પુસ્તક પરિચય

ભગવાન થાવરાણી

અમેરિકન લેખક કેંટ હારુફ ૨૦૧૪માં ૭૧ વર્ષની વયે અવસાન પામ્યા. મૃત્યુના થોડાક દિવસ પહેલાં જ એમણે પોતાના છઠ્ઠી અને અંતિમ નવલકથાનું આખરી પ્રકરણ પૂરું કર્યું. એ નવલકથા એટલે OUR SOULS AT NIGHT એટલે કે ‘ આપણા આત્માઓ અધરાતે ‘ .

 
એમની છએ છ નવલનું કથાવસ્તુ માનવીય સંબંધો અને એને નિભાવવામાંથી સર્જાતી વિડંબનાઓ છે. બધી જ કથાઓ અમેરિકાના કોલોરાડો રાજ્યના કાલ્પનિક નગર  હોલ્ટમાં આકાર લે છે. આ સર્વેમાં  આશરે બસો પાનાંની આ OUR SOULS AT NIGHT જુદી જ ભાત પાડતી અને અનોખા કથાવસ્તુવાળી નવલકથા છે. એ નવલકથાના પ્રારંભ વખતે જ તેઓ ટર્મીનલ કેંસરથી પીડાતા હતા અને એમને એ જાણ હતી.
એડી મૂર અને લુઈસ વોટર્સ હોલ્ટ ગામમાં રહેતા સિત્તેર વટાવી ચુકેલા વયોવૃદ્ધ વિધવા અને વિધુર છે. બન્ને એક જ શેરીમાં લગભગ બાજુ – બાજુમાં જ રહે છે છતાં એકમેકના મામૂલી પરિચય સિવાય ભાગ્યે જ એકમેકને ઓળખે છે. બન્ને એકલા રહે છે. એડીનો પરિણિત પુત્ર જીન પોતાની  પત્ની અને છ વર્ષના પુત્ર જેમી સાથે અન્ય શહેરમાં રહે છે તો લુઈસની પ્રૌઢ દીકરી હોલી પણ એકલી અન્યત્ર છે. આપણે જાણીએ છીએ કે આ ત્યાંની સર્વસ્વીકૃત સમાજ વ્યવસ્થા છે.
વાતનો પ્રારંભ એક મુલાકાતથી થાય છે. એક સાંજે એડી અચાનક લુઈસને મળવા આવી ચડે છે. એ પાડોશી તરીકે પોતાનો પરિચય આપે છે. લુઈસ એને દીઠે ઓળખે છે એટલું જ. એડી એક દરખાસ્ત મૂકે છે, લુઈસને મંજૂર હોય તો ! દરરોજ રાતે લુઈસ એના ઘરે સૂવા આવે તો ! નિરાંતની ઊંઘ માટે એને સંગાથની – પુરુષ સાથીની, હુંફની અને કોઈક વાતો કરનારની જરૂર છે. એ સ્પષ્ટતા કરે છે કે એને શરીર અને શારિરિકતા જોઈતી નથી, એ તબક્કો બન્ને વટાવી ચૂક્યા છે. બન્નેની ઓળખ ઝાઝી નથી પણ એડીને જે કહેવું છે એ કહી દે છે. હવે મરજી લુઈસની !
પ્રારંભિક આંચકા પછી સ્વસ્થતા મેળવી લુઈસ વિચારીને જવાબ આપવાનું કહે છે. એડી વિદાય લે છે. ઘણું વિચાર્યા પછી લુઈસ એડીની દરખાસ્ત સ્વીકારે છે અને રાત પડ્યે પોતાનો નાઈટ ડ્રેસ કાગળમાં વીંટાળી બાજુના એડીના ઘરે પાછલા બારણેથી જાય છે. થોડીક લોકલાજ ! એડી પ્રસન્ન. એ એને હિંમત આપે છે. આ ઉમ્મરે, જીવનના આ તબક્કે, જ્યારે કશું પણ દાવ પર નથી ત્યારે વળી સમાજ કે મિત્રોની શું બીક ? લુઈસ મનોમન કબૂલે છે એની વાત. એ કહે છે પણ ખરો કે હિંમતમાં હું તારો સમોવડિયો નથી, જોખમ લેવાની ક્ષમતામાં પણ નહીં. ધીમે – ધીમે એ એડીની વિચારસરણીમાં પળોટાતો જાય છે.
