ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
જૂના ફિલ્મસંગીતના રસિયાઓના અનેક પેટાપ્રકાર છે. દરેક રસિયાનું આગવું સંગીતજગત હોય છે. એ વયસ્ક હોય તો મોટે ભાગે આ સંગીતજગત સાથે તેમનું નોસ્ટેલ્જિક જોડાણ હોય એવી પૂરી શક્યતા. આ ગાળા પછી જન્મેલા અમારા જેવા ચાહકોને નોસ્ટેલ્જિક જોડાણ હોવાની શક્યતા જરાય ન હોય. તેને કારણે મુખ્યત્વે મધુરતાને લઈને ગીતો આકર્ષે.
આ શોખની શરૂઆતના ગાળામાં અમને બે ગુરુઓનો પરિચય થયો અને બન્નેએ અમને ફિલ્મસંગીતના અલગ અલગ વિશ્વનો પરિચય કરાવ્યો. પહેલો પરિચય રજનીકુમાર પંડ્યાનો થયો. શંકર-જયકિશનના ઘરેડ ચાહક એવા રજનીકુમારનો મુખ્ય રસ પચાસના દાયકાના સંગીતનો હતો. બીજો પરિચય થયો નલિન શાહનો, જેમનો મુખ્ય રસ ત્રીસી અને ચાલીસીના દાયકાના સંગીતનો હતો. આ ઉપરાંત બીજા ઘણા પરિચય થતા ગયા અને તેને લઈને આ દાયકાઓમાં પણ વિવિધ પેટાપ્રકાર વિશે જાણવા મળ્યું.

રજનીકુમાર થકી જ વડોદરા રહેતા દેવેન્દ્ર ત્રિવેદી સાથે પરિચય થયો. દેવેન્દ્રકાકા સાથે સ્નેહનો તંતુ બહુ ઝડપથી સંધાઈ ગયો અને મજબૂત બની ગયો. તેમના રસનું મુખ્ય કેન્દ્ર ન્યૂ થિયેટર્સની ફિલ્મો અને સંગીત હતું. તેમને કારણે એ ગાળાની અનેક ફિલ્મો અને ગીતો વિશે જાણવા મળ્યું. તેમને ઘેર મળવા જવાનું હોય અને અગાઉથી જાણ કરેલી હોય તો તેમની વયના બીજા સમરસિયા મિત્રોને પણ તે બોલાવી રાખે અને પછી વાતો જામે. ન્યૂ થિયેટર્સની અંજનગઢ, કાશીનાથ, હમરાહી જેવી ફિલ્મો વિશે તેમની પાસેથી જ માહિતી મળી. એ જ રીતે પંકજ મલિકનાં ગીતો ધરાવતી ફિલ્મ ‘કસ્તૂરી’ વિશે પણ જાણવા મળેલું. ‘કસ્તૂરી’નું ટાઈટલ સોન્ગ સાંભળતાં જ દેવેન્દ્રકાકાની સ્મૃતિ તાજી થઈ આવી.

૧૯૫૪માં રજૂઆત પામેલી, સરગમ પિક્ચર્સ નિર્મિત, વ્રજેન્દ્ર ગૌડ દિગ્દર્શીત ‘કસ્તૂરી’માં નિમ્મી, સજ્જન, બિપિન ગુપ્તા જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જે વ્રજેન્દ્ર ગૌડે લખ્યાં હતાં. ફિલ્મના સંગીતકાર બે હતા- પંકજ મલિક અને જમાલ સેન. ઉપલબ્ધ માહિતી અનુસાર નવમાંથી છ ગીતો પંકજ મલિકે સંગીતબદ્ધ કર્યાં હતાં, જ્યારે ત્રણ ગીતો જમાલ સેને સંગીતબદ્ધ કર્યાં હતાં.

‘મુરલીવાલે સે લાગે નૈન‘ (આશા), ‘મુઝે અપના બનાયા દૂર દૂર સે‘ (આશા), અને ‘રાત ઢલી, તારે થકે, ચાંદ હુઆ…‘ (મધુબાલા ઝવેરી) જમાલ સેન દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવ્યાં હતાં. ‘અપની વિરાન દુનિયા કી’ (પંકજ મલિક), ‘મૈં તો હાર ગઈ મન‘ (બિનોતા ચક્રવર્તી), ‘કાહે હુઆ નાદાન મનવા કાહે હુઆ નાદાન‘ (ધનંજય ભટ્ટાચાર્ય), ‘એક દિન પહલે ભી આયા થા‘ (પંકજ મલિક), ‘તૂ હી બતા દે ભૂલ હુઈ‘ (પંકજ મલિક) તેમ જ ‘અપની પ્રીત કો ઢૂંઢ રહા હૂં’ પંકજ મલિક દ્વારા સંગીતબદ્ધ કરાયાં હતાં. આ ગીતો પૈકી પંકજ મલિકના ઘેઘુર સ્વરે ગવાયેલું ‘અપની પ્રીત કો ઢૂંઢ રહા હૂં’ ગીતની પસંદગી ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવી હતી. સમયગાળાની રીતે જોઈએ તો આ અરસામાં પંકજ મલિકની શૈલીની ગાયકી ઘટવા લાગી હતી. હવે પાતળા સ્વરવાળા ગાયક-ગાયિકાઓનો યુગ પૂરબહારમાં હતો. આમ છતાં, પંકજ મલિકના સ્વરમાં આ ગીત અદ્ભુત અસર પેદા કરે છે. તેના શબ્દો આ મુજબ છે.
अपनी प्रीत को ढून्ढ रहा हूं
दुनिया के…
दुनिया के आंगन में
जैसे किरन बेचैन भटकता
जैसे किरन बेचैन भटकता फिरता है
फिरता है बन बन में
दुनिया के आंगन में
अपनी प्रीत को ढून्ढ रहा हूं
दुनिया के…
दुनिया के आंगन में
अरे बावरे, कब समझेगा
महकी कहां कस्तूरी
दिल में बसे हैं
फिर पहचान न पाया
दिन को…
जैसे दिन जाने न रात को
रात न जाने दिन को
यह नज़दीकी बनी हुई है क्युं
क्युं जीवन में दूरी
मह्की कहां कस्तूरी
આ આખું ગીત અહીં આપેલી લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
