પુસ્તક પરિચય
રીટા જાની
પ્રશ્ન થાય કે મુનશી જેવા સમર્થ વાર્તાકારને ગુજરાતના રસિક વાચકવર્ગ આગળ ઓળખાવવાની કશી જરૂર ખરી ? એક શતાબ્દી પછી પણ જેમની વાર્તાઓ એટલી જ રસપ્રદ અને લોકપ્રિય છે ને તે વાંચીને મને જે આનંદ મળ્યો તે આજના પરિપ્રેક્ષ્યમાં નવી પેઢીને અવગત કરાવવાનો આ પ્રયાસ છે. હવે જવું છે તેમની આત્મકથા “સ્વપ્નસિદ્ધિની શોધ” તરફ. આ આત્મકથાનો ત્રીજો ભાગ છે જેમાં ૧૯૨૩થી ૧૯૨૬ના સમયખંડની વાત મુનશી કરે છે. તેમના માટે આનું મહત્વ અધિક એટલા માટે છે કે એ સમસ્ત જીવનનો સૌથી અગત્યનો અને સર્જનાત્મક સમય છે.
પુસ્તકની શરૂઆત થાય છે લીલાવતી સાથેના “પ્રથમ પરિચય” પ્રકરણથી. મુનશી કહે છે કે ઘણા વાચકો અને મિત્રોને લાગતું કે આ ભાગ ન લખાયો હોત તો સારું હતું. ટીકાકારોને તો ખૂબ મજા પડતી હતી. પણ તેઓ કહે છે કે તેમનું એક પણ કૃત્ય અથવા વર્તન એવું ન હતું કે તેથી તેમણે શરમાવું પડે કે પશ્ચાતાપ થાય. તેમના પ્રથમ પત્ની -અતિલક્ષ્મી જીવિત હતા ને તેમના ત્રણ બાળકો પણ હતા. તેમણે બાળપણમાં સેવેલી કલ્પનાના પરિપાકરૂપે આ અનુભવો છે – જે તેમના જીવનની શક્તિ અને પ્રેરણા છે. તેમના બાળપણની સખી “દેવી” તેમને લીલાવતી રૂપે મળ્યા હોય તેમ તેમના હૃદયના તરંગો લીલા સાથે સ્નેહબંધનથી જોડાવા ઈચ્છાતા હતા.
૧૯૧૯માં તેઓ પહેલી વાર મળ્યા. ૧૯૨૨માં તેમના વચ્ચે અંતરાયોના સાગર ઉછળતા હતા. ૧૯૨૨માં મુનશીએ “ગુજરાત” માસિક બહાર પાડ્યું ત્યારે તેના ગ્રાહક બનવા તેમની વચ્ચે પત્ર વ્યવહાર થયો. આ શિષ્ટાચારી પત્ર વ્યવહાર પછી તેમની વચ્ચે સાહિત્ય વિષયક પત્ર વ્યવહાર શરૂ થયો. એમાં એકબીજાની ઠેકડી કરી તેઓ અંતરાયો ભેદી રહ્યા. તેમાં બાબુલનાથમાં ફ્લેટમાં ઉપર નીચે રહેતા થયા. મુનશીને લીલામાં આઠ વર્ષે ઝંખેલી “દેવી” મળી ગઈ. નાનપણથી જેને જીવનની સ્વામિની માની, જેના કલ્પનાવિલાસની પ્રેરણાથી જીવન વિતાવતા હતા તે સાક્ષાત આવીને ઊભી હતી આ ભાન તેમના મગજનો કબજો લઈ બેઠું. ખરી વાત એ હતી કે પ્રણયે તેમની બધી શક્તિઓને તીવ્ર અને અસામાન્ય બનાવી દીધી હતી. આથી મુનશીએ ત્રણ સંકલ્પ કર્યા.
એક, સંસાર અભેદ્ય રાખી પત્ની અને બાળકોને અન્યાય ન કરવો.
