ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

આજની કડીમાં ઉલ્લેખાયેલા આ વાદ્યનું નામ જાણતાં જ વાદ્યો વિશે થોડીઘણી પણ જાણકારી ધરાવતા ભાવકોને પ્રશ્ન થાય કે હાલમાં જ્યારે આપણે ફિલ્મીગીતોના વાદ્યવૃંદમાં તંતુવાદ્યોના સમાવેશની વાત કરી રહ્યા છીએ ત્યારે તેમાં શરણાઈનો સમાવેશ શી રીતે કરાય! હકીકતે આ એક તંતુવાદ્ય જ છે, જેની સ્વરપેટી સાથે એક ભૂંગળું જોડી દેવામાં આવેલું હોય છે, આમ થતાં જે અવાજ નિષ્પન્ન થાય છે તે લાક્ષણિક તંતુવાદ્યનો ન હોતાં શરણાઈ જેવા ફૂંકવાદ્યની જેવો લાગે છે. નીચેની તસવીર જોતાં આ બાબત સ્પષ્ટ થશે.

જોઈ શકાય છે કે મૂળે તો સારંગીકૂળના દિલરૂબા અને ઈસરાજ તરીકે જાણીતાં વાદ્ય જેવી જ સંરચના ધરાવતા વાદ્યના તૂંબડા સાથે શરણાઈના મૂખ સાથે સામ્ય ધરાવતું ભૂગળું જોડાયેલું છે. આમ હોવાથી તેનો સ્વર શરણાઈ જેવો ઉપસે છે.

આ વાદ્યના સ્વરથી પરીચિત થવા માટે પીઢ વાદક પંડીત વિનાયકરાવ વોરાના વાદનની એક ઝલક સાંભળીએ.

https://www.youtube.com/watch?v=oszXbyzC9Ds

આ વાદ્યની રચના અને તેના સ્વરથી પરીચિત થયા પછી હવે માણીએ કેટલાંક ફિલ્મી ગીતો, જેમના વાદ્યવૃંદમાં તાર શરણાઈનો પ્રયોગ થયો છે. આ વાદ્ય એવું છે કે આખેઆખા ગીતમાં તે સતત વાગે તેમ ભાગ્યે જ બને. આથી જે તે ગીતમાં તેના અંશો જ સાંભળી શકાય છે.

ફિલ્મ બમ્બઈ કા બાબુ (૧૯૬૦)નું ગીત ‘ચલ રી સજની અબ ક્યા સોચે’ માણીએ, ગીતના પ્રારંભમાં કાને પડતા પૂર્વાલાપના વાદ્યવૃંદમાં શરૂઆતથી જ તાર શરણાઈના સ્વર આસાનીથી પારખી શકાય છે. સંગીત સચીનદેવ બર્મનનું છે.

૧૯૬૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ માયાનાં સલિલ ચૌધરીનાં સંગીતમઢ્યાં ગીતો છ દાયકા પછી આજે પણ રસિકોમાં ખુબ જ પ્રિય બની રહ્યાં છે. તે પૈકીનું ‘અય દિલ કહાં તેરી મંઝીલ, ના કોઈ દીપક હૈ ના કોઈ તારા હૈ’ ભારે હતાશા વ્યક્ત કરતું ગીત છે. તેના વાદ્યવૃંદમાં સમાવિષ્ટ તાર શરણાઈના સૂર તે ભાવને સુપેરે ઉપસાવી આપે છે.

