મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
માણસને હવા, પાણી રોટી, કપડા, મકાન વગેરેની જરૂર છે તેવી જ રીતે પ્રશંસા પણ તેની મૂળભૂત જરૂરિયાત છે. મને તો લાગે છે કે માણસની ઉદરપુર્તિ ઇત્યાદિ પ્રવૃતિ સિવાયની તમામ પ્રવૃતિ પ્રસંશા કરવા કે મેળવવા માટે જ થતી હોય છે. કદાચ આ લેખ પણ એ હેતુથી જ લખાઈ રહ્યો છે.
જૂના વખતમાં ગામડામાં “જોષી મહારાજ આવ્યા છે, જોષ જોવરાવો” ફેરિયાની જેમ બૂમ પડતા જોષીઓ (હા જોષીઓ જ, ગોલ્ડ મેડાલિસ્ટ જ્યોતિષિઓ તો પછીથી આવ્યા) લગભગ બધી જ મહિલાનું એકસરખું ‘જોષ’ જોતા. “બોન, તમે કુટુંબ માટે આખો દિવસ ઢસરડો કરો છો, પરંતુ તમારા ભાગ્યમાં જશ નથી.” જોષીનું આ વચન દરેક મહિલાને સો ટકા સાચું લાગતું. તેનું મુખ્ય કારણ એ હતું કે જેમ મહિલાઓને ખાવાપીવા તથા પહેરવાઓઢવાની બાબતોમાં અન્યાય થતો, તેવી જ રીતે તેમણે કરેલા કાર્યની પ્રસંશા (કદર)કરવામાં પણ અન્યાય થતો.
પેલી જાણીતી વાર્તા મુજબ ચાંચમાં પૂરી લઈને ઝાડ પર બેઠેલા કાગડાના વખાણ કરીને શિયાળે તેને છેતરીને પૂરી પડાવી લીધી હતી. એથી આપણે કાગડાને મૂર્ખ માનવા પ્રેરાઈએ છીએ. પરંતુ આપણે કોઈએ વિચાર ન કર્યો કે કાગડા જેવું ચતુર પક્ષી એમ સહેજમાં કેમ છેતરાઈ જાય? પોતાની કોઈ પેઢીએ કદી પણ સાંભળ્યા ન હતા એવા પોતાના રૂપ, રંગ કે અવાજના વખાણ માણવા માટે એકાદ પૂરી આપવી પડે તો એ સોદો કાગડાને સસ્તો લાગ્યો હશે. તેણે વિચાર્યું હશે કે પૂરી તો બીજી ગમે ત્યાંથી મળી જશે, પરંતુ પ્રશંસા મેળવવાનો મોકો તો યુગાંતરે જ મળી શકે!
કહેવત છે કે વખાણ વહુ કરતા પણ વહાલા હોય છે. આમ પ્રશંસા દરેક ને ગમતી હોય છે. કહેવાની જરૂર નથી કે ખુદ ખુદા પણ તેમાં અપવાદ નથી. કદાચ એમ પણ કહી શકાય કે પ્રસંશા ની સૌથી વધારે જરૂર ભગવાનને જ છે. લોકોએ જુદા જુદા સંપ્રદાયો સ્થાપ્યા તેનો હેતુ ઇશ્વરની પ્રશંસામાં વૈવિધ્ય લાવવાનો જ છે. આપણે જેને ભક્તિ કહીએ છીએ તેમાં જે પ્રાર્થના, ઇબાદત કે સ્તુતિ કરીએ છીએ તે બીજું કશું નથી પણ ઇશ્વર કે અલ્લાને પરમ કૃપાળુ દીનદયાળ સર્વશક્તિમન કે અન્ય ગુણધારક વગેરે કહીને તેમની પ્રસંશા જ છે. આ રીતે પ્રસંશા કરીને પછી આપણી માગણી રજૂ કરીએ છીએ. રાજાશાહીમાં પણ રાજાના દરબારમાં રાજાને પરદુ:ખભંજન કે એવા કોઇ વિશેષ ગુણોથી નવાજીને જ પોતાની માગણી રજૂ કરવાનો ચાલ હતો.
આધુનિક લોકશાહીમાં રાજકારણમાં આગળ આવવા માટે મોટા નેતાની પ્રસંશાથી શરૂઆત કરવી પડે છે. અજ્ઞાની લોકો આને ખુશામત કરવી કે મસ્કો મારવો કહીને ભલે પ્રસંશાનુ અવમૂલ્યન કરતા હોય, પણ રાજકારણની સીડી ચડવા માટે તે આવશ્યક પગથિયું છે. માત્ર રાજકારણ જ શા માટે? ધર્મકારણમાં ગુરુગાદી માટે કે નોકરીમાં પ્રમોશન મેળવવા માટે જરૂરિયાત મુજબ પ્રશંસા કરવી આવશ્યક છે.
