
{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
અગાઉ ગવાઈ ગયેલા(લોકપ્રિય) ગીતનું નવું સંસ્કરણ ગાવાના ગતકડાની રમતમાં પડનાર દરેક ગાયક તેને શ્રદ્ધાંજલી, શ્રદ્ધાંજલી અને શ્રદ્ધાંજલી તરીકે જ ઓળખાવે છે. અંજલીને કોઈ પણ નામ આપો. તે અંજલી જ રહે છે. હાલના સમયમાં તે ગાયકને પોતાની ગાવાની ક્ષમતા પ્રસ્થાપિત કરવાનું સગવડીયું બહાનું પૂરું પાડે છે.
અંજલીના અંચળા હેઠળ ગાનારા એક પણ ગાયકને તેણે જેનું ગીત ગાયું હોય તે ગાયકની છબીને વધુ ઊંચી લઈ જવામાં સફળતા નથી મળી. હકીકતે મૂળ ગીત અને તેના નવા સ્વરૂપને એક પછી એક સાંભળતાં જે ખ્યાલ આવે છે તે નિષ્ફળતાનો છે. કેટલાક કિસ્સામાં ખ્યાતનામ ગાયકોએ તેમના સમકાલિનોનાં ગાયેલાં લોકપ્રિય ગીતો ગાયાં છે. પણ, એ તેમણે અંજલીના અંચળા હેઠળ નથી કર્યું.
૧૯૪૪ની ફિલ્મ ‘મેરી બહન’નાં સાયગલે ગાયેલાં દો નૈના મતવાલે , છૂપો ના છૂપો ના ઓ પ્યારી સજનીયાં અને અય કાતિબ એ તકદીર મુઝે ઈતના બતા દે જેવાં ગીતો પંકજ મલ્લિકે પણ ગાયાં હતાં. એ જ રીતે ઝોહરાબાઈએ ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ (૧૯૪૫)નાં નૂરજહાંએ ગાયેલાં ગીતો અને સુરૈયાએ ૧૯૪૬ની ફિલ્મ ‘શમા’ માટે શમશાદ બેગમે ગાયેલાં ગીતો ગાયાં છે. વળી રાજકુમારીએ શમશાદ બેગમનાં ગાયેલાં ફિલ્મ ‘હુમાયુ'(૧૯૪૫)નાં ગીતો ગાયાં અને હેમંતકુમારે ઊમાદેવી સાથે મળીને ફિલ્મ ‘બાબુલ'(૧૯૯૫૦)નું તલત મહમૂદ અને શમશાદ બેગમે ગાયેલું ગીત મીલતે હી આંખેં દીલ હુઆ દીવાના કિસી કા ગાયું હતું. આશા ભોંસલેએ પણ લતાએ ગાયેલાં ફિલ્મ ‘અમર'(૧૯૫૪)નાં ગીતો રેકોર્ડ કરાવ્યાં છે.
આ ગીતો અંજલીના કોઈ જ દાવા-દેખાડા વગર ગવાયાં હતાં. એ ગાયકોના શ્રેષ્ઠ પ્રયત્ન પછી પણ તેમને જે કંઈ સફળતા મળી તે એકદમ આછીપાતળી કહેવાય તેવી હતી. કારણ સીધું હતું – એ ગીતોના સંગીતકારોએ તેમના અવાજને ધ્યાનમાં રાખીને ધૂનો નહોતી બનાવી. ‘મેરી બહન’નાં સાયગલે ગાયેલાં ગીતોના સ્વરકાર પંકજ મલ્લિકને પણ તે ગીતો ગાવામાં તેમણે ધારી હશે એવી સફળતા નહોતી મળી.
કોઈ બે ગાયકો અવાજની સમાન ગુણવત્તા ધરાવતા નથી હોતા. બહેતર ગાયકની પ્રતિષ્ઠા તેની ગાયકીની બારીકીઓ વડે બંધાય છે. અને તે થકી જ બે ગાયકો વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. ૧૯૩૫માં સાગર મૂવીટોને સુરેન્દ્રનો ન્યુ થિયેટર્સના સાયગલ સામેના જવાબ તરીકે બહોળો પ્રચાર કર્યો હતો. તેમની પહેલી જ ફિલ્મ ‘ડેક્કન ક્વીન'(૧૯૩૬)માં તેમણે ગાયેલું ગીત બીરહા કી આગ લગી મોરે મન મેં સાયગલે ગાયેલા લોકપ્રિય ગીત બાલમ આય બસો મોરે મન મેં (દેવદાસ’, ૧૯૩૫)ની બેઠી નકલ જેવું હતું.

