વેબ ગુર્જરીના મંચ પર આપણે નારી રચિત સાહિત્ય બહુ વિપુલ પ્રમાણમાં માણી રહ્યં છીએ. થોડાં વર્ષો પહેલાં આપણે સ્ત્રીઓ દ્વારા જ સ્ત્રીઓને અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરતી સાહિત્યેર રચનાઓનો આસ્વાદ પણ કરતાં હતાં.
હવે ફરી એક વાર કોઈ પણ નારી દ્વારા જ સર્જાયેલ, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વ્યવસાયિક, કળાઓ કે ગૃહઉપયોગી ક્ષેત્રોના નારીઓને લગતા દૃષ્ટિકોણને રજૂ કરતા સાહિત્યેતર વિષયોને આવરી લેતી રચનાઓને વેબ ગુર્જરી પર રજુ કરવાનું આયોજન કરીએ છીએ.
આ પહેલને વેગ આપવા સુશ્રી રક્ષાબેન શુક્લએ તાત્કાલિક જ તેમની લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ મુકી દીધો. આમ, ઉપક્રમ પેટે, આ મહિનાથી દરેક બીજા અને ચોથા મંગળવારે સુશ્રી રક્ષાબેન શુક્લની લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરીશું.
‘વનિતાવિશેષ’ના પ્રારંભે આજે આ લેખમાળાના વિષયવસ્તુના પરિચય અર્થે સુશ્રી રક્ષાબેન શુક્લના જ શબ્દોમાં તેમની કેફિયત અને સુશ્રી ડૉ. રંજના હરીશની પ્રસ્તાવના સાદર પ્રસ્તુત છે.
વેબ ગુર્જરી પર લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ આપણે સૌ સુશ્રી રક્ષાબેન શુક્લનાં આભારી છીએ.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
ઓરડાની ભીંતે પાંગરેલો પીપળો
રક્ષા શુક્લ
‘ગુજરાત સમાચાર’ની ‘સહિયર’ પૂર્તિમાં ‘અંતર’ કૉલમ નિમિત્તે કેટલાક નારીચરિત્રો લખાયા. ‘તોફાની તાંડવ’ ચેનલમાં પણ ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમ નિમિત્તે અનેક પ્રતિભાસંપન્ન નારીઓની મુલાકાત લેવાનું થયું. વિવિધ સંસ્થાઓ દ્વારા વક્તવ્ય નિમિત્તે નારીશક્તિના નામનો ‘ન’ ઘૂંટાતો રહ્યો. એ ‘ન’માંથી હજારો હકારાત્મક ‘હ’ મળતા રહ્યા. આમ ગદ્ય સાથે ગોઠવણ અને ગોઠડી થતી રહી. સ્ત્રીસંવેદનાનો મારો પ્રથમ લેખ પ્રગટ થયો ત્યારે જાણીતા પત્રકાર, લેખક લલિત ખંભાયતા દ્વારા પ્રેમાળ પોંખણાથી મારી ભીતરની ગદ્યયાત્રાને ગમતીલી ગતિ મળી. મિત્રો અને ભાવકોનાં સ્વીકારની હૂંફાળી હથેળી માટે કૃતજ્ઞતાનો કળશ લઈ નતમસ્તક ઊભી છું.
આ પુસ્તકમાં જે નારીચેતનાનો સમાવેશ થયો છે એણે મારા સંવેદનવિશ્વને હલબલાવ્યું છે અને મુશ્કેલીમાં માર્ગ ચીંધ્યો છે. એ વામાવિભૂતિઓએ ચાર દીવાલથી ચાર દિશા સુધીનો વિસ્તાર આંખમાં આંજ્યો છે. આ લેખ માત્ર લેખ ન રહેતા અનેકના જીવાયેલા કે જીવાતા જીવનનો દસ્તાવેજ છે. દરેક નારીરત્નો પાસેથી જિંદગીની કોઈ અદ્ભુત વાત અને પ્રેરણાનું પારિજાત લાધે છે, જે આપણા ભીતરને મઘમઘાવ્યા કરે છે.
