કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
[કૃષિવિકાસ મંડળ માંહેનો એક ચર્ચિત વિષય ]
[દર મહીનાના છેલ્લા બુધવારે મળતી મંડળની બેઠક ઉગામેડી ગામના શ્રી દેવરાજભાઇ ગઢિયાની વાડીએ મળી હતી. વિષય નિષ્ણાત તરીકે સુરતથી ડાયમંડ એસોસીએશનના માજી ચેરમેન અને પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર શ્રી રામજીભાઇ ઇંટાળિયાનું આજે સાંનિધ્ય સાંપડ્યું હતું. વીસેક ગામમાંથી પધારેલા સોએક ખેડૂતોના આવી ગયા પછી સભાના આરંભે મેં સૌને આવકાર્યા]
“મિત્રો ! કૃષિવિકાસ મંડળની આપણી આજની મીટીંગમાં આપણા આમંત્રણને માન આપી, પોતાના અગણિત રોકાણોમાંથી ખાસ સમય ફાળવી આપણને માર્ગદર્શન પૂરું પાડવા આ.શ્રી રામજીભાઇ ઇંટાળિયા આપણી વચ્ચે પધારી આપણને સૌને ઉપકારી બનાવ્યા છે. મિત્રો ! સચ્ચાઇ અને ખંત જેમનાં હાડેહાડમાં વણાએલાં છે એવા શ્રીરામજીભાઇ અંધશ્રધ્ધા, કુરિવાજો, જ્યોતીષ અને કર્મકાંડો વગેરેના સખત વિરોધી છે. ભાંગ્યાના ભેરુ એવા તેમણે કરેલાં કામો ગણાવું તો ગારિયાધારની માંદી પડેલી બી.બી હોસ્પિટાલને કામ કરતી બનાવી હતી. બીજું, રાજસ્થાન-પાવાપૂરીની જૈનોની અતિ વિશાળ ગૌશાળાને સંભાળી લઈ જીવંતતા બક્ષી દીધી હતી. અરે, કચ્છના ગોજારા ધરતીકંપે ભાંગી પડેલ ગામડાંઓને બેઠા કરવાની પીડાએ રામજીભાઇના હૈયાને હલબલાવી નાખ્યું. અને પ્રશ્ન હાથમાં લઈ પોતાના આંતરસૂઝ અને કાર્યનિષ્ઠાના બળે એને નિપટાવ્યો હતો.. મહેનતકશ પટેલોમાંના સેવાભાવી યુવાનોને આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. કેડરના પ્રામાણિક અધિકારીઓ રૂપે તૈયાર કરવા માટે આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. અને એવાં બીજાં સમાજ ઉપયોગી અગણિત કાર્યો તેમના દ્વારા થઈ રહ્યાં છે. તેઓનુ ભાવભીનું સ્વાગત કરું છું અને સમાજમાં જે શુભ-અશુભ, શુકન-અપશુકન જેવા પ્રસરી રહેલા ખ્યાલો વિશે આપણા સવાલો પર સાચું માર્ગદર્શન આપે એવી વિનંતી કરું છું.”
રામજીભાઈએ સૌને સત્કારી પોતાની ખુશી વ્યક્ત કરી મૂળ વિષયને ઉપાડ્યો. ”તો ભાઇઓ, પૂછો, શું પૂછવું છે ?”
મંડળના સભ્ય શ્રી મહેંદ્રભાઇ ગોટીએ પ્રશ્ન કર્યો, “રામજીભાઈ ! મેં થોડા દિવસો પહેલાં ફૂલછાબમાં શ્રી કૌશિકભાઇ મહેતાના લખાણમાં 13 નો અંક અશુભ છે એ વિશે લોકોમાં પ્રસરી રહેલી ગલત માન્યતા અંગે વાંચેલું. આપના મતે 13 ના અંક વિશે શું કહેવું છે ?”. ““જુઓ ભાઈ ! એકડાથી શરુ કરી ૧૦૦ સુધીના કોઇ અંકમાં શુભ કે અશુભ જેવું કંઇ હોતું નથી. આ બધા અંકોમાંથી કોઇ અંકને વહાલો કે દવલો આપણે જ કલ્પી લીધેલ છે. ઇશુખ્રિસ્તને વધસ્થંભ પર ચડાવવામાં તેનો 13મો શિષ્ય કારણભૂત હતો. તેથી 13 ના આંકડાનું અશુભપણું એ ક્રિશ્ચયનોની ભેટ છે. તમે જુઓ, તેથી જ કેટલાક બહુમાળી મકાનોમાં 13 નંબરનો માળ જ નથી રાખતા. 12 પછી સીધો 14 મો માળ જ આવે. અરે, માળની અંદરની ઓફીસો કે દુકાનોમાં 13 નંબર આપવાનો જ નહીં ! પૂછીએ તો કહેતા હોય છે કે 13 નંબર રાખીએ તો લોકો એને ખરીદવામાં અચકાતા હોય છે, અને માનોકે કોઇ ગ્રાહક ખરીદવા તૈયાર થાય તો ઓછી કીમતે માગતા હોય છે. હવે હું તમને પૂછું કે 13 નો અંક બીજે ક્યાં ક્યાં અશુભ ગણવામાં આવે છે, કોઇ કહેશો ?” રામજીભાઇએ 13 ની અશુભતાના વધુ ઉદાહરણ માગ્યા.
