અવલોકન
– સુરેશ જાની
બીગ બેન્ગની ઘટના ઘટી ગયે, કરોડો વર્ષો વીતી ગયાં હતાં. બળબળતા વાયુઓના અતિ પ્રચંડ સમૂહો તીવ્ર વેગે દૂર અને દૂર ફંગોળાતા રહ્યા. પણ ગુરુત્વાકર્ષણના બળે, નજીકની મતા ભેગી પણ થતી ગઈ. જેમ જેમ આ ભેગી થતી મતા નજીક ને નજીક આવતી ગઈ; તેમ તેમ તેમનો નજીક આવવાનો વેગ પણ વધતો ગયો. અને વળી પાછું દ્રવ્ય ઘનીભૂત થતું ગયું. તારાઓ અસ્તિત્વમાં આવ્યા.
આવો એક તારો તે આપણો સૂર્ય.
એની આજુબાજુ ઠેર ઠેર વેરાયેલા આવા સમૂહો અત્યંત નાના હોવાને કારણે જલદી ઠરી ગયા અને બધા ગ્રહો સર્જાયા. સૂર્યની બહુ નજીક હોવા છતાં પોતાના પ્રચંડ વેગને કારણે એ સૂર્યમાં ન સમાયા પણ એની આસપાસ ઘૂમતા રહ્યા. સૂર્યમાળાના મણકા જેવા એ ગ્રહો, અને એમાંની એક તે આપણી ધરતી.
એનાથી નાના દ્રવ્યકણો તે ઉપગ્રહો, એ ગ્રહોની આજુબાજુ ફરવા લાગ્યા. ધરતીની સાવ નજીક હોવાને કારણે એની આજુબાજુ ફરતો બની ગયો તે આપણો ચન્દ્ર.
અને સૌથી નાના બાળકો એટલે ગુરુ અને મંગળના ગ્રહની વચ્ચે ફરતી રહેલી, ઓરડાની ફર્શ પરની ધૂળ જેવી ઉલ્કાઓ – કોઈક મોટી તો કોઈક નાની. એ રજકણોની સતત વર્ષા બધા ગ્રહો પર અને ધરતી પર થતી જ રહે.
પણ આજે જે ઘટનાની વાત કરવાની છે તે ઘટી હતી – સાડા છ કરોડ વર્ષ પહેલાં.

એ જમાનામાં ધરતી પર અલગ અલગ ખંડો ન હતા. એક મોટો જમીનનો સમૂહ હતો – ગોન્ડવાના લેન્ડ. તેની આજુબાજુના ખાડામાં ઠંડી થયેલી વરાળમાંથી બનેલા પાણીનો બહુ મોટો સમૂહ હતો – એક જ પ્રચંડ મહાસાગર. એ ધરતી પર અને એ મહાસાગરમાં પ્રચંડકાય ડિનોસોર મહાલતાં હતાં. જાતજાતનાં અને ભાતભાતનાં – કોઈ વનસ્પતિ આહારી તો કોઈ માંસાહારી. એમના કદને અનુરૂપ, પ્રચંડ કદવાળાં વૃક્ષોનાં જંગલો પણ સમસ્ત ધરતી પર હતાં. આ ચિત્રવિચિત્ર દુનિયાનો વ્યવહાર એમના રાબેતા મુજબ – અત્યારે ચાલતા, આપણા રાબેતા મુજબના જીવન કરતાં સાવ જુદી જ રીતે – ચાલી રહ્યો હતો જુરાસિક પછીના ક્રિટેશિયસ યુગની સંધ્યાનો એ અંતિમ તબક્કો હતો.
પણ એ રાબેતા મુજબના જગતમાં એક અવનવી ઉષા ઊગવાની ઘડીઓ ગણાઈ રહી હતી.( અલબત્ત, એવી ગણતરી કરનાર કોઈ જણ ત્યાં હાજર ન હતો – એ અલગ બાબત છે!)
કોઈક ધૂમકેતુ સૂર્યની નજીક આવવાના કારણે, મસમોટી કોઈ એક ઉલ્કાની ગતિ બદલાઈ ગઈ અને તે થોડીક પૃથ્વીની નજીક સરકી. પછી તો તે સરકતી જ ગઈ; સરકતી જ ગઈ. જેમ નજીક આવતી ગઈ તેમ પ્રૂથ્વીના આકર્ષણના કારણે તેનો વેગ વધવા માંડ્યો. ધરતીમાતા હવે તેને પોતાની ગોદમાં લેવા આતુર હતી ને!

ધરતી કરતાં આમ તો તે ઉલ્કા સાવ નાનકડી જ હતી. માંડ ૬ માઈલના વ્યાસ વાળી – વજન માત્ર દસ લાખ ટન! જો થોડેક દૂર રહી હોત તો, પૃથ્વીથી આજુબાજુ સૂર્યમાળાના એક રજકણની જેમ ફરતી રહી હોત. પણ ભવિતવ્ય કાંઈક અલગ જ હતું. આ માયા ય માળી ધરતીમાં સમાઈ જવા આતુર હતી ને?!
અંધારઘેરી એ રાત હતી. ઈવડી એ ઉલ્કા કલાકના ૭૦૦૦ માઈલની ઝડપે ગોન્ડવાના લેન્ડ ઉપર ખાબકી.