બંધ ઓરડાની ભીંતે પાંગરેલો પીપળો છત તોડીને આકાશને આંબવા મથી રહ્યો છે ત્યારે હું ઉંબરે ઊભી તૃણવત્ આ સઘળી લીલયા લીલાને વિસ્મયપૂર્વક નીરખી રહી છું. લ્યો, હવે આ સંવેદનાનો સાગર આપના ખોબે…
રક્ષાવિશેષ એટલે વનિતાવિશેષ
ડૉ. રંજના હરીશ
રક્ષા શુક્લનાં આ લેખો – નારીસંવેદનાના ‘નર્યાનીતર્યા નીર’ જેવી એકવીસ વિરલ પ્રતિભાઓને પોંખે છે. ભૌગોલિક કે સામયિક સીમાડાના કોઈ બંધન વગર આ સંગ્રહ નારીસંવેદનાને પોતાનું કેન્દ્ર બનાવીને આગળ વધે છે. ભારત, ઈજિપ્ત, સ્વાતવેલી, પાકિસ્તાન, રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં સમયના પહોળા પટ પર પોતાના પદચિન્હોની છાપ મૂકી જનાર એકવીસ વિશેષ વનિતાઓની વાત અહીં આપના મર્મને સ્પર્શે છે. સારા શગુફ્તા, દીપા મલિક, અમૃતા પ્રીતમ, સુધા મૂર્તિ, કૃષ્ણા સોબતી, કલ્પના ચાવલા, મલાલા, કમલા હેરિસ જેવી અનેક પ્રતિભાશાળી તથા સફળ મહિલાઓ અહીં અડીખમ અજવાળા આપ્યાની સાહેદી પૂરે છે. અહીં પ્રત્યેક સ્ત્રીનું જીવન અને કવન પ્રેરણાદાયી છે. આ સ્ત્રીઓની સફળતા અને પ્રસિદ્ધિ તેમના અથાગ પરિશ્રમનો પરિપાક છે. પ્રત્યેકનો સંઘર્ષ બિરદાવવા લાયક છે. પ્રસ્તાવનામાં રક્ષા શુક્લ લખે છે કે ‘આ પુસ્તકમાં જે નારીચેતનાનો સમાવેશ થયો છે એણે મારા સંવેદનવિશ્વને હલબલાવ્યું છે અને મુશ્કેલીમાં માર્ગ ચીંધ્યો છે. એ વામાવિભૂતિઓએ ચાર દીવાલથી ચાર દિશા સુધીનો વિસ્તાર મારી આંખમાં આંજ્યો છે. આ લેખો માત્ર લેખ ન રહેતા જીવાયેલા અને જીવાતા જીવનનો દસ્તાવેજ છે. દરેક નારીરત્નો પાસેથી જિંદગીની કોઈ અદભુત વાત અને પ્રેરણાનું પારિજાત મળે છે, જે આપણા ભીતર મઘમઘાવ્યા કરે છે.’
રક્ષાબહેન ‘તોફાની તાંડવ’ ચેનલમાં ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમનું એન્કરિંગ સુપેરે સંભાળી રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થતી એમની ‘અંતર’ કૉલમનો મોટો વાચક-ચાહક વર્ગ છે. એ નિમિત્તે તેમની નારીચેતનાને ઠેસ વાગી અને લેખોનો આ ગુચ્છ ભાવકો સુધી પહોંચ્યો. આવા સંઘર્ષને તાદૃશરૂપે પ્રસ્તુત કરવા રક્ષા શુક્લ તેમને સ્ત્રીસહજ સંવેદનાની એરણ પર કસે છે. મહત્વાકાંક્ષા અને સંવેદના લગભગ વિરોધી ભાવો છે. મહત્વકાંક્ષા બરછટ બનાવે. સંવેદના મહત્વકાંક્ષાને હરે. અહીં પ્રસ્તુત મહાત્વાકાંક્ષી સ્ત્રીઓને સફળતાના માપદંડથી તપાસવી કદાચ સરળ હોત પણ રક્ષા શુક્લની નજર જીવનસંગ્રામની કઠીન પરીક્ષામાંથી સફળતાપૂર્વક પાર ઊતરનાર આ સ્ત્રીઓ પોતાની સંવેદનાને કેવી અકબંધ રાખે છે તેના પર કેન્દ્રિત છે અને તે જ આ સંગ્રહની નોંધપાત્ર બાબત બની રહે છે. તેમાં જ આ પુસ્તકના શીર્ષકની સાર્થકતા છે. તો વળી પ્રત્યેક લેખ પાછળ રક્ષા શુક્લની જહેમત દેખાય છે. લેખિકાનો આવો નારી-સંવેદના-કેન્દ્રી અભિગમ સમકાલીન નારીકેન્દ્રી-ગાયનોસેન્ટ્રીક નારીવાદ સાથે કદમ મિલાવતો જણાય છે.
