ફિર દેખો યારોં

બીરેન કોઠારી

માનવની ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેને વ્યવહાર માટે ભાષાની જરૂર પડતી ગઈ. આગળ જતાં સંસ્કૃતિના વિકાસની સાથોસાથ ભાષાનો પણ વિકાસ થતો ચાલ્યો. ભાષા અને બોલી અલગ ગણાયાં. ભાષાશાસ્ત્રના નિયમો બનતા ગયા. વિવિધ ભાષામાં વિભિન્ન પ્રકારનું સાહિત્ય રચાતું ગયું. સંસ્કૃતિનો વિકાસ તેની ચરમસીમાએ પહોંચે એ પછી શું? સંસ્કૃતિવિકાસની ગતિ ચક્ર જેવી રહી છે. એક સમયે જે ભાષાઓ નવી ગણાતી હતી, વિકસતી જતી હતી એ પૈકીની કેટલીક ભાષાઓ લુપ્ત થવા લાગી. કેમ કે, એ ભાષા બોલનાર વર્ગ ઘટવા લાગ્યો. આ રીતે લુપ્ત થઈ રહેલી ભાષાને બચાવવાની ઝુંબેશ આરંભાઈ. આ બધાની વચ્ચે ભાષાગૌરવ પણ પ્રસ્થાપિત થતું ગયું. આ સંદર્ભે યુનાઈટેડ કિંગ્ડમ ઑફ ગ્રેટ બ્રિટનના વેલ્સમાં બોલાતી વેલ્શ ભાષાની વાત રસપ્રદ કહી શકાય એવી છે. ઈન્‍ગ્લેન્‍ડ, સ્કૉટલેન્‍ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્‍ડ- એમ ચાર દેશનો સંયુક્ત સમૂહ યુ.કે. અથવા ગ્રેટ બ્રિટન તરીકે ઓળખાય છે. નાનકડા હોવા છતાં આ ચારે પ્રાંતની આગવી સાંસ્કૃતિક વિશેષતા તેમજ આગવી ભાષા છે.

૧૦ એપ્રિલ ૨૦૧૪ થી વપરાતો S4C ચેનલનો લોગો

૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં વેલ્શ ભાષા મૃત:પ્રાય અવસ્થામાં આવી ગઈ હતી. આજે એકવીસમી સદીના ત્રીજા દાયકાના આરંભે આ ભાષાનો ઉપયોગ કરનારની સંખ્યા વધી છે. વેલ્શની સરકાર ૨૦૫૦ સુધીમાં વેલ્શ બોલનારાની સંખ્યા દસેક લાખે પહોંચવાનો અંદાજ બાંધે છે. એવું જરાય નથી કે વચગાળાનાં સીત્તેર-એંસી વરસોમાં કશો ચમત્કાર થયો છે અને વેલ્શ બોલનારની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. વચ્ચે વચ્ચે તેમાં ઘટાડો પણ નોંધાતો રહ્યો છે. છતાં, છેલ્લા ચારેક દાયકાથી તેમાં વૃદ્ધિ થતી રહી છે. તેના માટે વિવિધ પરિબળો અને આયોજનો જવાબદાર છે. એ પૈકીનું મુખ્ય એટલે ૧૯૮૪માં આરંભાયેલી, વેલ્શ ભાષાની ‘એસ.ફોર.સી.’ ( વેલ્શ ભાષામાં Sianel Pedwar Cymru, એટલે કે ચેનલ ચાર વેલ્શ) નામની નિ:શુલ્ક ટી.વી.ચેનલ. કહેવાય છે કે વેલ્શ ભાષાને નવજીવન આપવામાં અને વેલ્સમાં આવી રહેલાં પરિવર્તન સાથે સુસંગતતા કેળવવામાં આ ચેનલનું પ્રદાન અતિ મહત્ત્વનું બની રહ્યું. એ સમય વિવિધ ટી.વી.ચેનલનો હતો અને લોકો તે જોવાનું પસંદ કરતા. હવે લોકો ઝડપથી ‘ઓ.ટી.ટી.’ (ઓવર ધ ટૉપ)તરીકે ઓળખાતાં વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તરફ વળી રહ્યાં છે. સ્વાભાવિકપણે જ તેની વિપરીત અસર ‘એસ.ફોર.સી.’ પર થયા વિના રહે નહીં. એક અહેવાલ અનુસાર આ ચેનલના પ્રેક્ષકોની સંખ્યામાં ઘટાડો નોંધાવા લાગ્યો છે. વિવિધ સંગઠનો અને લોકોની બનેલી સમિતિના જણાવ્યા અનુસાર આ પ્રકારનાં વૈશ્વિક માધ્યમોના પ્રભાવને કારણે વેલ્શ ભાષામાં થતું પ્રસારણ હાંસિયામાં ધકેલાઈ જશે. વૈશ્વિક પ્રભાવ ધરાવતાં માધ્યમોની અસર વિધેયાત્મક તેમજ નકારાત્મક એમ બન્ને હોઈ શકે છે. જેમ કે, વિશ્વપ્રસિદ્ધ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર દર્શાવાયેલા એક ટી.વી.શો ‘ધ વીચર’માં બતાવાયેલા એક રહસ્યમય ટાપુના લોકોને એક ગુપ્ત ભાષા બોલતા બતાવાયા હતા. આ ગુપ્ત ભાષા વેલ્શ હતી. એ રીતે તેમાં વેલ્શ ભાષાને સાવ અજાણી, ગૂઢ અને મર્યાદિત લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બતાવાઈ હતી. બીજી તરફ ‘દલ અ મેલ્ત’ નામની વેલ્શ ભાષામાં બનેલી ધારાવાહિકને આ જ માધ્યમ પર દર્શાવાઈ રહી છે. એટલે કે હવે તે માત્ર વેલ્શ પૂરતી મર્યાદિત ન રહેતાં વેલ્શ ભાષા ન જાણતા વિશાળ વર્ગ સુધી પહોંચી શકી છે. આવો ફાયદો હોવા છતાં આ પ્રકારનાં માધ્યમોની સ્થાનિક ભાષાની સામગ્રી પર વિપરીત અસર ચોક્કસ થાય છે.

