લ્યોઆ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

બિનસરકારી સેવાસંસ્થા ! એટલે કે N G O. ( Non Government  Organisation) હા,  દેશભરમાં એવી અનેક અનેક સંસ્થાઓ પથરાયેલી છે. ગુજરાતમાંય અનેક છે. એવી દરેક સંસ્થાનું પોતાનું બહોળું સંચાલક મંડળ હોય છે. અને એ બધા સાથે મળીને સમાજસેવાનું કોઈ નક્કી કરેલું ચોક્કસ કાર્ય કરે છે.

પણ આ લખનાર અને વાંચનારમાંથી કોઈએ પણ માત્ર અને માત્ર સાવ એક એકલ વ્યક્તિ     (Single person) દ્વારા અતિ સફળ રીતે ચલાવાતી N G O જોઈ છે? ના હોય. સંસ્થા એટલે જ એક ચોક્કસ ધ્યેય માટે એકમત થઈને સેવાકાર્ય કરતાં લોકોનો સમૂહ. પણ સમૂહને બદલે માત્ર કોઈ એક જ વ્યક્તિની બનેલી N G O કોઈએ જોઈ છે?

હા, મેં જોઈ છે. એ ભાવનગરમાં છે. ભલે, એનું નામ N G O તરીકે નોંધાયેલું નથી, પણ કામ સરકારમાં રજીસ્ટર્ડ કોઈ પણ NGO ને પણ ટપી જાય એવું છે. એ એક વ્યક્તિ તે પ્રમોદ વોરા છે. એમણે કોઈ સંસ્થા, કોઈ વિશેષ નામથી, કોઈ અલગ જગ્યા વેચાતી કે ભાડે લઈને રાખી નથી. પણ છેક વીસ બાવીસ વર્ષથી એ પોતાની જગ્યાએથી, કોઈને અગાઉ સૂઝ્યું ન હોય એવું આ સમાજસેવાનું કાર્ય કોઈ જાતના પ્રચારના ઢોલ વગાડ્યા વગર કરી રહ્યા છે. હાલમાં એમની વય ૮૩ વર્ષની છે. પણ ગયા મહિનામાં એમને ઉપરાછાપરી બે હાર્ટ એટેકસ આવી ગયા.પછી તો એમની એન્જીયોગ્રાફી અને પછી ક્રિટીકલ બાયપાસ સર્જરી પણ તરત કરાવવી પડી ! અરે, એમનો ૮૩મો જન્મદિવસ પણ ભાવનગરની હોસ્પિટલમાં જ ઉજવવામાં આવ્યો!

બાયપાસ કરાવ્યા પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિના મનમાં નિરાશાના કાળાં વાદળો  છવાઈ જાય છે. એની માનસિકતા નકારાત્મક થઈ જાય છે કે, અરે, આ તો હવે થોડા સમય માટે ઉધાર મળેલી જિંદગી છે ! હવે બસ, હરિભજન કરો અને પરિવાર વચ્ચે રહીને આરામમાં દિવસો નિર્ગમન કરો.

પણ આ પ્રમોદ વોરા જુદી માટીના નીકળ્યા. હૃદયની બાયપાસ સર્જરી કરાવ્યાના બીજે જ દિવસે હોસ્પિટલમાં જન્મદિન ઉજવાયો ત્યારે એમને વિચાર આવ્યો કે હજુ આ સંસારના કોઈ કાર્યમાં મને નિમિત્ત બનાવવાનું પ્રભુએ બાકી રાખ્યું હશે એટલે એણે મને આ પુનર્જન્મ આપ્યો, નહિંતર મને ઓપરેશન ટેબલ ઉપરથી જ ઉપર ઉપાડી ના લેત? એટલે મારે એનો સંકેત એવો સમજવો રહ્યો કે હકીકતે આ મારો નવો, બલકે, નવો અવતાર છે. તો એ અવતારમાં મારે શું કરવું? આરામ કરીને જાતજાળવણી કરવી કે છેલ્લાં ૨૦ વર્ષથી ગુજરાતમાં આ ભાવનગરમાં જેવી થાય તેવી સેવાપ્રવૃત્તિ કરી રહ્યો છું તેને આગળ ધપાવવી? ભીતરથી જવાબ મળ્યો: કિરતાર નથી ઈચ્છતો કે આપણી આ પ્રવૃત્તિમાં હવે આટલા વરસે ખાડો પડે. શી છે એ પ્રવૃત્તિ?

