સુરેશ જાની
તમે અમેરિકાથી તાજેતરમાં જ અમદાવાદ આવ્યા છો. ટ્રાફિકની ભયાવહ હાલત જોઈ તમે વ્યથિત, ભયભિત – લગભગ મૂર્છિત બની ગયા છો. સગાં વહાલાં અને મિત્રો તરફથી આપવામાં આવેલી – સાઢૂભાઇના સ્કૂટરને હાથ પણ ન અડાડવાની – લગભગ ધમકી કહી શકાય તેવી, મહામૂલી સલાહ પાછળની યથાર્થતા તમને બરાબર સમજાઇ ગઈ છે.
તમે પહેલા દિવસે તૈયાર થઈ, આશા ભર્યા, શહેરની શેરીઓ પર ટહેલવાનું શરૂ કરો છો. તમારા કમાતા, ધમાતા દીકરાઓ અને દીકરીની અને વ્હાલસોયી પત્નીની – ડ્રાઈવર સાથેની ટેક્સી ભાડે રાખવાની – મોંઘીદાટ સલાહ તમારા નખશિશ અમદાવાદી જિન્સને અનુકૂળ નથી. એ તમારી ચિત્તવૃત્તિને મનભાવન બાબત નથી. તમે રિક્ષા અને બસમાં મુસાફરી શરૂ કરો છો. પહેલે દિવસે તો જગવિખ્યાત, BRTS પર તમે મોહી પડો છો. સાબરમતીથી કાંકરિયાનો આખો રૂટ તમે સર કરી લો છો. તમે પ્રસન્નચિત્તે રાતે થાકેલા, પાકેલા નિદ્રાદેવિના શરણે થાઓ છો. બીજા દિવસે પણ સ્વજનો સાથેની, મીઠી રવિવારી મોજ અને મનભાવન ભોજનમાં તમારી ઉપર આવી પડનારી વ્યથાઓનું રહસ્યોદ્ઘાટન હજુ બાકી જ રહે છે.
પણ ત્રીજા દિવસથી તમારી ખરી કરમકઠણાઈની શરૂઆત થઈ જાય છે. તમારા ઘરની નજીક આવેલી ચાર પાંચ જગ્યાએ તમારે કામો પતાવવાનાં છે. નજીકના અંતરે કોઈ રિક્ષાવાળો આવવા તૈયાર નથી. દસ રૂપિયાના લઘુત્તમ ભાડાથી એક રૂપિયો પણ વધારે આપવાનું, તમારા અમદાવાદી લોહીને માફક આવે તેમ નથી. બધે ચાલતા જઈ, કામ પતાવતાં, ૬૭ વર્ષ ઘરડા ખખ્ખ, તમારા ટાંટીયાની કઢી થઈ જાય છે. બપોરે થાક્યા, પાક્યા તમે પગ લાંબા કરો છો; અને આવતા બે મહિના, આ કાળઝાળ વતનમાં શેં વિતશે તેના ‘ખુલી આંખના સપના’ તમારી અંદર એક નવાનક્કોર નિર્વેદને જન્મ આપે છે. બપોર બાદ, ચાની રેંકડી પર પાંચ રૂપિયાની અડધી ચાનો રેલો ગળા સુધી પણ પહોંચતો નથી. અમેરિકાના ઘરનો મોટો મસ મગ ભરેલી, જાતે બનાવેલી ચા તમને યાદ આવી જાય છે.
એક ઊડો નિસાસો નાંખી, તમે તમારી સાયંયાત્રા આરંભો છો. બહુ દૂર તો જવાનું નથી. પણ BRTS હવે નોન પીક અવર વખતની સપનપરી નથી રહી. મુશ્કેટાટ ગીરદીમાં તમે માંડ બસમાં પ્રવેશ મેળવી શકો છો. પાંચ જ સ્ટેશન દૂરની મુસાફરી તો તરત કપાઈ ગઈ છે. પણ બહાર નીકળવા ગડદાપાટી કરવાનું આ ઉમ્મરે કેટલું મુશ્કેલ છે; તેનો જાત અનુભવ તમને થઈ જાય છે.
રસ્તાની વચ્ચે આવેલા રૂપકડા બસ સ્ટેન્ડની બહાર નીકળતાં જ, રસ્તો ઓળંગવા તમે ઝીબ્રા ક્રોસિંગ શોધવા લાગો છો. પણ તે તો ક્યાંય નજરે ચઢતો નથી. વાહનોની ભીડમાં એ તો ખોવાઈ ગયો છે. બાજુમાં ઊભેલો પોલીસમેન ફિલસૂફની અદાથી ધ્યાન ધરતો, આવી તુચ્છ બાબતમાં સમય બરબાદ કરવામાં શ્રદ્ધા નથી રાખતો. તેને તો ઘણા મોટા ટ્રાફિક પ્રશ્નો હલ કરવાનાછે.
