આનંદ રાવ
મારૂં નામ સુનંદા.
અમેરીકામાં છું…ડૉક્ટર છું. પ્રેકટીસ ઘણી સરસ ચાલે છે. મારા મિત્રો અને ઘરનાં બધાં મને લાડમાં “સુની” કહે છે. મારા પતિ મયંક પણ હાર્ટ સર્જન છે. એમને મેડીકલ પ્રેકટીસ કરતાં stocks, bond અને રીયલ એસ્ટેટમાં પૈસા કમાવાનો ભારે “શૉખ” છે. એમના એક બે દોસ્તો છે. એ બધા સાથે મળીને બધું કર્યા કરે છે. હું એમની એ બધી ધમાલમાં માથુ મારતી નથી. ટીપીકલ દેશી ગૃહિણી છું. એમને જે કરવું હોય તે કર્યા કરે. અને થાય છે પણ એવું જ કે એ જેમાં હાથ નાખે છે એમાં પૈસા ડબલ અથવા એથી ય વધારે થાય છે. આજ સુધી કોઈ સોદામાં એમણે પૈસા ગુમાવ્યા હોય એવું મને યાદ નથી.
મને કોઈ વાતની કમી નથી. હું સુખની ટોચ ઉપર બેઠી છું. એક ઈન્ડીયન સ્ત્રીને જે જોઈએ તે બધું મારી પાસે છે. પુરતો પૈસો છે. દેખાવડો, શોખીન, રંગીલો, ખુબ પૈસા કમાતો ડૉકટર પતિ છે. રાજમહેલ જેવું ઘર છે. હોશિયાર અને મીઠડાં બે બાળકો છે. માન છે. પ્રતિષ્ઠા છે. બધું છે. ઘરમાં ફુલ ટાઈમ મેઈડ છે. એક ઈન્ડીયન બહેન રસોઈ કરવા પાર્ટ ટાઈમ આવે છે. જીવન વિષે છું કોઈ ફરિયાદ કરી શકું એમ નથી. મેઘધનુષની કમાન ઉપર ઝુલો બાંધીને હું ઝુલતી હોઉ અને પક્ષીઓ મારી આસપાસ એમનાં મીઠાં ગીતોનો કલરવ કરતાં હોય એવા સુખમાં હું ઝુલી રહી છું.
* *
પણ હમણાં એક મહીના માટે ઈન્ડીયા મારાં ઘરડાં મમ્મી-પપ્પા પાસે રહી આવી અને ત્યાં મોહનને મળી ત્યારથી ઉદાસીનતા મારો પીછો છોડતી નથી. મારું હૈયુ જાણે ભાંગી પડ્યું છે. આ મોહન મારા હૈયામાંથી ખસતો નથી. મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. આંખમાંથી આંસું સૂકાતાં નથી. આ આંસુ સહી શકાતાં નથી અને કોઈને બતાવી પણ શકાતાં નથી.
મોહન અને હું એક જ ગામમાં ભણતાં હતાં. સાવ નાનું ગામડું. ગામની ભાગોળે નાની સ્કુલ હતી. એ સ્કુલમાં એકડીયા વર્ગમાં મને દાખલ કરવામાં આવેલી. મને નિશાળે જવું જરાય ગમતું ન્હોતું. મારી મરજી વિરુધ્ધ, મને પુછયા ગાછયા વીના જ મારાં માબાપે મને સ્કુલમાં દાખલ કરી દીધેલી. નિશાળનો ટાઈમ થાય એટલે હું ભેંકડા તાણીને ધમાલ મચાવી મૂકતી. પણ મારી મમ્મી સહેજે નમતું મૂકતી નહીં. ક્યારેક તો એ મને ફટકારતી પણ ખરી. એ વખતે મને આ મારી મમ્મી દુશ્મન જેવી લાગતી. બહુ કુર સ્ત્રી લાગતી. બાજુમાં રહેતા મોહનને એ બોલાવતી….
“અલ્યા મોહનીયા, બેટા, આ સુનીને તારી સાથે લેતો જા. એને રસ્તામાં કોઈ પજવે નહી એનું ધ્યાન રાખજે. સુની, જો મોહન તારી સાથે છે. ડાહી થઈને જા હવે…નહીતર …” એના હાથમાં રાખેલી સોટી હલાવીને કહેતી.
મોહન મારો હાથ પકડીને મારો રક્ષક બની જતો. એ મારા કરતાં એક વર્ષ આગળ હતો. એ પહેલા ધોરણમાં હતો. ડાહી ડાહી વાતો કરીને એ મને પટાવતો અને ધીરજ આપતો. બહુ ડાહ્યો ડમરો અને ગંભીર પુરુષ હોય એમ વર્તતો.
“ચાલ સુની, તને કોઈ નહી પજવે. હું છું ને. લાવ તારૂં દફતર.” મારી સ્લેટની થેલી પણ એ એના ખભા ઉપર ભરવી લેતો. હું એનો હાથ પકડી રડતી રડતી એની સાથે ચાલતી. રસ્તામાં કૂતરૂ આવે તો ગભરાઈને હું એની પાછળ સંતાઈ જતી. કોણ જાણે કેમ પણ નાનપણમાં મને કુતરાંની બહુ બીક લાગતી. મોહન દફતર વીંઝીને કુતરાને દૂર કાઢી મૂકતો.
“લે…બસ…કુતરુ જતું રહયું. હવે ડરીશ નહી.” હું ગભરાતી ગભરાતી દૂર જતા એ કુતરાને જોઈ રહેતી. મોહન મને અમારી કન્યાશાળાના ઝાંપા સુધી મૂકી જતો. પછી એ બાજુમાં છોકરાઓની સ્કુલમાં જતો રહેતો. નિશાળ છૂટે એટલે ઝાંપા પાસે મારી વાટ જોઈને ઊભો રહેતો. અમે લગભગ સાથે જ છૂટતાં અને રસ્તામાં રમતાં રમતાં ઘેર પહોંચી જતાં…ઉઘાડા પગે.
એક વખત ઘેર જતાં મને પગમાં કાચનો ટુકડો સહેજ વાગી ગયો. થોડુ લોહી નીકળવા માંડ્યું. આમ તો કાંઈ ખાસ એટલું બધું નહોતું વાગ્યું. પણ મોહન સાથે હતો એટલે મોટો ભૅંકડો તાણીને હું નીચે બેસી પડી. બિચારો મોહન ગભરાઈ ગયો. એણે એના હાથે લોહી લૂછવા પ્રયત્ન કર્યો. પણ લોહી બંધ થયું નહી.
“સુની, રસ્તા વચ્ચે રડાય નહી. તું તો ડાહી છું ને…ચાલ છાની રહી જા જોઉ…બહુ દુ:ખે છે? હમણાં મટી જશે…” જાણે મોટો વડીલ હોય એમ એ મને આશ્વાસન આપી પટાવતો હતો. એણે આસપાસ નજર કરી. રસ્તામાં ક્યાંક ચીંથરાનો ગાભો પડ્યો હોય તો લોહી લુછવા કામ લાગે. પણ ક્યાંય કોઈ ગાભો મળ્યો નહી. છેવટે એના યુનીકોર્મના ધોળા શર્ટના નીચેના ભાગથી એણે મારા પગનો ઘા દાબ્યો. થોડી વારમાં લોહી બંધ થઈ ગયું. લોહીના ડાઘાવાળું શર્ટ તરત એણે પાછું એની ખાખી ચડીમાં દાબી દીધું. પછી મારો હાથ પકડી એણે મને ઊભી કરી. એના ખભાનો ટેકો લઈ હું લંગડાતી લંગડાતી ચાલવા માંડી. ખરેખર તો મોહનના ટેકાની કે લંગડાવાની કાંઈ જ જરુર નહોતી. પણ મોહનનો કસ કાઢવામાં મને જાણે મઝા આવતી.
