કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

  પંચવટીબાગમાં નદીકાંઠે એક કૂવો. ઊંડાઇ માત્ર ૫૦ ફૂટ. દુકાળના વરસે ૨૦ ફૂટ ઊંડો ઉતારવા ઉધડો આપ્યો.કામ પૂર્ણ થતાં ઉધડિયા રાઘવભાઇ ડુંગરાણીએ કૂવાના તળિયે રહ્યા રહ્યા-“આવો આવો, હીરજીભાઇ ! અંદર ઉતરી આવો. અમે કરેલા કામનું માપ કરવા માટે ભલે નહીં, અમારા વેણ ખાતર તો ઉતરો. અહીં આવી બધું નજરો નજર જુઓ તો અમનેય ગમે ને !” એવું કહી કૂવામાં તળિયે આવવાનો  આગ્રહ કર્યો.

કૂવાની અંદર ચડ-ઉતર કરવાનો મને મહાવરો તો હતો જ ! ખેતીના લાંબા સમયની કામગિરીમાં અસંખ્યવાર ખૂણા પર લટકાવેલ દોરડાનો આધાર લઈ કૂવામાં ઉતરવાનું અને એ જ દોરડું પકડી ઉપર ચડી આવવાનું વગર થાકે કરેલું હોવાથી મને પણ થયું કે ઉધડિયાઓનો આટલો બધો આગ્રહ છે તો લાવ ને ઉતરું !”

અને બહુ આસાનીથી ૭૦ ફૂટ  કૂવાના તળિયે હું પહોંચી ગયો. ઉધડિયાઓએ કરેલ કામની ઊંડાઇ માપી.પૂરી 20 ફૂટ થઈ.ચારે બાજુના બેડાનું સોરણ માપસર કરાયું હતું. તેઓના કામ બાબતનો સંતોષ વ્યક્ત કર્યો. “હવે ચાલો બહાર નીકળીને હિસાબ કરી લઈએ” કહી હું દોરડું પકડી ફટાફટ દોરડા ઉપર હાથનું વળગણ અને કૂવાના ભેડા પર પગના ફણા ટેકવતા ટેકવતા ઉપર ચડવા માંડ્યો. પણ ત્રીસેક ફૂટ ઊંચે ચડ્યો હોઇશ અને ઓચિંતાના પગ માંડ્યા પાણી..પાણી થવા, અને હાથે માંડી કળ [ખાલી] ચડવા ! હવે ? કૂવાની બહાર નીકળવા માટે તો હજુ ૪૦ ફૂટ જેટલી ઉંચાઇએ ચઢવાનું બાકી હતું. કેમ થાશે ? મન માંડ્યું મુંઝાવા ! આમ થવાનું કારણ શું ? મેં તો આ કૂવામાં અસંખ્યવાર ચડ-ઉતર કરી છે, આવું તો ક્યારેય બન્યું નહોતું. પણ અત્યારે વધુ વિચારવાનો વખત નહોતો. મુશ્કેલીમાં માર્ગ મગજે બતાવ્યો-મેં ઉતાવળા સાદે કૂવા કાંઠે ઊભેલા માણસોને રાડ પાડી, કે “ જલ્દી જલ્દી માચડી મોકલો. મારા હાથપગ હવે કામ કરતા બંધ થઈ ગયા છે, આખા શરીરે પરસેવો વળી ગયો છે, મારાથી હવે ઉપર નથી ચડાતું, જલ્દી કરો નહીતર હવે દોરડું મૂકાઇ જશે”. તેમણે ઝટ ઝટ મોકલેલી માચડી મારી નજદીક પહોંચતાં મેં પકડી લીધી અને એમાં બેસી પડ્યો. મને સીંચીને બહાર ખેંચી કાઢવો પડ્યો બોલો !

