અવલોકન
– સુરેશ જાની

સફેદ રેતી? હા! આ ગોરી ચામડી ધરાવતા લોકોના દેશમાં એવું હોય તેની નવાઈ શાના પામો છો?! જો કે, એ સાવ સાચી વાત છે કે, આખી દુનિયામાં માત્ર એક જ જગ્યાએ એ જોવા મળે છે – અમેરિકાના ન્યુ મેક્સીકો રાજ્યના અલામો ગોર્ડો શહેરની નજીક. એનું નામ જ ‘વ્હાઈટ સેન્ડ’. અમે એના પ્રવાસે ગયા હતા.
માઈલોના માઈલો સુધી સફેદ રેતીના ઢગલે ઢગલા – ધોળી બખ્ખ રેતી જ રેતી -વાયરાથી ફરફર ઊડતી રેતી. રેતીના નાના ને મોટા ઢગલા જ ઢગલા. અમુક ઢગલા તો ખાસી ઊંચી ટેકરી જેટલા- પચાસ સાઠ ફૂટ ઊંચા. સૂર્યનો તડકો પડતો હોય તો આંખો અંજાઈ જાય એટલું બધું ધોળાપણું. બધું દ્રશ્ય દેખીતી રીતે સ્થિર લાગે, પણ એ રેતીના ઢગલા પણ જીવતા. પવનથી ઊડીને આવતી રેતીથી એ ઊંચા ને ઊંચા થતા રહે. બહુ ઊંચા થાય એટલે એની કોર ધસી પડે. પવનની તરફની કોર મંથર ગતિએ આગળ વધતી રહે. છેક નીચેની રેતી દબાઈને કઠણ ખડક જેવી થઈ હોય. ટેકરીની નીચલી કોર નજીક એના સગડ પારખી શકાય. એક સૈન્ય પસાર થઈ ગયું હોય તેના અવશેષો જેમ દેખાઈ આવે તેમ. ટેકરીની ટોચના ભૂતકાળના સ્થાનની સાક્ષી પૂરતા આ સગડ એ ટેકરી જીવંત છે, એની આપણને ખાતરી કરાવી દે.
આ રેતી અને સમ ખાવા પૂરતાં પાણી અને ઝાકળના બુંદ પર ગુજારો કરતાં ઘાસ અને નાના છોડ, ક્યાંક ક્યાંક રડ્યાં ખડ્યાં અહીં પણ જીવન ધબકતું હોવાની ચાડી ખાતા રહે. કહે છે કે, રાત્રે આવો તો નાનકડાં જંતુઓ અને ગરોળીઓ પણ બહાર નીકળી આવે. સફેદ રેતીમાં પણ નાઈટ લાઈફ ખરી હોં!
તમે ભૂલા ન પડો તે માટે થોડે થોડે અંતરે ધાતુની ચાર ફૂટ ઊંચી પટ્ટીઓ પણ ગોડેલી રાખી હોય. બાકી આ રણમાં ભુલા પડો, તો ફસાતા જ રહો.
કદીક અહીં મધદરિયો હતો. એમાં માછલીઓ અને દરિયાઈ જળચર તરતાં હતાં. પછી ત્યાં ડુંગર બન્યા અને પછી ખીણ અને પછી સરોવર અને છેવટે આ દલદલ. સાવ સ્થિર લાગતો આ માહોલ……. સતત પરિવર્તનશીલ ધીમો બદલાવ. પણ અચૂક બદલાવ.
લગભગ ૨૪૭ માઈલની લંબાઈમાં પથરાયેલ આ જગ્યા વિશ્વની એક કુદરતી અજાયબી છે.