હું એના ઉપર ખૂબ અધિકાર જમાવતી. ખૂબ દાદાગીરી કરતી. એના શર્ટ ઉપર લોહીના ડાઘા વિષે એને ચીંતા થતી હતી. “સુની, ઘેર જઈને મારી બાને કહેતી નહીં કે મારા ખમીસ ઉપર લોહીના ડાઘા પડ્યા છે. સમજી?”
“નહીં કહું” રોતલ અવાજે મેં જવાબ આપેલો.
પણ અમારા બંનેમાંથી એકેને એટલી અક્કલ ન્હોતી કે શર્ટ ઉપર પડેલા લોહીના ડાઘ સવારે એ શર્ટ ધોતી વખતે એની મમ્મીને દેખાયા વિના રહેવાના છે!?
શિયાળાના દિવસોમાં મોહન બીજા છોકરાઓ સાથે ખેતરોમાં ઘૂમવા-રખડવા જતો. ખિસ્સાં ભરીને બોર લઈ આવતો. લીલી વરિયાળી લઈ આવતો. યાદ રાખીને એ મારો ભાગ સાચવી રાખતો. મારો ભાગ આપવા એ ક્યારેક મારે ઘેર આવતો. કાંતો બીજા દિવસે નિશાળે જતાં યાદ કરીને મને આપતો. મારો ભાગ એ કદી ભૂલતો નહી.
ગામમાં મોહનના બાપાની કરિયાણાની નાનકડી દુકાન હતી. જ્યારે જ્યારે અમે એમની દુકાન પાસેથી પસાર થતાં ત્યારે એ મને એક ગોળી આપતા. તદન મફત. મોહન મારી સાથે હોય તો પણ ગોળી તો એ મને જ આપતા. પછી રસ્તામાં હું મારા દાંતે એ ગોળી તોડીને જે નાનામાં નાનો ટુકડો હોય તે એને આપતી. કશી પણ કચકચ શિવાય મોહન એ ટુકડો સ્વીકારી લેતો. હું જે કરૂં એ બધું હંમેશાં મોહનને માન્ય જ રહેતું. મારી ઈચ્છા એ જ એની ઈચ્છા રહેતી.
% %* %
આજે મને સમજાય છે કે બાળપણમાં મે મોહનની ઉદારતા, એના ભલા સ્વભાવ અને એની સરળતાનો બહુ સ્વાર્થી ફાયદો ઉઠાવ્યો હતો. એની સાથે બહુ ઉધ્ધત અને તુમાખીભર્યું વર્તન કર્યું હતુ. હું કબૂલ કરૂં છું કે એટલી નાની બાળવયમાં પણ મારામાં જબરી અદેખાઈ, જબરી ઈર્ષા હતી….
એક વખત, મારા કલાસમાં ભણતી કુમુદ પાસે સ્લેટમાં લખવાની પેન નહોતી. એણે ક્યાંક ખોઈ નાખેલી. મોહન પાસે એના દકફતરમાં હંમેશાં થોડા વધારાના ટુકડા હોય. એ મોહન પાસે આવી. મોહને એક ટુકડો કુમુદને આપ્યો. આપ્યો એટલું જ નહી … બહુ કાળજીથી પથ્થર ઉપર ઘસી ઘસીને અણી પણ કાઢી આપી. મોટો ઉદાર આત્મા! હું બાજુમાં ઊભી ઊભી જોયા કરતી હતી. પેન આપતાં આપતાં પાછું એ કુમુદડીને એણે કહયું,
“લે. કુમુદ, સરસ અણી થઈ છે. હવે તારા અક્ષર પણ સરસ થશે.” કુમુદ પેન લઈને એના ક્લાસમાં દોડી ગઈ. એના ગયા પછી મેં ગુસ્સામાં મોહનના વાળ કચકચાવીને ખેંચ્યા. ખુબ હચમચાવી નાખ્યો.
“કુમુદને પેન કેમ આપી દીધી?…કેમ આપી દીધી?…કેમ આપી દીધી?”
વાળ ખેંચાવાથી મોહનને બિચારાને પીડા તો થતી જ હશે. એ જોર જોરથી બૂમો પાડવા માંડ્યો…..
“હવે નહીં આપું…વાળ છોડ….હવે નહીં આપું….મારા વાળ છોડ…”
મોહન બિચારો મારા હાથમાંથી વાળ છોડાવવા મથતો રહયો અને હું ખેંચતી રહી.
મારી દાદાગીરીનો બીજો એક પ્રસંગ પણ મને યાદ આવે છે.
નિશાળ છુટયા પછી અમે ઘેર જતાં હતાં. મોહનના ખિસ્સામાં દસ પૈસા હતા. નિશાળ પાસે ઊભા રહેલા લારીવાળા પાસેથી મોહને એ દસ પૈસાના ચણા લીધા. છાપાના કાગળમાં એક મુઠ્ઠી જેટલા ચણા પેલાએ આપ્યા. એમાંથી અરધા મોહને મારા હાથના ખોબામાં મૂક્યા. મારા જ વાંકે કાંઈક બન્યું અને મારા બધા ચણા મારા હાથમાંથી વેરાઈને જમીન ઉપર પડી ગયા. મારો પિત્તો ગયો અને મૅ ભૅકડો શરૂ કર્યો.
બિચારો મોહન! જલ્દી જલ્દી વાંકો વળીને નીચે વેરાઈ ગયેલા મારા ચણા વીણવા લાગ્યો.
“મારા ચણા” “મારા ચણા” કરતી કરતી, ગુસ્સાથી હું વાંકા વળેલા મોહનની પીઠ ઉપર જોર જોરથી મુક્કા મારવા લાગી. વિના કારણ. એનો વાંક હતો જ નહી તો પણ હું એને મારતી રહી.
“સુની, લે…રડીશ નહીં. આ લે તારા ચણા…બસ?” બધા ચણા જમીન ઉપરથી વીણીને એ ઊભો થયો.
“નીચે પડેલું ભૂત ખાય…” કહીને મૅ જોરથી એના હાથને ધક્કો માર્યો અને બધા ચાણા પાછા નીચે જમીનમાં ફેંકી દીધા.
મારો ભેંકડો ચાલુ જ હતો. મોહને એની ઉદારતા બતાવી.
“સારૂ…લે…આ મારા ચણા લઈ લે… બસ?” કાગળના પડીકાવાળા એના બધા ચણા એણે મને આપી દીધા. નફફટની જેમ મેં એ બધા ચણા લઈ લીધા અને ખાવા પણ માંડી. ચણા ચાવતું મારૂં મોઢું મોહન જોતો હતો એટલે મેં એને એમાંથી થોડા આપેલા.