આવું કેમ થયું ? વિચારતાં સમજણમાં આવ્યું કે પહેલા મને કૂવામાં ચડ-ઉતર કરવાની ટેવ હતી. તેથી આ કામ બહુ આસાન હતું. પણ હમણાના છેલ્લા કેટલાક વરસોથી વાડીના ભાગિયા આ કામ કરવા માંડ્યા એટલે મારાથી આ કામનો મહાવરો છૂટી ગયેથી આમ બન્યું. જે કાર્ય કરતા હોઇએ તે કાર્ય કાયમ ભલે ઓછા-વધુ પ્રમાણમાં પણ કરતા રહીએ તો એ કામ કરવાની શરીરની ત્રેવડ ચાલુ રહેતી હોય છે. છેલ્લા કેટલાંક વરસોથી કૂવામાં ચડ-ઉતર કરવાનું બંધ કરેલું એટલે હવે એ કામ કરવામાં શરીરે આનાકાની કરી દીધેલી.

વાહનની બેટરી પણ ઉતરી જાય અને અલમસ્ત બળદિયા પણ બેસી પડે:

ઘણીએ વાર એવુંયે બને છે ને કે આપણું ટ્રેકટર કે મોટરગાડી ચલાવ્યા વિના એમને એમ જાજા દિવસો પડી રહેવા દીધાં હોય તો તેની બેટરી પણ ઉતરી જાય છે. એટલે બેટરી ચાર્જ રાખવા માટે થઈને પણ વાહનને થોડું તો થોડું પણ કામ કરાવવું પડે છે. અને એવું જ ખેતીમાં હવે ટ્રેકટરોનો વપરાશ વધતાં ઉનાળાના દિવસોમાં બળદિયાઓને સાવ બાધ્યા બાંધ્યા જ નીરણ ખાવાની હોય એટલે અલમસ્ત બની ગયા હોય. પણ જેવો વરસાદ થયો અને વાવણી કરવાની અને મોલાતના આંતરખેડના સાંતીની ભીંહ શરૂ થયા ભેળા થોડુંક હાલે ત્યાં થાકી જઈ ઊભા રહેવા માંડે, તેનું કાંધ આવી જાય, અરે, ક્યારેક અધવચ્ચે બેસી પણ પડે ! એને પણ લાંબો સમય આરામ કર્યા પછી કામ કરવું બહુ કઠ્ઠણ પડતું હોય છે ભલા !

“ઘરપણ રેઢું ને અવાવરું રહે તો ?

અમારા જૂના ગામ ચોસલામાં મુસાકાકા અમારા પાડોશી. બે બારણાંવાળું ગારાના ભીંતડાં અને દેશી નળિયાંવાળું રહેણાકી મકાન અને અંદર નાની એવી બીડી-બાકસ અને અનાજ-કરિયાણાની હાટડી ! કુટુંબ પણ નાનકડું એટલે સારીરીતે ગાડું ગબડ્યે જતું હતું. એમાં દૂર પ્રદેશે રહેતા તેના બહેન-બનેવી બન્ને પડ્યા બીમાર. આ લોકોને દુકાન બંધ કરી ત્યાં જવું પડ્યું. સાત આઠ મહિને પાછાં ફર્યાં. ઘરનું તાળું ખોલી બારણું ઉઘાડ્યું. પણ આ શું ? ઉંદરડાઓએ એવી રીતનું બધું રમણ ભમણ કરી મૂકેલું કે ઘડીક તો એમ થયું કે આ કોના ઘેર આપણે આવી ચડ્યાં ? આ પોતાનું જ ઘર છે એવું માનવા મન તૈયાર ન થયું. દુકાનના ડબલાં-ડુબલી, અનાજ-કઠોળના બાચકાં અને તેલ-દિવેલના શીંશલાંથી માંડી ખાટલા-ગોદડાં અને પાગરણ-પથારી સુદ્ધાંમાં કાપાકાપ ને કચુંબર કરી નાખેલી ! અને જ્યાં પડ રેઢું હોય ત્યાં સૌને લાગ ફાવેને ? હડિયાપાટી કરતા ઉંદરડાં ભાળી મીંદડાં-બિલાડાનેય મોળોજીવ થાય જ ! એની વાંહે દોટંદોટ કરવા એણે પણ છાપરા માથેથી દેશી નળિયાં આઘાપાછા ઉખેળી, ખપેડામાં પણ જ્યાં ને ત્યાં બાંકોરા પાડી દીધેલા એ તો વધારામાં.

