શૈલા મુન્શા
કેવા કેવા નોખા ને અનોખા બાળકો આટ આટલા વર્ષોમાં મારા હાથ નીચેથી પસાર થયા. દરેકની કહાણી જુદી, હર એકનું ઘડતર જુદું અને વળી હર કોઈનો દેશ જુદો.
અમેરિકાની આ જ તો કહાની છે. ભાત ભાતના લોકો અહીંયા જીવે. કોઈ ગોરા તો કોઈ કાળા, કોઈ ચીબા તો કોઈ પીળા, પણ એક વસ્તુ સહુને સરખી લાગુ પડે. અમેરિકાનો મંત્ર “No child left behind” ના અધિકારે બાળકોને બધી જ સગવડ મળે. કોઈ નવી વસાહત ઊભી થાય કે તરત ત્યાં સ્કૂલ, પાર્ક, સ્ટોર બધું આવી જાય. સ્કુલમાં સ્પેસિઅલ નીડ વાળા બાળકોને તો આગવું સ્થાન મળે અને બધી સુવિધા તો છોગામાં.
આવા બાળકોના પણ કેટલા જુદા પ્રકાર. કોઈ mentally retarded તો કોઈ Autistic, કોઈ ADHD તો કોઈ ને behavior problem.
દમાની એ વર્ષે સ્કુલમાં અમારા PPCD ના ક્લાસમાં દાખલ થયો હતો. સામાન્ય રીતે ત્રણ વર્ષનું બાળક અમારા ક્લાસમાં આવી શકે, પણ દમાનીની મમ્મીએમ એ થોડી ચિંતા અને થોડા લાડમાં દમાનીને મોડો દાખલ કર્યો હતો. પાંચ વર્ષનો દમાની આફ્રિકન અમેરિકન છોકરો હતો. વાંકડિયા વાળ અને ચહેરે મોહરે સામાન્ય બાળક જેવો જ લાગે પણ મંદ બુધ્ધિ બાળકમાં એની ગણતરી થતી. જ્યારે એની ફાઈલ જોઈ ત્યારે ખબર પડી કે દમાની મંદ બુધ્ધિ કરતા વધુ ADHD (Attention Deficit Hyperactivity Disorder) બાળક હતો.
આ પ્રકારના બાળકો કોઈ કામ સ્થિરતાથી કરી શકતા નથી. સાદી ભાષામાં આવા બાળકોને આપ્ણે ઉત્પાતિયા બાળકો કહેતા હોઈએ છીએ. ધાંધલિયા અને કોઈ કામ પુરૂં ના કરે. શરૂ કાંઈ કરે અને પુરું કાંઈ બીજું જ કરે. ઘરના માણસો થાકી જાય કારણ એકની એક વાત વારંવાર કહેવા છતાં આ બાળકોની સમજમાં જલ્દી કશું ના આવે.
દમાની એકનો એક બાળક અને વધુ પડતા લાડનુ પરિણામ કે એ સાવ એકલસુરો થઈ ગયો હતો. મમ્મીને ને નોકરીને ઘર અને દમાનીને સાચવવાનો એટલે બધું દમાનીનુ ધાર્યું જ થતું.ઘરમાં એકનો એક એટલે જલ્દી રમકડાં કે કોઇ વસ્તુ બીજા સાથે હળીમળી ને રમી ના શકતો.
શરૂઆતમાં તો ક્લાસમાં પણ એ જ રીતે દમાની એના હાથમા જે રમકડું આવે તે કોઈ બીજાને અડવા જ ના દે, ઉત્પાત એટલો કે એક રમત હાથમાં લીધી અને પુરી રમે ના રમે ત્યાં ફેંકીને બીજાના હાથમાંથી લેગો કે બ્લોક્સ છીનવી લેતો અને અમે સમજાવવા જતા, તો સાંભળે એ બીજા. ઘરમાં તો એ ચાલે પણ સ્કુલમાં એમ ના થાય. ધીરે ધીરે અમે એને બધા સાથે મળીને રમવાની ટેવ પાડી.
આ પ્રકારના બાળકોની બીજી એક ખાસિયત હોય. ગ્રામોફોન પર ફરતી પીન ઘણીવાર એક જગ્યાએ અટકી જાય અને ગીતની એકની એક લીટી વારંવાર સંભળાયા કરે તેમ એકનો એક સવાલ આ બાળકો દરરોજ કરે.
દમાની પણ ક્લાસમાં આવતાની સાથે પુછે ઘરે ક્યારે જવાનુ? અમે કહીએ ત્રણ વાગે, એટલે બીજો સવાલ પુછે બપોરે ઊંઘીને પછી જવાનુ? અમે હા કહીએ એટલે ત્રીજો સવાલ. તમારી ધીરજની પુરી કસોટી થાય.
આવા બાળકોને હમેશા ખુશનુમા સૂર્ય પ્રકાશિત વાતાવરણ ગમે બારી બહાર જો તડકો દેખાય તો ખુશ પણ જો વાદળિયું વાતાવરણ હોય તો એમને ના ગમે.
દમાની મંદબુધ્ધિ કરતા ધ્યાનવિચલીત બાળક હતો. કોઈવાર ખુબ ધ્યાનપુર્વક જે શિખવાડતા હોઈએ એમાં રસ લે, બધા આલ્ફાબેટ્સ ઓળખે છતાં કોઈવાર ગમે તેટલું પુછીએ, જવાબ આપે એ બીજા!!!
દરરોજ બપોરનો અમારો ક્રમ હતો કે બાળકો જમીને આવે પછી બધા બાળકોને અમે એમના નામના અક્ષરો ઓળખતા શીખવાડતાં. દરરોજ એક ના એક અક્ષર પણ તોય આ બાળકો ને જલ્દી યાદ નહોતા રહેતાં. દમાની માંડમાંડ એના નામના અક્ષર ઓળખતા શીખ્યો હતો. એના નામમાં “Damani” આ આલ્ફાબેટ આવે. એ દિવસે બપોરે અમે બાળકોને A B C D મોટા સ્માર્ટ બોર્ડ પર કરાવતાં હતાં. અચાનક જ્યારે “u” અક્ષર આવ્યો તો દમાની બોલી ઉઠ્યો આતો ઊંધો “n” છે.
એની આ નિરક્ષણ શક્તિ જોઈ અમે પણ અચંબિત થઈ ઉઠ્યા. કોણ કહે આ બાળકો મંદબુધ્ધિના છે!!!!
અરે! આ તો નોખા તોય સાવ અનોખા બાળકો છે. એમને પુરતું માર્ગદર્શન મળે તો જરૂર એમનું ભવિષ્ય ઉજ્વળ છે.
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
