અવલોકન

 – સુરેશ જાની

હવામાં ભેજનું પ્રમાણ વધતું જતું હતું. એમ જ ઠંડીનું પણ. થર્મોમિટરનો પારો શૂન્યથી પણ નીચે જતો રહ્યો હતો. ઝાડના પાંદડાં પરના બાષ્પબિંદુઓ થીજવા માંડ્યા હતા. કાચાં પોચાં પાંદડાં તો ક્યારનાંય ખરી ચૂક્યાં હતાં. પણ આ તો ઠંડા પ્રદેશનાં ખમતીધર, જાડી ચામડીનાં પર્ણો હતાં ને!

અને ધીમે ધીમે વરસાદના છાંટાં પડવા માંડ્યા. હવાની ઠંડી હજુ તેમને થીજાવી શકે તેટલી પર્યાપ્ત ન હતી. જેમ જેમ એ વર્ષાબિંદુઓ ઠંડાગાર પાંદડાં ઉપર પડી એકઠાં થવાં માંડ્યાં; તેમ તેમ તે ઠંડાં અને વધુ ઠંડાં થવા લાગ્યાં. સરકતો એ રેલો ઠંડા બાષ્પબિંદુઓ પરથી પસાર થતો થતો, વધારે ને વધારે ઠંડો થવા લાગ્યો.

પાંદડા પરથી ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… નીચે ટપકી પડવાનો પોતાનો જાતિસ્વભાવ છોડી; નીચે ધરાશાયી થતાં પહેલાં જ એ તો ઠરી ગયો; સોડ વાળીને પોઢી ગયો. ઓલ્યું બાષ્પબિંદુ, આ રેલાના આશ્લેષમાં પ્રાપ્ત થયેલી નવી સંપદાથી વધુ પુષ્ટ બનવા માંડ્યું. એ સાવ ઝીણા મોતી જેવું હતું; પણ હવે તેની કાયા વિસ્તરવા લાગી. લાખેરાં મૂલ્ય વાળું મોતી બનતું ગયું.

વરસાદ ટૂટી પડ્યો – રેલે રેલા – પાણીની છાકમ છોળ. થીજેલા મોતી પરની એમની એ સફર એમનેય થીજવાની માયા લગાવતી ગઈ. હવે એ મોતી તો ઝૂલતું લટકણિયું બનવા માંડ્યું. એલચીના દાણા જેવડું, ને પછી લવિંગની લાકડી જેવડું, ને પછી પીકનની ફાડ જેવડું.

અને લ્યો! આ તો ત્રણ ઈંચ લાંબી હીમકણિકા બની ગયું. આવી અનેક સહીપણીઓ ઝાડની ડાળ પર, પવનમાં ઝૂલતી ઝૂલતી, કોની મિલ્કત મોટી એની હોડ બકવા માંડી! ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં હીમનાં ઝુમ્મરો જ ઝુમ્મરો.

વરસાદ થંભી ગયો. વાદળ વિખેરાઈ ગયાં. એમની આડશે ઢંકાયેલા સૂરજે, બીતાં બીતાં ડોકિયું કર્યું. એ તો ગુસ્સામાં રાતો પીળો અને આકુળ વ્યાકુળ બની ગયો. પોતાના ગરમાગરમ સામ્રાજ્ય પર વ્યાપી ગયેલી કડકડતી ઠંડીની આ વિરાસત પર કડવી, રાતી, તીખી નજર કરતો સૂરજરાણો, ક્રોધમાં પ્રદિપ્ત બની, થર્મોમિટરને ઉશ્કેરતો રહ્યો. પારાને ઊંચે ને ઊંચે ચઢાવતો રહ્યો.

ધીમે ધીમે બધીય હીમકણિકાઓ ટપક ટપક ઓગળવા લાગી અને ફરી પાછું એ ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… ચાલુ. સુક્કા ઘાસની વાસંતી તરસ, વસંતના આગમન પહેલાં થોડી જ સંતોષાવાની હતી? પણ શિયાળાની મોસમમાં ભીંજાવાનો, અનેરો લ્હાવો કાંઈ જતો કરાય ?

કાલે દખણાદા વાયરા વાવાનો વાવડ છે. ફરી ભીંજાયેલી ધરતી તપશે. અને ભીંજાયેલું ઘાસ ફરી સૂકાશે. એ હીમકણિકાઓ ફરી પાછી ભેજ બનીને પર્યાવરણમાં ઓગળી જશે.

વરસાવું, રેલાવું, થીજાવું, જામવું, ઝુલવું, ઓગળવું, રેલાવું, સુકાવું, વિસ્તરવું, વિખેરાવું …..

સતત પરિવર્તન જ પરિવર્તન …

એવી હિમકણિકાઓનું એક બીજું દર્શન –

આમ તો રોજ સૂતા પહેલાં,
જોતો હતો
સાવ ઘટના વિહીન,
કોઇ નોંધ કે પ્રાણ
કે કવિતા વિના …

રાતની નિર્જન શાંતિમાં,
પાછળ આવેલા,
થોડીક ઊંચાઇ પરના,
પાડોશીના ઘર
અને અમારી વચ્ચે,
કાળી ધબ લાકડાની વાડની,
ફાટોની વચ્ચેથી,
ચળાઇ આવતી,
નિર્જીવ, પીળાશ પડતા
કેસરી રંગની ફીક્કી,
એ જ વીજળીની બત્તી.

અને કોઇ પ્રાણ વિના,
પાનખરના ઝપાટે  ખરેલાં
પાનના વિયોગમાં આક્રંદ કરતી,
તે બતીના ફીક્કા પ્રકાશથી,
અંધારામાં થોડી ઉજાસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નિર્વસ્ત્ર ડાળીઓ.

પણ ……

કાલે જોયું મેં એક દર્શન,
અભૂતપૂર્વ, અવર્ણનીય,
કોઇ કવિતામાં કદી ન વાંચેલું.

એ જ સૂમસામ ઘર
એ જ નિસ્તબ્ધ શાંતિ,
એ જ કાળી ધબ્બ,
લાકડાની વાડ ની ફાટો,
એ જ નિષ્પ્રાણ વૃક્ષ,
એ જ પીળો ચટ,
નીરસ પ્રકાશ વેરતી
એ જ વીજળીની બત્તી,

પણ …..

એ જ પીળો ચટ્ટ પ્રકાશ,
ઉજાળી રહ્યો હતો,
એ જ નિષ્પ્રાણ ડાળીઓ પર,
થીજી ગયેલાં
વર્ષાબિંદુઓને.
અને એ જ પીળો ચટ્ટ
સાવ પ્રાણ વિહીન
પ્રકાશનો ટૂકડો,
બની ગયો હતો…..

અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.

અને મુગ્ધ મને પૂછ્યુ…

એ શું?”

સમાપનમાં –

સૂર્ય પ્રકાશ હોય કે, ઘરની નાનકડી બત્તી. એના પ્રતાપે નાનકડું જળબિંદુ ઝળહળી ઊઠે છે. આ જ ભાવ ઋષિકવિ શ્રી. રાજેન્દ્ર શુકલની ગઝલના એક શેરમાં –

સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું,
તારકો શિખર સોહે, આગિયા તરાઈમાં.


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.