વાત સાચી છે કે પ્રસંશા અને ખુશામતમાં તફાવત છે. પરંતુ જો કલાકાર કુશળ હોય તો ખુશામત પણ પ્રશંસા જ ભાસે છે. માત્ર ખુશામત જ નહિ પરંતુ કોઇને કશીક ટકોર પણ એવી રીતે કરી શકાય છે કે તેને પ્રશંસા કરી તેમ લાગે. જાણવા મળ્યું છે કે નાગરો આ બાબતે નિષ્ણાત હોય છે. કોઇ સબંધી કે મિત્રના ઘરે નાગર જાય અને તે વ્યક્તિ ઘર બંધ કરીને બહાર ગઈ હોય તો નાગર બચ્ચો એમ નથી કહેતો કે ભાઈ, હું આવ્યો ત્યારે તમે ઘરે ન હતા. પરંતુ તેને બદલે કહે છે “ભાઈ તમે તાળું સરસ વાપરો છો!”

‘કીડીને કણ અને હાથીને મણ’ એ ઉક્તિ માણસની પ્રશંસાની જરૂરિયાત બાબતે પણ સાચી છે. આર્થિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય રીતે માણસ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેની પ્રશંસા માટેની ભૂખ વધતી જાય છે. જૂના વખતમાં રાજાઓ પોતાનાં યશોગાન માટે રાજદરબારમાં કવિઓની ભરતી કરતા. હાલના સમયમાં આ કામ છાપાના કોલમિસ્ટો કે ટિવીના એંકરોએ ઉપાડી લીધું છે.
આમ છતાં જેમ નાણા કે ચીજવસ્તુ બાબતે લોભિયા માણસો હોય છે તેમ પ્રશંસા માટેના કરકસરિયા અને લોભી લોકો હોય જ છે. સાહિત્યમાં કેટલાક વિવેચકો એવા હોય છે જે ભાગ્યે જ કોઇની કૃતિની પ્રશંસા કરે છે. સર્જકો તેમને દુરાધ્ય કહેતા હોય છે. વર્ષો પહેલા કવિ દલપતરામે પેલા શરણાઇ વગાડનારાને ભેટેલા કંજુસ શેઠની વાત કરી છે. તે શેઠની ઉક્તિ ખૂબ જ જાણીતી છે. “પોલું હતું તો વાગ્યું, સાંબેલુ વગાડ તો જાણું શાણો” આમ કહેવા પાછળ શેઠનો હેતું શરણાઇવાળને બક્ષીસ આપવાનું ટાળવાનો હતો. આ રીતે તેમણે પ્રશંસાની કરકસર કરીને નાણાની પણ બચત કરી લીધી.
માણસને કોઇ વણમાગી સલાહ આપે તે પસંદ નથી હોતું પરંતુ પોતાનો અણગમો વ્યકત કરાતો નથી. પ્રશંસા બાબતે વાત એકદમ વિપરીત હોય છે. પોતાના વખાણ ખૂબ જ ગમતા હોવા છતાં, તેનો આનંદ વ્યકત કરાતો નથી. પેલાં ફિલ્મી ગીતની પંક્તિ “હોઠો પે તો ‘ના’ થી મગર દિલમે ‘હા’ થી” એ પ્રશંસા મેળવનારને પણ લાગુ પડે છે. કેટલીક વખત જેમની પ્રશંસા કરવામાં આવે તે અતિ નમ્ર બની ગયાનો અભિનય કરતા હોય છે. આથી પ્રશંસા કરનારે સમજી લેવું જોઇએ કે પેલી વ્યક્તિ વધુ પ્રશંસા પ્રાપ્ત કરવા માટે ‘દુબારા, દુબારા’ એમ કહી રહી છે.
કેટલાક લોકો પ્રશંસા માટે આત્મનિર્ભર હોય છે. તેમનું પહેલું વાક્ય હોય છે. “હું મારા વખાણ નથી કરતો” ત્યાર પછીની તેમની બધી જ કથા પોતે મેળવેલી કે કાલ્પનિક સિદ્ધિઓથી ભરેલી હોય છે.
કેટલાક લોકોને પ્રશંસા સાંભળવાનું વ્યસન થઈ જાય છે. જેમ ચા પીધા વિનાની સવાર એ સવાર નથી કહેવાતી તેમ તેઓને પોતાની પ્રશંસા સાંભળ્યા વિનાનો દિવસ સાચો દિવસ લાગતો નથી. પરંતુ ભગવાન જેમ બધાને સવારે ભૂખ્યા ઊઠાડે છે પણ કોઈને ભૂખ્યા સૂવા દેતો નથી, તેમ પ્રશંસાના વ્યસનીઓને પણ કોઇ ને કોઇ મળી રહે છે.
પ્રશંસા પ્રાપ્ત કરનારે પ્રશંસકનો હેતુ જાણી લેવો જોઈએ. ભગવાન શિવ તેમની સ્તુતિ કરનાર ભસ્માસુરનો હેતુ જાણી ન શકયા તેથી મુશ્કેલીમાં મૂકાયાની કથા જાણીતી છે જ.
સુજ્ઞ વાચકો જાણે જ છે કે માણસને કોઇ સારા કાર્યને પ્રોત્સાહન આપવા માટે તેના યોગ્ય પ્રમાણમાં વખાણ કરવા જ જોઇએ. પ્રશંસા તેને માટે ઉદદીપકનું કામ કરે છે. આથી જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય પ્રમાણમાં પ્રશંસા કરવી જ જોઇએ. આપણી આસપાસની વ્યક્તિઓ સાથેના સબંધોમાં ઉષ્મા આણવાનો આ પણ એક માર્ગ છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

ખુબ સરસ.
LikeLike