મોહનને આટલો પજવ્યા બદલ આજે મને બહુ પસ્તાવો થાય છે. પણ શું કરૂં? હવે લાચાર છું….એ બાળપણ હતું.
બાળપણનાં આવાં તો કેટલાંય ખાટાં મીઠાં સંભારણાં મોહન સાથે સંકળાયેલાં છે. બાહ્ય દષ્ટિએ સાવ સામાન્ય લાગતી આ ઘટનાઓ મારે મન હવે એક અણમોલ ખજાના જેવી સ્મૃતીઓ છે. એ યાદોની મીઠાશ જ કાંઈ ઓર હોય છે.
મોહન!
કેટલો ભોળો! કેટલો ઉદાર! કેટલો ક્ષમાશીલ!
મારી દાદાગીરી સહીને પણ એ હમેશાં મને ખુશ રાખતો! એણે હંમેશાં મને ‘આપ્યા’ જ કર્યું હતું. બદલામાં મારી પાસેથી કશી જ અપેક્ષા ન્હોતો રાખતો. મારી સાથે કદી કશી રકઝક નથી કરી. રકઝક કરીને એ મને કદી દુ:ખી કરવા નહોતો માગતો. હું કહું તે બધું મંજુર રાખવાવાળો. કેટલો નિસ્વાર્થી !
કેટલો ત્યાગી! He was a giver, and giver only…
* * *
અમારી ઉમ્મર વધતી ગઈ. હું છઠ્ઠા ધોરણમાં આવી ગઈ. મોહન સાતમા ધોરણમાં આવી ગયો હતો. સાથે ૪િશાળે જવાનું તો ક્યારનું ય બંધ થઈ ગયું હતું. હવે તો એની હાજરીમાં કાંઈક જુદા જ ભાવ મારા મનમાં ખળભળી ઉઠતા. મોહન ક્યારેક કયારેક ધેર આવતો. ખેતરોમાંથી લાવેલા થોડાં શાકભાજી કે બોર અથવા લીલી વરિયાળી મારી બાને આપીને તરત જતો રહેતો. આમ મને મળ્યા સિવાય જતો રહેતો ત્યારે તો મને જબરો ગુસ્સો આવી જતો. એને હવે મારી પડી જ નથી. શું સમજતો હશે એના મનમાં? ઘાટ આવશે ત્યારે બરાબરનો ઠેકાણે કરી દઈશ.
જોત જોતામાં મેટ્રીકની પરીક્ષાઓ આવીને ઊભી રહી. પેલું બાળપણ ક્યાં અલોપ થઈ ગયું! એની જગાએ શરીરમાં આ બધું શું ઘૂસી ગયું!
ચિંતાઓ…! લાગણીઓના ગૂંચવાડા!
આ બધું ક્યાંથી અને કેવી રીતે અંદર ઘૂસી ગયું! બહારથી તો મારૂં શરીર બદલાયું જ હતું. પરંતુ અંદરથી પણ હું કેટલી બદલાઈ ગઈ હતી! જે મોહનને મારા હાથે હું બરાબર પીટતી એ જ મોહનને
હવે હાથનો સ્પર્શ કરવાની કલ્પના આવતાં મનમાં કંઈકનું કંઈક થઈ જતું! બધી જ છોકરીઓ આમ બદલાતી હશે! છોકરાઓ પણ બદલાતા હશે કે પછી છોકરાઓ બધા એવા ને એવા જ જડ જેવા રહેતા હશે!
હવે હાથનો સ્પર્શ કરવાની કલ્પના આવતાં મનમાં કંઈકનું કંઈક થઈ જતું! બધી જ છોકરીઓ આમ બદલાતી હશે! છોકરાઓ પણ બદલાતા હશે કે પછી છોકરાઓ બધા એવા ને એવા જ જડ જેવા રહેતા હશે!
મોહનનો દેખાવ પણ કેટલો બદલાઈ ગયો હતો! દાઢી અને મૂછો કાપવા માંડ્યો છે! એ પણ અંદરથી બદલાયો હશે ખરો! કોણ જાણે કેમ પણ હવે એ મારાથી બહુ દુર રહેતો. ગામડામાં તો અમારી ઉમ્મરના છોકરા છોકરીઓએ સમાજની લોકલાજ ખાતર દુર જ રહેવું પડે.
મેટ્રીકની પરીક્ષાઓનું પરિણામ બહાર પડ્યું. અમારા વર્ગમાંથી મોટા ભાગના પાસ થઈ ગયાં હતાં. મોહન પણ પાસ થયો હતો. પરંતુ હું આખા કેન્દ્રમાં પહેલી આવી હતી. એ ખુશીમાં મારા બાપુજીએ મોટી આઈસ્ક્રીમ પાર્ટી આપી. મારા પિતા ગામના અચ્છા અને ભલા તલાટી તરીકે જાણીતા હતા. મારા કલાસના બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બીજા મહેમાનો પાર્ટીમાં આવેલા. મોહન પણ હતો. હું એની પાસે ગઈ.
“મોહન, હવે તું કઈ કૉલેજમાં જવાનો?” મૅ પુછયું.
“ખબર નથી. આગે આગે દેખા જાયગા. તું ક્યાં જવાની?”
“મને બરોડાની સાયન્સ કૉલેજમાં એડ્મીશન મળ્યું છે. ત્યાં જવાની છું.”
“કોગ્રેચ્યુલેશન, સુની. હું તો…” એ આગળ કાંઈક કહેવા જતો હતો ત્યાં બાપુજીના બે મિત્રો અભિનંદન આપવા મારી પાસે આવ્યા. એટલે મોહન ટોળામાં ખોવાઈ ગયો. એ ક્યારે એના ઘરે જતો રહ્યો એની મને ખબર ના પડી.
* * *
થોડાં વધારે વર્ષ વીત્યાં. મારો મેડીકલ અભ્યાસ પુરો થવાની તૈયારી હતી. બાપુજી પણ રિટાયર્ડ થવાની તૈયારીમાં હતા, એમણે ગામ છોડી દીધું અને હું બરોડામાં હતી એટલે એમણે બરોડામાં જ એક સોસાયટીમાં ધર લઈ લીધું. હવે અમે બરોડાવાસી થઈ ગયાં.
મેડીકલનું છેલ્લુ વર્ષ ખુબ મહેનત માગી લેતું હતું. મારી બધી શકિત અભ્યાસમાં જ કેન્દ્રીત થતી. પરીક્ષાઓ આપતાં આપતાં કૉલેજનાં પાંચ સાત વર્ષ ક્યાંય વીતી ગયાં. કૉલેજમાં નવું મિત્ર મંડળ પણ થયું હતું. નવા મિત્રો અને અભ્યાસનો બોજો….આ બધામાં મોહનની યાદ ધીમે ઘીમે ઝાંખી થઈને ઊંડે ઊંડે ક્યાંય વીસારે પડતી ગઈ.
અંતે, હું ડૉક્ટર થઈ ગઈ. મારે કોઈ હોસ્પીટલમાં નોકરી કરવી કે પોતાની પ્રાઈવેટ પ્રેકટીસ શરૂ કરવી…એવી દ્વિધા મારા મનમાં ચાલતી હતી. પણ બાપુજીને તો મારી મેડીકલ કરીયર કરતાં મારા લગ્નની ચિંતા વધારે હતી. ઈન્ડીયન બાપને માટે એ સ્વાભાવિક હતું.
