દીપક ધોળકિયા
ગદરના વીરો (૨) થી આગળ
કામાગાટા મારૂ જહાજની ઐતિહાસિક ઘટના
કામાગાટા મારૂ જહાજની ઘટનાને ગદર પાર્ટીની આઝાદીની હાકલ સીધો કોઈ જ સંબંધ નહોતો પણ એ ગદર સાથે અને દેશની આઝાદીના સંગ્રામ સાથે એવી વણાઈ ગઈ છે કે જાણે એ ઘટના એનો ભાગ હોય. બ્રિટિશ વસાહતોમાં હિન્દીઓ સાથે જે વર્તાવ થતો હતો તેને કારણે ગદરની આગ ભડકી હતી અને કામાગાટા મારૂ જહાજ પણ વસાહતોના શાસકોની એ જ નીતિઓનો ભોગ બન્યું હતું.
આપણે જોયું કે ૧૮૭૯માં કૅનેડા બ્રિટનની કૉલોનીમાંથી ડોમિનિયન રાજ્ય બન્યું તે સાથે એના આંતરિક વ્યવહાર માટેના કાયદા બનાવવાની સત્તા એના હાથમાં આવી. બ્રિટિશ સામ્રાજ્યનો કોઈ પણ નાગરિક એની કોઈ પણ વસાહતમાં વસી શકે એવો કાયદો હતો પણ કેનેડાએ નવો કાયદો બનાવ્યો કે બ્રિટિશ વસાહતમાંથી કોઈ આવતો હોય તેની મુસાફરીની ટિકિટ સીધી હોવી જોઈએ. એશિયનો માટે આ શક્ય નહોતું. જહાજ ઈંધણ ભરવા માટે માર્ગમાં કોઈ બંદરે રોકાયું હોય તો એ સીધી મુસાફરી નહોતી ગણાતી.
સરદાર ગુરદિત્તા સિંઘ
આમાં એક સાહસિક કોંટ્રૅક્ટર સરદાર ગુરદિત્તા સિઘે હિંમત કરી. એના માટે તો એ ધંધો હતો. ઘણી તપાસ પછી એને હોંગકોંગનું જહાજ કામાગાટા મારૂ મળ્યું. જહાજ કલકત્તાથી સીધા કૅનેડા જઈ શકતું હતું પણ બ્રિટિશ સરકારે એમ ન થવા દીધું. ગુરદિત્તા સિંઘ ફરી હોંગકોંગ ગયો, ત્યાંથી મુસાફરો લીધા, શાંગહાઈથી પણ મુસાફરો ચડ્યા. જાપાનના મોજો બંદરેથી પણ મુસાફર મળ્યા. આમ જહાજ સીધું તો જતું નહોતું!
કૅનેડા સરકારે આની સામે પૂરી તૈયારી કરી લીધી. ૨૩મી મેના રોજ જહાજ વૅનકુવર પહોંચ્યું ત્યારે કૅનેડાના પોલીસ દળે એને ઘેરી લીધું અને મુસાફરોને બંદરે ઊતરવા ન દીધા. હિન્દુસ્તાનીઓને ઊતરવા નથી દીધા તે જાણીને ધક્કા પર સ્થાનિક લોકોની ભીડ પણ તમાશો જોવા ઊમટી પડી.

જહાજ પર અનાજપાણી ખૂટવા આવ્યાં ત્યારે ગુરદિત્તા સિંઘે ઇંગ્લૅન્ડની રાણીને તાર મોકલીને જાણ કરી. બ્રિટન સરકારની દરમિયાનગીરીથી કેનેડા સરકારે ખાધાખોરાકીનો સામાન તો મોકલી આપ્યો પરંતુ બ્રિટિશ સરકાર મુસાફરોને ઊતરવા દેવા માટે વચ્ચે પડવા નહોતી માગતી.
આ જ વખતે જહાજના ભાડાનો ૨૨ હજાર ડૉલરનો ત્રીજો હપ્તો ભરવાનો સમય પણ થઈ ગયો. આના પર વિચાર કરવા ગુરુદ્વારામાં સાતસો હિન્દુસ્તાનીઓની મીટિંગ મળી તેમાં ભાઈ બલવંત સિંઘ અને શેઠ હસન રહીમની અપીલને જબ્બર આવકાર મળ્યો અને ૬૦ હજાર ડૉલર એકઠા થયા. એમાંથી ચડત હપ્તો ચુકવાઈ ગયો અને સરદાર ભાગ સિંઘ અને હસન રહીમના નામે નવો લીઝ કરાર થયો. હવે જહાજ કેનેડાના નાગરિકોનું થઈ ગયું એટલે અનાજપાણી પહોંચાડવાનું પણ શરૂ થઈ ગયું. આમ છતાં કૅનેડા સરકાર મુસાફરોને આવવા દેવા માટે તૈયાર ન જ થઈ.
નફાનુકસાનનો હિસાબ?
પરંતુ હવે નવો ફણગો ફૂટ્યો. નવા લીઝધારકોએ ગુરદિત્તા સિંઘ પાસે બધો હિસાબ માગ્યો કારણ કે હવે નફાનુકસાનમાં એમનો પણ ભાગ હતો. જહાજના મુસાફરોને ઉતારવાનું આંદોલન પણ ચાલતું જ હતું તે વચ્ચેથી ગુરદિત્તા સિંઘે વૅનકુવરથી પાછા હોંગકોંગ જવાના ઇરાદાની સરકારને જાણ કરી દીધી. નવા લીઝધારકોના ૨૨ હજાર ડૉલર પણ ડૂબતા હતા, એ સ્થિતિમાં એ ખાધાખોરાકીમાં પૈસા ખર્ચવા તૈયાર નહોતા. બ્રિટનની દરમિયાનગીરી પછી કૅનેડા સરકાર ચાર હજાર ડૉલર આપવા તૈયાર થઈ અને જુલાઈની અધવચ્ચમાં કામાગાટા મારૂને પાછા જવાની પરવાનગી મળી.