સંગાથ, હુંફ અને દિલની વાતો ઓરવાનું પાત્ર મળતાં પહેલી જ રાત્રે એડી થોડીક વારમાં ઘસઘસાટ ઊંઘી જાય છે. બન્ને એકમેકને પોતાના જીવનની કથની કહેતા જાય – એડીની નાનકડી દીકરી બચપણમાં ઘરની બહાર જ અકસ્માતમાં ગુજરી ગયેલી જેનો દારુણ આઘાત એના દીકરા જીનના માનસ પર હજી પણ છે તો લુઈસ પત્નીને છેહ દઈ અન્ય સ્ત્રીના પાશમાં સપડાઈ ગૃહત્યાગ કરી ગયેલો અને ભૂલ સમજાતાં બે સ્ત્રીના જીવન બરબાદ કરી પરત ફરેલો – બન્ને એકમેકની કરુણતાઓ વહેંચી હળવા થાય અને પછી ઊંઘી જાય. બન્નેના સાથીદારોના મૃત્યુની વાત પણ આવે. થોડાક દિવસો પછી ચિત્રમાં શરીર પણ આવે છે, પણ આત્યંતિક સહજતાથી, કોઈ ઉતાવળ કે ઉન્માદ વિના. લેખક કુનેહપૂર્વક એ બાબતને થોડાક શબ્દોમાં આટોપી લે છે.
ધીમે – ધીમે લોકોને બન્નેના સંબંધો વિષે ખબર પડે છે. લુઈસ જે બારમાં પીવા જાય છે એ મિત્રોને પણ. એમાંનો એકાદ મિત્ર લુઈસને હળવો ટોણો પણ મારી લે છે, પણ એમાં કોઈ ઈર્ષ્યાભાવ કે આક્રમકતા નથી. માત્ર મૈત્રીપૂર્ણ મજાક જ. જો કે લુઈસ અને એડીને એની ખાસ તમા નથી. એ લેખકના અભિગમ અને મિજાજની ખાસિયત છે. ખબર તો જીમ અને હોલીને પણ પડે છે. હોલી સમજદાર છે અને આવા સંબંધોની પૃષ્ઠભૂમિ વિષે સમજે છે પણ જીમ નારાજ છે.
દરમિયાન પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ ઊભી થતાં જીમ દીકરા જેમીને દાદીના ઘરે મૂકી જાય છે. ત્યાં દાદી ઉપરાંત લુઈસ એને દાદાની હુંફ અને સમજદારી આપે છે અને પ્રેમપૂર્વક અલગ-અલગ તરીકાઓથી બહેલાવી એના માબાપ વચ્ચેનો કંકાસ એના મનમાંથી ભૂંસવાનો પ્રયત્ન કરે છે અને એમાં કામિયાબ પણ થાય છે. એ જેમીની એકલતાના સહારા માટે એક પાલતુ કૂતરો પણ લઈ આવે છે. એડી અને લુઈસ નાનકડા જેમીને ઠેકઠેકાણે ફેરવવા અને લાંબી પિકનીક પર લઈ જાય છે. જેમી દરેક રીતે ખુશ છે તો એના કારણે ‘ દાદા ‘ અને દાદી પણ !
પતિ – પત્ની વચ્ચે સમાધાનના સંજોગો ઉત્પન્ન થતા જીમ દીકરા જિમીને પરાણે પોતાના ઘરે લઈ જાય છે એટલું જ નહીં, પોતાના માના ‘ અવૈધ ‘ સંબંધો સામે વિરોધ દર્શાવવા એડીને પોતાના પૌત્ર સાથે ફોન પર વાત કરવાની પણ મનાઈ ફરમાવે છે. એડી કશ્મકશ અને તનાવમાં છે. અધૂરામાં પૂરું, ઘરમાં પડી જતાં એડીનો પગ ભંાગે છે. પુત્રની નારાજગી અને પૌત્ર-વિયોગથી એ વ્યથિત તો હતી જ. આકરો નિર્ણય લઈ એ લુઈસને અલવિદા કરી દૂરના નગરમાં પુત્રના ઘર પાસે આવેલી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ થઈ જાય છે.