અને “પડતા માથે પાટુ”ની જેમ ચોમાસુ હજુ બેઠું નહોતું પણ વાઝડી અને પવનની રમરમાટી સાથે વરસાદી માવઠું એક આંટો મારી ગયેલું હોઇ, નીચે પડેલી ચીજ વસ્તુઓનો પથારો અને ભોંયતળિયાની છાણ-માટીથી લીંપેલ થાપ-બધું પલળીને એવું એકબીજાને ચોટી ગયું હતું કે આ બધું મુસાકાકા અને મીલુકાકી ચાર દિવસેયે હતું એવું નહોતું કરી શક્યા.આથી નક્કી થયું કે મકાન જેવી મિલ્કત પણ લાંબો સમય વાપર્યા વિના અવાવરુ સ્થિતિમાં પડી રહે તો એની દશા કેવી થાય તેનો આ અદલ નમૂનો હતો.

સૈનિકોને કાયમી તાલીમ શા માટે ?

સૈનિકોને લડાઇ હોય ત્યારે તો લડવા જવાનું હોય એ તો સમજાય, પણ પરિસ્થિતિ રાબેતા મુજબની હોય, ચારેબાજુ શાંતિ હોય છતાં સૈનિકોને એના પરેડ ગ્રાઉંડમાં પીઠપર વજનદાર સામાન અને હાથમાં બંદુક જેવા હથિયાર સમેત જાણે દુશ્મનો સાથે સાચુકલી મૂઠમેડ ચાલુ હોય એ રીતની નિશાનબાજી અને ભાગાભાગીનું રિહલ્સર શા માટે કરાવતા હશે કહો જોઇએ ? બસ એટલા જ માટે કે જ્યારે સંરક્ષણની હરોળ પર સાચુકલી લડાઇ થાય ત્યારે સૈનિક બધી રીતે અપ ટુ ડેટ હોય ! તેની મુકાબલો કરવાની આદત ઢીલી ન પડી ગઈ હોય. સૈનિકની મુકાબલો કરવાની ટેવ ચાલુ રાખવા માટે જ તેઓને કાયમ પરેડ અને એને લગતી તાલીમ શરૂ રાખવી પડતી હોય છે.

હાથ-પગનું “પ્લાસ્ટર” તોડ્યા પછી હાથ-પગની શી  સ્થિતિ હોય ?

ખેતીમાં તો આપણે અનબ્રેકેબલ જનાવર બળદિયા સાથે વધારે કામ રહેતું હોય છે. માનોકે  ગાડે જોડેલા બળદિયા ભડકયા અને એવો ઝટકો લાગ્યો કે હાંકનાર ગાડેથી નીચે પડી ગયો, તેના પગ ઉપરથી ગાડાનું પૈડું ફરી વળતાં હાડકું ભાંગી ગયું. કે પછી વાડીયે જતાં મારગના વાંક પર બે જણની મોટરસાયકલ સામસામી ઓથડુક થઈ જતા એકાદનો હાથ કે પગ નંદવાઇ ગયો ! તો દવાખાને જતાં દોઢ-બે મહિનાનું પ્લાસ્ટર આવવું સામાન્ય ઘટના છે. આવા વખતે એ પગ કે હાથને હલાવવાની મનાઇ હોય. પણ જ્યારે પ્લાસ્ટર છૂટી જાય પછી તો એ હાથ કે પગે પહેલા જેટલું હલનચલન કરવું પડેને ? પણ ના, એ તરતમાં પહેલાં જેટલું કામ નથી આપી શકતાં. શુંકામ ? તો બસ, કારણ એ જ કે તેણે દોઢ-બે મહિના હલન ચલન કર્યું જ નથી એટલે એના સ્નાયુ જકડાઇ ગયા છે. તો હવે ? એને ફરીવાર કામ કરતા કરવા માટે કેટલીક કસરતો કરાવવી પડે છે. અને પછી જ એનું ગાડું પાટે ચડે છે. જે અવયવ-અંગ  એની રોજીંદી પ્રવૃતિ બંધ કરી કરી વાળે તે અંગો પણ  શિથિલ થવા માંડે છે. એની કાર્યશક્તિ નષ્ટ થવા માંડે છે.