“રમતગમત રમનારા ખેલાડીઓમાં કોઇ 13 નંબરની જર્સી પહેરવા તૈયાર હોતા નથી.” પોપટ્ભાઇએ પોતાની જાણકારી બતાવી.
“ અરે પોપટભાઈ આપણી ભારતીય ટીમનો ખેલાડી મહોમ્મદ સિરાજ 13 નંબરની જર્સી સામેથી માગીને પહેરે છે અને તેનાથી કોઇ ગેરફાયદો તેને થયો જણાયો નથી. એટલે 13 નો અંક અશુભ છે એ માત્ર કેટલાક લોકોનો ભ્રમ છે. બોલો, હવે બીજું કાંઇ ?”
“ અમારા ગામમાં એક હિરાવાળાના દીકરાએ એની બુલેટ મોટરસાયકલ માટે રુ.૫,૦૦૦ ખર્ચીને એને પસંદ એવો નંબર લીધો. આવું કરવા પાછળ એનો કેવો હેતુ હશે ?” ઠાકરશીભાઇએ પોતાના ગામની હકિકત કીધી.
“ઠાકરશીભાઈ ! વધુકુ નાણું ખરચી પોતાને પસંદ એવો નંબર લેવો એ એકજાતની પૈસાની ખુવારી અને પોતાની ગાંડાઇ જ ગણાય. વાહનનો નંબર આર.ટી.ઓ. તરફથી એ વાહનની ઓળખ માટે અપાતો રજીસ્ટેશન નંબર ગણાય. અને એવા નંબરો તો લાખો વાહનોને દેવાતા હોય. એમાં શુભ-અશુભ જેવું કંઇ હોય નહીં. પણ આપણા સમાજમાં ભાત ભાતનું વહેમી માનસ ધરાવતા લોકો છે. તમારી વાતમાં હુંયે સૂર પૂરાવું કે મારી જાણમાં એક જુવાનડો છે કે જે પોતાના અને કુટુંબના સભ્યોના ટુ વ્હીલ અને ફોર વ્હીલ બધાને ચાર અંકોમાંથી પાછલા બે અંકો 97 આવે એવું કરવા આર.ટી.ઓમાં થોડો ખર્ચ કરીને પણ ગોઠવ્યા કરે છે. તમારી વાત સાચી છે. બોલો હવે 13 ની જેમ બીજા કોઇ અંક વિશે આવું છે ?”
“13 ની જેમ 3 નેપણ કેટલાક અશુભ માને છે. એટલે તો સારાકામે બહાર જતા હોઇએ ત્યારે ત્રેખડ-એટલે કે 3 જણે નહીં જવાનું.”
“મનુભાઇની જેમ મારે પણ એમ જ કહેવાનું છે કે અમ ખેડૂતોમાં 3 બળદવાળો અને બે બૈરાવાળો ખેડૂત દુ;ખિયો ગણાય. અરે વા-વંટોળિયાને ગોળચકરડી ફરતો ભાળી જાય તો કહેતા હોય છે કે “જાજે બે બૈરાવાળને ત્યાં”.મનુભાઇની જેમ વાલેરાભાઇએ પણ કહ્યુ.
