
{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
કલાકાર નિષ્ફળ જાય ત્યારે પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે કોઈ ને કોઈ બલિનો બકરો શોધે છે. કિશોરકુમારના દીકરા તરીકે વધુ જાણીતા થયેલા અમિતકુમારે પણ એક બકરો શોધી કાઢ્યો હતો. ૧૯૯૭માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની કારકિર્દી ખતમ કરી નાખ્યાનો આરોપ કુમાર સાનુ ઉપર મૂક્યો હતો.
સ્વાભાવિક રીતે જ, સાનુએ એમ કહેતાં આ આરોપ ફગાવી દીધો કે અમિત એને માટે કોઈ પણ રીતે પડકારરૂપ ન હતો. અર્થાત, તેની કારકિર્દીને ખતમ કરવાની કોઈ જરૂર જ નહોતી.
૧૯ વર્ષની વયે ફિલ્મ ‘દૂર કા રાહી’ (૧૯૭૧) થકી ધ્યાનાકર્ષક શરૂઆત કરીને અમિતે ૧૯૮૧ની ફિલ્મ ‘લવ સ્ટોરી’નાં ગીતોની સફળતાથી આશા બંધાવી હતી. પણ સમય જતાં તેણે પોતાની સફળતાને વધારે પડતી સાહજીકતાથી લઈ લીધી. કુદકે ને ભૂસકે વધી રહેલી હરીફાઈના દોરમાં તે નવા નવા સ્પર્ધકો સામે ટકી ન શક્યો. એ અલગ બાબત છે કે આ બધું એવા સમયે બની રહ્યું હતું જ્યારે ગાયકોની કે ગીતોની આગવી ઓળખ રહી જ નહોતી. કોણ શું ગાય છે તે શ્રોતાને મન ભાગ્યે જ મહત્વનું હતું.
જો કે એક એવો પણ સમો હતો, જ્યારે (સંગીતકારોને) એક ગાયકની રાહ જોવી પરવડતી હતી. જેમ કે અનિલ બિશ્વાસે ફિલ્મ ‘આરઝૂ’ (૧૯૫૦)નું ગીત અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ તલત મહમૂદ પાસે જ ગવડાવવા માટે તે કલકત્તાથી મુંબઈ ફરી જાય તેની ઊંચે જીવે રાહ જોઈ હતી. એ જ રીતે લતા મંગેશકર સાથે વ્યવસાયિક સંબંધો કપાઈ ગયા પછી શ્યામસુંદર (બહાર આયી ખીલી કલીયાં; ‘અલીફ લૈલા’, ૧૯૫૩), સચીનદેવ બર્મન (મોરા ગોરા અંગ લઈ લે; ‘બંદીની’, ૧૯૬૩) અને શંકર(ચલ સન્યાસી મંદીર મેં; ‘સન્યાસી’, ૧૯૭૫) જેવા સંગીતકારોએ લતા તેમને માટે ગાવા સંમત થાય ત્યાં સુધી રાહ જોઈ હતી. મહંમદ રફીએ કદી ફરીયાદ કરી નહોતી કે અનિલ બિશ્વાસ તલત મહમૂદ અને મુકેશને પસંદ કરતા હતા. એ જ રીતે નૌશાદ રફીને વધુ પસંદ કરતા હતા તે માટે તલત અને મુકેશને કોઈ જ કડવાશ નહોતી. અમિતના પિતા કિશોરને પણ પોતાનો સિક્કો જામે (‘આરાધના’) તે માટે વીશ વરસ ધીરજ રાખવી પડી હતી.
અમિતે પોતાની કારકીર્દિને ગંભીરતાથી ન લીધી. અથવા તો નસીબે તેને સાથ ન આપ્યો તેમ કહી શકાય. ઓ.પી. નૈયર જેવા પીઢ સંગીતકારે બનાવેલાં ૧૯૯૧ની ફિલ્મ ‘નિશ્ચય’નાં ચાર ગીતો પણ અમિતની કારકીર્દિને સહેજેય આગળ ન વધારી શક્યાં. ખાસ કરીને કુમાર સાનુનો સિતારો ૧૯૯૦ની ફિલ્મ ‘આશીકી'(અબ તેરે બિન જી લેંગે હમ ) અને ૧૯૯૧ની ફિલ્મ ‘સાજન'(મેરા દિલ ભી કીતના પાગલ હૈ)ની સફળતા થકી બુલંદીએ પહોંચ્યો હતો ત્યારે તેને અમિત કોઈ રીતે પડકાર આપી શકે તેમ નહોતો.
અમિતના કહેવા પ્રમાણે કામ નહોતું મળી રહ્યું એ અરસામાં રિયાઝ કરીને તે ગાયક તરીકે વધારે કેળવાયો હતો. જો કે તે મોડો કેળવાયો એનાથી અન્યોને ફેર નહોતો પડતો. ફિલ્મોદ્યોગમાં સંગીતના હકો કરોડોમાં વેચાતા હોય ત્યાં કોઈ એક ગાયકના ગળાના કેળવાવાની રાહ ન જુએ. ચાહે ફિલ્મનું સંગીત કેટલું પણ અલ્પજીવી હોય, તેના નિર્માતા તો શક્ય ઝડપથી તેમાંથી વધુ ને વધુ રળી લેવાની કોશિષમાં જ હોય. સાનુ પણ દૂધે ધોયેલ નહીં હોય પણ તેની લોકપ્રિયતા માટે તેને થોડો દોષ આપી શકાય? અન્યની સફળતાની ઈર્ષ્યા થાય તે સમજી શકાય પણ પોતાની સફળતાને હરિફ(અમિત)ની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવી દેવાઈ તે હકીકતને સાનુએ વ્યવાસાયિક જોખમ ગણીને સ્વીકારી લેવી રહી.