ગુરદિત્તા સિંઘ વિરુદ્ધ મુસાફરોનો બળવો
ખાધાખોરાકી લઈને પાછા જવાનો નિર્ણય મુસાફરોને પસંદ ન આવ્યો. મુસાફરો પણ તૈયાર હતા. એમણે જહાજ પર જે હાથે ચડ્યું તે – મશીનોના તૂટેલા ભાગ, વાંસના દંડા, સળિયા બધું એકઠું કરી લીધું. અને ગુરદિત્તા સિંઘ અને એના કર્મચારીઓને એમણે રૂમોમાં પૂરી દીધા.
૧૯મી જુલાઈની સવારે ૨૫૦ હથિયારધારી પોલીસો એક ટગ(Tug – જહાજોને ખેંચીને કિનારે લાંગરવા માટે લઈ જતું મોટું જહાજ)માં કામાગાટા મારૂની લગોલગ આવી પહોંચ્યા. એમણે દોરડાથી ટગને જહાજ સાથે જોડી કે તરત જ મુસાફરોએ દોરડું કાપી નાખ્યું. હવે ટગ પરથી ગરમ વરાળ પાઇપ વાટે જહાજ પર છોડવામાં આવી કે જેથી મુસાફરો દૂર ભાગી જાય. પોલીસો સીડીઓ ગોઠવીને ચડવા લાગ્યા તો ઉપરથી મુસાફરો એમને નીચે પટકવા લાગ્યા. મુસાફરોમાં એક પણ નાની મોટી ઈજાથી બચ્યો નહોતો. પરંતુ છેવટે પોલીસો જહાજ ઉપર પહોંચી ન શક્યા અને ટગ હટી ગઈ.

બીજી વારના હુમલામાં કૅનેડાના સત્તાવાળાઓએ કામાગાટા મારૂની લગોલગ એક યુદ્ધ જહાજ લાવી દીધું અને ગોળા છોડવાની ધમકી આપી. પરંતુ બ્રિટનની સામ્રાજ્યવાદી સરકાર ખૂનખરાબીની હદ સુધી જવા તૈયાર નહોતી. એના દબાણથી કેનેડાની સરકાર કામાગાટા મારૂ વૅનકુવર છોડી દે તો એને ખાધાખોરાકી પહોંચાડવા સંમત થઈ. અંતે ૨૩મી જુલાઈએ જહાજે વૅનકુવર છોડ્યું અને ભારત તરફ આવવા નીકળી પડ્યું.
ત્યાંથી કામાગાટા મારૂ જાપાનમાં યોકોહામા બંદરે પહોંચ્યું. પણ આગળ હોંગકોંગ સરકારે જહાજને હોંગકોંગમાં રોકાવાની પરવાનગી ન આપી આ તબક્કે જાપાનમાં મુસાફરો ગદર પાર્ટીના સીધા સંપર્કમાં આવ્યા. આમ તો જહાજને વૅનકુવરમાં ચાર મહિના પડી રહેવું પડ્યું ત્યારે જ ગદર પાર્ટીવાળા એમને ઘણી રીતે મદદ કરતા હતા અને લોટની ગૂણોમાં છુપાવીને પાર્ટીના અખબારની નકલો પણ પહોંચાડતા હતા. પરંતુ તેઓ મળી નહોતા શકતા. હવે યોકોહામામાં તો એવું કોઈ બંધન નહોતું એટલે ગદર પાર્ટીના જાપાનમાં કામ કરતા નેતાઓ, ભાઈ હરનામ સિંઘ અને મૌલાના બરકતુલ્લાહ જહાજમાં આવતા, મુસાફરોને મળતા અને અંગ્રેજ હકુમતને જડમૂળથી ઉખાડી ફેંકવા લલકારતા.
ભારતમાં બળવાની તૈયારી
દરમિયાન જહાજના માલિકો વચ્ચે પડ્યા અને એમણે જહાજને કોબે લઈ જવાનો હુકમ કર્યો. કોબેમાં પણ ગદર પાર્ટીના નેતાઓ તોતી રામ મનસુખાની અને જવાહર લાલે મુસાફરોનું ભવ્ય સ્વાગત કર્યું. બન્ને નેતાઓ બધાને લઈને અંગ્રેજ રાજદૂતની કચેરીએ ગયા. રાજદૂતે એમની વાત માનીને ભારતમાં અંગ્રેજ સરકારને મુસાફરો માટે ૧૯ હજાર યેન આપવાની ભલામણ કરી કે જેથી એમને સીધા કલકત્તા પહોંચાડી શકાય. સરકાર માની ગઈ, જહાજને ૧૯ હજાર યેન આપી દેવાયા પણ કલકત્તાને બદલે મદ્રાસ જવાનો હુકમ મળ્યો. મુસાફરો કલકત્તા જ જવા માગતા હતા. અંતે સરકારે કલકત્તા લાંગરવાની પરવાનગી આપી દીધી.
ફુટબૉલની જેમ સરકારો વચ્ચે આથડતાંકુટાતાં કામાગાટા મારુ છેવટે ૨૬મી સપ્ટેમ્બરે હુગલીમાં કાલપી નામના બંદરે પહોંચ્યું અને એને ત્યાં જ રોકી દેવાયું. મુસાફરોને આ કારણે શંકા પડી કે સરકારની દાનત સાફ નથી. મુસાફરોની શંકા આધાર વિનાની નહોતી.
આગળ શું થયું તે આવતા અંકમાં.
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
