પરેશ ૨. વૈદ્ય
પૃથ્વીના વાતાવરણનું સરેરાશ ઉષ્ણતામાન વધી રહ્યું છે તે બાબતે હવે કોઈને શંકા નથી. એમ થવા પાછળ માણસની પ્રવૃત્તિઓ જ છે તે બાબત પણ શંકા નથી. થોડાં વર્ષો અગાઉ આ બંને બાબતે જાણી જોઈને શંકા કરનારા ઘણા હતા. એમાં અજ્ઞાન કરતાં સ્થાપિત હિતો વધારે હતાં કારણ કે અમેરિકા જેવાં રાષ્ટ્રોને ડર હતો કે વૈશ્વિક ઉષ્મન્ (ગ્લોબલ વૉર્મિંગ / Global Warming)ના ઉપાયો કરવાથી તેઓનાં અર્થતંત્રની ગતિ ધીમી પડી જશે. પરંતુ વૈજ્ઞાનિકોએ ભાખ્યું હતું તેવી જ રીતે કુદરતની થપાટો લાગવાનું શરૂ થયું ત્યારે વાસ્તવિકતા સમજાવા લાગી.
સદ્ભાગ્યે સૌથી મોડા સળવળનારા રાજનેતાઓ પણ વૈજ્ઞાનિક તથ્યો અને તેનાં દેખીતાં પરિણામો જોઈને સજાગ થઈ ગયા છે. વિશ્વસ્તરે એવું સહકાર્ય થવા લાગ્યું છે જેનાથી ઉષ્મન્ ધીમું પડે અને તેના પરિણામે થતી અસર હળવી બને. આવી મંત્રણાઓ અને સંધિઓનું જ એક પાસું છે “નેટ-ઝીરો”નો વિચાર. “નેટ’ (Net) એટલે જમા અને ઉધાર પાસાંઓ સરભર કર્યા પછી બચતી ચોખ્ખી સિલક. હવામાનમાં થતા ફેરફાર (ક્લાઇમેટ ચેન્જ / Climate Change)ના વિષય ઉપર યુનો દર વર્ષે એક બેઠક બોલાવે છે. તેને કૉન્ફરન્સ ઓફ પાર્ટીઝ (Conference of Parties – CoP) કહે છે. ઇંગ્લૅન્ડમાં ગ્લાસગો ખાતે ૨૦૨૧માં મળેલી આ બેઠકમાં નક્કી થયું કે માણસ જાતે વર્ષ ૨૦૫૦ સુધી કાર્બન ડાયોક્સાઇડ બાબતે “નેટ-ઝીરો” બની જવું. એટલે પોતાની પ્રવૃત્તિઓ એવી રીતે ગોઠવવાની કે તેમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલો જ હોય જેટલો કુદરતમાં જ શોષાઈ શકે.

આ સાદા વિધાન પાછળ વિજ્ઞાન અને ગણિત છુપાયેલાં છે. જે પેઢીએ ૨૦૫૦ સુધી અહીં રહેવાનું છે તેણે નેટ-ઝીરોનું આખું બખડજંતર સમજી લેવા જેવું છે. દાખલા તરીકે, ૨૦૫૦ની જ વાત શા માટે? કાર્બન ડાયોક્સાઇડની વાત કેમ? તે ઘટી શકે? નેટ-ઝીરો ન થાય તો શું? એ બધા પ્રશ્નો સમજવાના છે. આમાંથી ઘણું તો માધ્યમોમાં ચર્ચાઈ જ ચૂક્યું છે અને વિવિધ ભવિષ્યવાણી વિશે વાચકો જાણતા પણ હશે જ. એટલે બહુ પુનરાવર્તન ન કરતાં, ટૂંકામાં પૂર્વભૂમિકા કરીને નેટ-ઝીરો પાછળનો તર્ક સમજવાનો અહીં પ્રયત્ન કરીશું.
ઉષ્મન્ શાથી?
