શૈલા મુન્શા

“પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
કેવું અદ્ભૂત છે મારૂં બાળપણ.
મોજ મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,
કેવું અજાયબ છે મારૂં બાળપણ.”

મસ્તીખોર આ બાળપણ એકવાર જાય પછી પાછુ ક્યાં મળે છે! પણ આપણે આપણા બાળકોમાં, પૌત્ર પૌત્રીમાં ફરી આપણુ બાળપણ જીવી લેતા હોઈએ છીએ.

હું તો ઘણી નસીબદાર હતી કે મારા આ અનોખા બાળકો સાથે કામ કરતાં અનાયાસે આ માસુમિયત આ બાળપણ ફરી જીવવાની રોજ તક મળતી હતી.

અમારા ક્લાસમાં નવા બાળકો આવતાં જ રહેતાં. એ વર્ષે પણ એક નવો છોકરો ક્લાસમાં આવ્યો, નામ એનું ઈસ્માઈલ. પહેલાં તો નામ સાંભળી મને થયું કે કોઈ મુસ્લિમ બાળક હશે, પણ જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મેક્સિકન બાળક છે. મેક્સિકન ભાષાના શબ્દો અને ભારતિય ભાષાના શબ્દો ઘણા મળતા આવે છે. સંસ્કૃતિ પણ ઘણી મળતી આવે.
બીજા મેક્સિકન બાળકોની જેમ ઈસ્માઈલ પણ તંદુરસ્ત અને ગોળ ચહેરો. માતા પિતા ઘણા જુવાન અને પ્રેમી પંખીડાની જેમ બન્ને હમેશા ઈસ્માઈલને સાથે મુકવા આવે. દેખાઈ આવતું કે ઈસ્માઈલને વધુ પડતા લાડ લડાવવામાં આવી રહ્યા હતા. તોફાની ઈસ્માઈલ એમના રહેઠાણના સ્થળે બીજા બાળકોને રમતાં રમતાં ધક્કો મારી પાડી નાખતો. ઈસ્માઈલને વાત વાતમાં ખોટું લાગી જાતું, રમતાં રમતાં એનું ધાર્યું ન થાય તો એક ખુણામાં મોઢું ફુલાવી બેસી જતો. આ બધી વાતો ઈસ્માઈલના મમ્મી પપ્પાએ જ અમને કહી હતી, અને જ્યારે અમે બાળકોને રમવા લઈ ગયા ત્યારે એનો અનુભવ અમને પણ થયો હતો.

સ્વભાવિક રીતે જ અમારે ફક્ત ઈસ્માઈલ જ નહિ પણ બીજા બાળકોની સુરક્ષાની જવાબદારી પણ રહેતી એટલે ધીરે ધીરે થોડી સમજાવટ થોડા કડક થઈને પણ ઈસ્માઈલની એ આદત દુર કરવામાં અમે સફળ થયા. ધીરે ધીરે ઈસ્માઈલ બધા સાથે હળી ગયો. ઈસ્માઈલ જ્યારે અમારા ક્લાસમાં આવ્યો ત્યારે બહુ બોલતો નહોતો. એના ઈવોલ્યુશનમાં લેબલ તો હતું Autistic childનું, પણ દેખાઈ આવતું હતું કે માતા પિતાના વધુ પડતાં લાડે એને જીદ્દી બનાવી દીધો હતો.

એ વર્ષે અમારા ક્લાસમાં હર વર્ષ કરતાં બોલતાં બાળકોની સંખ્યા વધારે હતી. સામાન્ય રીતે એવું બનતું કે ત્રણ વર્ષનું બાળક જ્યારે ક્લાસમાં આવતું ત્યારે જલ્દી બોલતું નહિ. ખબર જ ના પડે કે આ બાળક બોલી શકે છે કે નહિ. Autistic બાળકોની એ પણ એક ખાસિયત હતી, પણ થોડા જ સમયમાં  મોટાભાગના બાળકોને સંગત ની રંગત લાગી જતી અને એમની વાચા ખુલવા માંડતી.

સામાન્ય માણસોના જગતમાં બીજાને મદદ કરવા તત્પર હોય એવા માણસો જલ્દી મળતાં નથી, પણ અમારા ક્લાસમાં એની કોઈ કમી નહોતી. ત્યારે અમારા ક્લાસમાં એક જેનેસિસ નામની બાળકી હતી. એ બે વર્ષથી અમારી સાથે હતી. ખૂબ બોલકી અને બીજાને મદદ કરવા સદૈવ તત્પર.

બપોરે ઘરે જવાના સમયે જે મમ્મી કે પપ્પા પોતાના બાળકને લેવા આવતાં એમને જેનેસિસ તરત જ દોડીને એ બાળકનું દફતર એનો નાસ્તાનો ડબ્બો કે જે વસ્તુ હોય તે એ બાળકના મમ્મી, પપ્પાના હાથમાં જઈને આપી આવતી. બધાને હમેશ મદદ કરવા તત્પર.

તે દિવસે જ્યારે મોનિકાના પિતા એને લેવા આવ્યાં કે તરત જેનેસિસ દફતર લેવા દોડી અને દફતર લઈ મોનિકાના પિતાના હાથમાં આપ્યું. અચાનક ઈસ્માઈલનો ભેંકડો સંભળાયો. એક ક્ષણ તો હું અને સમન્થા હક્કબક્કા થઈ ગયાં. અચાનક ઈસ્માઈલને શું થયું! વાત એમ બની કે એ ભાઈ પણ દોડતા જઈને સેવાનું કામ કરવા માંગતા હતા, પણ મોડા પડ્યાં. ઈસ્માઈલના રડવાનું કારણ સમન્થાને ના સમજાયું પણ મને ખ્યાલ આવી ગયો અને મેં મોનિકાના પિતાને કહ્યું “મહેરબાની કરી મને દફતર પાછું આપો” એ દફતર લઈ મેં ખીંટીએ જઈ લટકાવ્યું. ઈસ્માઈલ દોડીને દફતર લઈ આવ્યો,અને જાણે આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ  ગર્વભેર દફતર મોનિકાના પિતાના હાથમાં આપી આવ્યો. પોતે જાણે મોટું પરાક્રમ કર્યું હોય એમ એનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો.

આવી હરિફાઈ અને સેવાની ધગશ તમને બીજે ક્યાં જોવા મળે? આ નિર્દોષ બાળકો પાસે આપણે બીજું કશું નહિ તો સેવાની ભાવના તો શીખી જ શકીએ!

ઈસ્માઈલના ગાલ પર આંસુ અને હાસ્યનો  એ અનુપમ નજારો આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાનો મારો ઉત્સાહ હમેશ જીવંત રાખતાં. કેવું અનોખુ છે આ બાળપણ !!

રોજની આ અનોખા બાળકોની મસ્તી અને એમનો વિશ્વાસ એમની માનસિક વિકલાંગતાને ભુલવી મારામાં વધુ શક્તિ અને વહાલનો સંચાર કરતાં.

ઈશ્વરને એ જ પ્રાર્થના કે ઈસ્માઈલ અને એના જેવા બાળકોની નિર્દોષતા હમેશ બરકરાર રહે અને જગમાં મૈત્રી અને પ્રેમભાવના પાંગરતી રહે.


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com