રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ
અગાઉનાં અંકમાં આપણે રામાયણકાલીન પુષ્પક વિમાનની વાત કરી હવે આ અંકમાં આપણે પ્રાચીન ગ્રંથોમાં રહેલ વિમાનોની અને તેમ રહેલ વિમાન જાણકારીનાં ઉલ્લેખની વાત કરીએ.
ઋગ્વેદ અનુસાર :-
આ ગ્રંથમાં લગભગ ૨૦૦ વાર વિમાનોનો ઉલ્લેખ થયો છે. જેમાં કહ્યું છે કે; અશ્વિનીકુમારોએ ત્રણ માળવાળા, બે અને ત્રણ ભૂજાવાળું, બે અને ત્રણ પગવાળા તેમજ પંખવાળા વિમાનોનું નિર્માણ કર્યું છે. જેમાંથી કેટલાક વિમાનો અગ્નિહોત્ર હતાં, અમુક હસ્તિ વિમાનો અને અમુક ક્રૌંચ વિમાનો હતાં.
યજુર્વેદ અનુસાર:-
આ ગ્રંથમાં અશ્વિનીકુમારોએ વિમાનોનું સંચાલન ક્યારે કેવી રીતે કરવું તે વાતને સમજાવેલ છે. આગળ વધતાં આ ગ્રંથમાં કહ્યું છે કે; જ્યારે રાજા ભૂર્જ્યુ જ્યારે સમુદ્રમાં ડૂબી રહ્યો હતો, ત્યારે અશ્વિનીકુમારોએ સમુદ્રનાં પાણી અને હવા વચ્ચે વિમાનને સ્થિર રાખી રાજા ભૂર્જ્યુને બચાવેલો હતો. જોવાની વાત એ છે કે; આ પ્રક્રિયા આજે આપણે હેલિકોપ્ટરમાં જોઈએ છીએ.
વિમાનિકા શાસ્ત્ર અનુસાર:-
૧૮૭૫ માં ભારતનાં એક મંદિરમાંથી ૪૦૦ વર્ષ જૂનો ઋષિ ભારદ્વાજ રચિત આ ગ્રંથ મળેલો. આ ગ્રંથ અનુસાર આ શાસ્ત્રનાં આઠ ભાગો હતાં અને જેમાંની આ એક કોપી હતી. આ ગ્રંથમાં તે સમયનાં ૯૭ વિમાનાચાર્યોનું અને વિવિધ આકારવાળા ૨૦ વિમાનોનું વર્ણન કરવામાં આવેલું હતું. આ ઉપરાંત આ ગ્રંથમાં વિમાન સંચાલનની જાણકારી, વિમાન સુરક્ષા સંબંધની જાણકારી, હવામાન તોફાન સમયે શું શું કરવું જોઈએ તેની જાણકારી, આવશ્યકતા અનુસાર વિમાનનાં ઈંધણ ઊર્જાની જાણકારી, વિમાનને મળતી ઊર્જા, અતિરિક ઊર્જા અને આ ઊર્જાથી વિમાનનાં બચાવકાર્યની જાણકારી, વિમાન અને ગુરુત્વાકર્ષણની જાણકારી તેમજ ગુરુત્વાકર્ષણથી વિરુધ્ધ વિમાનની પરિસ્થતિ કેવી રીતે સાચવવી, વિમાન તૂટથી બચાવકાર્ય વગેરે બાબતોનો ઉલ્લેખ થયેલો છે.