પૃથ્વીને સૂર્ય તરફથી ઊર્જા મળે છે. આમાંથી અમુક હિસ્સો ઉત્સર્જનરૂપે પાછો અવકાશમાં જાય છે. આ બંનેની વાર્ષિક માત્રા લગભગ નિયત હોતાં એક પ્રકારનું સમતોલન હજારો વર્ષથી જળવાઈ રહેતું હતું. પરંતુ ગઈ સદીના અંતમાં એવું ધ્યાનમાં આવ્યું કે વાતાવરણનું ઉષ્ણતામાન સૂક્ષ્મ માત્રામાં વધી રહ્યું છે. અભ્યાસ કરતાં માલૂમ પડ્યું કે કાર્બન ડાયોક્સાઇડ તથા બીજા ત્રણ-ચાર વાયુઓની પ્રકૃતિ એવી છે કે જો એ હવામાં હાજર હોય તો પૃથ્વી તરફથી અવકાશમાં ફેંકાતી ગરમીને એ જવા નથી દેતા. તેને અહીંના વાતાવરણમાં કેદ કરી લે છે. આને કારણે ઉષ્ણતામાન થોડું વધે છે.
ગ્રીન હાઉસ વાયુઓને નામે ઓળખાતા આ જૂથમાં ક્લૉરો ફ્લૉરોકાર્બન, ઑઝોન, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને કંઈક અંશે મિથેન, માણસ જાતની પ્રવૃત્તિને કારણે વધ્યા છે. આ બધા કરતાં માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વધારે છે કારણ કે તે ઊર્જા ઉત્પન્ન કરનારાં બળતણને કારણે વધે છે. આ બધાની અસર ઔદ્યોગિક ક્રાન્તિ પછી જ જણાવા લાગી છે. આથી હવામાનબદલની ચર્ચામાં વર્ષ ઈ.સ. ૧૮૫૦ને સરખામણી માટે વાપરવામાં આવે છે.
અંગારવાયુની આવક-જાવક :
કોઈ પણ સેન્દ્રિય પદાર્થ (એટલે કે જેમાં કાર્બન એક ઘટક હોય) તેને બાળવાથી કાર્બનનો ડાયોક્સાઇડ (C૦2) ઉત્પન્ન થાય. તેનું ગુજરાતી નામ અંગારવાયુ છે. લાકડાં, કોલસા, ગેસ, ડીઝલ, પેટ્રોલ, છાણાં કે ગાર્ડનનો કચરો – એ બધાંમાં કાર્બન છે, જે બળવાથી ઊર્જા આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ આપે છે. આ ઉપરાંત, સિમેન્ટ ઉદ્યોગમાં અને લોખંડ બનાવવાની પ્રક્રિયામાં ગંજાવર માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે.
બીજી તરફ સારી વાત એ છે કે આ એવો ગ્રીન હાઉસ વાયુ છે જેનો કુદરત નિકાલ પણ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ તેને “શ્વાસ”માં લે છે અને “ઉચ્છ્વાસ”માં પ્રાણવાયુ પાછો આપે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડની સફાઈ કરવામાં જંગલોનું મહત્ત્વ ખૂબ છે. તે ઉપરાંત સમુદ્રનાં ઉપરતળે થતાં પાણીમાં પણ મોટી માત્રામાં અંગારવાયુ શોષાતો રહે છે.
ઔદ્યોગિક ક્રાન્તિથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન અને શોષણ લગભગ સરભર થતાં હતાં અને તેથી હવામાં ભળેલા એ વાયુની માત્રા સ્થિર હતી. હવાના એક લાખ લીટરમાં માત્ર ૨૮ લીટર અંગારવાયુ હતો (તેને ૨૮૦ ppm – parts per million કહે છે.) શોષણ એટલું જ રહ્યું પણ ઉત્પાદન વધતું ગયું તેથી આજે એ માત્રા ૪૧૦ ppm સુધી પહોંચી ગઈ છે. આ જ વાત બીજા શબ્દોમાં કહેવી હોય તો આમ છે : વાતાવરણમાંથી શોષાઈ જતા કાર્બન ડાયોક્સાઇડની માત્રા વર્ષે ૧૫ અબજ ટન છે, જે પહેલાં પણ એટલી જ હતી. પરંતુ ઉત્સર્જન ૧૫ અબજ ટનથી વધતું-વધતું આજે ૩૬થી ૩૮ અબજ ટન થઈ ગયું છે. આથી વરસે ૨૨ (બાવીસ) અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાતો જ રહે છે.

