પુસ્તક પરિચય

રીટા જાની

પૃથ્વી  જીવંત ગ્રહ છે એમ કોઈ કહે તો પ્રશ્ન થાય કે આ જીવંત હોવાનું કારણ શું હશે? પૃથ્વી જીવંત છે કારણ કે અહીં ઉષાની લાલિમા પણ છે તો સંધ્યાના રંગો પણ છે, અહીં સમય જ વહે  છે એમ નથી સાથે પવન અને પાણી પણ વહે છે અને આ સાતત્ય અને વૈવિધ્યના રંગો જ્યારે મનોભૂમિમાં છવાય છે ત્યારે સ્વપ્નસૃષ્ટિ પણ જીવંત થાય છે. આ સ્વપ્ન ક્યારેક સાહિત્યની સરવાણી બને છે. ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની આત્મકથા “સ્વપ્નસિદ્ધિની શોધમાં ” પુસ્તકની.

ગત અંકમાં આપણે જોયું કે મુનશી પત્ની લક્ષ્મી ને પ્રિયતમા લીલાવતી સાથે યુરોપના પ્રવાસે નીકળે છે અને લ્યુસર્ન પહોંચે છે. તેઓ બરફ, પાણીના ધોધ, કાળા પર્વતો, હિમસરિતાના અવનવા સૌન્દર્યમાં તણાતા રહ્યા ને નહેરથી જોડાયેલા બે સરોવરના ગામ ઇન્ટરલેકન પહોંચ્યા. ચારે તરફ સૌન્દર્ય સૃષ્ટિની અવધિ જોવા મળે. પર્વતની અંદર શંકરની જટામાંથી ગંગા પડતી હોય એવો ટ્રમલબક ધોધ જોયો.  યુંગફ્રો, સિલ્વર હોર્ન, મક ને મેટરહોર્નના હિમાચ્છાદિત શિખરો જોતાં બરફમાં ચાલ્યા, સરોવરની પાળે ફર્યા, ત્યાંના સૌંદર્ય અને વાતાવરણની મોહિનીને વશ થઈ ગયાં. પ્રકૃતિના સિંહાસન જેવું ગિરિશ્રુંગ જોયું, સંગીતસ્વામી વેબર, મેન્ડલહોસન અને વેગનરની તકતીઓ જોઈ, વાદળોના વ્યુહની રમણીયતા નીરખી. બીઓટસની ગુફામાં પાણીના ગૂઢ ધોધ, પર્વતનું આંતર સ્થાપત્ય, ઝરણાએ રચેલું સૌન્દર્ય જોયું. ક્યારેક  આકાશમાંથી પુષ્પો ખરતા  હોય એવાં તો ક્યારેક ખરતાં તારાનો વરસાદ પડતો હોય એવાં બરફના ફોરાં પડતાં જોયા. બ્લ્યુ ગ્રોટોની હિમગુફા જોઈ, વાદળના શ્રુંગો, ખેતરમાં લહેરાતું ઘાસ ને લીલા ભૂરા સરોવરજલમાં પડતો  હિમનો પડછાયો  કંઇક નિરાળો જ હતો.

આ સૌન્દર્યયાત્રાની સાથોસાથ મુનશીના અંગત સંબંધોની ગુંચે તેમને વિહ્વળ બનાવી મૂક્યા. ભાવિની યોજનાઓ થઈ, લ્યુસર્નના સ્વપ્નનો સાક્ષાત્કાર થયો, અંતરમાં પ્રણયગાન હતું પણ અટપટો માનવસ્વભાવ એકસાથે હસાવતો અને રડાવતો. ચિંતાની મનોદશામાં મુસાફરીની પ્રેરકતા ચાલી ગઈ. લીલા સાથેનો સંબંધ વાસ્તવિક જીવનમાં કેવું સ્થાન લે એ કોયડો ઉકેલવામાં મુનશી લાગી ગયા. લક્ષ્મીની તબિયત અસ્વસ્થ હતી. તેથી મુનશી લીલા સાથે હર્ડરકુલ્મ ચડ્યા. તાલબદ્ધ ચાલવામાં બંનેને ઉલ્લાસ મળતો હતો. આ જગ્યા તેમના અવિભક્ત આત્માનું ઘર લાગતું હતું. સાથે બંનેના મનમાં શંકા પણ હતી કે આ સિદ્ધિ આ ભવે નહિ મળે. બંનેની આંખમાં આંસુ હતાં. તેઓએ એમ ધારેલું કે લ્યુસર્નનું સ્વપ્ન સિદ્ધ થાય પછી તેઓ પાછાં માત્ર હતા તેવા થઈને રહેશે. પણ ઇન્ટરલેકને નવા બંધ બાંધ્યા.

