સંવાદિતા

આ ફિલ્મની જેમ જ કુરોસાવાની અન્ય ઘણી ફિલ્મોમાં પણ પર્યાવરણ અને તેના રક્ષણ માટેની ચિંતા વ્યક્ત થઈ છે.

ભગવાન થાવરાણી

જાપાનના અકીરા કુરોસાવાની ગણના વિશ્વના શ્રેષ્ઠતમ ફિલ્મ સર્જકોમાં થાય છે. મજાની વાત એ કે એ આપણા સત્યજીત રાયના પરમ પ્રશંસક હતા. એમણે કહેલું ‘ જેમણે આ પૃથ્વી પર જન્મ લીધો હોવા છતાં રાયની ફિલ્મો નથી જોઈ એમણે સૂર્ય – ચંદ્ર નથી જોયા . ‘ કુરોસાવાની ફિલ્મો જોયા બાદ આપણને આ જ વિધાન એમની ફિલ્મો માટે કરવાનું મન થઈ આવે !
દિગ્દર્શક તરીકેની એમની કુલ ૩૧ ફિલ્મોમાંથી સૌથી જગવિખ્યાત તો છે સેવન સમુરાઈ, ઈકીરૂ ( એની વાત અહીં ક્યારેક કરીશું ), યોજિમ્બો, થ્રોન ઓફ બ્લડ, દેરસૂ ઉઝાલા અને રાશોમોન વગેરે પણ આજે વાત કરવી છે કારકિર્દીના અસ્તાચળે ૧૯૯૦માં એમણે સર્જેલી ફિલ્મ DREAMS ડ્રીમ્સની ( જાપાનીઝમાં ‘ યુમે ‘ ) એ પણ આખી ફિલ્મ નહીં, એના કુલ આઠમાંના બે પ્રકરણની.
ડ્રીમ્સમાં સ્વયં કુરોસાવાને અવારનવાર આવતા સપનાંની વાત છે. આ આઠમાંના મોટા ભાગના સપનાને જોડતી કડી છે આપણી સૃષ્ટિનું પર્યાવરણ, એમાં આપણો સ્વાર્થી અને મૂર્ખામીભર્યો હસ્તક્ષેપ તેમજ એના ભયાનક દુષ્પરિણામો. ફિલ્મના આવા દરેક ભાગની લંબાઈ માત્ર પંદરેક મિનિટની. આપણે એમાંના માત્ર પાંચમા અને આઠમા સ્વપ્નની વાત કરીએ.
પાંચમા સ્વપ્નના કેંદ્રમાં સુવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેંટ વાન ગોગ છે. ( અમેરિકન લેખક ઈરવીંગ સ્ટોને લખેલી એમની જીવનકથા ‘ લસ્ટ ફોર લાઈફ ‘ નો સુંદર ગુજરાતી અનુવાદ ‘ સળગતા સૂરજમુખી ‘ નામે વિનોદભાઈ મેઘાણીએ કરેલો. ) કુરોસાવાએ આ ભાગનું શીર્ષક વાન ગોગના જ એક ચિત્ર પરથી ‘ ક્રોઝ ‘ ( કાગડા ) રાખેલ છે. આ મહાન ચિત્રકાર ૧૮૯૦માં માત્ર ૩૭ વર્ષની વયે આપઘાત કરી ગુજરી ગયા એ પહેલાં ૨૧૦૦ આસપાસ કલાકૃતિઓ સર્જી. મોટા ભાગની શ્રેષ્ઠ કૃતિઓ જીવનના અંતિમ વર્ષોમાં આપી. આટલા અમથા જીવનના પણ ખાસ્સા વર્ષો તો એમણે પાગલખાનામાં વીતાવ્યા !
એક નવોદિત ચિત્રકાર ( એટલે સ્વપ્નદ્રષ્ટા પોતે ) એમસ્ટર્ડમની વાન ગોગ ગેલેરીમાં વિન્સેન્ટ વાન ગોગના ચિત્રો રસપૂર્વક નિહાળી રહ્યો છે. એમનું ચિત્ર ‘ લેંગ્લોઈસ બ્રીજ ‘ જોતાં એ કલ્પનાલોકમાં એમાં પ્રવેશી એ બ્રીજ સમીપે પહોંચી જાય છે. નદી કાંઠે કપડાં ધોતી સ્ત્રીઓને એ વાન ગોગનું ઠેકાણું પૂછે છે. એમણે ચીંધેલા રસ્તે એ વાન ગોગના સગડ શોધતો કલ્પનાઓમાં જાણે વાન ગોગે જ ચીતરેલી શ્રેષ્ઠ દ્રષ્યાવલિઓમાંથી પસાર થાય છે ( એ કમાલ સર્જી છે ‘ સ્ટાર વોર્સ ‘ ના સર્જક જ્યોર્જ લુકાસે ! ) .
છેવટે ઘાસના મેદાનો વચ્ચે એને સાક્ષાત વાન ગોગ દેખાય છે. ( વાન ગોગનું પાત્ર ભજવ્યું છે જગવિખ્યાત ફિલ્મ સર્જક માર્ટીન સ્કોર્સીસે ! ) યુવક પૂછે છે ‘ તમે જ વાન ગોગ ? ‘ વાન ગોગ વિહ્વળ છે, ઉતાવળમાં છે. એ ઉતાવળ જીવી લેવાની છે, લસ્ટ ફોર લાઈફ ! એ યુવકને કહે છે ‘ જુએ છે શું ? માંડ ચીતરવા. આ અદ્ભુત દ્રષ્યાવલિ તો જો. એ જાણે સ્વયં આપણને ચીતરવાની ફરજ પાડે છે. ‘ વાત કરતાં કરતાં એમનો અજંપો ડોકાય છે. એમને કદાચ પેલું મહાસત્ય સમજાઈ ગયું છે ‘ જો ભી હૈ બસ યહી એક પલ હૈ’. એ કહે છે ‘ મારે ભાગવું પડશે. સમય ઓછો છે. ચિત્રોમાં ઝડપ લાવવી પડશે. ‘ એમના કાન પર બાંધેલો પાટો જોઈને યુવક પૂછે છે ‘ આ શું થયું ? ‘ ‘ એ તો ગઈકાલે મારું પોતાનું ચિત્ર બનાવતો હતો . કાન બરાબર ચીતરાતો નહોતો. કાપીને ફેંકી દીધો. ‘ ! યુવક અવાચક !  ‘  તેં આ સૂર્યનો ઝળહળાટ જોયો ? એ મને કશુંક સર્જવા મજબૂર કરે છે. ચાલ, તારી સાથે વેડફવા મારી સમય નથી. ‘ કહી વાન ગોગ દોટ મૂકી ભાગે છે !
ફરી એક વાર વાન ગોગના વિવિધ ચિત્રોની પૃષ્ઠભૂમિ વચ્ચેથી દોડતો યુવક વાન ગોગનો પીછો કરે છે. નેપથ્યે વિખ્યાત પોલિશ સંગીતકાર ચોપીનનું સંગીત વાગ્યા કરે છે. અંતે એ આવીને થોભે છે વાન ગોગની જગવિખ્યાત કૃતિ ‘વ્હીટફીલ્ડ એંડ ક્રોઝ’ આગળ. કાગડાઓ ઝૂંડમાં ‘ કાઉ કાઉ ‘ કરતા ઊડે છે અને યુવક સંગે આપણે પાછા પરત પહોંચી જઈએ છીએ એ જ વાન ગોગ ગેલેરીમાં જ્યાંથી ‘ અંદર ‘ પ્રવેશ્યા હતા. યુવક ( અને આપણે સૌ ) હેટ ઉતારી વિંસેંટ વાન ગોગનું અભિવાદન કરે છે.
આ જ ફિલ્મના આઠમા સ્વપ્ન – પ્રકરણનું શીર્ષક છે ‘ વિલેજ ઓફ વોટરમીલ્સ ‘ યાને ‘ જળચક્કીઓનું ગામ ‘. એની વાત.
 
