રક્ષા શુક્લ
ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.
ફળિયાને, ફળિયાની રૈયતને ચકલીના ચીંચીંથી દૂર પડ્યું ખાસુ.
સુરજના કાળઝાળ ટેરવાં જો અડકે તો દરિયો પણ પળમાં સૂકાતો,
ચકલીની આંખોનો ભેજ ભીંત ઓળંગી સૂરજની આંખે ડોકાતો.
પાંખ જરી પંખીની ફફડે તો થાતું કે અણધાર્યું મોંમાં પતાસું.
ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.
સાવજ તો સમજ્યા કે જંગલનો રાજા, તે મોલ અને માભો ભઈ ઓહો !
નાનકડી ચકલીને સાઇડલાઇન કરવાની કેવી આ રીત, વળી હોહો !
વાદળને ઠેલીને ચકલીની પાસે ક્યાં દરિયાએ માગ્યું ચોમાસું ?
ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.
રૈયતના રૂંવાડે રૂંવાડે રોણું ને ભીતર સૂનકાર અને સોપો,
માળો તો ચકલીનું રૂડું રજવાડું, લ્યા, તરણાંઓ માણસમાં રોપો.
ચકલીના ચીંચીંથી છેટું, તે છેવાડે ઊભી હું. છટકી ક્યાં નાસુ ?
ચકલીની આંખોમાં ઊગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