મિત્ર મિત્રને ન ઓળખી શક્યો :

હમણા થોડા દિવસ પહેલાં ઢસાની બજારમાં એક દુકાને મારી ઉંમરના એક ભાઇને ઊભેલા મેં જોયા. મગજ યાદ કરવા માંડ્યું કે “આ ભાઇ જાણીતા હોય એવું લાગે છે. કોણ છે…કોણ છે…? હા..હા ! આ તો માલપરાની લોકશાળામાં આજથી ૫૨ – ૫૫ વરહ પહેલાં સાથે ભણતા હતા એ ગોરધન ગજેરા તો નહીં ? હા, હા ..એ જ !” અને મેં એ મિત્રનો સામેથી હાથ પકડી કહ્યું, “કેમ મિત્ર ! તમે ગોરધન ગજેરા કે નહીં ?” “હા, હું ગોરધન ગજેરા ખરો, પણ તમે..? મને ઓળખાણ ન પડી.” મેં કહ્યું, “યાદ કરો, પડશે પડશે ઓળખાણ પડશે !” પણ તેને યાદ ન આવ્યું તે ન જ આવ્યું. કારણ કે વચ્ચે ૫૨ – ૫૫ વરહના વાણા વાઇ ગયાં હતાં. યાદશક્તિનો એમાં કાંઇ વાંક ન ગણાય. મેં ચોખવટ કરી- ”માલપરાની લોકશાળામાં સાથે ભણતા, જમતાં, સૂતાં-બેસતાં અને બાથંબાથી કરતા, યાદ આવે છે કાંઇ ? તે દિ’ હીરજી ભીંગરાડિયા જેવો કોઇ મિત્ર…” હવે હું વાક્ય પૂરું કરું તે પહેલાં મને બથ ભરી ગયો “હા હા, હીરજીભાઈ ! ખરું કર્યું હો ! તમે તરત જ ઓળખી ગયા, મારે ઓળખવામાં વાર લાગી.”  મગજ જેવા અવયવને પણ જાજો વખત બે ધ્યાન રાખવામાં આવે તો તેનું સ્મરણ ચિત્ર ઝાંખું પડી જાય છે.

મધમાખી પણ મિત્રને દુશ્મન માની બેઠી ;

અમે પંચવટીબાગમાં મધુમખ્ખીપાલન શરૂ કરેલું. શારદાગ્રામથી એપીસઇંડિકા મધમાખીની બે પેટીઓ લાવી વાડીએ વસવાટ કરાવેલો. શરૂશરૂમાં મધમાખીઓ માટે સ્થળ અજાણ્યું હતું અને ઉનાળાની ઋતુ હતી એટલે એના ખોરાકની પૂર્તિ માટે પેટીઓ પાસે હું ખાંડનું પાણી મૂકતો અને એ ઘડીકની વારમાં સફાચટ કરી જતી. અને મને એણે આવો ખોરાક પીરસનારો મિત્ર માની લીધો હશે એવું મારું અનુમાન છે, કારણ કે હું હજુ વાડીના દરવાજામાં દાખલ થાઉં થાઉં ત્યાં આજુબાજુમાં હરતી ફરતી હોય એ બધી માખીઓ મારી ઉપર અને આસપાસ ખુશાલીનો ગણગણાટ કરવા માંડતી.