ભાવિના ગર્ભમાં, તમે પણ એવા પ્રશ્નોના સર્જકોમાંના એક બનવાના જ છો; તેવી આગાહી શિલાલેખની જેમ કોતરાયેલી જ છે!
ઊભા રહેશો તો ઊભા જ રહેશો; એ સત્ય તમને બરાબર સમજાઈ જાય છે. ‘ चराति चरतो भगः’ ના મહામંત્રને આત્મસાત કરી, તમે વાહનોની વણઝારની વચ્ચેથી તમારો માર્ગ કાઢવા મરણદોટ આદરો છો. તાળવે જીવ રાખી, તમે જુવાનને પણ શરમાવે તેવી અદાથી રસ્તો ઓળંગવામાં સફળ નીવડો છો. ધક ધક ધડકતું તમારું ઘરડું હદય, વધી ગયેલા બ્લડ પ્રેશરનો તરત અહેસાસ કરાવે છે. નજીવા કારણોસર તમારા અમેરિકી સ્વદેશમાં અવારનવાર લાગતો, જમણા ઘુટણમાંનો, જૂનો ને જાણીતો આંચકો અજાયબ રીતે ગેરહાજર રહી; રણમાં વિરડીની જેમ તમને નાનકડી રાહત બક્ષે છે.
થોડોક હાહ ખાઈ; બીજો એક ઊંડો નિસાસો નાંખી; દસ રિક્ષાવાળાઓનો ક્રૂર નન્નો કમને ગળી જઈ; આગળની સફર પગપાળા જ આદરો છો. ‘મામૂલી ખર્ચ બચાવવા, વગર કારણે અફળાયા કરવાની તમારી અમદાવાદી નિયતી ભોગવવાનું તમારા લમણે લખાયેલુ જ છે. ‘ – તે કડવા સત્યને વાગોળતા વાગોળતા, બે ત્રણ વખત સહ વટેમાર્ગુઓના ખોટા માર્ગદર્શનોથી આમતેમ અફળાતા, કૂટાતા; ઠીક ઠીક વારે તમારા તમે લક્ષ્યસ્થાને પહોંચો છો. ઓફિસના પ્રવેશદ્વાર પર જ પબ્લિક માટે કામકાજ ત્રણ વાગ્યા પછી બંધ થઈ ગયું છે- એ માહિતી તમને મોટા અક્ષરે વાંચવા મળે છે. આ ધરમ ધક્કાનો સ્વીકાર કર્યા વગર બીજો કોઈ વિકલ્પ તમારી પાસે મોજૂદ નથી. તમે વીલા મોંઢે ઘેર પાછા પધારો છો.
આમને આમ દસેક દિવસ પસાર થઈ જાય છે. ‘ આશા ભર્યા તે અમે આવિયા. ને વ્હાલે રમાડ્યા રાસ ( કે નાશ?) ‘ એ પંક્તિ ગણગણતાં; જે આશા અને ઉમંગથી સ્વદેશ પધાર્યા હતા, તેની નિર્ભ્રાન્તિનો અહેસાસ કરતા થઈ જાઓ છો. દસમા દિવસે તમે બહેનના ઘેર જમી ‘ રાતના મોડો નિકળું; તો BRTS માં ખાસ ભીડ નહીં હોય; તે વ્યાજબી વિચારથી તમે છેક નવ વાગે પાછા ઘેર પ્રયાણ આદરો છો.
અને મુંબઈની લોકલ ટ્રેનને પણ ક્યાંય પાછી પાડી દે તેવી અદભૂત ભીડનો તમને સ્વાનુભવ થઈ જાય છે. ટ્રકમાં કતલખાને લઈ જવાતા ઘેટાં બકરાંની કરૂણ સ્થીતિનો તમારો જાત અનુભવ તમને ત્યાં ને ત્યાં જ એક મહાસંકલ્પ કરવા મજબૂર કરે છે.
‘ કાલે ઘેરથી નિકળી, સાઢૂભાઈના સ્કૂટર વાપરવાના ઈજનને વધાવી લેવાનું છે.’