એક યુવાન ( એટલે એ જ સ્વપ્નદ્રષ્ટા ) નાનકડો લાકડાનો પૂલ વટાવી એક હર્યાભર્યા ગામમાં પ્રવેશે છે. ગામની વચ્ચોવચ એક ખળખળ વહેતી નદી અને એમાં ગોઠવાયેલી જળચક્કીઓ. ભૂલકાંઓનું જૂથ પસાર થાય છે અને એમાંનું દરેક બાળક આજુબાજુ ઉગેલા છોડ પરથી એક એક ફૂલ તોડી પૂલ પાસેના મોટા પથ્થર પર ચડાવતું જાય છે.
આગળ એક વૃદ્ધ ( વિખ્યાત જાપાનીઝ અભિનેતા ચીશુ રયુ ) પોતાની ઝૂંપડીની બહાર બેઠો જળચક્કીનું સમારકામ કરે છે. યુવક અને વૃદ્ધ વચ્ચેનો સંવાદ જૂઓ ‘ તમારા ગામનું નામ ? ‘  ‘ કોઈ નામ નથી. એની જરૂર પણ શું ? અમે ખાલી ‘ ગામ ‘ કહીએ ‘  ‘ ગામમાં વીજળી નથી ? ‘  ‘ શું જરૂર ? ‘  ‘ રાતે અંધારું થાય ત્યારે ? ‘  ‘ રાત દિવસ જેવી ઝળહળ હોય એવું જરૂરી નથી. અંધારું હોય તો જ ચંદ્ર તારાનું સૌંદર્ય પરખાય ને ! બાકી મીણબત્તી, ફાનસ છે જ. બહુ સગવડો મળે એટલે જે જરૂરી છે એ વિસરાઈ જાય. ‘  ‘ ખેતરો માટે ટ્રેક્ટર ? ‘ ‘ ના, ગાય છે, ઘોડા છે, બળતણ માટે લાકડું છે પણ વૃક્ષો પાડીએ નહીં. જે એની મેળે પડી જાય એનું લાકડું વાપરીએ. છાણા વાપરીએ. અમે જૂના જમાનાની રીતરસમ પ્રમાણે જીવીએ છીએ. આપણે કુદરતનો જ હિસ્સો છીએ. એના પર નિર્ભર છીએ, એનો જ વિનાશ કરી સગવડો ઊભી કરીએ છીએ. કુદરતનું હાર્દ કોઈ સમજતું નથી. એવી શોધો કર્યે જઈએ જે આખરે અસુખ સર્જે છે. માણસ માટે સૌથી જરૂરી ચીજ ચોક્ખી હવા અને પાણી છે. અને હરિયાળી પણ જે એમને ચોક્ખા રાખે. બધું પ્રદૂષિત કરતા જઈએ છીએ, જેનાથી મન પણ મલીન થાય. ‘ 
 