એ અરસામાં મયંકકુમાર અમેરીકાથી કન્યાની શોધમાં ઈન્ડીયા આવેલા. સગાં સંબંધીઓના વર્તુળે અમારી મુલાકાત ગોઠવી…મયંકકુમારના વ્યક્યિત્વથી હું પ્રભાવીત થઈ ગઈ હતી. પરસ્પર અમે એક બીજાને ગમી ગયાં…. and the rest is history.
ડૉ. મયંકને પરણીને હું અમેરીકા આવી ગઈ. પતિ, પૈસા, પ્રતિષ્ઠા અને બાળકો આ બધા સુખના ગગનમાં હું પાંખો ફેલાવતી સ્વૈર વિહાર કરતી થઈ ગઈ….
* * *
એક દિવસ વડોદરાથી બાની બિમારી અંગે ફોન આવ્યો. બાપુજીએ થોડા વખત માટે મને વડોદરા આવવા બહુ આગ્રહ કર્યો. બા મને મળવા માગતી હતી. એ તો વળી છોકરાંને પણ સાથે લાવવાનું કહ્યા કરતી હતી. પણ છોકરાંની સ્કુલો ચાલુ હતી એટલે હું એકલી નીકળી પડી.
વડોદરા પહોંચ્યાને બે ત્રણ દિવસ થયા ત્યાં અમારા જુના ગામની મારી બહેનપણી માધુરી બાની ખબર કાઢવા આવી. અમે ગામની સ્કુલમાં સાથે જ ભણેલાં. મને જોઈને એ ઉછળી પડી.
“અલી…સુની…તું?” એ મને વળગી પડી. હું પણ એને વળગી પડી.
“ઓ, માધુરી તું કેટલા વર્ષે મળી!? તું હજુ ગામમાં જ છું કે ક્યાં છું?” એના આલિંગનમાંથી છૂટા પડતાં મૅ પુછયું.
માધુરીની આંખો પણ આનંદથી છલકાઈ આવી હતી.
“સુની, હું તો ક્યાં જવાની હતી? તારી જેમ મને અમેરીકા લઈ જનારો મુરતીયો મળતો નથી. મૅ બી.એડ્. કર્યું અને હવે ગામની એ જ સ્કુલમાં છોકરાં ભણાવું છું. કોઈક વાર તારાં બા-બાપુજી પાસે વડોદરા આવી જઉ છું. સાંભળ…આ વખતે હું તને ગામમાં મારે ધરે લઈ ગયા વગર નથી રહેવાની. બોલ ક્યારે આવીશ?”
“કાલે જ. તું આજની રાત અહીં રહી જા. સવારે આપણે સાથે બસમાં જઈશું. મારે પણ ગામ જોવું છે. મારી એ નિશાળ…એ રસ્તા…એ ફળિયું…અને મારું એ બાળપણનું ઘર….આ બધું ફરી એક વાર જોવું છે. ગામ છોડ્યાને કેટલાં વર્ષ થઈ ગયાં!”
માધુરી..! બિચારી કેવું જીવન જીવી રહી છે! લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં આર્થિક, કૌટુમ્બિક અને સામાજીક સંજોગોને લીધે લગ્ન કરી શકી નહીં. એનાં માબાપ પાસે મોટી રકમની “ડાવરી” “પૈઠણ” આપીને મુરતીયો ખરીદવાની શકતી નથી. એટલે માધુરીનું સાડત્રીસ વર્ષનું યૌવન એમ જ એળે જઈ રહયું છે. દેખાવમાં માધુરી અમેરીકાની મારી એક મેક્સીકન નર્સ મીસ લોપેઝ જેવી સુંદર છે. ફરક એટલો છે કે મીસ લોપેઝને તો બૉય ફેન્ડ છે. માધુરીને તો લગ્ન સિવાય આ જીવનમાં પુરુષ સુખ મળવાનું જ નથી! એણે તો યૌવનને છાતી સરસુ દાબીને આખી જીંદગી ગૂંગળાયા જ કરવાનું છે.
આ આપણી સામાજીક પરંપરાઓ અને રૂઢિઓ !!
અને…હા…ગામમાં મોહન મળશે…
મારી દબાઈ ગયેલી સ્મૃતિઓમાંથી ધૂળ ખંખેરતો મોહન એકદમ બહાર આવ્યો. મારા રોમે રોમમાં ઉત્સાહની ભરતી આવી ગઈ.
મોહન! કેવો હશે! શું કરતો હશે! હજારો સવાલ મારા મનમાં ખળભળાટ મચાવવા લાગ્યા. એને મળવા હું અધીરી થઈ ગઈ.
બીજા દિવસે સવારે નવ વાગે હું અને માધુરી વડોદરાથી ગામ જતી એસ.ટી.ની બસમાં ધક્કા મૂક્કી કરીને ચઢયાં. અંદર એક સીટ ખાલી હતી. એના ઉપર જલ્દી બેસી જવા માધુરીએ મને હુકમ કર્યો. બસના હડદોલા ખાતાં ખાતાં બે કલાકે આખરે ગામની ભાગોળ દેખાઈ.
એ જુનું મંદિર….થોડે દૂર પેલું તળાવ…ચા અને પાનવાળાની બે ત્રણ હોટેલો…વડના મોટા ઝાડને ફરતો બાંધેલો એ ચોંરો…એ ઓટલા ઉપર આરામ કરવા સૂતેલા કેટલાક વૃધ્ધ માણસો…છાંયડામાં બેઠી બેઠી વાગોળી રહેલી કેટલીક ગાયો….આ બધાં જાણે મારા બાળપણને પાછું બોલાવતાં હતાં….
ભાગોળ નજીક આવી એટલે ડ્રાયવરે બસ રસ્તા ઉપરથી થોડી નીચે ઊતારીને ઊભી રાખી. ધુળના ગોટા ઉડ્યા. હું અને માધુરી ઊતર્યા એટલે કંડકટરે ખખડતું એ બારણું પાછુ ધડ દઈને બંધ કર્યું અને બે ઘંટડી વગાડી. ધૂળના ગોટા ઉડાડતી બસ પાછી રોડ ઊપર ચઢી ગઈ.
મારા બાળપણની એ ધરતી ઉપર મેં કેટલાં વર્ષે પાછો પગ મૂક્યો હતો! મારા અંગૅઅંગમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. બસ-સ્ટેન્ડથી સહેજ દુર દેખાતી એ પ્રાથમિક શાળા ઉપર મૅ નજર કરી. એનું
એ જ એ મકાન હજુ છે. આ એ જ શાળા જ્યાં જતાં હું ખૂબ રડતી અને મોહન મને બહુ પ્રેમથી ધીરજ આપતો. આ ભાગોળ પણ એજ છે. એકાદ બે નવી હૉટેલોનાં છાપરાં અને લારીઓ સિવાય ભાગોળ પણ એવી છે.
એ જ એ મકાન હજુ છે. આ એ જ શાળા જ્યાં જતાં હું ખૂબ રડતી અને મોહન મને બહુ પ્રેમથી ધીરજ આપતો. આ ભાગોળ પણ એજ છે. એકાદ બે નવી હૉટેલોનાં છાપરાં અને લારીઓ સિવાય ભાગોળ પણ એવી છે.
