કવિ શ્રી યોસેફ મેકવાન ગુજરાતી કવિ અને વિવેચક હતા.

ગયા વર્ષે (૨૦૨૨) નાતાલની સવારે ફેઈસબૂકનું પાનું ખોલતાંની સાથે જ એક સમાચાર વાંચવા મળ્યા હતા..ઘડીભર મન માની ન શક્યું. અરે? સાચે? હજી થોડા દિવસ પહેલાં તો વાત થઈ છે.. કોઈ અણસાર વગર જ!!!

બીજી જ ક્ષણે હું ફેંકાઈ ગઈ હતી છેક ૨૦૦૯ના ડિસેમ્બર મહિના તરફ કે જ્યારે યોસેફ મેકવાન સાથે અમદાવાદમાં પ્રથમ મુલાકાત થઈ હતી.. તે પછી તેમની સરળતા, સાદગી અને સર્જક વ્યક્તિત્ત્વને કારણે નિયમિતપણે ફોન પર, ઈમેઇલ દ્વારા તેમનો સંપર્ક થતો રહ્યો અને જ્યારે જ્યારે ભારત જાઉં ત્યારે પ્રત્યક્ષ મળવાનું બનતું રહ્યું. .. તેમની સાથેની કેટલી બધી યાદો!

છેલ્લે છેલ્લે યોસેફભાઈએ, ગયા વર્ષના નવેમ્બર મહિનામાં જ ‘નિત્યનીશી’ માટે એક પાનું પણ મોકલી આપ્યું હતું. આજે તેમના ‘અલખનો અસવાર’ અને ‘શબ્દ-સહવાસ’ પુસ્તકો મારા ટેબલ પર શોભી રહ્યા છે.

તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી થકી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદ થકી પુરસ્કૃત કરાઇ હતી. ૧૯૮૩માં તેમને ‘સૂરજનો હાથ’ માટે ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’ મળ્યો હતો. ૨૦૧૩માં તેમને કુમાર સુવર્ણચંદ્રક મળ્યો હતો.

નાતાલના દિવસે ઈસુ પાસે પહોંચેલા તેમના આત્માને અવશ્ય શાંતિ હશે જ.

આજે એક વર્ષ પછી તેમને શબ્દાંજલિઃ તેમની જ કવિતા થકી

પદ્યસમિતિ-વે.ગુ.
દેવિકા ધ્રુવ
રશા શુક્લ

 

કવિનું મૃત્યુ

આંગણામાં
સોનચંપાની ઝૂકેલી ડાળ પર,
બુલબુલ રહ્યું રેલાવતું નિજ સ્વર !

વાતાવરણમાં જેમ વ્યાપે ધૂપ
એ રીતે હું ચૂપ
ડૂબ્યો’તો ગાનમાં તલ્લીન –
કે ન’તું મારું ય મુજને ભાન,
કેટલાં વર્ષો પછી ઝબકી રહ્યું મુજ નેણમાં
આદિમ મારું ગાન!

વન્ય પ્રકૃતિ બધી
મુજ અંગ પર ફરકી રહી…
આ શ્હેરના વાતાવરણની કાંચળી
જાણે હળુ ઊતરી રહી…

ત્યાં રેડીયોમાં ગીત કો’ ફૂટ્યું
– પડોશીના ઘરે
એના સ્વરે
મૌન તૂટ્યું ઓરડાનું
– ને થયું મૃત્યુ કવિનું !

 યોસેફ મેકવાન

(૨)

સંત ફ્રાન્સિસ અસિસીની શાંતિ પ્રાર્થના….

હે ભગવાન!

તવ શાન્તિનું ઝરણ બનું હું
એવું દે વરદાન! એવું દે વરદાન!

વેરઝેર ત્યાં તારો પ્રેમ વહાવું,
અન્યાય જોઈ તારો ન્યાય પ્રસારું,
કુશંકાઓ શ્રદ્ધાદીપથી બાળું,
હોય હતાશા ત્યાં આશા પ્રગટાવું,
એવું દે વરદાન!

અન્ય પાસથી દિલાસો છો નવ મળતો,
તો પણ સહુને રહું દિલાસો ધરતો,
ભલે ન કોઈ ચાહે-સમજે મુજને,
મથું સમજવા-ચાહવા હું તો સહુને,
એવું દે વરદાન!

આપી આપીને બેવડ થાય કમાણી,
ક્ષમા આપતાં મળે ક્ષમાની લહાણી,
મૃત્યુમાં મળે અમર જીવનનું વરદાન,
પ્રભુજી, એનું રહેજો અમને ધ્યાન,
એવું દે વરદાન! એવું દે વરદાન!

(પ્રાર્થનાનો અનુવાદ-  યોસેફ મેકવાન)

—સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)

..ગુજરાત ટાઈમ્સ-ફાધર વર્ગીસ પોલનો લેખ.
રમેશ પટેલના આભાર સાથે આનંદપૂર્વક