(૧)

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશાં મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

(૨)

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

ખલીલ ધનતેજવી