અને એ શુભ દિન આવી ગયો છે. વિજયશ્રી એની વરમાળ તમારા કંઠે પહેરાવવા આતૂર થઈને ઊભી છે. હવે સ્વવાહનયોગ તમારી હાથવેંતમાં છે. તમારો દ્વિચક્રી અશ્વ તમારી જાતને રસ્તાઓના સમરાંગણમાં ઘૂમતી કરવા બન્ને પૈડે ખડો છે!
પણ વિજય એટલો સહેલો નથી જ તો. તમારે આ પાંચ વર્ષમાં ભૂલાઈ ગયેલા ઘણા જૂના પાઠ તાજા કરવાના છે. વિતેલા માહોલમાં સર્જાયેલા, આક્રમક વાહન હંકારવાના નવા પાઠ તમારે આત્મસાત કરવાના છે. તમે છેવટે તમારા સ્કૂટર પર બિરાજો છો. એક જ ક્લિક અને તમારો અશ્વ હણહણવા લાગે છે. તમે ઘરની બહાર આવેલા સાંકડા રસ્તા પરથી, શહેરના સમરાંગણ તરફ દોરી જતા રસ્તા પર વળવા રોકાયા છો. પણ ‘Stop, Look and Go.’નો ગોખી ગોખી અપનાવેલો એ અમેરિકી કુનિયમ તમને બાંધી રાખે છે. ત્રણ ચાર ગાડીની લંબાઈ જેટલો રસ્તો વાહન વગરનો હોય; તો જ વાહન મોટા રસ્તા પર પ્રવેશી શકે – તેવી તમારી ગલત માન્યતા તમને એક ડગલું પણ આગળ વધવા નથી દેતી.
તમે મરણિયો પ્રયત્ન કરી; એ ખોટી માન્યતાને ફગાવી દો છો. સ્વતંત્રતાનો પહેલો શ્વાસ! તમે રસ્તા પર છેવટે પ્રવેશી શક્યા છો. એક ફૂટ જ છેટે રહેલી સ્કૂટી ચાલક કન્યાએ મોં બગાડી, બ્રેક મારી, તમારી પર કૃપા કરતી હોય તેમ, તમને જવા દીધા છે.
અને તમે ‘આવાહંક’ ના બે નિયમો શીખી લીધા છેઃ-
નિયમ-૧
‘જે મારે તેની તલવાર’ ની જેમ – જે એક ઈંચ આગળ હોય, તેનો રસ્તા પર જવાનો પહેલો હક છે.
નિયમ-૨
ભારત દેશમાં બીજું કશું કામ કરતું ન હોય; પણ બ્રેકો તો કામ કરે જ છે. ( બધા, બધાને બધી જાતની બ્રેક મારવા પૂર્ણ રીતે કાબેલ અને કાર્યરત હોય છે! )
તમે ખાડા ખૈયા વટાવતા; ઠેબા અને આઘાતો ખાવાનો અનુભવ અને ક્ષમતા કેળવતા; હોર્નના ભયાનક અવાજોથી તમારા કાનને ઇમ્યૂન બનાવતા; શહેરના મૂખ્ય રસ્તાની લગોલગ આવી પહોંચો છો. અનેક બાઈકધારીઓ તમને ક્યારના ઓવરટેક કરી ચૂક્યા છે. એમની પ્રત્યે ઈર્ષ્યાભાવ તરફ સમતા કે નમાલી સ્થિતપ્રજ્ઞતા કમને ધારણ કરી; કદીક તમે પણ એવા વિજયી યોદ્ધા બની શકશો; તેવી અભિપ્સા કેળવો છો. સમરાંગણના આ નવા મોરચા પર તમારી હિમ્મતના છક્કા છૂટી જાય છે. વાહનોની અભેદ્ય વણજાર પૂરપાટ, વણથંભી હાલી,અરે! દોડી અને ધસી રહી છે. આખો દિવસ અહીં જ ઊભા રહેવું પડશે કે કેમ; તેવો નિર્વેદ તમારા મનને આવરી રહ્યો છે.
પણ તમે એકલા ક્યાં છો? કદી કોઈ એકલું હોતું જ નથી. સર્વત્ર હજારોના હાથ ઝાલનારો, મારો, તમારો અને સૌનો વ્હાલો હાજરાહજૂર હાજર જ હોય છે. એના દૂત ઠેરઠેર મોજૂદ થઈ જ જાય છે. તમારી સાથે રાહ જોઈ રહેલા બીજા અતિરથીઓ પણ તમારી પડખે છે જ ને? તેઓ દિર્ઘદર્શી છે. તેઓ ચાલાક અને સજાગ છે. વાહનોની વણજારમાં ક્યાં છીંડું પાડી શકાય તેમ છે – તેનો આગોતરો અંદાજ તેઓ ધરાવે છે. અને તરવરીયા તોખાર જેવો, એક બાઈકધારી નવયુવાન ત્રણ જ ઈંચના અવકાશને આટોપી જઈ; ભયાવહ રણમાં પોતાની નવી કેડી અંકારવા સફળ નીવડે છે. બીજા દ્વિચક્રધારીઓ – અરે! ચાર પૈડાવાળા રથો પણ તેને અનુસરે છે.
