પુસ્તક પરિચય
રીટા જાની
સ્વપ્ન એ માનવીની મનોભૂમિના પ્રદેશમાં અંકુરિત થતું વૃક્ષ છે. જ્યારે માનવીની દૃષ્ટિ ક્ષિતિજને આંબે છે ત્યારે સ્વપ્ન પ્રદેશ શરૂ થાય છે. સ્વપ્ન એ વર્તમાનની કંઇક વિશેષ છે. અને તેથી જ માનવી સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળી પડતો હોય છે. સ્વપ્નસિદ્ધિ એ આકાંક્ષા અને વાસ્તવનું મિલનબિંદુ છે. ગત અંકમાં આપણે વાત શરૂ કરી હતી મુનશીની આત્મકથા “સ્વપ્નસિદ્ધિ શોધમાં” પુસ્તકની. ત્યારે આપણા મનમાં જે અનેક પ્રશ્નો ઉદભવ્યા તેના જવાબો એક પછી એક જોઈએ.
અખો કહે છે એમ હસવું ને લોટ ફાકવો એ બે સાથે ન બને. પ્રેમમાં પણ એવું જ છે. પ્રેમમાં લોકલાજનો ભય ન હોય અને લોકનિંદાની શરમ ન હોય. ઉત્કટતા અને તીવ્રતા વગર પ્રેમ શક્ય નથી. પ્રણયના અનુભવે સ્વૈરવિહારી મુનશીના જીવનમાં મેઘધનુષના રંગ લાવી દીધા હતા. યુરોપનો મોહ તો હતો જ, ત્યાંના સાહિત્યસ્વામીઓએ મુનશીની કલ્પના અને કલાદૃષ્ટી સમૃદ્ધ કર્યા હતા. મુનશી, તેમના પત્ની લક્ષ્મી અને પ્રિયતમા લીલાવતી સાથે સ્ટીમરમાં બેસી યુરોપના પ્રવાસે નીકળ્યા. લીલાએ પોતાની નોંધમાં લખ્યું. “થોડા મહિના માટે સંવાદી આત્મા સાથે સહજીવન. આવું સુખ થોડા દિવસ મળે તોય બધું હોમી દીધેલું સાર્થક”. મુનશીની સૌંદર્ય અનુભવવાની શક્તિ – રસવૃત્તિ- સુક્ષ્મ બની ગઈ હતી. જગત ક્ષણે ક્ષણે નવીનતા પ્રાપ્ત કરતું હતું. ચારે તરફ સમુદ્ર અને વ્યોમ એક થયેલા દેખાય, એ પર કૌમુદી મીઠી અસ્પૃશ્ય મોહકતા પ્રસારે, એ મોહકતામાં સૂર્યાસ્તના સૌંદર્યનો અનુભવ- ભૂમધ્ય સમુદ્રના ઉછાળામાં પણ અદ્ભુત આનંદ હતો. ત્યાં વાયુ મદમત્ત થઈ વાતો, ત્યાં ફીણના પ્રવાહમાં રંગનાં મેઘધનુષ્ય દેખાતા, ત્યાં સ્વર્ગનું વાતાવરણ પ્રસરતું ને અવર્ણનીય આહ્લાદ રગરગમાં પ્રસરતો. સમુદ્રના તરંગોમાં મુનશીને કલ્પનાતરંગોના પડઘા સંભળાતાં. સ્થૂળ દેહે મુનશી, લક્ષ્મી અને લીલાવતી – ત્રણે જણ સવારસાંજ ફરતાં, વાતો કરતાં, ખાતાં, પીતાં ને મોજ કરતાં. ને મુનશીનો સુક્ષ્મ દેહ ઉલ્લાસની પાંખે સ્વૈરવિહાર કરતો. યુરોપની મુસાફરીમાં રૂપાળી લક્ષ્મીના શ્વેત રંગમાં મોહક લાલાશ આવી હતી.