ભૂસ્તરશાસ્ત્રીઓના માનવા પ્રમાણે, ૨૫ કરોડ વર્ષ પહેલાં અહીં એક દરિયો હતો. એના પટના તળિયે સતત જમા થતા રહેતા જીપ્સમનું જાડું પડ હતું. પાણીના દબાણ હેઠળ એ દબાઈને ખડક બની ગયું હતું. સાતેક કરોડ વર્ષ પહેલાં ભુસ્તરીય ફેરફારોને કારણે આ જગ્યાએ જમીન ઊચકાઈ આવી અને એક લાંબો, ઊંચો પર્વત બની ગયો. એક કરોડ વર્ષ પહેલાં, આ જગ્યાની પશ્ચિમે રોકી પર્વતમાળા અસ્તિત્વમાં આવી; ત્યારે આ પર્વત નીચે બેસી ગયો. આને કારણે ટુલારોસા બસીન બન્યું. એની ધાર પર સાન આન્દ્રેસ અને સેક્રામેન્ટો પર્વતો બાકી રહ્યા. આ પર્વતો પર થતી વરસાદ અને સ્નોની વર્ષાને કારણે પર્વતની ઉપર અને અંદર રહેલા જીપ્સમના થર ઓગળી ઓગળીને આ બસીનમાં ખડકાતા રહ્યા. ચારે બાજુ પર્વતો હોવાને કારણે આ પાણી કોઈ દરિયામાં વહી શકે તેમ ન હતું. આથી ભુતપૂર્વ ઓટેરો લેકમાં આ બધું પાણી જમા થવા માંડ્યું. સુકાવાના કારણે અને નીચેની રેતીમાં શોષાવાના કારણે જીપ્સમના થર વધવા માંડ્યા. કાળક્રમે ઊંચી અને લાંબી રોકી પર્વતમાળાના વર્ષાછાયામાં ન્યુ મેક્સીકોનો આ પ્રદેશ રણમાં પરિવર્તન પામતો ગયો. સાન આન્દ્રેસ અને સેક્રામેન્ટો પર્વતો પર પડતા વરસાદ અને સ્નોને કારણે એમની ઉપર તો સરસ મજાનાં જંગલો છે પણ એ પાણી લેક ઓટેરોને યથાવત રાખવા પર્યાપ્ત ન હતું. તે સૂકાતું ગયું અને સાવ નાનકડું લેક લુસેરો જ બાકી રહ્યું. એ પણ દિન પ્રતિદિન નાનું ને નાનું થતું જાય છે.
આ ભૌગોલિક પરિવર્તનોના કારણે ત્રણ બાજુ પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશમાં જીપ્સમની રેતીના ઢગના ઢગ ભેગા થયા છે. ન્યુ મેક્સિકોનું રણ, તેની વચ્ચે લીલાંછમ પર્વત અને તેની વચ્ચે સફેદ રેતીનું આ રણ – આમ દુનિયાની એક અજાયબી જેવી ભૌગોલિક રચના અસ્તિત્વમાં આવી છે.
. એની મોટા ભાગની પરિમિતિ ઉપર પર્વતો છે. એમાંના ઘણા જીપ્સમ નામના પદાર્થના ખડકોના બનેલા છે. કાળક્રમે આ પ્રદેશનું હવામાન બદલાયું અને વરસાદની માત્રા ઓછી થઈ ગઈ. એટલે એ સરોવર સૂકાઈ ગયું. અને જીપ્સમના બારીક પાવડરથી ભરાઈ ગયું. હજુ પણ નાનાં નાનાં ઝરણાં વડે ખડકોમાંથી ધોવાયેલો જીપ્સમ અહીં ઠલવાયા જ કરે છે. પણ થોડેક જ દૂર જઈને એનાં ખાબોચિયાં, સૂકાવા માટે તૈયાર હોય છે. આ વિસ્તારમાં લાખો વર્ષોથી ભેગો થતો રહેલો જીપ્સમ, આજુબાજુના ઊંચા પર્વતોને કારણે બીજે ક્યાંય ઊડીને જઈ શકતો નથી.
આથી આ સફેદ રેતીની અસંખ્ય ટેકરીઓ અહીં અહર્નિશ મોજુદ હોય છે. અમેરિકામાં બધે મુક્ત રીતે ફરફરતો વાયરો અહીં પણ શાનો સખણો રહે? એટલે આ ટેકરીઓ ધીમે ધીમે ખસતી જ રહે. અમુક ટેકરીઓ તો સોએક ફૂટ ઊંચી થઈ ગયેલી હોય છે.
અમારા પ્રવાસના અંતે સતત પરિવર્તનનો આ સાવ અજીબોગરીબ નજારો સદાને માટે, ન ભૂલી શકાય એવી છાપ મનમાં મૂકી ગયો.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