એ મહારથીની તરફ અહોભાવ કેળવતા, તમે પણ ‘महाजनो येन गतः स पन्थाः’ એ સુભાષિતને અનુસરી, આ વીરસેનામાં ભળી જાઓ છો. તમે મહાન સિદ્ધી હાંસલ કરી છે. તમે એક વધુ નિયમ હસ્તગત કર્યો છે.
નિયમ-૩
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, નેતાને અનુસરતા, ગાડરિયા હજુરિયા કેમ બનવું; તે કળા આગળ વધવા માટે બહુ જ જરૂરી છે.
તમે હવે શહેરના મૂખ્ય રસ્તા પર છો. અહીં ઠચુક ઠચુક ચાલે ચાલતા, ઘરડા ડોસાઓને કોઈ સ્થાન નથી. આ નવયુવાનો માટેનો રાજમાર્ગ છે. આ કેસરીયા કંથ પર ઓવારી જતી રણચંડીઓની રાજધાની છે. આ માથે કફન ધારનારા, અને પ્રચંડ ગર્જનાઓ કરનારા, સતત હોર્ન વગાડી શત્રુઓના દર્પને ગાળનારા, સુભટોની રણવાટ છે. તમે પણ આ રણમાં ઝૂકાવો છો. અહીં ‘આગળ ધસો’ એ જ એકમાત્ર રણહાક છે.
હવે તમે લાલ, લીલા સિગ્નલ આગળ આવી પૂગો છો. તમારી બાજૂની લાલ લાઈટ ઝગમગી રહી છે. તમે અમેરિકી સંસ્કારે, ઝિબ્રા ક્રોસિંગને માન આપતા, અટકો છો. પણ, તમારી પાછળની વાહન સેના તમારી તરફ અણગમાના હોર્ન બજાવતી, પૂરપાટ આગળ ધપી જાય છે. દ્વિચક્રી જ નહીં ; કાર અને ટ્રક પણ આ ધસારામાં સામેલ છે. તમે તો નિઃસહાય અને નિષ્ક્રીય બની શિખંડીની કને ઊભા રહી ગયા છો.
છેવટે તમારી બાજુને આલબેલ પોકારતી, લીલી લાઈટ થાય છે. પણ તમારી વ્યથા તો એમની એમ જ છે. તમારે જમણી બાજુએ વળવાનું છે; પણ તમે વળી નથી શકતા. તમારા સહપંથીઓની જેમ બીજી દિશામાંનો ટ્રાફિક અવિરત વહી રહ્યો છે. આ દુર્ભેદ્ય કિલ્લેબંધીને તોડવા તમે કાબેલ નથી. ‘અરે! કાકા, શું કરો છો? ઝૂકાવો. ’ એમ કહી એક બાઈક ચાલક દુશ્મનોના દાંત ખાટા કરી, અવરોધોને આંબી જાય છે. તમે એને હજૂરિયાની જેમ અનુસરો છો. અને આ ઈડરિયો ગઢ તમે જીતી જાઓ છો. તમે આવાહંક ના બીજા બે નવા નિયમ શિખ્યા છો.
નિયમ-૪
ઝિબ્રા ક્રોસિંગ રસ્તાના શણગાર માટે જ છે. એ પગે ચાલનારા માટે હરગિજ નથી જ.
નિયમ-૫
એ જ રીતે સિગ્નલ લાઈટ પણ રસ્તાના શણગાર માટે જ છે – સિવાય કે, ડંડાધારી પોલીસ એની આમન્યા જાળવવા, તમને મજબૂર કરવા હાજર ન હોય.
અને આ નવા જ્ઞાનથી માહેર થયેલા તમે છેવટે તમારા લક્ષ્યસ્થાને પહોંચી રાહતનો દમ ખેંચો છો. તમારો અમેરિકી, શિસ્તધારી આત્મા કકળી ઊઠે છે. તમે આખી પ્રજા, કાયદા અને વ્યવસ્થાના તંત્ર, સરકાર, બારતીય સંસ્કૃતિ …… બધાની વિરૂદ્ધ મનોમન તિવ્ર આક્રોશથી બરાડી ઊઠો છો.