“સાંભળો મનુભાઇ અને વાલેરાભાઈ ! બળદ ભલે 3 હોય. પણ સાંતીએ કે ગાડે તો એક સાથે બે ને જ જોડવાના હોય ને ? ત્રીજાની
પળોજણ તો વધારાની ખરી. પણ 3 બળદ રાખવામાં ફાયદોયે છે. માનો કે તમારે કોઇ કામ ખૂબ ઉતાવળથી વગર અટક્યે પાર પાડવું છે, તો બપોર વચાળે પોરો દેવાનું બંધ રાખી ત્રણેને વારાફરતી- બે જૂતેલા અને એક ચારો અને પોરો ખાઈ લે- અને કામ ચાલુ જ રહે છે ભાઈ ! ત્રણ બળદનું ત્રેખડ એક બાજુ કપાણ્યવાળું અને બીજી બાજુ લાભદાયી પણ છે. અને બીજી વાત કરી કે બે બૈરાવાળો જણ પણ દુ:ખી દુ:ખી હોય ! એને ઘેર રોજે રોજ કંઇ ને કંઇ કંકાસ રહેતો હોય ! પણ એમાંયે સ્વભાવે સ્વભાવે ફેર હોવાનો. મારી જાણમાં જ છે આ હીરજીભાઇના જૂના ગામ ચોસલામાં પોપટભાઇ ડોબરિયા અને કલ્યાણ ભગત બન્નેને બે બે બૈરાં હતાં પણ તેઓ કાયમ સુખેથી જીંદગી જીવતાં હતાં. બોલો, હવે છે કોઇને પ્રશ્ન?” રામજીભાઇને પણ નતનવા પ્રશ્નોમાં રસ પડ્યે જતો હતો.
“એવું કેમ હશે કે કોઇના લગ્નપ્રસંગમાં ચાંદલો કે હાથગરણું લખાવતી વખતે ૧૦ -૫૦ -૧૦૦ – ૫૦૦ કે ૧૦૦૦ લખાવવાને બદલે ૧૧ -૫૧ -૧૦૧ – ૫૦૧ કે ૧૦૦૧જેવો આંકડો લખાવતા હોય છે?” બાબુભાઇએ સવાલ કર્યો.
“ જુઓ બાબુભાઈ ! એવું કરવા પાછળ એવી માન્યતા રહેલી છે કે છેલ્લે 0 [મીંડું] આવે એ આંકડો શુકનવંતો ન ગણાય, માટે એમાં ૧ નો ઉમેરો કરતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ 0 [મીંડું] તો અતિ કીમતી છે. જે અંકની પછવાડે મીંડું મૂકીએ એ અંકની કીમત દસગણી વધી જાય છે. દા.ત. ૧ ની પાછળ 0 મૂકીએ એટલે ૧ ની કીમત ૧0 થઈ જાય. અને ૧00 ની પાછળ 0 મૂકીએ એટલે ૧000 થઈ જાય. આ 0 અંકને અશુભ કેમ ગણવો, તમે કહેશો કોઇ ?” રામજીભાઇએ સૌને વિચારતા કર્યા.
“રામજીભાઈ ! ચાલુ લગ્નની સીઝનમાં અમારા કુટુંબમાં દીકરીના લગ્નનું મુહૂર્ત જોવરાવ્યું તો વદ-૧૨ [બારશ} નું આવ્યું. અને કંકોત્રી છપાવી તો અંકોમાં ‘૧2’ અને અક્ષરોમાં ‘સાડી અગિયારશ’ એમ છપાવ્યું. આવું કરવું જરૂરી ?” ધીરુભાઇએ પ્રશ્ન કર્યો.
“જૂઓ ધીરુભાઇ ! સામાન્યરીતે બારશના અંકને મુહૂર્ત જોનારા બ્રાહ્મણો વગેરે ઓછો લાભદાયી ગણતા હોય છે. એટલે જેમ કોઇને “સાપ કરડી ગયો” એમ કહીએ એટલે એને સાપનું નામ સાંભળતાં જ ધ્રાસકો પડી જાય, એવું ન થાય માટે “જીવડું અડી ગયું” એમ કહીએ છીએ. જેથી થોડી હળવાશ રહે. એમ “બારશ” બોલ્યા ભેળું બહુ ગમે નહીં-માટે બારશને બદલે “સાડી અગિયારશ” બોલે છે. પણ એથી કોઇ ફેર પડે નહીં, એવું મારું માનવું છે. અને એવી બાબતોમાં તો આપણે બધા બ્રાહ્મણો કહે તેમ જ કરનારા છીએને ? બાકી શુભ કે અશુભ જેવું જેઓ મનના ઢીલા હોય, તેમને જ નડવા કરે. અને શંકાનું કોઇ ઓહડ નથી. એ શંકાનું નિવારણ કરવા ભૂવા અને ભરાડી પાસે જાય,અને વધુ ખુવાર થાય. આ કોઇ સમજણા માણસનું કામ નથી.”
