સાંયા, એકલું એકલું લાગે
હરિશ્વંદ્ર જોશી
સાંયા, એકલું એકલું લાગે.
દૂરને મારગ જઈ વળે મન ,
સૂનકારા બહુ વાગે …
સાદ પાડું તો પડઘાતી હું અંદર અંદર તૂટું,
જીવ ઘોળાતો જાય ને પછી ડૂસકે ડૂસકે ખૂટું;
ઝૂરવું મ્હોર્યા ફાગે …
રોજ ઊગે ને આથમે મારા લોહીમાં સૂરજ સાત,
આઠમી હુંયે આથમું મૂકી છાતીએ વેરણ રાત;
આંખ સોરાતી જાગે …
એકલી હું ને દીવડો ગોખે, ખૂટવા બકી હોડ,
ઢૂંકતો અરવ પગલે અંધાર ટૂંપવા મારા કોડ,
કેટલું હજીય તાગે ?
ગાંધી
રક્ષા શુક્લ
રામજીને હૃદિયામાં સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા,
સતનાં હથિયાર વડે અંધારાં ઉલેચી માટીમાં મરદોને ખોળિયા.
ઓતા ગાંધીએ હાથ જમણો આપીને પોરબંદરને કીધી સલામ,
વારસ એનો તો વેંત ઊંચો ચઢ્યો, ‘ને જાત આખીયે દીધી તમામ.
મનસૂબા પરદેશી પાળતાં રહ્યા ‘ને
એવાં સપનાંને ધૂળમાં રગદોળિયાં,
રામજીને રુદિયામાં સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.
સુતરને સોંપેલી નાની શી કાયાએ નરબંકો આખો સમાવ્યો,
પ્હાડો ડોલ્યાં ‘ને પછી કંપ્યા કંકાલ, એક ગાંધીએ કાળને નમાવ્યો.
એવા એ યોગી જ્યાં કરતા વિનોદ, દીસે બાળક સમા ‘ને સાવ ભોળિયા,
હૃદિયામાં રામજીને સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.
નમતું મૂકે ન કશું, વેણથી ફરે ન તસુ, થોડી વાતુએ ભર્યા ગાડાં,
દૂબળાંનાં હાથ ગ્રહી ગોદમાં લીધાં ‘ને ગયાં જાતિનાં અણગમતા વાડા.
માણસાઈ ઓઢીને માનવ મૂલવ્યા, પાપ વિગતે વિચારીને તોળિયાં,
હૃદિયામાં રામજીને સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.