નારીસંવેદનાના સ્વરોનું દસ્તાવેજીકરણ એટલે રક્ષા શુક્લનો આ લેખસંગ્રહ બળુકું ભાષાકર્મ પુસ્તકમાં અનેક જગ્યાએ માણવા મળે છે. લેખિકાનો આ અભિગમ પ્રસ્તુત સંગ્રહનું જમા પાસું છે. તેમની સરળ શૈલી તથા કાવ્યસભર ભાષાકર્મ આ લેખોને યાદગાર બનાવે છે. જેમ કે લેખિકાને મન સારા શગુફ્તાની કાવ્યસૃષ્ટિ ‘એક એવા મરશિયા છે જ્યાં લોકોનો વિવેક ઊંડાં, અંધ કૂવાના તળિયે સંતાઈને બેઠો હતો. એવી રૂદાલી કે જે મૃત્યુ પર નહીં પણ સંવેદનના મૃત્યુનો શોક મનાવે છે. સારાની કવિતા મૌન પડેલા ઇતિહાસની દિવાલો પર ટકોરા માર્યા કરશે અને સ્ત્રીનો શાશ્વત સવાલ પૂછ્યા કરશે, “બોલો, મેરા ઘર કહાં હૈ ?” વાહ, રક્ષા શુક્લ, તમારી આવી શૈલી દાદને હક્કદાર છે. એક બીજું ઉદાહરણ ‘કલ્પનાની કલ્પના..ફ્રોમ કરનાલ ટુ કોલમ્બિયા’ લેખનું જોઈએ… ‘માતાએ એને આગગાડીનો ‘અ’ નહીં પણ આકાશનો ‘અ’ શીખવ્યો હશે. સસલાનો ‘સ’ નહીં પણ જેને સાચા પડવાની ટેવ હોય એવા સપનાંનો ‘સ’ શીખવ્યો હશે. એક વધુ ઉદાહરણ લેખ ‘સાત પગલાં સર્જનનાં આકાશમાં’ માંથી…’ઈશાજી જિંદગીભર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભા રહ્યાં અને મૃત્યુ પામ્યા. કોઈ ઉત્તમ સર્જક કે કલાકારની વિદાયથી જ્યારે આપણે ખળભળી ઉઠીએ, મૃત્યુ સામે ‘Why ?’નો વંટોળ લઈ મન ચકરાવે ચડે ત્યારે સમજાય કે એમના સર્જનથી તેઓ આપણા અસ્તિત્વમાં સાવ ઓગળી ગયા હોય છે. આપણો અંતરંગ હિસ્સો બની ગયા હોય છે.’
મહાત્મા ગાંધી કહે છે કે ‘પોતાની જાતને ઘસી નાખીને સેવા કરવાની બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની કક્ષાએ પહોંચી નહીં શકે’ કવયિત્રીનો સંસ્પર્શ દરેક લેખને રળિયામણો બનાવી દે છે. કાવ્યપંક્તિઓ લેખમાં ઉપકારક બને છે. એક વાક્યમાં કહેવું હોય તો ‘રક્ષાવિશેષ એટલે વનિતાવિશેષ’ એમ કહી શકાય. નારીસંવેદનાના આ અનોખા દસ્તાવેજ માટે રક્ષા શુક્લને ખૂબ ખૂબ અભિનંદન. શ્રદ્ધા છે કે આ લેખોને વાચકો ઉમળકાથી વધાવશે.
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

લેખિકારક્ષા શુક્લને ધન્યવાદ. તેમને પણ ‘જાહ્નવી સ્મૃતિ’ કવિયત્રી સંમેલન, શિશુવિહાર, ભાવનગરમાં સન્માનિત કરેલા છે.
સસ્નેહ, સરયૂ પરીખ.
LikeLike