“હું અમારી જ વાત કરું, અમે તો દીકરા દીકરીના લગ્નમાં મુહૂર્ત જોવરાવતા નથી, ચોઘડિયામાંયે માનતા નથી. તમે માનશો ? દીવાળી અને બેસતાવર્ષ વચ્ચે કોઇ કોઇ વરસ એક ઓફ અશુભ દીવસ ધોકાનો આવતો હોય છે. એ ધોકાના દીવસે કોઇ લગ્નનું મુહૂર્ત માગે ? આ તમારી સાથે જે હીરજીભાઇ છે ને તેમના સંયુક્ત કુટુંબમાં એક દીકરાના લગ્ન ધોકાના દીવસે જ ગોઠવ્યા હતા એવી મને જાણ છે. જેથી મંડપમાળણ-રસોયા- લગ્ન માટે સમાજન વાડી વગેરે બધું જ ખાલી હોઇ બધી જ બાબતે ખુબજ અનુકૂળતા રહી હતી. આ બધા તો મનના વહેમ છે, જે એ વહેમને તાબે થાય એને એ નડશે. બાકી નડતાં હોય છે આપણાં અપલખણ જો કોઇ હોય તો !”
“જો ડાબી હથેળીમાં ખજવાળ આવે તો નાણું મળવાની આગાહી અને જમણીમાં આવે તો નાણું ગુમાવવાની આગાહીના એંધાણ ગણાય, એ તો ખરું ને ?“ વહેમ શામજીભાઇનો કેડો છોડતો નહોતો.
“જુઓ શામજીભાઇ ! હથેળીમાં જ નહીં, આપણાં બધાં અંગોમાં ખજવાળ આવતી હોય છે. નાણાની લેવડ-દેવડને અને હાથની ખજવાળને કોઇ લેવા દેવા નથી.”
“ જો ડાબી આંખ ફરકે તો કંઇક સારું બનવાનું અને જમણી ફરકે તો નઠારું બનવાના એંધાણ છે, એવુંયે કહે છે,”
‘તમારું નામ વીરજીભાઇ ને ? તો વીરજીભાઈ ! આપની કઈ આંખ ફૂટે તો સારું અને કઈ આંખ ફૂટે તો નબળું ? ભલા બન્ને આંખો આપણે માટે એટલી જ મહત્વની છે. એમાં કંઇક અંદર સ્નાયુ કે નસમાં હલન ચલન થવા પામી હોય તો આંખ જરા ફરકે અને ઘડીક ફરકીને બંધ થઈ જાય તો સ્વાભાવિક કહેવાય, પણ એકધારી જો ફરક્યા કરે તો તે આંખની કોઇ બીમારી ગણાય. એવું હોય તો તરત જ આંખના ડૉક્ટરની સારવાર લઈ લેવી પડે.”
“રામજીભાઈ ! કોઇનું અવસાન થયું હોય તો ખરખરે જવામાં પણ રવિવાર, મંગળવાર કે બુધવાર-આ ત્રણ વારે નહીં જવાનું. શનિ-સોમ અને ગુરુ-શુક્ર ચાર વાર જ યોગ્ય ગણાય, તે કેમ વારમાં કંઇ વહાલા-દવલું હોય ?’?’કરશનભાઇએ ખરખરાને સંભાર્યો.
“જુઓ કરશનભાઇ ! આમ તો “આઠેયવાર અલ્લાના” છે, દિવસો બધા જ સરખા પણ વારના નામ આપણે પાડ્યા છે છતાં આ વ્યવ્સ્થા આપણા ગલઢેરાઓએ બહુ સમજી વિચારીને ગોઠવી હશે એવું લાગે છે. કારણ કે સાતેય વારે લોકો ખરખરે આવ્યા જ કરે તો જેને ઘેર મૃત્યુ થયું હોય તેમણે પોતાના કૌટુંબીક કાર્યો કેવીરીતે કરવા ? એટલે સાતમાંથી ત્રણ વાર બહારથી ખરખરે આવનારાને રજા રાખવા માટે આ વ્યવસ્થા ગોઠવાઈ હશે એવું લાગે છે. પછી એમાં પહેલેથી રવિ.મંગળ અને બુધ બંધ રખાયા હશે. એટલે હાલ પણ એ પ્રથા ચાલુ રહી છે. જો કે હવે શહેરોમાં ઘણા સુધારા આવ્યા છે . માત્ર એક દિવસ જ બેસણું રાખી સોગકાર્ય પૂર્ણ કરાય છે.