ભાવનગર હવે કંઈ નાનકડું શહેર નથી. વિદ્યાનું ધામ છે. અનેક શાળાઓ અને કોલેજોમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે. એમની જરૂરતો પણ અનેકવિધ છે. એ માટે મદદરૂપ થનારા દાતાઓ પણ અનેક છે જે ફીથી માંડીને પુસ્તકો અને ગણવેશ સુદ્ધાંની સહાય માટે પોતાનો મદદગાર હાથ લંબાવે છે. પણ આ બધી આવશ્યકતાઓમાં એક જરુરત એવી પણ છે કે જે પૂરી કરવા માટે અગાઉ કોઈનું ધ્યાન ગયું નહોતું પણ જેના તરફ આ પ્રમોદભાઈ વોરાનું ધ્યાન આજથી વીસ વર્ષ પહેલાં ગયું! કારણ પણ ઉંડું અને માનસિક હતું. સાવ નાનપણમાં પોતે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે પોતાના ઘેરેથી શાળાનું અંતર ખાસ્સું લાંબુ હતું, પણ એને માટે એક સાયકલની તાતી જરુરત હતી. એ જમાનામાં એમના પરિવારની આર્થિક સ્થિતિ એમને એક જુનીપાની તો જુનીપાની પણ એક સાયકલ અપાવી દે તેવી નહોતી. એમણે મન મારીને સાયકલ વગર ચલાવી લેવું પડ્યું. એનો ઘા એમના મનમાં વર્ષો સુધી કોરાતો રહ્યો. વર્ષો વીતી ગયા પણ એ અભાવ એમના મનમાં ઘર કરતો ગયો. પછી તો પોતાની આર્થિક સ્થિતી સુધરી, પણ પેલા વિચારે કેડો ન છોડ્યો. ઊંડો વિચાર કરતાં એમને સમજાયું કે આજે ભલે હવે પોતાને જરુરત નથી પણ એવા બીજા અનેક ગરીબ વિદ્યાર્થીઓ હશે કે જેમને જરુરત છે પોતાના ઘેરથી પોતાની શાળાએ પહોંચવા માટે એક જૂની યા નવી સાયકલની. એ એની પાસે હોય તો એની મહેનત અને સમય બન્ને બચાવી શકે છે અને એની સીધી અસર તેના વિદ્યાભ્યાસના સ્તર એટલે કે પરફોર્મન્સ પર પડી શકે. જો કે, એ સાયકલ નવી નક્કોર હોવી અનિવાર્ય નથી. જૂની સાયકલને પણ સમારકામનો થોડો ખર્ચ કરીને ફરી વાપરવા લાયક બનાવી શકાય. અરે, ઘણાનાં ઘરમાં, વાડા કે માળિયાંમાં આવી જૂની અને નિરુપયોગી થઈ ચૂકેલી સાયકલો પડી પડી કટાઈ જતી હોય છે. ભંગારમાં આપવા જતાં જેનું શૂન્ય મુલ્ય ઉપજે તેવી, પણ દુરસ્ત થઈ શકે તેવી સાયકલો જો દાન કે ભેટમાં મેળવીને એનું સમારકામ કરાવીને કોઈ જરુરતમંદ વિદ્યાર્થીને ભેટ આપવામાં આવે તો તે તેના માટે એક ઈશ્વરી ઉપહાર જ સાબિત થાય !

પ્રમોદભાઇના દીમાગમાં આ અનોખો વિચાર આવ્યો અને કેવળ વિચાર તરીકે જ મનમાં ગોંધાઈ ન રહ્યો. એમણે એનો તરત અમલ શરૂ કર્યો અને જૂની સાયકલો માટે પોતાના વર્તુળમાં ટહેલ નાખવાનું શરુ કર્યું. તરત જ એનો ઉત્કટ પ્રતિઘોષ મળવો શરૂ થયો. જૂની સાયકલો તો મળવા જ માંડી,પણ નવી સાયકલો માટે પણ દાન મળવા શરૂ થયા. આ તરફ પ્રમોદભાઈએ જરુરતમંદ વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને પોતપોતાના ઘેરથી શાળાએ પહોંચવા માટે જ્ઞાતિ જાતિના ભેદ વગર વિના મૂલ્યે નવા જેવી સાયકલો ભેટ આપવા માંડી.