અમે માધુરીના ધર તરફ ચાલ્યાં.
એ જ વાંકી ચુંકી ગલીઓ. ગામના રસ્તાઓમાં કાંઈ ખાસ ફરક નથી થયો. થોડું આગળ ચાલ્યાં અને ગામમાં પ્રવેશ્યાં ત્યાં એ જ નાનકડી કરિયાણાની દુકાન મને દેખાઈ, જ્યાંથી મને મફત
ગોળી મળતી. મોહન ગલ્લા ઉપર બેઠેલો લાગ્યો. તદ્દન મેલુ, જુનું જર્જરીત શર્ટ એણે પહેરેલું હતું.
દુકાન જોતાં જ જાણે હું પાછી બાળક બની ગઈ. હરખઘેલી થતી હું ઝડપથી દુકાન તરફ દોડી. નજીક જઈને, સાવ અજાણી ઘરાક બનીને “એક રૂપિયાનો ગોળ આપો” કહીને મારે મોહનને જરા ચમકાવવો હતો.
પણ એવું કાંઈ બન્યુ નહી.
એ તરત મને ઓળખી ગયો.
“સુની…!” બૂમ પાડીને એ ગલ્લાથી નીચે કુદ્યો.
આશ્ચર્યનો મોટો આંચકો હું એના મોઢા ઉપર જોઈ શકી.
“મોહન….” હું એને જોરથી વળગી પડી. મારી આંખમાંથી આંસુ વહે જતાં હતાં. હું લાગણીવશ બની ગઈ હતી. મોહન મને આલીંગન આપતાં ગભરાતો હતો. પુતળાની જેમ સ્તબ્ધ બની એ મારા આલીંગનમાં ઊભો હતો. થોડી ક્ષણો પછી એને મારા આલીંગનમાંથી છોડી હું એના આખા શરીર તરફ તાકીને જોતી ઉભી રહી.
આ મોહન! આ હાલત! શરીર ઉપર સહેજે નુર નથી. નર્યું હાડપીંજર દેખાય છે. કેટલાંય વર્ષોનો ગાળો અમારી વચ્ચે પસાર થઈ ગયો હતો. આ ગાળામાં હું તો ક્યાંની ક્યાં આગળ નીકળી ગઈ છું. અમેરીકાની શ્રીમંતાઈમાં મ્હાલુ છું. અને આ મોહન! ત્યાંનો ત્યાં જ ખુંચી ગયો છે. ગરીબીમાં ડટાઈ ગયો છે.
આને શું કહેવું! સંજોગો! પુરૂષાર્થ! નશીબ! કે બધું ભેગું!
હું મોહન તરફ ફાટી આંખે જોતી રહી….મારી આંખો દુઃખથી ઉભરાતી હતી. ગરીબીએ મોહનને શેકીને ખતમ કરી નાખ્યો છે. હાડપીંજર જેવુ શરીર, પીળી ઊંડી ઉતરી ગયેલી આંખો, ગંદુ શર્ટ, ઉઘાડા પગ …
બહારથી હું વાતોનો ડોળ કરતી હતી. પણ અંદરથી તો હું રડતી હતી. મોહનની આ હાલત જોઈને મારું હૈયું જાણે ઉકળતા તેલની કઢાઈમાં તળાતું હતું. મારા દુપટ્ટાથી આંખો લુછતાં, ગળગળા અવાજે પુછયું.
“મોહન, તારું બધું કેમ છે? બાપુજી કેમ છે?”
“બધું ઠીક ચાલ્યા કરે છે. બાપુજી તો ઘણાં વર્ષો પહેલાં ગુજરી ગયા.”
મોહને સમાચાર આપ્યા. મને આઘાત લાગ્યો.
“શું તકલીફ હતી એમને?”
“એમને પેશાબમાં લોહી પડવા માંડ્યું હતું. અને થોડા જ દિવસમાં ચાલ્યા ગયા. ખુબ ખર્ચ કરીને મોટા ડાકટરને બતાવેલું. પણ…”
મોહનની આંખમાં આંસુ આવી ગયાં. હું પણ ઢીલી થઈ ગઈ. મોહન આગળ બોલ્યો. “બાપુજીના ગયા પછી બધી જવાબદારી મારે માથે આવી પડી…..એમના ગયા પછી હું દુકાન ઉપર બેઠો. બાપુજીના છેલ્લા દિવસો હતા ત્યારે એમની ઈચ્છા ખાતર મારે લગન પણ કરવું પડ્યું.”
મોહને એનાં આંસુ લુછયાં.
“સુની, તું આટલાં વર્ષે યાદ કરીને ગામમાં આવી એ વાતનો જ મને તો અપાર આનંદ છે.”
“દુકાન કેમ ચાલે છે?” મૅ પુછયું.
“બે ટંકનો રોટલો જેમતેમ નીકળી રહે છે. બીજું શું જોઈએ? છોકરાં મોટાં થાય ત્યાં સુધીમાં દુકાન જરા સરખી થઈ જાય તો એકને તો કૉલેજમાં જરૂર મોકલવો છે…ચાલ….મારી વાત જવા દે…તારી વાત કર. તારૂં ત્યાં અમેરીકામાં બધું કેમ ચાલે છે? મઝામાં છું ને? તારાં બાળબચ્ચાં બધાં….”
હું એને શું જવાબ આપું?
મારી અમેરીકન શ્રીમંતાઈનું વર્ણન એની આગળ કેવી રીતે કરુ?
કેટલો વિરોધાભાસ હતો મારી અને એની life styleમાં! હું એને કયા શબ્દોમાં…શું કહું? મારી જીભ ઉપડી નહી. જીગર ચાલી નહીં.
મેં ટુંકમાં પતાવ્યું.
“ઠીક ચાલે છે. અહીંના કરતાં ત્યાં અમેરીકામાં સુખ સગવડો થોડી સારી મળતી હોય છે.”
“સુની, અમેરીકા પાછી જતાં પહેલાં થોડીવાર માટે મારે ઘરે આવીશ?”
“હા. આજે સાંજે જ આવીશ.”
* * *
મેં માધુરી સાથે આગળ ચાલવા માંડ્યું. અમે સહેજ દૂર ગયાં ત્યાં મોહને બૂમ પાડી મને બોલાવી.
“સુની….આ તારી ગોળી…!”
ગલ્લાની બરણીમાંથી એણે એક ગોળી કાઢી અને હાથ ઊંચો કર્યો હતો. અમારા બાળપણનો નિયમ એણે યાદ કર્યો.
હું જોરથી પાછી દોડી. એના હાથમાંથી ગોળી ઝૂંટવી લીધી, ગોળીનો કાગળ ખોલી દાંતથી તોડી. આ વખતે જે સૌથી મોટો ટુકડો હતો તે મેં એના મોઢામાં મૂકયો.
એ ખડખડાટ હસી પડ્યો.
હું પણ હસી.
* * *
માધુરીને ઘરે જતાં રસ્તામાં માધુરીએ મને મોહનની દુકાન વિષે, દુકાનની કંગાલ હાલત વીષે માહિતિ આપી.