અભ્યાસ કરતા અને એની સાથેના સહવાસના કારણે જોઇ શકાયું કે મધમાખીઓને પણ દુશ્મનો હોય છે. એક એવું પતંગિયું હોય છે કે જે મધપેટીમાં પેસી, પૂડામાં પોતાના ઇંડાં મૂકી જાય છે. એ ઇંડાંમાંથી નીકળતી ઇયળો મધમાખીના ઇંડાં-બચ્ચાંને ખાવાનું કામ કરતી હોય છે.મધુપાલકે પેટી ખોલી એને દૂર કરવી પડે. અને બીજી તકલીફ એની ને એની નરમાખીઓ ની સંખ્યા વધી જવાથી પડતી હોય છે. કારણ કે નર માખીઓ બધી હોય છે સાવ આળસુ અને પૂરેપૂરી એદી ! મધ તૈયાર કરવાનું કે પૂડાનું રક્ષણ કરવા જેવા કોઇ કામ આ માખીઓ કરતી હોતી નથી, માત્ર રાણી માટે તૈયાર રાખેલ મધ ખાધા કરતી હોય છે. એટલે મધુપાલકે પેટી ખોલી, પૂડા હાથમાં ઉંચા કરી વધારાના નરને પકડી લઈ દૂર કરતા રહેવા જોઇએ.

એટલે શરૂઆતમાં તો હું રોજેરોજ પેટી ખોલી,એક પછી એક પૂડા હાથમાં લઈ, નુકશાનકારક ઇયળો કે વધુકા નરને પકડી લેવાની કામગિરી અર્થે મધમાખીઓના રોજના સહવાસમાં રહેતો, એટલે હું એને વસાહતનો દુશ્મન નહીં પણ મિત્ર લાગતો. માખીઓ મારી આજુબાજુ ફર્યા કરે, ખુશાલીના ગીત ગણગણ્યા કરે, પણ મને કોઇ દંશ દેતી નહોતી. ધીરે ધીરે કરતા મધમાખીઓની સંખ્યા વધી જતાં બે પેટીમાંથી સાત પેટી થઈ ગઈ. એમાં મારે ઓચિંતાનું દસ દિવસ બહારગામ જવાનું થયું. મધમાખીઓ સાથે અન્ય કોઇને કામ કરવાનું ફાવતું નહોતું. દસ દિવસ બાદ મેં આવીને જેવી પેટી ખોલી કે રમ..રમ..કરતી બેત્રણ માખી મને ચોટી પડી ! .હું એને વસાહતનો દુશ્મન લાગવા માંડ્યો. સહવાસ છૂટી જવાથી મિત્ર પણ દુશ્મન બની ગયો બોલો !

કહેવાનું અંતે એટલું કે :

આટલા જુદા જુદા પ્રકારના ઉદાહરણો આપી મારે કેહેવું છે એટલું જ કે જેનો ખેતી સાથે જ નાતો છે એવા આપણે રહ્યા ખેડૂત ! આપણો વ્યવસાય જ એવો છે કે શેઠિયા-વેપારી કે રાજકારણી-અધિકારીની જેમ ટાઢાછાંયે ઓફિસના ખુરશી-ટેબલ પર બેસી લખાપટ્ટી કે ટેલીફોનોક વાતો કરીને જ રોડવવાનું હોય એવું આમાં નથી હોતું. આપણે તો કાયમ છોડવા,ઝાડવાં જીવડાં અને જાનવરોના સથવારે ધરતીની ખેડ, બીજ વાવણી, સિંચાઇ અને સંરક્ષણ જેવી ગોવાળી કરવાની થતી હોઇ મોટાભાગનું કામ શરીરશ્રમવાળું જ હોવાનું. જો કે પહેલાના વખત જેટલો શારીરિક શ્રમ અને બથોડા હવેની ખેતીમાં રહ્યાં નથી. નવું વિજ્ઞાન અને યાંત્રિક સાધનો ભેરે આવતાં શક્તિ અને સમય બન્નેમાં બચાવ થયો છે, છતાં અન્ય વ્યવસાયોની સરખામણીમાં ખેતી વધારે શરીરશ્રમ માગે છે તે વાત સો ટકા સાચી છે.

