(૧) ગઝલ
પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ.
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી -જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઈશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઈ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે
વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઈને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે
દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઈ ગઈ, બે અને બે ચાર જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાંના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે
(૨) અમે રે સૂકું રૂનું પૂમડું
– મકરંદ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના
