સંવાદિતા

પોતાના સ્વાર્થ ખાતર આપણે સૌએ ભેગા મળી નદીઓની જે ઘોર ખોદી છે એ  આપણી જ કબર છે.

ભગવાન થાવરાણી

સમગ્ર માનવજાતે અવિચારીપણે પર્યાવરણની જે દુર્દશા કરી છે એ વિષે વાત કરવી પણ હવે તો નર્યું અરણ્યરુદન લાગે છે. જ્યાં નજર નાખો ત્યાં પૃથ્વીભરના જંગલો, વનસ્પતિ, પર્વતો નદીઓ જાણે આયોજનપૂર્વક અદ્રષ્ય કરાઈ રહ્યા છે અને એમની જગ્યા લઈ રહ્યા છે કોંક્રીટ વસાહતો, બહુમાળી ઈમારતો, વિરાટ કારખાના, તોતિંગ બંધ અને નવા શહેરો. આપણે એને વિકાસનું નામ આપી રાજી થઈએ છીએ.

વડોદરા પાસેના પાવાગઢ ડુંગરમાંથી નીકળી મુખ્યત: વડોદરા શહેર મધ્યેથી પસાર થઈ ખંભાતના અખાતમાં વિલીન થઈ જતી નાનકડી એવી વિશ્વામિત્રી નદીની કરુણ હાલત વિષે, વડોદરા શહેરના જ નિવાસી એવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ સિતાંશુ યશશ્ચંદ્રજીએ એક કાવ્ય રચ્યું છે ‘ વળાંક પાછળ વિશ્વામિત્રી ‘ નામે. એ અદ્ભુત રચનાનું આચમન કરીએ :

દુનિયા આખીને પોતાની દોસ્તી આપવા જે દોડ્યા
અને
પોતાની જેને ગતાગમ નહોતી જરીકે
તેવી ગણતરીઓ કરવામાં પડેલા જગતે
જેમની ઉપર ઠાલવ્યા
અવહેલનાઓના ગંધાતા ગંજાવર ઢગના ઢગ
એવા કોઈ વિશ્વામિત્રની નિમાણી કન્યા
– આ મારી વિશ્વામિત્રી .
એને કોઈ એવા ઓવારા નથી,
જ્યાં પનિહારીઓ પાણી ભરવાને જાય
એને કોઈ એવા ઘાટ નથી,
જ્યાં પ્રવાસે નીકળેલા વહાણ પોરો ખાવા લાંગરે
એને કોઈ એવા કાંઠા નથી,
જ્યાં લોકો સાંજુકના ટહેલવા નીકળે.
એનાં પાણીમાં કમર સુધી બૂડી અર્ઘ્ય આપતા બ્રાહ્મણ
કે બાપતિસ્તા થાપતા પાદરી,
કોઈ કરતાં કોઈ ન મળે.
એમાં પાણી કહેવાય એવું પાણી જ ન મળે.
ઝૂમાં જીવનભર પૂરેલા પશુઓ અને
બાગમાં બે ઘડી ફરતા લોકોની વચ્ચેથી
એ તો ચુપચાપ સરકી જાય છે
ખબર નહીં કયું પ્રવાહી લઈને,
જૂના રગતપીતવાળી કોઈ બાઈ જેવી,
શરીર સંકોડીને.
આ નદીને પરવડે નહીં
લાજ, વેદના, આશા કે આછું હસવા જેવી એકે સાહ્યબી
મેં જ્યારે – જ્યારે એની આંખો તરફ નજર કરી છે
ત્યારે – ત્યારે ગરદન ઢાળીને એ જતી રહી છે વળાંક પાછળ.
જો કે આ યે હતી એક નદી.
જેમ ગંગા, સ્યેન, વોલ્ગા, ટેઈમ્સ, હોઆંગહો, એમેઝોન, નીલ અને મિસીસિપી
એ બધી નદીઓ છે
એમ આ યે હતી
ભલે ને ઘણી નાની એમનાથી.
તો ય નદી.
વહેતું પાણી, જેમાં જળચર જીવતાં હોય,
ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય,
વહેલી સવારે શિંગાળાં સાબર ને મોડી સાંજે ચળકતા દીપડા
જેની સામે વિનયથી માથું નમાવી પાણી પી શકતા હોય,
ને ભરબપોરે બચબચ બચ્ચાં જેવાં ધાવી શકતા હોય જેને
ઊનાળુ તડકાએ તરસ્યાં તરસ્યાં કરી મૂકેલાં
એની અડખે પડખે પડેલાં વીઘાંના વીઘાં ખેતરો,
એવી નદી.
આવું આવું જ્યારે એના ઉપરના પુલમાં ઊભો રહીને બોલું છું
માત્ર આ વિશ્વામિત્રીને જ સંભળાય એ રીતે
ત્યારે
સાંભળ્યું – ન સાંભળ્યું કરી,
આંખો જોરથી મીંચી,
મેલો સાડલો શરીરે થોડો વધારે વીંટાળતી
એ ઉતાવળી ઉતાવળી ચાલી જાય છે,
તરતા કચરાના પાલવમાં મોં ઢાંકતી,
વળાંક પાછળ.
છેવટ
ક્યારેક
ન રહેવાય ત્યારે
ચોમાસાની રાતે
અંધારામાં
ઉભરાઈ ઊઠે છે આ નદી
આંધળી છોકરીની આંખો જેવી, ચુપચાપ
વળતી સવારે, વહેલી વહેલી, એ પહોંચે છે,
કાંઠા ઓળંગી, પુલ પર થઈ,
ઉતાવળી ઉતાવળી,
પગના પહોંચા ઉપર ઊંચી થઈ થઈ,
આવે છે,
કાળે ઘોડે બેઠેલા, કાળો પોશાક પહેરેલા, પથ્થર થઈ ગયેલા,
એના એક વારના હેતાળ રાજાના પગ સુધી છેક,
પછી
એકદમ અચકાઈ, અટકી, ખમચાઈ, જરીક જીભ કચડી, હોઠ બીડી,
આંસુ જાતે લૂંછી નાંખી, ઓસરી, અવાજ કર્યા વિના ચાલી જાય છે,
મૂંગીમંતર, કાદવ ખૂંદતી
પેલા વળાંક પાછળ.
અહીં કથક સ્વયં કવિ છે જ્યારે કથ્ય વિશ્વામિત્રી નદી. કવિતાના પ્રારંભે જ કવિ વિશ્વામિત્રીના પિતા એવા ઋષિ વિશ્વામિત્રની આપણે સૌએ કરેલી અવહેલનાનો હવાલો આપી, આપણી આદત મૂજબ એવું જ વર્તન એમની પુત્રી સાથે કર્યાની વાત કરે છે. વિશ્વની જાણીતી નદીઓની સરખામણીએ આ ‘ નિમાણી ‘ નદીનું કદ અને વ્યાપ કોઈ વિસાતમાં નથી. અરે ! બહુધા તો એમાં પાણી પણ નહીં, અને હોય તો કોણ જાણે કયું ગંધાતું પ્રવાહી ! વડોદરાના પ્રતિષ્ઠાવાન મહારાજના નામ પરથી નામાભિધાન કરાયેલા સયાજી બાગમાં પૂરાયેલા પ્રાણીઓ અને ત્યાં મોજમજા કરવા આવેલા સહેલાણીઓની ઉપેક્ષા સહન કરતી આ નદી, કોઈ ભારોભાર શરમિંદગી અનુભવતી ચીંથરેહાલ ગરીબડીની જેમ, જાણે પોતાની લાજ બચાવતી દોડીને સંતાઈ જાય છે ‘ વળાંક પાછળ ‘ ! અહીં વળાંક એક પ્રતીક છે આડશનું જેની પાછળ સંતાઈ કોઈ અકિંચના પોતાની રહી – સહી લાજ છુપાવે છે.

