હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
બીરેન કોઠારી
“તમારામાંના ઘણાને આ સાંભળીને નવાઈ લાગશે કે ‘આનંદ’ની મુખ્ય ભૂમિકા માટે કિશોરદા તૈયાર હતા. બધું નક્કી થઈ ગયેલું. શૂટના થોડા દિવસ અગાઉ ફિલ્મમાંનો પોતાનો લૂક, કોસ્ચ્યુમ્સ વગેરેની ચર્ચા કરવા કિશોરદા અમને મળવાના હતા. તેઓ આવ્યા- સાવ ટકલું કરાવીને. અમને બધાને આંચકો લાગ્યો! આટલું ઓછું હોય એમ કિશોરદા નાચતાં નાચતાં ઓફિસમાં ફરવા અને ગાવા લાગ્યા, ‘હવે શું કરીશ, હૃષિ?’ (ફિલ્મના નિર્દેશક હૃષિકેશ મુખોપાધ્યાય). આખરે, ટૂંક સમયમાં રાજેશ ખન્નાને એ ભૂમિકા સોંપવામાં આવી. કદાચ કિશોરદા એ પાત્ર કદી ભજવવા જ માંગતા નહોતા. પોતાને આ રીતે નુકસાન કરીને અન્યને કષ્ટ આપનાર મેં કદી જોયો નહોતો. એય ખરું કે કિશોરદા એવી વ્યક્તિ હતી કે એના પર તમે લાંબો સમય ગુસ્સે ભરાયેલા રહી ન શકો. એમ કરીએ તો નુકસાન આપણું. એમ કરવાનો મતલબ આ વિશ્વના સત્વથી- કિશોરકુમારના સત્વથી વંચિત રહી જવું. એનું એક આગવું ગૌરવ, નશો અને અનુભૂતિ હતાં- અને એ તદ્દન અનન્ય હતાં.”

“કિશોરકુમારને અતિ પ્રિય બાબતો પૈકીની એક પોતાના નિર્માતાઓને મુશ્કેલીમાં મૂકવાની હતી. એ કદી નિર્માતાઓને નુકસાન કે હાનિ પહોંચાડવા માટે નહોતી. એમાં અડધી રમૂજ, અને અડધું વાજબીપણું રહેતું. એક વાર અમે ‘ભરોસા’ ફિલ્મના ગીતોનું રેકોર્ડિંગ નક્કી કરેલું. ઘણા સમયથી રિહર્સલ થઈ રહ્યા હતાં અને સહુ તૈયાર હતા. ફાઈનલ રેકોર્ડિંગ શરૂ થાય એ પહેલાં કિશોરદાએ અમને જણાવ્યું કે એમને થોડી ચા જોઈશે. તેમના ડ્રાઈવર અબ્દુલને ચા લઈ આવવા માટે કહેવામાં આવ્યું. અબ્દુલ ઊપડ્યો અને સહુ તેના આવવાની રાહ જોતા રહ્યા. અબ્દુલના આવવાનાં એંધાણ જણાતા નહોતાં. અમે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહેતાં, ‘ચાલો ને, દાદા, રેકોર્ડિંગ પતાવી દઈએ. અબ્દુલ હમણાં આવી જશે.’ ત્યારે એ કહેતા, ‘અબ્દુલને આવી જવા દો. હું ચા પીઉં એ પછી જ વાત.’ અમે વારેવારે કિશોરદાને સમજાવવાનો પ્રયત્ન કરતા, પણ તેઓ ટસના મસ ન થયા. આખરે અબ્દુલ આવ્યો કે તરત જ કિશોરદાએ જાહેર કર્યું, ‘ઓકે, ચાલો, રેકોર્ડિંગ કરીએ.’ અમે પૂછ્યું, ‘કેમ? તમારે ચા નથી પીવાની?’ અમારી વાત પર ધ્યાન આપ્યા વિના તેઓ રેકોર્ડિંગ માટે તૈયાર થઈ ગયા. હકીકતમાં એમના માટે ચાનું કશું મહત્ત્વ જ નહોતું. તેઓ ઈચ્છતા હતા કે નિર્માતા નાણાં ખર્ચે અને વાદકો તેમજ અન્ય કર્મચારીઓ માટે ચા મંગાવે. આ આખું નાટક એના માટે હતું.”
“એક વાર શૂટ દરમિયાન કિશોરદાએ રહસ્યોદ્ઘાટન કરતાં કહ્યું, ‘બીમલદા (બીમલ રૉય), કાલે એક નિર્માતા મને મળવા આવેલો. મેં કહ્યું કે હું ફિલ્મ સાઈન કરીશ, પણ એક શરતે. તેણે મારે ઘેર ચડ્ડી પર કૂરતો પહેરીને આવવું પડશે. તેણે એ રીતે પાન ચાવતાં ચાવતાં આવવું પડશે કે હોઠના બન્ને ખૂણેથી લાલ રેલા દદડતા દેખાય. મારે ઘેર બે ટેબલને ભેગાં કરવામાં આવશે, અને એક ટેબલ એ ઊભો રહેશે, બીજા પર હું. એ પછી અમે હાથ મિલાવીશું અને કરાર પર સહી કરીશું.’ બીમલદાએ પૂછ્યું, ‘આવું ગાંડપણ શા માટે, કિશોર?’ અકળાઈને કિશોરદાએ કહ્યું, ‘બીમલદા, આજે એ નિર્માતા બિલકુલ આવાં કપડાં પહેરીને મને મળવા આવેલો. તમે જ કહો, પાગલ કોણ? હું કે એ?’ આ તર્કનો કશો જવાબ નહોતો.”
– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
ટીપ્પણી:
‘ભરોસા’ નામની કુલ બે ફિલ્મો બની છે. એક ૧૯૪૦માં અને બીજી ૧૯૬૩માં. ૧૯૪૦ની ફિલ્મમાં કિશોરકુમાર કે ગુલઝાર હોવાની શક્યતા નથી, જ્યારે ૧૯૬૩ની ફિલ્મમાં ગુરુદત્ત અને આશા પારેખની ભૂમિકા હતી, જેના નિર્માતા હતા વાસુ મેનન. આ ફિલ્મનાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં અને સંગીતકાર હતા રવિ.
ગુલઝારે જે ‘ભરોસા’નો ઉલ્લેખ કર્યો છે એ ફિલ્મ સેન્સર થઈ નથી, પણ તપાસ કરતાં એટલી વિગત મળી કે રાજેશ ખન્ના અને ઝાહીરાની ભૂમિકાવાળી આ ફિલ્મ ૧૯૮૧માં બનવાની શરૂ થઈ હતી અને તેનાં ગીત ગુલઝારે લખેલાં. દિગ્દર્શક હતા મેરાજ.
તેનું એક ગીત મળે છે –
કૈસે દેખું કે મેરી આંખોકે પાસ હો તુમ – કિશોર કુમાર , લતા મંગેશકર – સંગીત આર ડી બર્મન
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
