સંવાદિતા

અલગારી રખડપટ્ટી કરનાર અને પછી એનો આનંદ રસજ્ઞોમાં વહેંચનાર પણ એક પ્રકારનો અનોખો કલાકાર જ છે.

ભગવાન થાવરાણી

કોઈકે કહ્યું છે કે કેટલાક પુસ્તકો એવા હોય છે જે વાંચી લીધા પછી પણ ઓશીકા પાસે રાખી મૂકવા ગમે. જન્મજાત યાત્રિક આત્માઓ અને વિશેષત: રેલ – યાત્રાના શોખીનો માટે બ્રીટીશ લેખક પોલ થેરૂ ( PAUL THEROUX ) નું ૧૯૭૫ માં પ્રકાશિત પુસ્તક ‘ ધી ગ્રેટ રેલવે બાઝાર ‘ અને એનો ઉત્તરાર્ધ કહેવાય એવું એમનું ૨૦૦૮ નું પુસ્તક ‘ ધી ઘોસ્ટ ટ્રેન ટૂ ઈસ્ટર્ન સ્ટાર ‘ આવા પુસ્તકની ગરજ સારે છે.
બન્ને પુસ્તકોના શીર્ષક ઈંગિત કરે છે તેમ, બન્ને પ્રવાસગાથાઓ છે અને એ પણ રેલવેથી કરાયેલા પ્રવાસની, પરંતુ આવા પુસ્તકને એ ઓળખાણથી પિછાણવા એ તો મોટી નયૂનોક્તિ અને લેખક – પુસ્તકને થયેલો અન્યાય કહેવાય. કઈ રીતે, એ જોઈએ.
પુસ્તકની પ્રસ્તાવનામાં જ લેખકના શબ્દો એમના ટ્રેન માટેના સંમોહનને પ્રતિબિંબિત કરે છે. એ લખે છે ‘ એવું ક્યારેય બન્યું નથી કે હું પસાર થતી ટ્રેનની સીટી સાંભળું અને મને એમાં સવાર થવાની ઝંખના ન જાગી હોય ! ‘ થેરૂને પ્રવાસનું ઘેલું તો છે જ પરંતુ રેલ પ્રવાસની તો પરમ ઘેલચ્છા ! ‘ ટ્રેનના અલાયદા કોચમાં મુસાફરીનો ખરો આનંદ એની આત્યંતિક અંગતતામાં છે. પ્રવાસીને એવું લાગે જાણે એ ગતિ કરતા કોઈક સુરક્ષિત કબાટમાં છે. એ ગતિના રોમાંચમાં ઉમેરો કરે બારીમાંથી પસાર થતી દ્રષ્યાવલિ, ટેકરીઓના ઢોળાવ, પહાડોનું વિસ્મય, ઓળંગાતા પૂલોનો ધડધડાટ અને પીળા પ્રકાશમાં ઝિલમિલ થતા અને જોતજોતાંમાં ઓઝલ થતા લોકોના ચહેરા. ‘ એ ઉમેરે છે કે રેલ-પ્રવાસમાં હવાઈ કે દરિયાઈ પ્રવાસનો ખાલીપો નથી, સભરતા છે. દરેક વળાંકે પસાર થતા દ્રષ્યોનું આગવું વૈવિધ્ય ટ્રેન – પ્રવાસમાં જ સંભવે. ટ્રેન પોતે એક રહેઠાણ છે, ભોજનકક્ષ સહિતનું . પ્રવાસોમાં એ શ્રેષ્ઠ છે.
અને એમનો પ્રવાસ પણ કેવો ! પોતાના નિવાસ લંડનથી ઓરિએંટ એક્સપ્રેસમાં નીકળી તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા ( ત્યારનું સિલોન ), બર્મા, વિયેટનામ, મલયેશિયા, સિંગાપોર અને જાપાનની વિવિધ અને કેટલીક તો ઐતિહાસિક મહત્વ ધરાવતી ટ્રેનોમાં મહિનાઓનો પ્રવાસ ખેડ્યા – વેઠ્યા પછી છેવટે લેખક પહોંચે છે રશિયા, જ્યાંની જગતની સૌથી લાંબી ટ્રેન ‘ ટ્રાંસ સાઈબીરીયન રેલવે ‘ દ્વારા પુન: લંડન વાપસી ! રસપ્રદ વાત એ છે કે આ લાંબા પ્રવાસે નીકળવાનો મૂળભૂત હેતુ તો હતો નવલકથા લેખનનો અનુભવ લેવાનો ( એમણે ૨૯ નવલકથા અને ૨૦ પ્રવાસ પુસ્તકો લખ્યા છે ! ) અને આ યાત્રા પોતે જાણે એક મહાનવલ બની ગઈ !
ચાર મહિનાની આ દીર્ઘ યાત્રા કેવળ પ્રવાસ વર્ણન નથી, કે નથી એ દ્રષ્યો, સ્થળો, શહેરો, દેશો વિષેની માહિતી માત્ર. આ વિચક્ષણ પ્રવાસીની એક નજર ટ્રેનની બારીની બહાર છે, બીજી સહપ્રવાસીઓ તરફ અને વળી એક ત્રીજી નિરંતર પોતે જે જૂએ, અનૂભવે છે એને પોતે વાંચેલી અથવા પ્રવાસ દરમિયાન વંચાઈ રહેલી સાહિત્યિક કૃતિઓના પરિપ્રેક્ષ્યમાં મૂલવતી જાય છે. વચ્ચે આવતા નગરો અને દેશોમાં એમનો જે ટૂંકો વિરામ છે એના વિવરણમાં એ ઝાઝા પડતા નથી કારણ કે વાચકોને ‘ સાઈટ સીંગ ‘ કરાવવું એમનો ઉદ્દેશ્ય જ નથી. એમના મનોજગતમાં તો બિરાજે છે કેવળ ટ્રેન, ટ્રેન અને ટ્રેન જ. હા, એની સાથે જોડાયેલી આનુસંગિક વસ્તુઓ – સ્ટેશનો, રેલવેના માણસો, કંડક્ટર, સ્ટોલ અને ફેરિયાઓની વાતો પણ એ સહૃદયતાથી વિગતવાર કરતા જાય છે. થેરૂ પાસે જે દ્રષ્ટિ અને ભાષા છે એ સામાન્ય લેખકની નથી. એ પ્રવાસ દરમિયાન જે જૂએ અને અનુભવે છે એને પોતાના આગવા દ્રષ્ચિકોણથી મૂલવે છે અને મન – પાટીમાં દર્જ કરતા જાય છે. પુસ્તકના વાચન દરમિયાન એવું લાગ્યા કરે કે આપણે વાચક નહીં, સહપ્રવાસી છીએ અને આપણા જ મનમાં સુષુપ્ત પડેલી મુસાફરી એમણે ખેડી છે !
દરેક સાચા પ્રવાસીની એક સમસ્યા એ હોય છે કે કોઈ પણ સ્થળની મુલાકાત લઈ પરત ફર્યા બાદ એને એવું લાગ્યા કરે છે કે એણે મુલાકાત લીધી એ જગ્યાએ કશુંક કરવાનું, જોવાનું કે અનુભવવાનું બાકી રહી ગયું ! એ ફરી એકવાર એ સ્થળે જઈ ‘ એ અધૂરું રહી ગયેલું કશુંક ‘ પૂરું કરી આવવા ઝંખતો હોય છે. પોલ થેરૂએ પણ મોડા મોડા આવું અનુભવ્યું. પ્રથમ યાત્રાના બરાબર તેત્રીસ વર્ષ બાદ વર્ષ ૨૦૦૬ માં એમણે નક્કી કર્યું કે ૧૯૭૩ માં એમણે જે મુસાફરી કરી એને એ જ સ્વરૂપમાં, એ જ રૂટ ઉપર, એ જ માધ્યમ – ટ્રેન દ્વારા ફરી કરવી. એ બીજી મુસાફરીનું એવું જ એક વિલક્ષણ પુસ્તક ‘ ધી ઘોસ્ટ ટ્રેન ટૂ ઈસ્ટર્ન સ્ટાર ‘ ૨૦૦૮ માં પ્રકાશિત થયું.
આ નવા પુસ્તકમાં સવાયું ગદ્ય, અદ્ભૂત વર્ણનો અને સમાંતરે વંચાતા જતા પુસ્તકોની અણમોલ વિચાર – કણિકાઓ તો છે જ પણ સાથોસાથ એક નિખાલસ કબૂલાત પણ છે. લેખક કહે છે કે એમણે અગાઉ જોયેલાં એ સ્થળો, શહેરો, સ્ટેશનો અને લોકોમાં મોટો બદલાવ તો આવ્યો જ હતો પણ એ કરતાં પણ મોટું પરિવર્તન આવ્યું હતું એમની પોતાની દ્રષ્ટિમાં અને માટે હવે એમને લાગતું હતું કે અગાઉના પ્રવાસમાં બાંધેલી ઘણી બધી માન્યતાઓમાં એ ખોટા હતા ! કોઈક વિચારકે પણ આવું જ કહ્યું છે કે જો તમને સમયાંતરે એવું લાગ્યા કરે કે પહેલાં તમે ખોટા હતા તો તમે સાચા છો ! 
 