“પણ પાછું સનાનમાં ગયા હોય એમણે ઘેર આવી ફરજિયાત નહાવું પડે. અને એમ ન કર્યું હોય તો બૂરી બલા વળગે, અને એ ન વળગે એટલા માટે બારણે લીંબુ-મરચાં લટકાવવા પડે એવું કહે છે. એ વાતમાં કેટલું તથ્ય ગણાય ?” મોહનભાઇએ પ્રશ્ન કર્યો.
“જો ભાઈ ! આપણે અંતિમસંસ્કારમાં ગયા હોઇએ, વળી સ્મશાનમાં બીજાએ રોગી-નિરોગી મૈયત અગ્નિસંસ્કાર માટે આવતા હોય, એટલે તે સ્થળનું વાતાવરણ જ એટલું દુષિત હોય કે જો પરત ફરી સારી રીતે સ્નાન કરી લઈએ તો કોઇ નુકશાન કારક બેક્ટેરિયા કે રોગકારક વાયરસ આપણને લાગવાના ભયમાંથી મુક્ત થઈ જવાય. આ તો સારી વાત ગણાય. બાકી મરચાં-લીંબુ ની આખી ગાંહડી લટકાવી દઈએ તો પણ મનમાં ઘૂસી ગયેલ બૂરી બલા જાય નહીં હો મોહનભાઈ !”
“હજુ મને એવી શુભ-અશુભ ઘટનાની એક વાત યાદ આવે છે કહું ?” કેશુભાઇથીયે પૂછ્યા વિના ન રહેવાયું.
“અરે કહોને ભાઈ ! તમારા મનમાં ઊભા થયેલ સવાલનો ઉકેલ શા માટે બાકી રાખવો ? કહો !”
“અમારા દાદીમા વાત કરતા કે ભૂલમાંયે જો દૂધ ઢોળાઇ જાય તો એ અપશુકનની એંધાણી ગણાય. વાંકા વળી એને આંગળી વડે ચાખી લેવું પડે. અને જો કોઇ કારણસર અરિસો હાથમાંથી પડી જઈ ફૂટી જાય તો એ પણ અપશુકન, પણ કાચનું કોઇ વાસણ-કપ-રકાબી જેવું ફૂટે તો કહે કંઇ વાંધો નહીં, આ તો શુકન થયા ગણાય, એવું કહે. આનો અર્થ શું કરવો ?”
“અરિસો થોડો કીમતી હોય, એ ફૂટે એટલે નુકશાન થાય. અને નુકશાન કરનારી ઘટના તો અશુભ જ ગણાય ને ? જ્યારે કપ-રકાબી-ગ્લાસ જેવા તો ચાલુ વપરાશના વાસણ ગણાય. બહેન-દીકરી કે વહુવારુથી કામ કરતા કરતા ફૂટ્યા કરતા હોય, એ ઘટનાને ગંભીરતાથી લેવાય તો કામ કરનારને રીંહ ચડી જાય. એટલે એ ઘટનાને વડીલો જરા હળવાશથી લેતા હોય છે. વાંધો નહી, શુકન થયા-એ વાસણ આમેય જૂનું થઈ ગયું હતું, હવે નવું લાવશું. મનને આશ્વાસન આપવાની વાત છે ભૈલા ! અને દૂધ તો આપણી ખોરાકી ચીજોમાં અમૃત સમાન ગણાય, એટલે એને માન આપવાના હેતુ સર ચાખી લેવાનું વડીલોએ ગોઠવ્યું હશે.
તો ભાઇઓ ! અન્ધશ્રદ્ધાભર્યા વ્યવહારો વિશે વાતો કરવાની ખુબ મજા આવી તમારી સાથે. આપ સૌએ શાંતિથી મેં કર્યા એવા ખુલાસા માન્ય રાખ્યા એથી વળી ઓર આનંદ આવ્યો. તમારા સૌની વચ્ચે મને આવવાનો મોકો ઊભો કરનાર આયોજકોનો ઋણી થયો છું. આભાર.”
રામજીભાઇએ વકતવ્ય પૂર્ણ કર્યું. અને મંડળના સભ્ય શ્રી દેસુરભાઇએ રામજીભાઇનો આભાર માન્યો અને શ્રી દેવરાજભાઇએ સૌને બપોરા કરવા માટે સાદ કર્યો અને સૌ રોંઢો કરવા ઊભા થયા.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