નોંધી લો કે, એક ટન વજનની કાર એક શીલા સાથે કલાકના ૬૦ માઈલની ઝડપે અથડાય તો એના અને એ શીલાના ભુક્કા જ બોલી જાય. કલાકના ૬૦૦ માઈલની ઝડપે અથડાય તો, તે આગનો ગોળો બની જાય અને એ આગમાં ઓગળેલો લોખંડનો ગોળો બની જાય. પેલી શીલા પર તો નાનો અમથો ગોબો પડે એટલું જ. જો કલાકના ૬૦૦૦ માઈલની ઝડપે અથડાય તો?આખી શીલાના ભુક્કે ભુક્કા બોલી જાય અને તે બળવા લાગે!
પણ આ તો દસ લાખ ટન વજનની ઉલ્કા અને કલાકના ૭૦૦૦ માઈલની ઝડપ! અને એ તો પૂરા જોરથી ધરતી પર ખાબકી હોં! મધરાતે સો સો સૂર્ય ઝળહળી રહ્યા હોય એટલું અજવાળું થઈ ગયું. બળબળતી એ ઉલ્કા સેકન્ડના કંઈ કેટલાય માઈલની ઝડપે ધરતીની અંદર સમાઈ ગઈ – બહુ જ ઊંડે ને ઊંડે. ધરતીના પડને ચીરીને ધગધગતા લાવાની અંદર એ તો ખાબકી.
ખર્વોના ખર્વોની સંખ્યામાં ફટાકડા ફૂટતા હોય એમ, સેંકડો જ્વાળામુખીઓ ભભૂકી ઊઠ્યા. ધરતીના ટુકડે ટુકડા થઈ ગયા. મહાસાગરનાં પાણી ધગધગતી વરાળ બનવા માંડ્યા અને આખા પર્યાવરણમાં ફેલાવા માંડ્યા. ધરતીમાંથી નીકળેલી લાવારસની જ્વાળા પણ આની હોડ બકતી ચોગમ ફેલાવા લાગી.
આ બે બળબળતી માયાઓ વચ્ચેનું તુમુલ યુધ્ધ, વર્ષો સુધી જારી રહ્યું. બળબળતા અગ્નિ અને વરાળનું આ મહાવાદળ ધરતીને વીંટળાઈને પર્યાવરણની બહારની સપાટી સુધી પહોંચી ગયું, અને ત્યાં પહોંચતાની સાથે જ શૂન્યાવકાશની અત્યંત ઠંડીથી ઠરવા માંડ્યું.
અને ધરતી ઉપર શી હાલત હતી? બળબળતી ગરમી અને કરોડો તીવ્ર માત્રાના ધરતીકંપોનાં સતત જારી રહેતા આંચકાઓ વચ્ચે જંગલો અને પ્રાણીઓ બળીને ભસ્મ થઈ ગયા. પૃથ્વી પરનો પ્રાણવાયુ એમને બાળવા માટે પુરતો ન હતો. અબજો પ્રાણીઓનાં ભડથું થઈ ગયેલાં ખોળિયાં અને કાળા ભંઠ કોલસા બની ગયેલાં જંગલો, ધૂળ અને ખડકોના ઢગલે ઢગલા. બળબળતા વાયરાની સંગાથે આ બધાનાં ચક્રવાત અને પ્રતિચક્રવાત. એક જગ્યાએ નહીં – ઠેર ઠેર. આપણે કદી ન જોયા હોય , તેવા પ્રલયની એ ઘટના હજારો વર્ષો સુધી ચાલુ રહી.
ધરતી પરનું અને વાતાવરણનું આ એ પ્રચંડ તાંડવ ધીમે ધીમે શમવા લાગ્યું. ઘટાટોપ ધૂળ અને પાણીની બાષ્પનાં વાદળો ટુકડે ટુકડા થઈ ગયેલી ધરતી પર છવાઈ ગયાં. ધુળની સાથે લાવામાંથી નીકળેલો સલ્ફર પણ હતો જ ને? એસીડની વર્ષા રહી સહી જીવસૃષ્ટિનું નિકંદન સતત થતું રહ્યું. પ્રચંડ ઉષ્ણતામાનનું સ્થાન હવે ભયાનક ઠંડી લેવા માંડી. સમસ્ત ધરતી પર બરફ છવાઈ ગયો. ( Ice age)
સેંકડો વર્ષોની ઠંડી અને અંધારથી ભરેલી એ ઘેરી રાત હતી. કોઈ જીવ કે વનસ્પતિનું અસ્તિત્વ શક્ય જ ન હતું. એ બધી સલ્તનતો નષ્ટપ્રાય થઈ ચૂકી હતી. ધરતીના ગર્ભમાં એક નવી જ સૃષ્ટિ આકાર લઈ રહી હતી. એક નવી જ શક્યતાના બીજનું સેવન કરીને ધરતી ઠંડીગાર બનીને ચુપચાપ સૂતી રહી.
એક નવા યુગની ઉષા, સુર્યના કિરણોથી એ બીજને સેવવા, પોતાના પ્રસવની પ્રતીક્ષા કરી રહી હતી.
——————————————
અપ્રતિમ, અભુતપૂર્વ, ન ભૂતો ન ભવિષ્યતિ એવો એ ઉલ્કાપાત. પરિવર્તન – પ્રચંડ પરિવર્તન. પણ બીગ બેન્ગની તુલનામાં? એક રજકણ જેવી ધરતી ઉપર હવાની લ્હેરખી માત્ર લહેરાઈ હતી! સમગ્ર સમષ્ટિના સ્થળ અને સમયના પરિમાણના પરિપ્રેક્ષ્યમાં, ક્ષણાર્ધનાય સાવ નાનકડા ભાગ જેવી એક પળ માટે, એક નાનકડી રજકણે પોતાનાથી અત્યંત નાના પાવડરની કણી સાથે સાવ નાનકડો આશ્લેષ અનુભવ્યો હતો!
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