યંત્ર સર્વસ્વ:-
૪૦ ભાગમાં બનેલ આ ગ્રંથ પણ મહર્ષિ ભારદ્વાજ રચિત છે. જેમાં વિમાન વિજ્ઞાન વિષે અધ્યાયો – દ્વારા સમજાવાયેલું છે. આ ગ્રંથમાં આંતરદેશીય – એક સ્થાનેથી બીજા સ્થાને જતાં, આંતર રાષ્ટ્રીય- એક દેશથી બીજા દેશમાં જતાં, અંતરિક્ષ્ય- એક ગ્રહથી બીજા ગ્રહ સુધી જતાં યાન, તથા સૈનિક વિમાન યાનની વાત જે રીતે કરવામાં આવી છે તે જોઈને આજના સાયન્સફિક્સન લેખકોની યાદ આવી જાય છે. ઉદાહરણ રૂપે જોઈએ તો, સૈનિક વિમાનમાં પૂર્ણત્યાઃ અતૂટ, અગ્નિ-વાયુથી પૂર્ણત્યાઃ સુરક્ષિત, આવશ્યકતા થાય ત્યારે સમય માત્રમાં જે જગ્યાએ હોય ત્યા સ્થિર થઈ જાય તેવું, શત્રુઓનાં મારથી બચવા અદ્રશ્ય થઈ જાય અથવા પોતાના રૂપરંગ બદલી નાખે છે, શત્રુઓનાં વિમાનોમાં જે વાર્તાલાપ થાય છે તે તેમજ અન્ય ધ્વનિઓને જે સાંભળી શકે છે, રેકોર્ડ કરી શકે તેવી ક્ષમતા રાખનાર, શત્રુઓથી પોતાનાં ચાલકને અને યાત્રીઓને બચાવી શકે તેવું, શત્રુ વિમાનોની દશા અને દિશા જાણી શકે તેવી વ્યવસ્થા ધરાવતું, સમય અને સંજોગ અનુસાર પોતાનાં આકારને નાનું -મોટું કરી શકે તેવું, શત્રુઓનાં વિમાનને, તેનાં ચાલક અને તેનાં યાત્રીઓને દીર્ઘકાલ સુધી સ્તબ્ધ કરી શકે તેવી ક્ષમતા ધરાવનાર, ગમે તે સમયમાં અથવા ગમે તે વાતાવરણમાં વિમાનનું તાપમાન સ્થિર કરી શકે તેવી લાયકાત ધરાવનાર, પોતાની ગતિનાં અવાજને પણ એ કંટ્રોલ કરનાર છે. આમ સૈનિક વિમાનમાં જે જે ગુણો બતાવ્યાં છે તે આજની દૃષ્ટિએ અદ્ભુત અને અકલ્પનીય લાગે છે.
સૌભ અર્થ શાસ્ત્ર:-
આ ગ્રંથ કૌટિલ્ય ચાણક્ય દ્વારા રચિત છે. જેમાં આપે વિમાની ટેક્નિક, પાયલટ, વિમાન ઉડાડતી વખતે પાયલટની આદતો વગેરે વિષે વર્ણન કર્યું છે તો સાથે સાથે અમુક વ્યક્તિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે; જે તે વ્યક્તિ આકાશ યોધ્ધા છે તેથી તે એક જ સમયે હવાઈ વિમાન ઉડાડી શકે છે અને સાથે સાથે યુદ્ધ પણ કરી શકે છે. આ જ વાત અત્યારનાં ફાઇટર વિમાન પાઇલટો માટે આપણે જોઈ શકીએ છીએ.
પંચતંત્ર:-
પંચતંત્રની એક કથામાં કહ્યું છે કે, એક ધૂર્ત મનુષ્યએ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કર્યું અને ગરૂડાકૃતિવાળા ચાવીઓથી ચાલતાં વાહન ઉપર સવાર થઈને આવતો હતો, જ્યારે વેદવ્યાસજી રચિત મહાભારતમાં આ વ્યક્તિને પૌંદ્રક તરીકે ઓળખ્યો છે.
કથાચરિતસાગર:-
આ ગ્રંથની રચના કવિ સોમદેવે કરી છે. જેમાં આપે વિમાનમાં સાત પ્રકારનાં એન્જિનની વાત કરી છે ઉપરાંત આપે રાજ્યધર અને પ્રાણધાર નામનાં બે કારીગરોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે; આ બંને જણાં એકસાથે ૧૦૦૦ યાત્રીઓ બેસી શકે તેવો ઊડતો રથ બનાવી શકે છે. આ રથની ખાસિયત એ છે કે; ગમે તેટલી ઝડપે ઊડતાં આ રથમાં બેસેલા યાત્રીઓને કે રથને કશું નુકશાન થતું નથી.
શ્રીમદ્ ભાગવત:-
ભાગવતમાં કહ્યું છે કે, આ સમયનાં વિમાનો ભૂમિ અને પર્વત પર સહેલાઈથી ચાલી શકતાં હતાં, આકાશમાં વાયુની ગતિએ દોડી શકતાં હતાં અને જળમાં નાવની જેમ ચાલી શકતાં હતાં. આ શ્રીમદ્ ભાગવતનાં આ વિમાનની વાતથી ત્રેપન વર્ષ પહેલાં બાળકો માટે બનેલી એક ફિલ્મ “ચીટી ચીટી બેંગ બેંગ” યાદ આવી ગઈ. આ ફિલ્મમાં આવી જ એક કારની વાત કરેલી હતી, જે ભૂમિ પર ચાલે છે, આકાશમાં ઊડે છે અને જળમાં બોટ બની જાય છે. આ ફિલ્મની અસર રૂપે આજે અમેરિકામાં એવી ટુરિસ્ટ બસો જોવા મળે છે જેનો ઉપયોગ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન થયો હતો. આ બસોને અહીં ડક રાઈડ તરીકે ઓળખવામાં આવે છે જે રસ્તા પર દોડે છે અને બોટ બનીને તરે છે. પણ હજી આ બસો ઊડતી નથી તેથી અમેરિકન વૈજ્ઞાનિકો ચીટી ચીટી બેંગ બેંગની ઊડતી કારની જેમ આ બસને ય વિમાનની કક્ષામાં લાવવા સંશોધન કરી રહ્યાં છે. જો’કે તેમાં સફળતા ક્યારે મળશે તે તો સમય જ જાણે, પણ જો આ બાબતમાં સફળતા મળશે તો ભવિષ્યમાં આપણને વિમાન, હેલિકોપ્ટર, એરબલૂનની જેમ ઊડતી બસ પણ જોવા મળશે.