આમ જુઓ તો ખેતીમાં તો ઘણાં પ્રકારનાં કામો હોય છે. એટલે ખેડૂતની ઉંમર અને પોતાનું સ્વાસ્થ્ય – બન્નેને નજરમાં રાખી નીંદવું, પારવવું, લણવું, વાઢવું, ઉપણવું, ખોદવું, ફોળવું, છાંટવું, પાણી વાળવું, ટ્રેકટર ચલાવવું, જેવાં કેટલાંય કાર્યોમાંથી આપણને અનુકૂળ હોય તેવા કામ ભલે એકધારા આખો દિવસ નહીં તો જેટલું અનુકૂળ હોય એટલો અડધો દિવસ, ટંક કે ઘડી-બે ઘડી પણ કરતા રહેવું જોઇએ. અને આમ જો નહીં કરતા રહીએ તો પછી એ શ્રમ કરવાની આદત એકવાર છૂટી જશે તો પછીથી આવું કોઇ પણ કામ કરવાની મન ઇચ્છા કરશે તો પણ શરીર સાથ નહીં આપે. કારણ કે શરીરે આ આદત છોડી દીધી હોય.

અને મને એ વાતનો ગર્વ છે કે આપણામાં જેની ઉંમર નાની હોય, શરીર સાથ દેતું હોય ત્યાં સુધી તો રાત-દિવસના ૨૪ કલાકના ચકરડામાં ટાઢ- તાપ કે માથે ઝળુમ્બતા મેધની પણ પરવા કર્યા વિના સોળ સોળ ને અઢાર અઢાર કલાક કામ કરતા હોવાનું અમે પણ જાતે અનુભવ્યું છે અને સર્વત્ર નજરોનજર જોઇ પણ રહયા છીએ.

પણ માનો કે હવે જ્યારે ૬૦ -૬૫ કે ૭૦ ની ઉંમર થઈ ગઈ હોય અને છતાં જો શરીર સાથ દેતું હોય તો જે થઈ શકે તે શ્રમકાર્ય થોડું તો થોડું પણ કરવાનું ચાલુ રાખવું. ભારે કામ કરનાર વારસો તો તૈયાર થઈ ગયો હોય એટલે હળવાં કામ કરવાં ચાલુ રાખવાં. એકવાર જો સાવ જ શ્રમકાર્ય બંધ થયું ? તો ખલ્લાસ ! કામની આદત સાવ છૂટી ગયા પછી એવાં કાર્યો કરવાની શરીર સંમતિ આપતું નથી.

આવી ઉંમરે  શરીરની નરવાઇ જાળવવા ડૉકટરો રોજેરોજ ૪ -૫ કિલોમીટર ચાલવાનું ચિંધતા હોય છે. આવે વખતે અન્ય ધંધાર્થીઓ ભલે રોડ પર ચાલવા નીકળે, આપણે ખેડૂતોએ આપણા ખેતર-વાડીમાં જઈ, ત્યાં એકાદ કલાક મોલાતમાં-મારગે-શેઢેપાળે-ગાય-બળદોની પાસે-બધે ચાલતા ચાલતા આંટો મારી લઈએ તો પણ શરીરની નરવાઇ રહે, ખાધું પચે, થોડોક થાક લાગે એટલે ઊંઘ પણ સારી આવે, અને ખરું કહું તો ખેડૂત-માલિકનો આંટો વાડીને પણ ખાતર ભર્યા જેટલો લાભ કરે છે એ ન ભૂલવું હો મિત્રો !


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com