બે, પ્રણયધર્મનો દ્રોહ ન કરવો સાથે કાયેન્દ્રિય શુદ્ધિ પર જ પ્રણયસંબંધ રચવો.
ત્રણ, સંસાર પ્રત્યે કર્તવ્યભ્રષ્ટ થઈ સમાજમાં પ્રતિષ્ઠા ન ખોવી.
તો બીજી તરફ લીલા સાથે અપૂર્વ આત્મીયતાનો સાક્ષાત્કાર હતો. તેમના વચ્ચે પત્ર વ્યવહાર શરૂ થયો. મુનશીના પત્રો દ્વારા લીલાએ તેમનું હ્રુદય પારખ્યું. ને લીલાના પત્રોમાં મુનશીએ તેમના જીવનમાં પ્રવેશવાની લીલાની ઉત્કંઠા તેમણે વાંચી. સામાન્ય રીતે પ્રેમ શરૂ થાય ત્યારે એક જણ પ્રેમમાં પડે ને બીજું તેને ઝીલે. પણ અહીં તો બંને સાથે જ પડ્યાં ને સાથે જ ઝીલી રહ્યાં. એક મહાપ્રબળ શક્તિ તેમને એકબીજાના બનાવી રહી હતી.
પ્રેમના બે સ્વરૂપ છે. એકમાં વ્યક્તિ પ્રેમ દ્વારા કંઇક પ્રાપ્ત કરવા માગે છે, પ્રેમના સ્વપ્ન જુએ છે ને એ સ્વપ્નમાં સુખ શોધે છે. જ્યારે બીજા પ્રકારના પ્રેમમાં ફક્ત આપવું છે -પ્રેમ આપવો છે, સર્વસ્વ સમર્પિત કરવું છે, સ્વપ્ન સાકાર કરવા છે, સુખ આપવું છે. તેમાં પ્રિયજનની હાજરી એ જ સૌથી મોટું સુખ છે. તેઓ જે વાત સ્પષ્ટ રીતે બોલી ન શકતાં તે સાહિત્ય દ્વારા ઉચ્ચારતા થયા. ઘણીવાર તેઓ એકબીજાને “વસિષ્ઠ” અને “અરુંધતી” ના નામે સંબોધતાં. આ રીતે તેમની મૈત્રીની આસપાસ રસનું એક વર્તુળ બની ગયું. વફાદાર પ્રેમનું પોત ક્યારેય પાતળું નથી હોતું. પ્રેમની તાકાત એવી છે કે જ્યારે એક વ્યક્તિના પ્રવેશથી આખી સૃષ્ટિ હરી ભરી થઈ જાય ને એકના વિના પૂરી દુનિયા ખાલી લાગે. પ્રિય વ્યક્તિનું સાંનિધ્ય પ્રેમને સબળ કરે છે. આ વાત સો વર્ષ પહેલાં મુનશીના સમયમાં જેટલી સત્ય હતી એટલી આજે પણ છે અને આજથી સો વર્ષ પછી પણ રહેશે. બધો આધાર પ્રેમની ઉત્કટતા પર છે.
એક વળાંક જેમ દિશા બદલી નાખે છે , એ જ રીતે કોઈ એક સ્વપ્ન કે જીવનલક્ષી વિચાર જીવનની દશા બદલી નાખે છે. મુનશી પોતે સ્વપ્નદ્રષ્ટા તો છે જ પણ અહીં એ સ્વપ્ન સિદ્ધિની શોધમાં નીકળ્યા છે. ત્યારે આપણને એ પ્રશ્ન જરૂર થાય કે મુનશીનું સ્વપ્ન શું છે? મુનશીને તેમના સ્વપ્ન દ્વારા કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે? સ્વપ્નને સિદ્ધ કરવા એ શોધમાં ક્યાં નીકળ્યા છે? તેમની શોધની ફલશ્રુતિ શું? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ માટે મળીશું આવતા અંકે…..
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