નદીના ભૂતકાળની ભવ્યતાને સ્મરી કવિ એને વહાલપૂર્વક ‘ મારી વિશ્વામિત્રી ‘ કહી સંબોધે ત્યારે આપણને સૌને ‘ આપણી ‘ પોતપોતાની ભાદર કે ભોગાવો કે ઓઝત કે શેત્રુંજી યાદ આવ્યા વગર રહે નહીં. એમની અવદશા વિશ્વામિત્રીથી ખાસ જૂદી નથી. કવિ જાણે છે કે એમની આ વ્યથા કેવળ આત્મ – પ્રલાપ છે જે એ માત્ર ‘ પોતાની ‘ વિશ્વામિત્રીને સંભળાવે છે પણ એમને ઊંડો ઊંડો વિશ્વાસ પણ હશે કે એ એમની નદી ઉપરાંત નદી જેવું હૃદય ધરાવતા થોડાક ભાવકો લગી પણ પહોંચશે જ.

અને કવિની ઉપમાઓ પણ કેવી અનોખી ! જૂના રગતપીતવાળી બાઈ જેવી નદી, તરતા કચરાનો એનો પાલવ, આંધળી છોકરીની આંખો જેવો એનો ઊભરો !

કવિતાનો અંત તો વળી કેવો ! થોડા થોડા વર્ષે આ નદી અણધારી ઊભરાય છે પણ ખરી. આવું થાય ત્યારનું ચિત્ર જૂઓ. ત્યારે આ ( માત્ર કવિની નહીં ,આપણી પણ ! ) વિશ્વામિત્રી ચોકની વચ્ચોવચ કાળા ઘોડે બેઠેલા, હવે પથ્થર થઈ ચૂકેલા રાજાના પગ પખાળી, પછી તુરંત વાસ્તવિકતાનું ભાન થતાં, જેને ખૂંદીને આવી હતી એ જ કાદવ વચાળે થઈ, એના જૂના પરિચિત અને પોતીકા વળાંક પાછળ લપાઈ જાય છે.

સાક્ષાત ચિત્કાર જેવી સિતાંશુ યશશ્ચંદ્રની આ ધારદાર કવિતા સંવેદનશીલોના અંત:સ્તલને હચમચાવે છે.


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.