આજ આ પ્રવૃત્તિનો આરંભ થયે વીસથી વધુ વર્ષો થયાં. એક હિસાબ મુજબ પ્રમોદભાઈ વોરાએ અત્યાર સુધીમાં ૪,૦૦૦થી વધુ સાયકલોનું વિનામૂલ્ય વિતરણ વિદ્યાર્થીઓમાં કર્યું છે અને એમને આવેલા હાર્ટએટેક પછી પણ એ પ્રવૃત્તિ આજ લગી અવિરામ જારી રહી છે. મઝાની વાત એ છે  કે આવું સાયકલ વિતરણ ખાનગી રીતે નહિ, પણ જાહેર સમારંભ યોજીને કરવામાં આવે છે. આ રીતે આજ સુધીમાં ૯૯ સાયકલ વિતરણ સમારંભો યોજવામાં આવ્યા છે. હવે આ દિવાળી પછી ૧૦૦મા સાયકલ વિતરણ સમારંભની તૈયારી એમના દિમાગમાં આકાર લઇ રહી છે, જેની અંતર્ગત એકી સાથે ૧૦૦ વિદ્યાર્થીઓને સાયકલો ભેટ આપવાનો એમનો મનસૂબો છે. એ મનોરથ પાર પડશે એમાં કોઈ શંકા નથી લાગતી કારણ કે આ વિશિષ્ઠ અને અદ્વિતીય સાયકલ ભેટયોજના દાતાઓ અને શુભેચ્છકોના સહયોગથી આજ લગી ચાલે છે. એમાં સહયોગ આપવા માગનાર પોતાના ઘરમાં કાટ ખાતી પડેલી જૂની સાયકલ આપી દઇને અથવા એ ન હોય તો કોઈની પણ જૂની સાયકલને રિપેર કરાવવાના ખર્ચ પેટે ફક્ત રુ. ૧,૫૦૦ આપીને પણ આમાં પોતાનો સહયોગ નોંધાવી શકે એમ છે. એટલે પ્રમોદભાઈ વોરાએ નિર્ધારેલા આ ૧૦૦મા સાયકલ વિતરણ યજ્ઞમાં તો એ રીતે આવી સાવ નાનકડી રકમથી પણ ટકાવારીના હિસાબે સોમા ભાગના ‘સહદાતા’ બની શકાય એમ છે !

એમનો હવેનો સાયકલ વિતરણ સમારંભ ભાવનગરમાં જ આ ૩ જી ડિસેમ્બરે શિશુવિહારમાં છે. જેની વિગતો આ સાથે એક નિમંત્રણ કાર્ડમાં છે. એમાં સહભાગી થવા સૌને નિમંત્રણ છે.

આવો મોકો હાથથી કેમ જવા દેવાય?

જો કે, પ્રમોદભાઈએ છેલ્લાં વીસ વરસમાં વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ભેટ યોજના ઉપરાંત બીજાં પણ ઘણાં ઉત્તમ અને ‘ઓરિજીનલ’ કામો પાર પાડયાં છે પણ તે તો આખો એક જુદા લેખનો મામલો છે. તે વળી થોડા વખત પછી.

પણ અત્યારે માત્ર એની આછી ઝલક લઈ લઈએ:

  1. હવાનાં પરબ, એટલે કે ભાવનગરનાં એવાં એક સો સ્થળો કે જ્યાં સવારે ૬થી રાત્રે ૯ સુધી વિના મૂલ્યે કોઈ પણ વ્યક્તિ સાયકલમાં હવા જાતે પૂરી શકે યા પુરાવી શકે.
  2. મુકતાલક્ષ્મી સ્કૂલના વિદ્યાર્થીઓને પડતર કિંમતના ૫૦% ભાવે પૌષ્ટિક નાસ્તો.
  3. મુકતાલક્ષ્મી શાળા, મહાલક્ષ્મી સ્કૂલ, નંદકુંવરબા સ્કૂલના વિદ્યાર્થીઓના હસ્તાક્ષરમાં સંસ્કારલક્ષી, જીવનોપયોગી લખાણોવાળાં પોસ્ટકાર્ડસ લખાવીને તેમનાં જ દ્વારા દરરોજ 150 થી વધારે પરિવારોને તેમનાં ઘેર પહોચાડવામાં આવ્યાં.
  4. ભાલ વિસ્તારમાં આવેલી ૧૨ શાળાઓમાં વિના મૂલ્યે સ્લીપર્સનું વિતરણ કરાવવામાં આવ્યું.

આ સમગ્ર કામગીરીમાં ભાવનગરના અને હવે તો આખા ભાવનગરની આજુબાજુમાં સેવાકાર્ય માટે જાણીતાં બહેન સુચીતાબહેન કપૂર, અશોકભાઈ  વેગડ અને જીતેન્દ્રભાઈ કાચાનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો.

હજુ પણ પ્રમોદભાઇના મનમાં આ ૮૩મા વર્ષે થયેલા ‘પુનર્જન્મ’ પછી પણ જ્યાં સુધી શારીરિક શક્તિ જળવાઇ રહે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે આ અને આવા બીજાં અનેક ઉપયોગી કાર્યો કરવાનો મક્સદ છે.

તેથી હવે આવનારા દિવસોમાં યોજાનારા ૧૦૦મા સાયકલ વિતરણ સમારંભમાં નવા ૧૦૦ જરૂરતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિના મૂલ્યે આપવી છે. આ ઉમદા હેતુ માટે વધુ નહીં, તો માત્ર રૂ ૧,૫૦૦ નું અનુદાન આપે તેવા દાતાઓની અથવા કહો કે શુભેચ્છકોની  જરૂર છે. જો કે તેમાંથી ૫૦ સાયકલો માટેનું અનુદાન તો મળી ચૂક્યું છે. તેથી આપવા લાયક એવી ૫૦ સાયકલો તો તૈયાર પણ થઈ ગઇ છે. બાકીની ૫૦ સાયકલો દરેક માટે માત્ર રુ ૧,૫૦૦ના અનુદાનની જ ટહેલ તેમણે નાખી છે. અરે, કોઇ રુપિયા આપવા ના માગે પણ પોતાને ત્યાં કે સ્નેહીઓને ત્યાં વણવપરાયેલી પડી રહેલી સાયકલ હોય તો એ પણ અહીં આપી શકાય.

આપણે જોયું હશે કે દરેક કોમ્પ્લેક્સ અને સોસાયટીમાં બે પાંચ સાયકલો તો બિનઉપયોગી યા કાટ ખાતી પડી જ હોય છે. એ જો પ્રમોદભાઇ વોરા સુધી પહોંચે તો ત્યાં પડેલો ભંગાર અહીં સોનું બની જશે. કારણ કે પ્રમોદભાઇ વોરાની આ કામ માટેની સક્ષમ ટીમ છે જેમાં સાયકલો રિપેર કરનારા સક્ષમ કારીગરોનો પણ સમાવેશ થાય છે. વળી તેને યોગ્ય રીતે જાળવવા માટેની અને તેમજ વિતરણ માટેની પૂરક સુવિધા આપવાની જવાબદારી પણ ભાવનગરની નામાંકિત સંસ્થા શિશુવિહારે અને શ્રી નાનકભાઈએ ખાતરી આપી છે

૧૦૦મો સાયકલ વિતરણ સમારંભ દીવાળી પછી બને એટલો ઝડપથી આયોજિત કરવાની બબ્બે હાર્ટએટેકસ કુદાવીને કુદરત તરફથી ભેટરૂપે આ નવો અવતાર ધારણ કરેલા પ્રમોદભાઇ વોરાની ઉમેદ છે.પણ હજુ આર્થિક સહયોગની તો આવશ્યકતા છે, છે અને છે જ.. અગાઉથી માત્ર રુ ૧,૫૦૦ આપીને એક જરુરતમંદ વિદ્યાર્થી માટે એક સાયકલ નોંધાવી શકાય.

પ્રમોદભાઇનો મોબાઇલ. +91 77779 09524અને સુચિતાબેન કપૂર મો. +91 90337 71567/ પ્રમોદભાઇનો ઇમેલ- voracards@gmail.com ////

Bank details : Pramod P. Vora,  State Bank of India, Crescent Circle, Bhavnagar- Ac no. 30261079865  // IFSC : SBIN0060009/

ગુગલ પે માટે-નિમેશ પ્રમોદભાઇ વોરા-Mobile-94286 39463 // અને Suchita Kapoor-suchitamehta1@gmail.com અને ગુગલ પે-90337 71567


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com