કઠણાઈ એ વાતની છે કે એ અશ્વત્થામા જેવો અમર છે – હજારો વર્ષ ઝળૂંબતો રહેવાનો છે! અને વર્ષાનુવર્ષ સિલક વધતી જાય છે. અને જેમ-જેમ ગ્રીન હાઉસ વાયુઓનો સંઘરો વધતો જાય છે, તેમ-તેમ વાતાવરણમાં ઉષ્મા પણ સંઘરાતી જાય છે. પરિણામે ઉષ્ણતામાન વધતું જાય છે. ઈ.સ. ૧૮૫૦ની સરખામણીએ તે અત્યારે ૦.૮થી ૧૦ સે. જેટલું વધી ચૂક્યું છે. માત્ર આટલો વધારો કેટલો પરચો બતાવે છે તેનાં આપણે જ સાક્ષી છીએ. તો, આવું ક્યાં સુધી ચાલી શકે?
નેટ-ઝીરો અને ૧.૫૦ સે.
નેટ-ઝીરો અને ઉષ્ણતામાનના વધારા વચ્ચે શું સંબંધ? એ સમજવા માટે સાથેના ચિત્રમાં બતાવેલી એક પાણીની ટાંકીનું ઉદાહરણ લઈએ.
મખમલના ગાલીચા ઉપર એને ઉભાડી છે તેથી તમને એ છલકાય તે પરવડે તેમ નથી. તેમાં બે-ત્રણ પાઇપો દ્વારા પાણી ઉપરથી આવે છે અને નીચે એક નળ મારફત બહાર જાય છે. ઉપરથી આવતું પાણી વધારે છે અને નળ આખો ખોલી નાંખો તોપણ એટલું બહાર નથી જતું. સ્વાભાવિક છે કે ધીરે-ધીરે ટાંકીમાં પાણીની સપાટી વધતી જશે. ઉપરના પાઇપ એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા સ્રોતો છે અને નળ એટલે જંગલ અને સમુદ્ર દ્વારા શોષાતો વાયુ છે. એની એક મર્યાદા છે. એટલે ટાંકી છલકાતી રોકવા માટે ઉપાય એ જ છે કે ઉપરના પાઇપોમાંથી આવતું પાણી ઘટતું જાય.
એની માત્રા નળમાંથી બહાર જતા પાણી જેટલી થાય તો તે ટાંકી માટે “નેટ-ઝીરો’ ક્ષણ હશે. ટાંકીને આપણું વાતાવરણ માની લો તો એ ક્ષણ ત્યારે આવશે જ્યારે માત્ર ૧૫ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, કારણ કે એટલો જ બહાર જઈ શકે છે. પાણીનો પ્રવાહ ઘટાડવા જેટલું સહેલું એ કામ નથી. કાર્બન ઉત્સર્જનની આપણને જરૂર પણ છે અને સુખસાહેબીની લાલચમાં એ ન ઘટે તેવી ઇચ્છા પણ છે. આથી ટાંકી છલકાવાની છેક અણી પર આવે ત્યાં સુધી મામલો ખેંચવાની માણસની વૃત્તિ છે.
વાતાવરણના સંદર્ભમાં આ છલકાવું એટલે શું?
વૈજ્ઞાનિકોએ અંદાજ માંડ્યો છે કે જો ઉષ્ણતામાન ઈ.સ. ૧૮૫૦ની તુલનામાં ૧.૫૦ સે. જેટલું વધી જશે તો તે પછી થતી અસરો અપરિવર્તનીય (Irreversible) હશે. જેમ કે ધ્રુવ પ્રદેશમાં બરફ ઉનાળામાં પીગળે તો શિયાળામાં પાછો બંધાય છે. પરંતુ ૧.૫૦ સે.ની હદ પાર કરી ગયા તો એ પાણીમાંથી ફરી બરફ નહીં જ થાય. અથવા જે જીવ-પ્રજાતિઓ મરી જશે તે ઉષ્ણતામાન પાછું ઘટવાથી પાછી નહીં આવે. આમ, ૧.૫૦ સે.ના સાપેક્ષ વધારાને “છલકાવા’ની ઘડી માનીને આયોજન કરવાનું છે.