“સુની, સાંભળ. ગામમાં બીજા બે મોટા પ્રોવીઝન સ્ટોર ખુલ્યા છે. એટલે મોહનની આ જુની દુકાન હવે ભાંગી પડી છે. એના બાપના વખતમાં હતી એવી જ કંગાલ હાલત આજે પણ છે. જમાના પ્રમાણે અંદર થોડો શણગાર, થોડો ભપકો હોવો જોઈએ એવું કશું જ નથી. મોટા સ્ટોર સાથેની હરિફાઈમાં એની દુકાન છુંદાઈ ગઈ છે. વળી, મોહનમાં વેપાર કરવાની આવડત
હતી જ ક્યાં! એ તો હરતું ફરતું ભોળપણ અને જીવતી જાગતી ભલાઈ છે. બાપની બીમારીના ખર્ચામાં બાપદાદાનું ઘર ગુમાવી દીધું છે અને હવે ગામની બહાર એક ઝુંપડપટ્ટીમાં એની પત્ની અને છોકરાં રહે છે. મોહનની દુકાન સરખી નહી ચાલે તો થોડા જ વખતમાં હવે એનું આખુ કુટુંબ રસ્તા ઉપર ભીખ માગતુ થઈ જશે એવી પરિસ્થિતી આવી ગઈ છે.”
હતી જ ક્યાં! એ તો હરતું ફરતું ભોળપણ અને જીવતી જાગતી ભલાઈ છે. બાપની બીમારીના ખર્ચામાં બાપદાદાનું ઘર ગુમાવી દીધું છે અને હવે ગામની બહાર એક ઝુંપડપટ્ટીમાં એની પત્ની અને છોકરાં રહે છે. મોહનની દુકાન સરખી નહી ચાલે તો થોડા જ વખતમાં હવે એનું આખુ કુટુંબ રસ્તા ઉપર ભીખ માગતુ થઈ જશે એવી પરિસ્થિતી આવી ગઈ છે.”
માધુરી પોતે મોહનની પત્નીને મોહનથી છુપાવીને અવાર નવાર થોડા પૈસા આપે છે જેથી એ થોડો લોટ અને થોડું અનાજ ખરીદી શકે છે.
મારું હૈયુ કકળી ઉઠ્યુ. ડુમો ભરાઈ આવ્યો. આંખે ઝળઝળીયાં આવી ગયાં. પર્સમાંથી પૈસા કાઢતાં હાથ કંપવા લાગ્યો.
“માધુરી, પ્લીઝ…લે…આ પૈસા રાખ. હું અમેરીકા પાછી જાઉ ત્યાં સુધી તું મોહનના કુટુંબને બધી જ મદદ કરતી રહે.”
* * *
વાતોમાંને વાતોમાં માધુરીનું ઘર આવી ગયું. માધુરીએ મારા માટે બહુ સ્વાદીષ્ટ લંચ બનાવ્યું. પણ મોહનની હાલત જોયા જાણ્યા પછી મારી ભુખ મરી ગઈ હતી. લંચ પછી હું બાળપણના મારા એ ફળીયામાં પહોંચી ગઈ. પડોશીઓના આંગણામાં બાંધેલી ભેંસોના વીંઝાતાં પૂછડાંથી બચતી બચતી હું મારા બાળપણના ધર પાસે આવી. ઘરમાં તો બીજું કોઈ રહેતું હતું. મારે મારા બાળપણનું ઘર અંદરથી જોવું હતું. નવા રહેતા લોકોએ બહુ ભાવથી મને અંદર આવકારી. મેં ઘરમાં ચારે તરફ નજર નાખી. જુના સંસ્મરણોના તરંગો ઉછળવા માંડ્યા. જીવનની ટેપ જાણે રીવાઈન્ડ થતી હોય એવું લાગવા માંડ્યું. ઘરના ખૂણે ખૂણે મને મારૂં બાળપણ પાછું રમતું દેખાવા માંડ્યું. ઘરની દિવાલો ઉપર એ જુની સ્મૃતિઓ કોતરાયેલી દેખાઈ. થોડી ક્ષણો માટે હું કેટલાંય વર્ષો પાછળ દોડી ગઈ…
ક્યાં બેસીને હું લેસન કરતી, ક્યાં બેસીને બા દાળ ચોખા વીણતી, ક્યાં બેસીને બા મારા લાંબા વાળમાં તેલ ઘસતી, બહારથી આવીને બાપુજી એમનો ઝભ્ભો અને ટોપી કઈ ખુંટી ઉપર લટકાવતા….એ બધું દેખાવા લાગ્યું.
થોડી વાર પછી, આખો લુછતી, હું યાદગીરીઓના એ ભંડારમાંથી બહાર નીકળી અને મોહનના ધર તરફ ચાલવા માંડી.
ગામથી સહેજ દુર મોહનની આ ઝુંપડપટ્ટી હતી. ચારે તરફ બેહદ ગંદકી હતી. દુપટ્ટાથી નાક મોં દાબતી, સંભાળીને પગલાં ભરતી હું આગળ વધતી હતી … જ્યાં ત્યાં રખડતાં ડુક્કરો…ગંદા પાણીની ખુલ્લી નીકોમાંથી પાણી ચાટતાં માંદલાં કુતરાં…જ્યાં ત્યાં ખડકાએલા કચરાના ઢગલા…ઉપર બણબણતી માખોનાં ઝુંડ … આ બધાથી બચતી બચતી હું મોહનના ઝુંપડે
આવી. મને જોતાં જ મોહનની પત્નીએ બહુ ઉમળકાથી મારો સત્કાર કર્યો. શેતરંજીની ધુળ ખંખેરીને નીચે પાથરી જેમ તેમ કરીને હું એ શેતરંજી ઉપર પલાંઠી વાળીને બેઠી. આસપાસ નજર કરી. માટીની ચાર દીવાલો અને ઉપર કટાએલાં પતરાંના છાપરા સીવાય ત્યાં બીજું કાંઈ નહોતું. એલ્યુમિનિયમનાં બે ત્રણ વાસણો અને પાણીનું એક માટલુ દેખાતુ હતુ. પાણીનો નળ કે ઈલેક્ટ્રિસિટી કે ન્હાવા ધોવાની કોઈ સગવડ નહોતી.
આવી. મને જોતાં જ મોહનની પત્નીએ બહુ ઉમળકાથી મારો સત્કાર કર્યો. શેતરંજીની ધુળ ખંખેરીને નીચે પાથરી જેમ તેમ કરીને હું એ શેતરંજી ઉપર પલાંઠી વાળીને બેઠી. આસપાસ નજર કરી. માટીની ચાર દીવાલો અને ઉપર કટાએલાં પતરાંના છાપરા સીવાય ત્યાં બીજું કાંઈ નહોતું. એલ્યુમિનિયમનાં બે ત્રણ વાસણો અને પાણીનું એક માટલુ દેખાતુ હતુ. પાણીનો નળ કે ઈલેક્ટ્રિસિટી કે ન્હાવા ધોવાની કોઈ સગવડ નહોતી.
