વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી
બૂઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવી
મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ ?
જેના પર એ મુકે આંગળી બત્તી ધરતું લાલ .
કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી,
થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયો તો ક્યાંથી ?
યાદ રાખતો નથી એટલું કેવો પી.એ. તું ?
એમ પુછુ છું અત્યારે હું કયા પક્ષમાં છું ?
એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશું
રાજ મળે તો ઠીક નહિતર ટેકા વેચી ખાશું .
તું ક્યે છે તો આ ચૂંટણીમાં લે ઉભો રયો હું
પણ ધારો કે જીતી ગ્યો તો ત્યાં કરવાનું શું ?
અભિનંદન બભિનંદનને તો હમણાં ટાંગો ભીંતે
પ્હેલા ઈ તો ગોતી કાઢો જીતી ગ્યા કઈ રીતે ?