ગણતરી એવી પણ છે કે વાતાવરણમાં જ્યારે ૩૦૦૦ અબજ ટન અંગારવાયુ જમા થઈ જશે ત્યારે ઉષ્ણતામાન ૧.૫૦ સે. જેટલું વધશે. અગાઉ જોયું તેમ શોષણ પછી પણ દર વર્ષે ર૨ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ સિલક રહે છે. તે હિસાબે તો “છલકાવા”ને દોઢસો વર્ષની વાર છે. પરંતુ ખરેખર તેવું નથી. ૩૦૦૦ અબજ ટનમાંથી ૨૦૦૦ અબજ ટન તો આપણે આજ લગી ઉમેરી ચૂક્યા છીએ. (અને તેને પરિણામે ૧૮૫૦ ઈ.સ.ની સાપેક્ષમાં ઉષ્ણતામાન પણ ૦.૮થી ૧.૧૦ સે જેટલું વધી જ ચૂક્યું છે.) એટલે બચેલા ૮૦૦-૧૦૦૦ અબજ ટનમાં જ મહાલવાની માણસને છૂટ છે! બીજા શબ્દોમાં “નેટ-ઝીરો” પહોંચવા માટે ૪૦-૪૫ વર્ષ જ બાકી છે.
ઉપાય કોણ કરે?
એ જોતાં ક્રમશઃ પેલા શેષ રહેતા રર અબજ ટન કાર્બન ડાયોક્સાઇડને શૂન્ય સુધી લાવવાનો છે. ખરો ઉપાય તો જીવનધોરણ બદલીને ઊર્જાનો ઉપયોગ ઘટાડવાનો છે. પણ એ અવાસ્તવિક છે; તેથી મુદ્દો રાજકીય બને છે. પછાત અને વિકાસશીલ દેશો કહે છે કે વિકસિત દેશોએ જ ૨૦૦૦ અબજ ટનથી વાતાવરણ ભરી દીધું છે. “તો બાકીના ૧૦૦૦ અબજ ટનના વપરાશમાં તમે બહાર રહો. અમારી મૂળભૂત જરૂર તો પૂરી નથી થઈ તો અમે ક્યાં કપાત કરીએ.” બીજી તરફ, યુરોપ-અમેરિકાના દેશોને એવા જીવનધોરણની ટેવ પડી ગઈ છે કે એને સમજાતું જ નથી કે ઘટાડો કેમ કરાય. વાત ખરી છે કે વહેલા ઊઠીને એ લોકો આપણો નાસ્તો કરી ગયા છે. તેઓ આ વાત સમજે છે પણ દલીલ આપે છે કે અમને આવાં પરિણામની ખબર નહોતી.
તેથી બીજો માર્ગ ચર્ચામાં છે; તે છે ઊર્જા મેળવવાના માર્ગો બદલવાનો. જેમાં કાર્બન ન હોય તેવા અપારંપરિક સ્રોતો તરફ ક્રમશઃ જવાનું. પરમાણુ ઊર્જા, જળવિદ્યુત, સૌર અને પવન ઊર્જા પર સંશોધનો કરવાનો. વિકાસશીલ દેશોની માંગણી છે કે આ કામમાં નવો ખર્ચ થાય તે વિકસિત દેશો આપે. એ લોકોએ વરસે ૧૦૦ અબજ ડૉલર પૂરા પાડવાના વાયદા તો કર્યા છે પણ નાણાં નક્કર સ્વરૂપે આવતાં નથી.