અન્ય ગાયિકાઓની તકો ખેરવી નાખવા માટે મંગેશકર બહેનોને જવાબદાર ગણવાનો જાણે કે રીવાજ પડી ગયો છે. કેટલીક નીવડેલી ગાયિકાઓને પણ તેમની ઉપર લતા નામનું ગ્રહણ લાગી ગયું ત્યારે કોઈ રમત રમાઈ ગઈ હોવાની ગંધ આવી હતી. અન્યથા તેઓ પોતાના અચાનક આવી પડેલા અસ્તને શી રીતે વાજબી ઠેરવત? વર્ષો પછી ભૂતકાળને વાગોળતી વેળા રાજકુમારીએ ફિલ્મ ‘મહલ’ (૧૯૪૯)માંથી તેમણે ગાયેલાં બે ગીતો કપાઈ ગાયાં તેને લતાનું ષડયંત્ર ગણાવ્યું હતું. રાજકુમારીને ખ્યાલ ન રહ્યો કે લતા ૧૯૪૯ના અરસામાં ખેમચંદ પ્રકાશ જેવા મહારથી તો ઠીક, અન્ય કોઈ સંગીતકાર પાસે પણ પોતાની મરજી ચલાવી શકે તેવાં સક્ષમ નહોતાં.
સુમન કલ્યાણપુર અને અનુરાધા પૌડવાલ જો લતાની આસપાસ ક્યાંય નથી પહોંચી શક્યાં તો તે તેમની કમનસીબી છે, તેમાં લતાની કોઈ ચાલાકી કારણભૂત નહોતી.

દુનિયામાં લતા મંગેશકર માત્ર જન્મી શકે, કોઈ પેંતરાબાજીથી બની ન શકે. અન્ય મંગેશકર બહેનો પણ કાંઈ દૂધે ધોયેલી નથી. આ ચમકદમકની દુનિયામાં ઊંચે ચડવા માટે અને ત્યાં ટકી રહેવા સામે ઉભા થતા શક્ય પડકારોને ખાળવા માટે તેમણે રાજકારણના દાવ ખેલ્યા જ હશે. તેમાંની અમુકની કારકીર્દિ ઉગતી જ મૂરઝાઈ ગઈ એનું કારણ એ હતું કે ફિલ્મ નિર્માતાઓ અને સંગીતકારોને લતાનું ઘેલું લાગ્યું હતું અને એ લોકો લતાથી આગળ જોવા ઈચ્છતા જ નહોતા .
સંગીતકાર વસંત દેસાઈએ હિંમત કરી અને ફિલ્મ ‘ગુડ્ડી’ (૧૯૭૧)નું ગીત બોલે રે પપીહરા ગાવાની તક વાણી જયરામને આપી અને તેને ફિલ્મી દુનિયામાં રજૂ કરી. પણ ફિલ્મના નિર્માતા તે ફિલ્મમાં લતાનું ગાયેલું એક અતિશય લોકપ્રિય ગીત (ફિલ્મ ‘મધુમતી’-૧૯૫૮નું ગીત આજા રે પરદેસી) એક પાર્ટીમાં વાગતા ગીત તરીકે મૂકવાની લાલચ રોકી ન શક્યા. તેમણે ફિલ્મની બજારકિંમત વધારવા માટે આમ કર્યું હશે.
સફળ થવા માટે લતાએ જાણીબૂઝીને કે અજાણતાંમાં અન્ય ગાયિકાઓની કારકીર્દિને રોળી નાખી એમ બન્યું હશે. લતાનો જે કોઈ દોષ હોય તે, તેની ઉપર એવો આરોપ મૂકનારી મોટા ભાગની ગાયિકાઓની કોઈ ઈર્ષ્યાજનક કારકીર્દિ હતી જ નહીં. જેમ કે માત્ર પોતાનાં અંગત કારણોસર શંકરે શારદાને આગળ કરવા કોશિષ કરી (તીતલી ઉડી, ‘સૂરજ’-૧૯૬૬)’. એમાં સફળ ન થવાયું ત્યારે શંકરે આસાનીથી એનું આળ લતાને માથે ઓઢાડી દીધું. આ વ્યવસાયિક જોખમને લતાએ સહજતાથી સ્વીકારવાનું શીખી લીધું હતું. એ અલગ વાત છે કે શારદાની કારકીર્દિ રોળી નાખવી પડે એવી ક્યારેય હતી જ નહીં.
કુમાર સાનુની અને લતાની કારકીર્દિની સરખામણી કોઈ રીતે થઈ ન શકે. પણ હકીકત એ છે કે સાનુ જેવા સાધારણ કક્ષાના ગાયકના ડંકા વાગતા હોય તે જમાનામાં એણે પણ સફળતાની એ જ કિંમત ચૂકવવી રહી, જે પોતાના જમાનામાં લતાએ ચૂકવી હતી.
સરળહ્રદયી અને ઈશ્વરથી ડરીને ચાલનારા મહંમદ રફી ઉપર પણ એમની અગાઉની પેઢીના ગાયક જી.એમ. દુર્રાનીએ પોતાની કારકીર્દિને નૂકસાન પહોંચાડ્યાનું આળ મૂક્યું હતું. કારણ એ હતું કે રફીનું આગમન થયું ત્યારે દુર્રાનીના અસ્તનો સમય થઈ ગયો હતો. રફીનો સમય આવી પહોંચ્યો હતો તેમાં એમનો પોતાનો કોઈ દોષ નહોતો.
નોંધ :
તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.
મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