ગયાચિંતામણી:-
આ ગ્રંથમાં મયૂરા અને મત્સ્યાકૃતિવાળા વિમાનનો ઉલ્લેખ થયો છે. આમાંથી યે મયૂરને તો સમજી શકાય કારણ કે તેની પાસે પાંખ છે, પણ મત્સ્યાકૃતિવાળું વિમાન કેવી રીતે ઊડી શકતું હશે તે પ્રશ્ન આજે ય રહેલો છે.
આ ગ્રંથો ઉપરાંત જોઈએ તો કવિ કાલિદાસજીનાં કુમારસંભવમમાં કહે છે કે; આકાશગમન કરી રહેલાં ઇન્દ્રનાં રથનો સારથિ કહે છે કે; “અહીંથી એટ્લે કે ( ગગનમાંથી ) પૃથ્વી સુંદર દેખાય છે.” જોવાની વાત એ છે કે; આધુનિક સમયમાં ભારતનાં પ્રથમ અવકાશ યાત્રી શ્રી રાકેશ શર્માએ પણ જ્યારે પૃથ્વીની બહારથી પૃથ્વીને જોઈ ત્યારે કહ્યું હતું કે અહીંથી પૃથ્વી અને ભારત સુંદર દેખાય છે. કવિ કાલિદાસ જે દરબારમાં સોહતા હતાં તે રાજા ભોજે વિવિધ પુરાણો અને વેદોપનિષદનાં સાર રૂપે “સમરાંગણ સૂત્રધાર” નામનો ગ્રંથ લખ્યો. તેમાં આપે વાસ્તુશાસ્ત્ર, કલા, સ્થાપત્ય સાથે વિમાનોની ડિઝાઇન કેવી હોવી જોઈએ, તેમાં વિમાનચાલક માટે કેવા પ્રકારની સુવિધા હોવી જોઈએ, વિમાન ચાલકે વિમાન ચલાવતાં પૂર્વે કેવા કપડાં પહેરવા જોઈએ, તેની ખાવા-પીવાની આદતો કેવી હોવી જોઈએ વગેરે વિષેની માહિતી પૂરી પાડી છે. જ્યારે બ્રિટિશરો ભારતમાં આવ્યાં ત્યારે આ ગ્રંથ તેઓ પોતાની સાથે લઈ ગયા. પાછળથી આ ગ્રંથ ઉપર અમેરિકા, જર્મની અને બ્રિટને સમૂહમાં સંશોધન કાર્ય શરૂ કર્યું ત્યારે તેમણે જોયું કે આ ગ્રંથમાં સૂર્ય મંડળ અને નક્ષત્ર મંડળ સાથે વિમાનોની સાવ મૂળભૂત ટેકનિક્સથી માંડી ને એડવાન્સ લેવલનાં મીકેનિકેઝમ ઉપર સમજાવવામાં આવ્યું છે. એમાં યે વિમાનમાં વપરાતાં યંત્રો વિષેના વર્ણનો તો અત્યંત રસપ્રદ છે. વિમાનો અને યંત્રો સિવાય આ ગ્રંથમાં રોબોટ જેવા સાધનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ( શ્લોક પ્રમાણ :૯૫ થી ૧૧૦ ) અમેરિકા, બ્રિટન અને જર્મનીનાં વિજ્ઞાનીઓએ ગ્રંથ ઉપરથી અનેક લેખો લખ્યાં અને પબ્લીશ કર્યા. આજે આપણે એક અનુમાન કરી શકીએ કે આ પબ્લીશ થયેલાં લેખો પરથી રાઇટ બંધુઓને વિમાન બનાવવાનો વિચાર આવ્યો હોઈ શકે. થોડા વર્ષો પહેલાં ચીનનાં પુરાતત્ત્વવાદીઓને તિબેટમાંથી સંસ્કૃત ભાષામાં લખાયેલ એક ગ્રંથ મળી આવ્યો. આ ગ્રંથનો અભ્યાસ અને રિસર્ચ કરતાં જાણવા મળ્યું કે; આ ગ્રંથમાં એક ગ્રહ ઉપરથી બીજા ગ્રહ પર જવા માટેની સ્પેસશીપ અને ટેકનોલોજીની વાત કરવામાં આવી છે, તેથી ચાઈનાએ આ ગ્રંથ મુજબ સ્પેસ પ્રોગ્રામ હેઠળ એ દિશામાં કાર્ય ચાલુ કરી દીધું. અંતે રહ્યાં મહર્ષિ ભારદ્વાજ. જેમણે પોતાનાં ગ્રંથ “અંશુબોધિની” નાં વિમાન અધિકરણ નામનાં સર્ગમાં ગુરુત્વાકર્ષણની વિરુધ્ધ દિશામાં ઊડી શકનારા પૌરાણિક પિંજૂલ વિમાનોની વાતને માન્ય ઠેરવી છે. પિંજૂલ વિમાનો એટ્લે કે એક એવું વિમાન જેમાં સૂર્ય અને દર્પણનાં કિરણો વાટે શત્રુઓ પર હુમલો કરવામાં આવતો. આજે આ કિરણોને આપણે લેસર કિરણો સાથે મેળવી શકીએ છીએ. આ પિંજૂલ વિમાનો ઉપરાંત આપે વિવિધ આકારવાળા વિમાનોનો પણ ઉલ્લેખ કર્યો છે. દા.ખ.ત
૧) શકુન – ( પક્ષીનાં આકારનું પાંખો વાળું ),
૨) સુંદર ( રોકેટ જેવુ સીધું ચાંદીનાં રંગનું ),
૩) રૂક્મ ( શંકુ આકારનું સુવર્ણ રંગનું ),
૪) મંડળ ( કોઈપણ એક જ આકાર પણ બે-ત્રણ નાની-મોટી સાઇઝ સાથે હોય તેવા ),
૫) વક્રતુંડ ( જેનાં આગળનાં ભાગમાં હાથી સૂંઢ લાગેલી છે તે ),
૬) ભદ્રક, શુકસ્ય ( પોપટનાં આકારનું ),
૭) હંસિકા ( હંસનાં આકારનું ),
૮) વિરાજક ( શત્રુઓ પર ભારે પડે તેવું ),
૯) ભાસ્કર ( દર્પણથી સૂર્ય સમાન ચમકતું ),
૧૦) કુમુદ ( ખુલેલાં કમળનાં આકારવાળું ),
૧૧) પદ્મક ( અર્ધ ખુલ્લું પદ્મ ),
૧૨) ત્રિપુર ( ત્રણ કોટવાળું અને પગવાળું )
૧૩) પંચબાણ
૧૪) ક્રૌંચક
૧૫) નંદક
૧૬) પુષ્કર
૧૭) કૌદંડ
૧૮) રુચક
૧૯) ભોજક
૨૦) સૌમ્યક
૨૧) પૌષ્કળ
૨૨) ઐરીયાયન
૨૩) મંડર
૨૪) વિરાજક
૨૫) અજાવર્ત
૨૬) વરાહ
એમ ૨૬ વિમાનોનો ઉલ્લેખ કર્યો છે તો સાથે વીજળીથી, જળથી, તેલથી, બાષ્પથી, સૂર્યનાં કિરણોથી, વાયુથી, અગ્નિથી, ચુંબકથી અને મણિ એટ્લે રત્નોની ઉર્જાથી ચાલતાં ૯ પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ કર્યો છે. પણ આજનો સમય અલગ છે તેથી આજે આપણને તેલ કે પેટ્રોલિયમથી ચાલતાં વિમાનો જોવા મળે છે પણ અન્ય ઉર્જાઓથી ચાલતાં વિમાનો જોવા મળતાં નથી, અગર વિજ્ઞાન અને સમયની વાત કરીએ તો સૂર્ય કિરણ એટ્લે સોલારથી ચાલતાં વિમાનો અને વીજળીથી ચાલતાં વિમાનો ભવિષ્યમાં આપણને ચોક્કસ જોવા મળશે, પણ તોયે જળ, બાષ્પ, વાયુ, રત્નો, અગ્નિ, ચુંબક વગેરેથી ચાલતાં વિમાનો તો જોવા માટે આપણે ય ભગવાન વિષ્ણુની જેમ બીજો અવતાર લેવો રહ્યો.
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ । purvimalkan@yahoo.com

ઓહો! ખૂબ રસપૂર્ણ લેખ અને ભરપૂર માહિતી. સરસ.
સરયૂ
LikeLike
ગહન અભ્યાસક્રમ આપના રસપ્રદ માહિતી પુર્ણ લેખ વાંચવાની મજા પડી. આભાર
LikeLike
ગહન અભ્યાસ પછી આપે તૈયાર કરેલા માહિતી પુર્ણ લેખ બદલ આભાર. બંને પ્રકરણો રસપ્રદ રહ્યાં છે.
LikeLike