ત્રીજો સીધો ઉપાય છે વૃક્ષો અને જંગલો વધારવાનો. પરંતુ વાસ્તવમાં એવું બનતું નથી. રહેણાક અને ખેતી માટે જંગલો સાફ કરાય છે. વધી રહેલી ગરમીને કારણે હવે તો દાવાનળ લાગવા માંડ્યા છે, જેથી વૃક્ષો બળી જાય અને છોગામાં કાર્બન ડાયોક્સાઇડ આપી જાય છે! સારી વાત છે કે મતભેદો હોવા છતાં એક સહમતી આંતરરાષ્ટ્રીય સ્તરે છે કે ભેગા મળીને જ કામ થશે. આથી દરેક દેશે પોતે કઈ રીતે ઉત્સર્જન ઘટાડશે તે બતાવતી દરખાસ્તો પૅરિસ ખાતે મળેલી CoP21 (વર્ષ ૨૦૧૫)માં રજૂ કરી.
તેને INDC(Intended Nationally Determined Contributions) અથવા ઉત્સર્જન બાબતના રાષ્ટ્રના ઇરાદા કહી શકાય. જુદી-જુદી રીતે કાર્બન ઘટાડવાનાં લક્ષ્યો દેશોએ તેમાં લખી મોકલ્યા છે. એ પ્રયત્ન તો નિષ્ઠાવાળો છે, પરંતુ નિષ્ણાતોએ ગણતરી કરીને જોયું કે જો ખરેખર જ બધા દેશ પોતાનાં વચન પાળી ઉત્સર્જન ઘટાડે તોપણ ૧.૫૦ સે.ની મર્યાદા માટે એ પૂરતાં નથી. એ પ્રમાણે. ઉષ્ણતામાન (૧૮૫૦ની સરખામણીએ) લગભગ ૨.૫૦ સે. જેટલું વધી શકે.
આથી ૨૦૨૧ની ગ્લાસગો (ઇંગ્લેન્ડ)ની મિટિંગમાં વચગાળાનાં લક્ષ્યો પણ ભેગાં કરાયાં. દા.ત., ૨૦૩૦ સુધી (૨૦૧૦ની સરખામણીમાં) કાર્બન ડાયોક્સાઇડ ૪૫% ઘટાડવો. બીજી તરફ ઉષ્ણતામાન હવે ૧.૫૦ સે.ને બદલે હવે ૨.૦૦ સે. જેટલું વધી શકે છે તે માટે બધાએ મન મનાવી લીધું છે. માત્ર કાગળ ઉપર લખ્યું છે કે “પ્રયત્ન ૧.૫૦ સે. જેટલું જ વધે તેવા કરવા.” આ અરધા અંશથી પરિસ્થિતિ કેટલી અસહ્ય બનશે તે તો સમય આવતાં ખબર પડે. ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળી પાણી સમુદ્રમાં આવશે, તેના કારણે સમુદ્રની સપાટી ૪૦ સે.મી. ચઢવાની હતી તે ર૦ને કારણે ૫૦ સે.મી. ચઢશે. તો કેટલા વધુ ટાપુઓ ડૂબશે અને સમુદ્રકિનારાનાં શહેરોમાં કેટલો વિસ્તાર ભરતીના ક્ષેત્રમાં ડૂબી જશે એ તો કલ્પનાનો વિષય છે.
આ બધાં વચ્ચે એક વાત સમજવા જેવી છે. ઊર્જાનો ઉપયોગ અને કાર્બન ડાયોક્સાઇડનું સર્જન સરકારો નથી કરતી; પ્રજા કરે છે. તેથી ઉપાય યોજનામાં લોકો સાથ ન આપે તો જે થવાનું છે તે થઈને જ રહેશે.
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
(લેખ સૌજન્ય: ‘નવનીત સમર્પણ’, જુલાઈ, ૨૦૨૩)

‘નવનીત સમર્પણ’માં દર મહિને પ્રકાશિત થતી કૃતિઓમાંથી શ્રેષ્ઠ સર્જનાત્મક કૃતિને, શ્રી પ્રમોદરાય ભીમજીભઈ પારેખ દ્વારા, રૂ. ૫,૦૦૦નો પ્રોત્સાહન પુરસ્કાર આપવાનું જુલાઈ ૨૦૨૩થી નક્કી થયું છે.
સહર્ષ જણાવવાનું કે આ યોજના હેઠળ સર્વ પ્રથમ કૃતિ તરીકે ડૉ. પરેશ વૈદ્યના લેખ ‘નેટ ઝીરો એટલે શું?’ની વરણી થયેલ છે.
LikeLike