યુરોપ પાસે કુદરતી સૌન્દર્ય છે, સમૃદ્ધ સાહિત્ય અને કલાનો વારસો છે, ધાર્મિક અને ઐતિહાસિક સ્મારકો ને મહાલયો છે, જગવિખ્યાત ચિત્રો, સ્થાપત્યો અને ઓપેરા પણ છે. પ્રવાસ માટેનું એક મોહક અને આકર્ષક સ્થાન. મેં અને તમે પણ યુરોપ જોયું હોય, પણ મુનશીની દૃષ્ટિએ યુરોપ જોવું ને તેમના શબ્દો દ્વારા તેને માણવું એ એક લ્હાવો છે. એડન, બાબેલમાંડળની સામુદ્રધુની, વિશ્વકર્માને ટપી જવાનો ઉત્સાહ દેખાડતી સુએઝ કેનાલ, બ્રિંડીસી, ગ્રીક ને રોમન શિલ્પકૃતિઓનો અદ્ભુત કલા ઇતિહાસ ધરાવતું યુરોપનું રમણીયતમ નગર નેપલ્સ, જ્વાળામુખી વિસુવિયસ અને લાવારસમાં દટાયેલા પોંપીઆઈની મુલાકાત બાદ તેઓ રોમ પહોંચ્યા. સનાતન રોમ વિશે તેમણે ઇતિહાસ ને નવલકથામાં જે વાંચ્યું હતું તે જોઈ મુનશીની ઐતિહાસિક કલ્પનાના ઘોડા ચારે પગે ઉછળતા ચાલ્યા. પીટરના દેવાલયનું સ્થાપત્ય જોઈ સૌન્દર્ય અને ભવ્યતા વચ્ચેનો ભેદ સમજાયો. વેટિકનમાં સૈકાઓના કલાસ્વામીઓના ચિત્રો, શિલ્પકૃતિઓ ધરાઈને જોઈ સાથે નામદાર પોપનાં દર્શન પણ કર્યા.
રોમથી તેઓ પહોંચ્યા ફ્લોરેન્સ, જે મુનશીને મન પ્રણયનું પાટનગર હતું. રોમિયો ને જુલીયટની ભૂમિ, મહાકવિ દાંતે રસગુરુ ગોએથે, જગદગુરુ માઈકલ એન્જેલો ને સર્વગ્રાહી સ્વામી લિયોનાર્ડો દ વિન્ચીની ભૂમિ. બહુ જોયું, બહુ ફર્યા ને આખરે નોંધ્યું : “દેવાલયોનો અભરખો ને અપચો. કલાદૃષ્ટીની એકદેશીયતા. ખ્રિસ્તની મૂર્તિના એકધારાપણાથી આવેલો કંટાળો.” ત્યાંથી વેનિસ, મિલાન અને કોમો ગયા. મુસાફરીનો પ્રથમ ઉત્સાહ જતો રહ્યો હતો. નવા નવા દ્રશ્યોની મોહિની પણ ઓછી થઈ હતી. સાહચર્યમાંથી ઘણીવાર નિરાશાના કરુણ સૂર સંભળાતાં ગયા. કોમોનું રમણીય સરોવર, લ્યુગાનોના નાના શ્રુંગોના રંગની રમણીયતા માણતા, આત્માના સંગીત અને અવાજના સંગીતની તુલના કરતાં તેઓ લ્યુસર્ન આવ્યા, જેને તેઓ તેમની યાત્રાનું પરમધામ માનતા હતાં.
…. અને સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળેલ મુનશીની સહયાત્રામાં આપણને પણ પ્રશ્ન થાય કે શું ઇતિહાસનીઅટારી એ સ્વપ્નપ્રદેશનો અંત છે? ઇટાલીની ઇતિહાસયાત્રાના અંતમાં સ્વપ્નની પૂર્ણતા મળી શકે? સ્વપ્ન એ ક્ષિતિજ છે, જ્યાં માનવી ઝંખે છે પૂર્ણતા…પણ પૂર્ણવિરામ હંમેશા અનેક અલ્પવિરામનો સરવાળો હોય છે અને તેથી જ મુનશીની સાથે આપણે પણ એક અલ્પવિરામ પર છીએ …પણ મંઝિલ છે સ્વપ્નની પૂર્ણતા તરફ, સ્વપ્નસિદ્ધિ તરફ…
આવતા અંકે એક નવા પ્રદેશ તરફ…
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