વેલ્શ યુરોપની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. તેને ટકાવવા માટે રાજકીય આધારની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. ૧૯૯૦ના દાયકાના આરંભે અહીંના હાઉસ ઑફ કૉમન્‍સના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ

એ બાબતને ફરજિયાત બનાવી હતી કે વેલ્શમાં તમામ જાહેર સેવાઓ વેલ્શ ભાષામાં ઉપલબ્ધ હોવી જોઈએ. એકવીસમી સદીના આરંભથી વેલ્શ માધ્યમની શાળાઓમાં વધારો થવા લાગ્યો તેમજ રાજકારણ અને પ્રસાર માધ્યમોમાં વેલ્શ અને અંગ્રેજી એમ દ્વિભાષી જાણકારો માટે રોજગારની તકો વધવા લાગી. આને કારણે વેલ્શ ભાષાનો વ્યાપ પ્રસરતો ચાલ્યો. જો કે, છેલ્લા દાયકામાં તેમાં ઘટાડો થઈ રહ્યું હોવાનું નોંધાયું છે. દર દસ વર્ષે થતી વસતિ ગણતરીના ૨૦૨૨ના અહેવાલ અનુસાર છેલ્લા દાયકામાં વેલ્શ બોલનારાની સંખ્યા ઘટીને 5,38,300 થઈ છે, જે  ૨૦૧૦ના દાયકામાં ૫,૬૨,૦૦૦ હતી. બીજી તરફ વાર્ષિક વસતિ સર્વેક્ષણ ૨૦૨૨ અનુસાર વેલ્શ બોલનારની સંખ્યા ૯,૦૦,૬૦૦ છે. આમ, બન્ને પ્રકારની ‘વેલ્શ ભાષા બોલનારા’ની વ્યાખ્યામાં થોડી સંદિગ્ધતાને કારણે એમ બન્યું છે, કેમ કે, કેટલા પ્રમાણમાં એ ભાષાનો ઉપયોગ કરે તો એ વ્યક્તિને એ ભાષા બોલનાર ગણાય? આમ છતાં, વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને વેલ્શની સરકારે ઈ.સ.૨૦૫૦ સુધી વેલ્શ ભાષા બોલનારની સંખ્યા દસ લાખે પહોંચાડવાનું લક્ષ્ય બનાવ્યું છે.

ભાષાપ્રેમ અને ભાષાગૌરવ બન્ને અલગ બાબતો છે. ભાષાગૌરવ લેવામાં ખાસ કશું કરવાપણું હોતું નથી, કેમ કે, આ કિસ્સામાં ગૌરવ અને મિથ્યાગૌરવ બન્ને એકસમાન છે. ભાષાપ્રેમમાં વિવિધ સ્તર અને તીવ્રતા હોઈ શકે છે, છતાં તેમાં ભાષાના ઉપયોગનું માહાત્મ્ય છે.

વેલ્શ ભાષાને જાળવવા માટે થઈ રહેલા આ પ્રયત્નોની સરખામણીએ ઘરઆંગણે ગુજરાતી ભાષાની અવદશા જોઈએ તો એમ થાય કે સરકાર, પ્રસાર માધ્યમો, શાળા એમ તમામ સ્તરે સૌ કોઈ આ ભાષાને મરણતોલ બનાવવાના નિષ્ઠાવાન પ્રયત્નો કરી રહ્યા છે. આ કથનમાં અતિશયોક્તિ લાગતી હોય તો તેની સાથે સંકળાયેલું કોઈ પણ પ્રકાશન જોઈ લેવું. બીજી તરફ લખનારાનો એક મોટો વર્ગ પોતાની માતૃભાષા ગુજરાતી પર ગર્વ અનુભવીને તેની ‘સેવા’ કરવા મથી રહ્યો છે. કેમ જાણે, જન્મ લીધા પછી પોતે પસંદગીથી માતૃભાષા તરીકે ગુજરાતી પર કળશ ન ઢોળ્યો હોય! અન્ય એક વર્ગ પોતાનું સંતાન ગુજરાતીમાં બોલે તો શરમ અનુભવે છે, તો બીજો વર્ગ પોતાનું સંતાન ગુજરાતી હોવા છતાં તેને ગુજરાતી ન આવડવા બદલ ગર્વ મહેસૂસ કરે છે.

આ માહોલમાં ગુજરાતી ભાષાની જે હાલત થવી જોઈએ એ જ થઈ છે. કદાચ દરેક સમયમાં ભાષાની દશા એટલી જ સારી કે ખરાબ થતી હશે, જેટલા લાયક તેના નાગરિકો હોય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)