ફિલ્મ અમર પ્રેમ (૧૯૭૧)નાં ગીતોની તરજો બનાવતી વેળાએ સંગીતકાર રાહુલદેવ બર્મને ખાસ્સા પ્રયોગો કર્યા હતા, જે બાબતથી રસિક ભાવકો જ્ઞાત હશે જ. જેમ કે ‘ચિનગારી કોઈ ભડકે’ના પૂર્વાલાપના વાદ્યવૃંદમાં ગીટારના સ્વર વાદકથી અપેક્ષા કરતાં અલગ છેડાઈ ગયા. પણ રાહુલદેવે તે જ સ્વર સાથે રેકોર્ડીંગ કરાવ્યું અને પરિણામ આપણા કાન સમક્ષ છે. તે ઉપરાંત બહુ જાણીતી નહીં એવી બાબત એ છે કે આ જ ગીતના વાદ્યવૃંદમાં તાર શરણાઈનો ટૂંકો પણ ખુબ જ અસરકારક પ્રયોગ કરાયો છે, જે 4.6 થી 4.16 દરમિયાન સાંભળી શકાય છે.

https://www.youtube.com/watch?v=ptqkTdtt7nI

રાહુલદેવ બર્મને ૧૯૭૧ની જ એક અન્ય સફળ ફિલ્મ કારવાંના ગીત ‘કીતના પ્યારા વાદા હૈ’ના વાદ્યવૃંદમાં પણ તાર શરણાઈનો ઉપયોગ કર્યો છે, જે આસાનીથી પારખી શકાય છે.

https://www.youtube.com/watch?v=K-6rS_EjRMU

૧૯૭૩ની ફિલ્મ અનામિકા માટે પણ રાહુલદેવ બર્મને સંગીત તૈયાર કર્યું હતું. તે ફિલ્મના ગીત ‘બાહોં મેં ચલે આઓ’ના મધ્યાલાપના વાદ્યવૃંદમાં તેઓએ તાર શરણાઈનો કર્ણપ્રિય ઉપયોગ કર્યો છે.

તે જ વર્ષની અન્ય ફિલ્મ શરીફ બદમાશમાં પણ રાહુલદેવ બર્મનનું સંગીત હતું. તેના એક ધમાકેદાર ગીત ‘મૈં નીકલ જાઉંગા’ના વાદ્યવૃંદમાં તાર શરણાઈ અવારનવાર કાને પડ્યા

વર્ષ ૧૯૭૪માં એક સફળ ફિલ્મ ઝહરીલા ઈન્સાન પ્રદર્શિત થઈ હતી. રાહુલદેવ બર્મનના સંગીતે મઢ્યું તેનું ગીત ‘કલી મસલ ગયી પાંવ તલે’  માણીએ. તેમાં તાર શરણાઈનો કર્ણપ્રિય ઉપયોગ થયો છે.

૧૯૮૨ની સફળ ફિલ્મ નમકીનમાં પણ રાહુલદેવ બર્મનનું સંગીત હતું. તેનું ખુબ જ મીઠું ગીત ‘ફીર સે આઈયો બદરા બિદેસી’ તાર શરણાઈના રોચક અંશોથી મઢ્યું છે.

૧૯૮૫માં રજૂ થયેલી ફિલ્મ સવેરે વાલી ગાડીના ગીત ‘આયા હૈ સંદેશ સવેરે વાલી ગાડી સે’માં બહુ મોડેથી એટલે કે 4.31 થી 4.38 દરમિયાન તાર શરણાઈના અસરદાર અંશો સાંભળવા મળે છે. આ ફિલ્મનું સંગીત પણ રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું.

ફિલ્મ માસૂમ(૧૯૮૬)નાં ગીતો રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. તે પૈકીનું ગીત ‘દો નૈના ઔર એક કહાની’ માણતાં જ ખ્યાલ આવે છે કે તેના માધુર્યમાં તાર શરણાઈના અંશોનું મહત્વનું પ્રદાન છે.

૧૯૯૦ની પ્રયોગશીલ ફિલ્મ લેકીનમાં હ્રદયનાથ મંગેશકરનું સંગીત હતું. તેના ગીત ‘જૂઠે નૈન બોલે સાચી બતીયાં’ના વાદ્યવૃંદમાંના તાર શરણાઈના અંશો માણીને આજની કડીનું સમાપન કરીએ. આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળીશું.

નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.