એડીએ પ્રથમ વાર દરખાસ્ત મૂકી એવો જ આંચકો એડીની વિદાયથી  અનુભવી લુઈસ પોતાની એકલવાયી જિંદગી ફરી જીવવાનું શરુ કરે છે.
મહીનાઓ પછી અચાનક એના પર એડીનો ફોન આવે છે, જેની લુઈસને કોઈ આશા કે અપેક્ષા નહોતી !  ‘ કેમ છો તું ? ‘ લુઈસનો આનંદ અસીમ છે.
શું બન્ને એકલવાયા વૃદ્ધોના જીવનમાં ફરી વસંત આવી ? હાથમાં આવીને સરકી ગયેલું સુખ પાછું આવ્યું ? બધું અધ્યાહાર મૂકી વાર્તા પૂરી થાય છે. વાચક તરીકે આપણે એટલું આશ્વાસન લઈ શકીએ કે કદાચ બંધ થયેલો સિલસિલો વાતચીતના સેતુથી શરુ થયો હશે.
કેવળ સરળ સુખ – દૈનિક સુખ – કોઈ જાતિય તૃપ્તિનો સ્વાર્થ નહીં – કોઈ ઉન્માદ કે પરમ સુખની ખેવના નહીં – માત્ર નાના નાના સુખ જે આપણા જીવન અને વાર્તાઓમાંથી અદ્રષ્ય થતા જાય છે એની વાત આ પુસ્તક કરે છે. પુસ્તકનું સૌથી મોટું જમા પાસું છે એના લેખક કેંટ હારુફની ભાષા અને પાત્રો ઉપસાવવાની કુનેહ. આપણને લાગે જાણે એ એક પણ શબ્દ વેડફવા માંગતા નથી. બિલકુલ ઉપયુક્ત અને બને એટલા ઓછા શબ્દો. પાત્રોના વર્ણનમાં અને એમની વાતચીતમાં કોઈ અતિરેક નહીં ! એમની ભાષા આપણને બરબસ હિંદી લેખક નિર્મલ વર્માની શૈલીની યાદ અપાવે હાલાંકિ બન્ને લેખકોની વાર્તાઓના કથાવસ્તુ દોન ધ્રુવ જેટલા વિભિન્ન હતા.  નવલકથાના પ્રારંભથી જ હવે આવનારી ભાષાનો પરિચય આપણને મળી રહે છે જ્યારે લેખકનું પ્રથમ વાક્ય આપણી નજર સમક્ષ આવે છે. ‘ અને પછી એક દિવસ એડી મૂર લુઈસ વોટર્સને મળવા એના ઘરે ગઈ ‘ . પુસ્તકને આકાર આપતી વખતે લેખક સભાન હતા કે એમની પાસે ગણતરીના દિવસો છે એ હકીકત પણ કદાચ પુસ્તકની ચુસ્ત સંરચનામાં નિમિત બની હોય ! એમના બધા જ પુસ્તકોનો વિષય હમેશા સીધી કે આડકતરી રીતે શાલીનતા વિરુદ્ધ વામનત્વ રહ્યું છે.
પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં જ લેખક કેંટ હારુફ મૃત્યુ પામેલા.
ભારતીય મૂળના ફિલ્મ સર્જક રિતેષ બત્રાએ ( લંચ બોક્સ ફિલ્મ – ઈરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી – ના સર્જક ) આ પુસ્તક પરથી એ જ નામની ખૂબસૂરત ફિલ્મ ૨૦૧૭ માં  બનાવી છે. લુઈસની ભૂમિકા પીઢ અભિનેતા રોબર્ટ રેડફોર્ડ દ્વારા નિભાવાઈ છે અને એડીની જેન ફોંડા દ્વારા . આ બન્નેની ઉંમર ફિલ્મ બની ત્યારે જ ૮૦ ની આસપાસ હતી. મૂળ કથા અને એના લેખકના અભિગમને પૂરેપૂરા વફાદાર રહીને ફિલ્મ સર્જાઈ છે. નેટફ્લીક્સ ઉપર ફિલ્મ ઉપલબ્ધ છે.