સુરેન્દ્રનું ગાયેલું તે ગીત ચાલ્યું નહીં. અનિલ બિશ્વાસે ફિલ્મ ‘જાગીરદાર'(૧૯૩૭)નાં ગીતો તૈયાર કરીને તેમને આગવી ઓળખ ન આપી હોત તો સુરેન્દ્ર ગાયક તરીકે સફળ ન થયા હોત. પણ સી.એચ.આત્માનો હાથ ઝાલનાર કોઈ ન મળ્યું. શંકર-જયકિશન (રોઉં મૈં સાગર કે કિનારે, ‘નગીના’ – ૧૯૫૧) અને ઓ.પી.નૈયર (ઈસ બેવફા જહાં મેં વફા ઢૂંઢતે રહે, ‘આસમાન’ – ૧૯૫૨) જેવા સંગીતકારોને તેમનામાં સાયગલ દેખાતા હતા. પણ છેવટે તે સરખામણી જ તેમની પડતીનું કારણ બની રહી. એવા જ કારણસર લતા મંગેશકર જેવો અવાજ ધરાવતાં સુમન કલ્યાણપૂર લતાની નબળી નકલ બનીને રહી ગયાં. તેમના અવાજમાં લતાની વિશિષ્ટ મીઠાશ ન હતી.
લતા સંગીતનિર્દેશકની કલ્પના કરતાં પણ એક ડગલું આગળ જતાં હતાં. આ જ કારણથી સચીનદેવ બર્મને તેમનાથી પાંચ વર્ષ અળગા રહ્યા પછી લતા સાથે સમાધાન કરી લીધું હતું. કાલા પાની (૧૯૫૮), લાજવંતી (૧૯૫૮), ઈન્સાન જાગ ઉઠા (૧૯૫૯), સુજાતા (૧૯૫૯) અને કાલા બાઝાર (૧૯૬૦) જેવી ફિલ્મોમાં બર્મને લતા વગર પણ સફળતા મેળવી તેમ છતાં તેઓ લતા વગર અધૂરપ અનુભવતા હતા.

છેવટે લતાએ એક વિજેતાની અદાથી ફિલ્મ ‘બંદીની’ (૧૯૬૩)ના ગીત મોરા ગોરા અંગ લઈ લે સાથે બર્મનની છાવણીમાં પુન:પ્રવેશ કર્યો. પ્રતિભાવમાં સચીનદેવે કહેલું, “કોઈ પ્રોબ્લેમ નહીં, લોતા (લતા) સમ્હાલ લેગી”. તેમનો મતલબ એ હતો કે લતા મંગેશકર ગીતને બરાબર ઉઠાવ આપી દેશે.
પાર્શ્વગાનનાં મૂળ મજબૂતીથી જામી ગયાં તે પછી ખરા અર્થમાં સર્જક સંગીતનિર્દેશકોની આણ વર્તાતી રહી ત્યાં સુધી દરેક ગાયકનું આગવું સ્થાન બની રહ્યું, જેને અન્યો પડકારી શકે તેમ નહોતા. લતાએ ગાયેલાં આયેગા આનેવાલા (મહલ, ૧૯૪૯) અને ન મીલતા ગમ તો બરબાદી કે અફસાને (અમર, ૧૯૫૪) જેવાં ગીતોની કલ્પના પણ લતા સિવાય અન્ય કોઈના પણ અવાજમાં કરી ન શકાય. એવું જ ગીતા દત્તે ગાયેલાં મેરા સુંદર સપના બીત ગયા (દો ભાઈ, ૧૯૪૭) અને વક્ત ને કીયા ક્યા હસીં સીતમ (કાગઝ કે ફુલ, ૧૯૫૯) તેમ જ આશા ભોંસલેનાં ગાયેલાં કાલી ઘટા છાય મોરા જીયા ગભરાય (સુજાતા, ૧૯૫૯) અને ફિલ્મ ઉમરાવ જાન (૧૯૮૧)નાં ગીતો માટે કહી શકાય.
સુહાની રાત ઢલ ચૂકી (દુલારી, ૧૯૪૯) જો રફીના જ અવાજમાં શોભે, તો તૂટ ગયે સબ સપને મેરે (પરવાના, ૧૯૪૭) માત્ર સાયગલ અને અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ (આરઝૂ, ૧૯૫૦) માત્ર તલત મહમૂદ જ જ ગાઈ શકે. એ જ રીતે કહી શકાય કે જવાબ (૧૯૪૨)નું ગીત અય ચાંદ છૂપ ના જાના ખાસ કાનનબાળા માટે જ બનાવાયું હોવું જોઈએ. હું માની નથી શકતો કે નૂરજહાં ન હોત તો સંગીતકાર દતા કોરેગાંવકરે ૧૯૪૫ની ફિલ્મ બડી માનું ગીત કીસી તરહ સે મહોબત મેં ચૈન પા ના સકે બનાવ્યું હોત. એ જ રીતે શમશાદ બેગમના અવાજ સિવાય નૌશાદને ચમન મેં રહ કર વિરાના (દીદાર, ૧૯૫૧)ના સ્વરનિયોજનની પ્રેરણા મળી હોત કે કેમ એ સવાલ છે.
મુદ્દાની વાત એ છે કે દરેક સુખ્યાત ગાયક પાસે તેના અવાજની ગુણવત્તા ઉપરાંત વધારાનું ખાસ એવું કંઈક હોય છે, જેની નકલ ન થઈ શકે. એ જ કારણ છે કે અંજલીના નામે ગવાતાં ગીતો મૂળ ગાયકને શ્રધ્ધાંજલી આપવાના બહાના હેઠળ તે ગાયકનું મિથ્યાભિમાન સંતોષવાનો ખેલ જ બની રહે છે.
ટી સીરીઝના ગુલશન કુમારના મજબૂત ટેકાના જોર પર અનુરાધા પૌંડવાલે લતા મંગેશકરનાં ગાયેલાં ઘણાં ગીતો રેકોર્ડ કરાવ્યાં છે.

નોંધ :
તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.
મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

આપનો આઅનુવાદિત લેખ વાંચી એક અહેસાસ સ્હેજે થાય છે કે જો લેખકે તેનો મૂળ લેખ ગુજરાતી લખ્યો હોત તો આવો જ સચોટ અને સરળ ભાષામાં હોત.
અભિનંદન,
નીતિન વ્યાસ
LikeLike