મોહનના બે દીકરા પણ ઘેર આવી ગયા હતા. ખાખી ચડી, ઉપર મેલી બંડી પહેરેલી. શરમાતાં, સંકોચાતાં એક ખૂણામાં એ મારી સામે બેસી ગયા હતા. પુરતા ખોરાકને અભાવે શરીર ઉપર કોઈ નુર નહીં. આંખો પીળી થઈને ઊંડી ઉતરી ગઈ હતી. હું કાંઈ પૂછતી તો માત્ર “હા” અથવા “ના”માં જવાબ આપતાં. એમની સરખામણીમાં અમેરીકાના મારા રાજમહેલની સગવડોમાં ઉછરી રહેલાં મારાં બંને છોકરાં મને યાદ આવી ગયાં. ક્યાં એ છોકરાં અને ક્યાં આ! … કેવો ભેદ!
મોહનની પત્ની બીલકુલ ભણેલી નહોતી. હું મોટી અમેરીકાવાળી…અને તેમાંય પાછી મોટી દાકટર..! મારા પ્રભાવથી એ બિચારી ખુબ દબાઈ ગઈ હતી. વારંવાર માથે છેડો ઓઢયા કરતી હતી.
એણે ચાનો આગાહ કરવા માંડ્યો.
“બુન, હું થોડી ચા મૂકું છુ. પીવી જ પડશે. તમે અમારે ઘેર કયે દા’ડે ફરી આવવાનાં હતાં!”
એ ઊભી થઈ અને ચુલો સળગાવવાની તૈયારી કરવા લાગી.
મેં સમજાવીને સ્પષ્ટ ના પાડી ત્યારે છેવટે એ માની.
મોહન પણ દુકાનેથી મને મળવા સમયસર ઘેર આવી ગયો હતો. હું મનમાં વિચારતી રહી…
મોહન, એનાં બંને બાળકો અને એની પત્ની…આ બધાંનાં શરીર કેવાં ફીક્કાં! દુબળાં અને માયકાંગલાં છે! બધાં malnutitionનાં ભોગ બન્યાં છે! એ નિસ્તેજ કુટુંબ તરફ છું તાકી રહી, મોટી અમેરીકન ડૉકટર હોવા છતાં હું લાચાર હતી. ગરીબી કોને કહેવાય એનાં સાક્ષાત દર્શન મને અત્યારે થયાં. એ આખા કુટુંબ સાથે વાતચીતમાં થોડો વખત ગાળી હું ભારે હૈયે ઊઠી અને માધુરીને ઘેર પહોંચી ગઈ. મોહનની આ હાલત! હું અંદરથી રડતી હતી.
* * *
મોહન અને એના કુટુંબથી છૂટી પડી ત્યારથી એક પ્રકારનો અજંપો, એક જાતની દુ:ખદ બેચેની મારામાં પ્રવેશી ગઈ, બીજા દીવસે સવારે વડોદરા જવા હું બસ સ્ટેન્ડ ઉપર આવી. મોહન પણ મને “આવજે” કહેવા બસ સ્ટેન્ડ ઉપર આવ્યો હતો.
બસ આવી. ધક્કા ધક્કી કરીને હું અંદર ચઢી, એક સીટને અઢેલીને, બેલેન્સ સંભાળતી, હું ઊભી રહી અને ટિકિટ માટે પર્સમાંથી પૈસા કાઢયા. કંડકટરે બે કાણાં પાડી એ ટીકીટ અને બાકીના પૈસા મારા હાથમાં મુક્યા. જબરા આંચકા મારતી, બરાબરનો ખખડાટ કરતી બસ ઉપડી. મેં બારીમાંથી મોહનને “આવજે” કહેતો હાથ છેક સુધી હલાવ્યા કર્યો.
બસ આગળ વધી. મને મનમાં મોટો વિરોધાભાસ દેખાવા લાગ્યો. ક્યાં મારી BMW ગાડીની સગવડ ભરી મુસાફરી અને ક્યાં આ મુસાફરી! દસ-પંદર માઈલની મુસાફરી કરવામાં કેટલી હાડમારી! ઈન્ડીયા અને અમેરીકા – આ બે લાઈફ-સ્ટાઈલ વચ્ચે કેટલું અંતર! આટલી બધી અસમાનતા કેમ!
મોહન વિષેના ઊંડા વિચારોમાં અને બસની ધક્કાધક્કીમાં રસ્તો ક્યારે કપાઈ ગયો અને બસ વડોદરાના ડીપોમાં ક્યારે આવીને ઊભી રહી તે મને ખબર પડી નહી. રીક્ષા લઈને હું ઘેર પહોંચી. વડોદરા બા સાથે થોડા દિવસો કાઢયા. નક્કી કરેલી તારીખે પાછું એ જ જંબો જેટ પકડ્યું અને હતી ત્યાંને ત્યાં હું પાછી આવી પડી…અમેરીકામાં…મારા રાજમહેલમાં…મારી BMWમાં….
પાછા આવીને મારી પ્રેક્ટીસના રૂટીનમાં જોડાઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ મનમાંથી મોહન વિષેની એ બેચેની અને ઉદાસી ખસતી નથી. ગરીબીની હાથકડીઓમાં જકડાઈને લાચાર બની ગયેલો મોહન મારી નજર સામેથી ખસતો નથી.
આ મોહને બાળપણમાં કેટલો બિનશરતી પ્રેમ મને આપ્યો હતો! હવે મારે એનું ત્રશ્ણ ચૂકવવાની ક્ષણ આવી છે.
* * *
હું જાતજાતનાં ઢગલાબંધ વિટામીન્સ ખરીદી લાવી. બીજી કેટલીક જીવન-જરૂરી ખાધ ચીજ-વસ્તુઓ પણ ખરીદી લાવી. છોકરાઓ માટે ચૉકલેટ કેન્ડીનાં પુષ્કળ પેકેટ પણ લાવી. થોડાં કપડાં પણ ખરીધાં – બે મોટાં મોટાં બૉકસ્ તૈયાર કર્યા. મોહનને એની દુકાનનું રૂપરંગ બદલવા, અને નવો માલ ભરવા દસ હજાર ડૉલરનો ચેક લખી એક પત્ર સાથે બોકસમાં મુક્યો. મોહન માટે તો દસ હજાર ડૉલરની રકમ એનું જીવન બદલી નાખનારી ગણાય. આટલી મૂડીથી એની દુકાનમાં નવા પ્રાણ આવી જશે. એનું જીવન ધોરણ ઊંચું આવી જશે. પણ એ મોહનીયો, એ ડોઢ ડાહ્યો પૈસા લેવાની ના પાડશે એ મને ખબર છે. એટલે આ રકમ લોન પેટે છે એવું મેં લખી દીધું.
ગમેતેમ કરીને એને પૈસા આપ્યા સિવાય હવે હું એને નહીં છોડું. આ ચેક લઈને મારા બાપુજી પાસે જવાનું પણ એને જણાવ્યું. બાપુજી એની દુકાન માટે એને પુરુ માર્ગદર્શન આપશે. ટેપ ચોંટાડીને બન્ને બોંકસ બરાબર બંધ કર્યાં. ભારે વજનદાર ખોખાં ઉઠાવીને હું બહાર આવી. ડ્રાઈવ-વેમાં પડેલી મારી વાનની ડીકીમાં આ વજનદાર બૉક્સ મુકવા હું મથતી હતી ત્યાં મયંકની ગાડી ડ્રાઈવેમાં આવી. ગાડીમાંથી નીકળી એણે બન્ને ખોખાં મારી ગાડીમાં મુકવામાં મદદ કરી.
“Where are you going?” મયંકે પુછયું.