પહેલા પુસ્તકના ત્રીસ અને બીજાના બત્રીસેય પ્રકરણના શીર્ષક, એમણે જે ટ્રેનોમાં મુસાફરી કરી એના નામ પરથી રાખ્યા છે. કુલ મુસાફરીમાં સૌથી વધુ સમય એમણે ભારત અને ભારતીય ટ્રેનોમાં વીતાવ્યો જે સ્વાભાવિક છે કારણકે સમગ્ર મુસાફરીમાં સૌથી વિશાળ મુલ્ક અને વિરાટ ભાતીગળ રેલ માળખું ભારતમાં જ હતું. એમને અફઘાનિસ્તાન માટે એટલે અણગમો ઉપજેલો કે ત્યાં ‘ એક ઈંચ જેટલી પણ જાહેર રેલવે નહોતી ! ‘
થેરૂ કહે છે કે રેલ – પ્રવાસ એક સાહસ પણ છે અને એક રાહત પણ. એ એકાંત આપે છે અને દૈનંદિન એકધારાપણાથી મુક્તિ પણ. એ મુસાફરીમાં બારીમાંથી પસાર થતી જિંદગી એક પ્રેક્ષક તરીકે જોઈ શકાય છે. જો રેલ – પ્રવાસ કરતા હોઈએ તો એમની આ વાત સાથે ભાગ્યે જ અસંમત થઈ શકાય !
બૃહદ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો છીએ તો આપણે સૌ છીએ આ પૃથ્વીના મુસાફર જ . કાશ આપણામાં પણ આવા ઉપ-પ્રવાસો ખેડવાની ધગશ, હિંમત અને એને અમલમાં મૂકવાની સાનુકુળતા હોત .

સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.