પણ તમને એ ખબર નથી કે, તમારું નવું ઘડતર થઈ રહ્યું છે. તમે તમારા પોતાનાથી અજાણ અને અભાન રીતે, આક્રમક વાહન હંકારવાની કળાને હસ્તગત કરતા થયા છો. એ સિવાય તમારો કોઈ ઉગાર નથી.
મરીઝની એક પંક્તિ સાથે તમે આ જીવન સાથે સમાધાન કરી લેવા માંડ્યા છોઃ-
‘ જિંદગીને જીવવાની ફિલસૂફી સમઝી લીધી.
જે ઘડી આવી જીવનમાં, આખરી સમજી લીધી. “
અને આ યુગના મહાકવિ શ્રી. રાજેન્દ્ર શુકલ પણ કહે જ છે ને?
“સામાય ધસી જઈએ, આઘાય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.”
તમે ખચિત વર્તમાનમાં જીવતા થયા છો.….
પહેલો મુક્ત શ્વાસ માણ્યાને એક મહિનો વીતી ગયો છે. તમે આવાહંકની અનેક કળાઓ હસ્તગત, આત્મસાત કરી લીધી છે. લો! તે દિવસે સાંજે છ વાગે તમારા ઘર તરફ પાછા વળવાનું હતું – એ જ રસ્તે, જ્યાં તમે પહેલા દિવસે નિર્વેદગ્રસ્ત બન્યા હતા. અને આજે? તમે કેવી સિફતથી તમારો આગવો માર્ગ આકારી શક્યા છો? આ ચિત્રમાં બતાવ્યું છે તેમ?

નિયમ-૬ …. અને સોનેરી નિયમ
ડાબે, જમણે, આગળ, પાછળ, અવળા, સવળા, સાચા, ખોટા – આ બધા ભ્રામક, આપણને પાછળ જ રાખનારા ખ્યાલો છે. એકમાત્ર સત્ય એ છે કે, જે આપણી પ્રગતિને ઝડપી બનાવે છે.
આગલા દિવસે સાંજે જ તમને ઓવરટેક કરવા ઈચ્છનાર, તુમાખી વાળા બાઈકધારીને તમે કેવી કુશળતાથી મહાત કરીને પાછો પાડી દીધો હતો?
“ કાકા! તમને ચલાવતાં આવડે છે કે નહીં?” એવા તેના આક્રોશનો જવાબ તમે ડારતી આખે , “તારી જ પાસેથી આ કળા શિખ્યો છું – દીકરા!” એ શબ્દોથી આપ્યો જ હતો ને?
એ પરિસ્થિતિ અહી માણો
તમે હવે કૈલાસની જેમ અજેય, કાલાગ્નિની જેમ અસહ્ય, પરમવીરચક્રધારી, શત્રુઓના દર્પને ગાળી ભસ્મીભૂત કરનાર, સુભટોમાં શ્રેષ્ઠ, પરમભટ્ટાર્ક યોદ્ધા બન્યા છો. તમને હવે કોઈ પરાસ્ત કરી શકે તેમ નથી. તમે અજેય છો. તમે શ્રેષ્ઠ છો. તમે અપ્રતિમ અને ઝળહળતા છો. તમે આત્મસાત કરેલા નિયમો તમને રસ્તા પર જ નહીં; જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પણ વિજયી બનાવવાના છે. રામ, કૃષ્ણ, જિસસ, મહાવીર, બુદ્ધ, મહમ્મદ, વિવેકાનંદ, ગાંધીજી વિ. ના અદના અનુયાયીઓના તો નામ પણ કોઈ જાણતું નથી. સમાજને માન્ય નિયમોને ઘોળીને પી જવાની તમારી આ આવડત તમને રાજાઓ, મહારાજાઓ, સમ્રાટો, શાહ સોદાગરો, મેનેજિંગ ડિરેક્ટરો, આધુનિક રાજકારણીઓ, ધર્મધુરંધર ધધૂપપૂઓ, ચાંચિયાઓ ની સમકક્ષ આણી શકે તેમ છે – તેમને પણ આંબી શકે તેવા અપ્રતિમ તમને બનાવી શકે તેમ છે.
તમે ગીતાના આ મહાવાક્યને શબ્દશઃ અમલમાં મૂક્યું છે.
ततो युद्धाय युज्यस्व
તમે હવે એક મુઠ્ઠી ઊંચે નહી, અનેક જોજન ઊચે ઊડનારા ‘ જોનાથન લિવિંગ્સ્ટન’ જેવા મુક્ત પંખી છો
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