યાત્રાનો હવેનો પડાવ હતો – પેરિસ, તેમની સંસ્કાર યાત્રાનું છેલ્લું ધામ. મુનશી માટે પેરિસ જાણે તેમના પૂર્વાશ્રમનું વિહારધામ હોય એમ લાગતું હતું. હ્યુગો અને ડુમાની નવલકથાઓના પાત્રો તેમની આંખોમાં જીવંત હતા તો ફ્રેન્ચ વિપ્લાવના મહાન નેતાઓ અને નેપોલિયનની નાની મોટી વાતો મુનશીના હૈયે કોતરાયેલી હતી. જે ઐતિહાસિક અવશેષો વાંચીને તેઓ મોટા થાય હતા તે નરી આંખે જોયા. ફ્રાંસ એટલે ભાવનાશીલ વીરતા. ઐતિહાસિક સ્મરણો સંઘરીને સજીવન રાખવાની શક્તિ ફ્રેન્ચ લોકોમાં ઘણી છે. નેપોલિયનને પૂજ્ય ભાવથી અંજલિ આપી. સાથે એ વિચાર પણ આવી જ ગયો કે તેણે જોસેફાઇનનો ત્યાગ શા માટે કર્યો? ખાનગી સ્નેહ અને જાહેર કર્તવ્ય વચ્ચે હંમેશા વિરોધ હોય છે. એબેલાર્ડ અને હેલોઇસની કબર જોઈ થયું કે પ્રેમ અને પ્રણાલિકા એ બંનેને તો વેર જ હોય. ત્યારે મનોમન વિચાર આવી ગયો કે સહજીવન ન મળે તો સહશાંતિ લોકો તેમને લેવા દેશે? કલાએ  રચેલો સંસ્કૃતિના નંદનવન સમો વરસાઈનો મહેલ જોઈ અદ્ભુત ઐતિહાસિક સંસ્મરણો ને લુઈ ચૌદમાની પ્રણયઘેલછા યાદ આવી. લુવ્રના મ્યુઝિયમમાં સુવિખ્યાત ફ્રેન્ચ કલાસ્વામીઓની કલા નીરખી.

“વિનસ દ મિલો”ની શિલ્પાકૃતિ જોઈ  મુનશીની કલ્પના પૂરેપૂરી સંતોષાઈ. તો પેરિસમાં ઝવેરીનો ધંધો કરતાં તેમના મિત્રે એમને કહ્યું: “તમે પણ આ પેરિસના લોકોની માફક ગાંડા થયા છો?  અર્ધનગ્ન, હાથ તૂટેલી, કાન ખરેલી પૂતળીમાં શું જોવાનું બળ્યું છે?” એક વેપારીની દૃષ્ટિ અને એક કલા અને સાહિત્યસ્વામિની દ્રષ્ટિનો ભેદ આપણને ઉડીને આંખે વળગે છે. આપણને સમજાય છે કે મહત્વ વસ્તુમાં નહિ પણ જોનારની દ્રષ્ટિમાં છે. ત્યારબાદ તેઓ નૃત્યગૃહમાં ગયા. જીવનમાં ઉલ્લાસ અને નૃત્ય બંનેનો નિકટનો સંબંધ છે. લોકોની મોજ કરવાની વૃત્તિ અને વિલાસની ભૂખ ઘણી છે – પછી એ દેશ હોય કે પરદેશ, આજની વાત હોય કે આજથી એક શતક પહેલા મુનશીના યુગની વાત હોય.

આનંદના ધામ પેરિસને રામ રામ કરી, ઇંગ્લિશ ચેનલ ઓળંગી, લંડન પહોંચ્યા. મુનશીને લંડન ખર્ચાળ, મુંબઈ જેવું અંધારિયું, વાદળિયું ને ઢંગધડા વગરનું લાગ્યું. ઇંગ્લેન્ડનું સૃષ્ટિસૌન્દર્ય, ખેતરો, વાડ ને ઝાડોની સુઘડતા જોઈ. અહીં જાહેર મકાનોનું સૌન્દર્ય યુરોપના જેવું સચવાયું નથી. મુનશી લંડનની પાર્લામેન્ટને “હિંદને ટીપવાની એરણ” એવું નામ આપે છે તેમાં તેમના હ્રુદયની અકળામણ છતી થાય છે. ત્યાંના ઓપેરા તો નિર્જીવ, પણ સામાજિક નાટકોએ તેમને મુગ્ધ કર્યા ને તેમણે ઘણા નાટકો જોઈ મોજ કરી. નાટક એ જ કળાનું સર્વાંગ સુંદર સ્વરૂપ છે, તેમની એ માન્યતા દ્રઢ બની. ત્યાંથી ફ્રાંસ ગયા. મોન્ટે કાર્લોના કેસીનોમા અધમ વિલાસવૃત્તિ ને વાસનાનું પોષણ થતું જોયું. મોનાકો, નીસ થઈ માર્સેલ્સના રસ્તે છેલ્લી મુસાફરી કરી.

રાતે લક્ષ્મી સાથે પેટીઓ ગોઠવી લીલાને મદદ કરવા મુનશી એના ખંડમાં ગયા. બંને કંઈ બોલી ન શક્યા, એકબીજાની સામે આંસુભરી આંખોએ જોઈ રહ્યા. લીલાએ વેદનાના આવેશમાં કહ્યું: “બોલી નાખ.” મુનશી “સ્વપનું પૂરું થયું” કહીને નીકળી ગયા. બીજે દિવસે “કૈસરે હિંદ” સ્ટીમરમાં બેસી મુંબઈ આવવા નીકળી ગયાં.

… અને સ્વપ્નનો અંત…પણ શું એ સ્વપ્નની પૂર્ણતા છે…કે …સિદ્ધિ …કે ..માત્ર અંત …યુરોપ એ પૃથ્વી પર કુદરતે રચેલ કાવ્ય છે…કાવ્ય ત્યારે જ રચાય જ્યારે લાગણી અને વાસ્તવિકતાના તાણાવાણા વચ્ચે સ્વપ્ન ફળિભૂત થતું અનુભવાય…સ્વપ્ન એ ઝંખના  છે…આ ઝંખના સ્વતંત્ર છે….રોમની ઐતિહાસિક રમણીયતાથી… સ્વિસ સૌંદર્યથી… પેરિસના કલાવૈભવથી… એક તરફ સંબંધની ગૂંચ અને એક તરફ પ્રણય સૃષ્ટિ… આવી પૃષ્ઠ ભૂમિ સાથે મુનશીના સ્વપ્નને સમાંતર .. એક સમયાંતર સાથે હું, તમે, આપણે સહુ…સ્વપ્ન સૃષ્ટિની આરપાર જઈ રહ્યા છીએ…

મળીશું આવતા અંકે…


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com