“Post office…”
ગાડીની ચાવી શોધવા હું પર્સ ફેંદતી હતી. નજીક આવીને મયંકે બૉકસ ઉપરનાં સરનામાં વાંચ્યાં.
“Who is this Mohan guy?” એણે આતુરતાથી પુછયું.
“My friend. You do not know him.”
હું ઉતાવળમાં હતી…જલ્દી જવાબ આપી દીધો.
“Oh! your college friend?”
મયંકના અવાજમાં મને શંકાનો-ઈર્ષાનો આછો રણકો સંભળાયો.
“No.”
“Your high school sweet heart!” કીંડરગાર્ટન ક્લાસનો મારો ભક્ત!” શીકિનુમ બારણૂં ધબ કરીને બંધ કરતાં હું બોલી.
“No…..”
“Then who is he…?”
“He is my kindergarten devotee”.
“Devotee…. તારો ભક્ત.” મયંક હસી પડ્યો.
બે ઘડી માટે એના મોઢા ઉપર ઉપસી આવેલી શંકા અને ઈર્ષાની રેખાઓ ‘કીંડરગાર્ટન’ શબ્દ સાંભળીને અદશ્ય થઈ ગઈ.
મેં ગાડી સ્ટાર્ટ કરી અને પોસ્ટ ઑકીસ તરફ હાંકી.
મોહને મારી આંખો ખોલી નાખી હતી. ગરીબી અને શ્રીમંતાઈ વચ્ચેનો ભેદ એણે મને દીવા જેવો સ્પષ્ટ દેખાડ્યો હતો. મારી શ્રીમંતાઈના મેઘધનુષમાં ચમકતા રંગોમાં મોહને ગરીબીનો કાળો લીટો મને દેખાડ્યો હતો. ગગનના મારા સ્વૈરવિહારમાંથી એ મને પાછી ધરતી ઉપર લઈ આવ્યો હતો.
વિચારોમાં ને વિચારોમાં પોસ્ટ ઓફીસ આવી ગઈ. ગાડી પાર્ક કરી હું અંદર ગઈ અને પાર્સલ રજીસ્ટર કરી દીધાં.
વીસ-બાવીસ દિવસ વીતી ગયા. એક સાંજે હું ક્લિનિકમાંથી ઘેર આવી. ઘરે આવતાં મેલ-બૉકસમાં કાગળોનો ઢગલો જોયો.
આમ તો મોટે ભાગે મયંકનાં ઢગલાબંધ મેગેઝીન્સ, બીલ્સ અને નકામાં કાગળીયાં જ આવતાં હોય છે. મેં ટપાલનો ઢગલો કાઢયો. અંદર ઈન્ડીયાનું એક ભૂરૂ એરોગ્રામ દેખાયું. અધીરી થઈને તરત મેં એ બહાર ખેંચ્યું. પાછળ જોયું. મોહનનો પત્ર હતો. હાશ…એને પાર્સલ મળી ગયું. મને ખૂબ આનંદ થયો.
દસ હજાર ડૉલર વિષે એ દોઢ ડાહ્યાએ શું લખ્યું હશે એ જાણવાની મારી આતુરતા વધી ગઈ.
તરત જ મેં એ પત્ર ખોલ્યો. ઈન્ડીયાનાં એ એરોગ્ામ અહીં અમેરીકા પહોંચતાં પહોંચતાં તો ચુંથાઈ ગયાં હોય છે! ખોલતાં ખોલતાં જ આડાઅવળી ફાટવા માંડે છે.
બહુ ઉત્સાહથી મેં પત્ર વાંચવા માંડ્યો….
અચાનક મારો હાથ થરથર ધ્રૂજી ઊઠયો. મારી આંખે અંધારાં આવી ગયાં…મારાથી ચીસ પડાઈ ગઈ.
મોહનના મૃત્યુની જાણ કરવા એની પત્નીએ આ પત્ર એના દિકરા પાસે લખાવ્યો હતો. મારાં પાર્સલ ત્યાં પહોંચે તે પહેલાં જ મોહન કાયમ માટે ચાલ્યો ગયો હતો.
ખોલેલો એ પત્ર મારા હાથમાં જ થીજી ગયો. હું સોફામાં ફસકાઈ પડી. પથ્થરની મૂર્તિની જેમ, વિચાર કરતી, રુમની સિલિંગ તરફ તાકતી, મુંગો કલ્પાંત કરતી, સૂમસામ બેસી રહી. આંસુ રોકી શકતી નહોતી.
મનોમન બબડતી રહી….”મોહન, મને ત્યાં ગામમાં છેલ્લી વાર મળી લેવા માટે જ તેં તારો દેહ ટકાવી રાખ્યો હતો! મોહન, જીદંગીભર તેં મારી પાસેથી કદી કશું જ ‘લીધું‘ નથી. તેં મને કેવડો મોટો દગો દીધો?
શું કરું મોહન, શું કરું? મોહન, હું બહુ મોડી પડી …મોડી પડી.
શ્રી આનંદરાવ લિંગાયતનો સંપર્ક gunjan.gujarati@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

એક સરસ હૃદય સ્પર્શી વાર્તા, લેખક પોતે કેટલા સંવેદનશીલ છે તે તેમની કૃતિમાં સહેજે દેખાઈ આવે છે. -નીતિન વ્યાસ
LikeLike
ખુબ જ હૃદયસ્પર્શી વાત કહી છે. આવા કેટલાય પ્રસંગો આપણને પણ આપણી આંખ ની સામે આવી જ ચડે તેમાં અતિશયોક્તિ નથી. આવી સરસ વાતો આપણે તો સાંભળી અને વાંચી જ રહીયે પણ હકીકતો આજે પણ આવી સર્જાતી જ હોય છે. નાના નાના ગામો આજે આગળ તો આવ્યા પણ એના વિકાસ માં ક્યાંય કેટલાય આવા કુટુંબોની હકીકતો સમાયેલી છે. તે વાતો નો કોઈ જ જવાબ નથી. દરેક પોતાના જીવનમાં આગળ વધવા માટે દરેક પ્રયાસો તો કરે છે પણ ઘણા લોકોને પોતાના જ અંગત પ્રશ્નો તેમનો કેડો છોડી દૂર જવા નથી દેતા. માબાપની સેવા અને તેમનું કોઈ જ ન હોવાને કારણે મોહનને કોઈ જ રસ્તો નહોતો. કન્યાઓનું સગપણ માબાપ પોતાનાથી ચડતા જ કુટુંબોમાં કરે છે, કે પોતાની છોકરી સુખી થાય. આનંદ રાવએ બહુ સરસ રીતે વાત ની રજુઆત પણ કરી છે. મારી આંખ માંથી પણ આંસુ આવી ગયા હતા. એવી જ કોઈ કન્યાની પણ મને યાદ આવી ગઈ જે પોતાના નબળા માબાપ માટે મારા ગામ માં પણ ઘણા વર્ષો રહી. નાનપણમાં અમે પણ સાથે રમતા, ગીતો ગાતા, અને ક્યારેક ક્યારેક ગામ માં જતા ત્યારે તેનો પણ સંપર્ક થતો. એવી જ કોમળતા અને સૌજન્ય સાથે મારો અને મારા કુટુંબ નો પણ તે આવકાર કરતી. સુંદર સર્જન.
LikeLike