇસવર? આય સોલ હજાર બૈરાંનો માટીડો ને આટલી બધી પારકી બૈરી જોરે નાચનારો ! ઓ મારા ખોડાયજી !”

“કોઈ સાંભળશે તો તું માર ખાશે. માટે હમણાં મૂંગો મરી રહે. નાટક થઈ રહે પછી ઘેર જતાં જે કહેવું હોય તે કહેજે.”

“વારું બાવા ! હમનાં મૂંગો મરી રહેવસ,” કહી પેસ્તનજી બોલતા બંધ થયા. નાટક પૂરો થયો ને અમે બહાર નીકળ્યા. એટલે પેસ્તનજીની જીભ તરત ચાલવા માંડી: “આંય તમારો ઢરમ કે? હું તો કોઈ દહારોબી હિંડુ નહિ ઠવસ. તમને મોરેલીતીનો કંઇ સે‌ન્સ જ નથી. એક જનને સોલ હજાર બૈરાં, ને બીજા પાંચ જન વચ્ચે એક જ બૈરી ! ગંડો, ભુરોભટ જેવો આડમી તે તમારો ખૂબસૂરટીનો કકરો. જે વાંસલી લઈને રખરીઆ કરે, બૈરાંઓમાં ભમીઆ કરે ને બિચારા કરન જેવાને લુચ્છાઈથી મારી નંખાવે ટે ટમારા ભગવાન; જે જરા જૂથુ બોલતા પાની પાની થઈ જાય છતાં બૈરીને બી આડમાં મૂકી જુગાર રમે તે તમારા ઢરમરાજા! અરે સમજેચ કે?” મારું ધ્યાન એના શબ્દો પરથી ખસી જતું જોઈ એણે મોટા અવાજે કહ્યું: “મૂંગો કાય થ‌ઇ ગીયો? સાંભો જવાબ ડેની, આય તમારા ઢરમમાં બુઢ્ઢી-રીઝન(બુદ્ધિ)ની બહારની જ વાતો ભચરી મારીચ કે સું?”

    ****

દરેક ધર્મનો અનુયાયી અને ધર્મના અનુયાયીને પૂછે છે: “તારા ધર્મમાં બુદ્ધિ કબૂલ ન કરે એવી જ વાતો છે?” અને આ જ પ્રશ્ન પ્રતિપક્ષી તરફથી પ્રત્યુત્તરરૂપે એને મળે છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.