‘ અને પેલો પથ્થર ? ‘ ‘ બહુ પુરાણી વાત છે. ગામમાં આવેલો કોઈક પ્રવાસીએ પુલ આગળ જ દમ તોડી દીધો. ગામલોકોએ એને ત્યાં જ દફન કરી એની સ્મૃતિમાં આ પથ્થર મૂક્યો. હવે પસાર થતા બધા લોકો ત્યાં ફૂલ ચડાવે એવી પ્રથા પડી ગઈ.’
 
અચાનક સંગીતના સથવારે પસાર થતા સરઘસનો અવાજ સંભળાય છે. ‘ આ શેનો ઉત્સવ ? ‘  ‘ એ સ્મશાનયાત્રા છે. એક સ્ત્રી નવાણું વર્ષે ગુજરી ગઈ છે. ઈમાનદારીપૂર્વકનું જીવન જીવી મરી જવું એ પણ સુખ જ છે. અમે એની ઉજવણી કરીએ. અમારા ગામમાં કોઈ મંદિર કે પૂજારી નથી. ગામલોકો પોતે જ મૃતદેહને ટેકરી પર લઈ જાય. હા, કોઈ બાળક કે યુવાન મૃત્યુ પામે એ દુખદ. પણ અહીં મોટા ભાગના લોકો પાકટ ઉંમરે મરે.’ વૃદ્ધ ઉમેરે છે કે મરનાર સ્ત્રી એમની પ્રેમિકા હતી. એમને પણ ૧૦૩ વર્ષ થયા છે. એ ઝૂંપડીમાં જઈ વગાડવા માટે ઝાંઝ લઈ આવે છે. ‘ મારે ઉત્સવમાં શામેલ થવા જવું પડશે. જિંદગી ખરેખર ખૂબસૂરત છે. જીવતા હોવા જેવું કોઈ સુખ નથી. ‘
 
યુવક આનંદમિશ્રિત વિસ્મયથી પસાર થતા સરઘસને અને અને એના મોખરે ઝાંઝ વગાડી નાચતા પેલા વૃદ્ધને જોઈ રહે છે.
એ ગામ છોડી જવા નીકળે છે. કશુંક યાદ આવતાં પાછો ફરે છે. છોડ પરથી ફૂલ તોડી પેલી સમાધિ ઉપર ચડાવે છે. એ પોતે પણ પેલા મુસાફરની જેમ ગામમાં અનાયાસ આવી ચડેલ એક વટેમાર્ગુ જ હતો ને ! 
 
ગામની નદીમાં પાણી ખળખળ વહેતું રહે છે. જીવનની જેમ.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.