પારુલ ખખ્ખર

સર્જન અને વિસર્જન આ બન્ને જીવનનાં પરમ સત્યો છે.મને કમને સ્વીકારવા પડે એવા સત્યો. માત્ર સ્વીકારવા જ નહી ગમાડવા પડે એવા સત્યો. હાલરડાં ગમતાં હોય તો મરશિયાં ગમાડવા પડે, છઠ્ઠી કરવી હોય તો બારમું કરવાની તૈયારી રાખવી પડે,ઘોડિયું લાવીએ એમ જ ખાંપણ લાવવું પડે,આગમનનાં આનંદની જેમ વિદાયની ગમગીની ગળે લગાડવી પડે. આ બધું એક સિક્કાની બે બાજું નથી પરંતુ સિક્કાની એક જ બાજુંની બે અલગ ડિઝાઈન છે. સમગ્ર સૃષ્ટિમાં એક શક્તિ પ્રવર્તે છે જે ત્રણ પ્રકારે કાર્યરત્ત છે. જેને આપણે ઈશ્વર/ ગોડ કહીએ છીએ. બ્રહ્મા સર્જક છે ,વિષ્ણુ પોષક છે અને શિવ સંહારક છે. જો જગતમાં સતત સર્જન જ થતું રહે તો જગત એક મોટો ઉકરડો જ બની જાય ને !તેથી જ જૂનું, જર્જરિત, ખંડિત હોય એ બધાનો નાશ થવો જરુરી છે અને તેથી જ જગતમાં જે જે નામરૂપધારી છે તેના સંહારની કામગીરી મહાદેવને સોંપવામાં આવી છે.શિવ એ સ્મશાનના દેવ છે તે મૃતકોની રાખ શરીર પર ચોળે છે અને તમામ સર્જનને પોતાના ખપ્પરમાં સમાવી લે છે.ક્યાંક સંપુર્ણ વિસર્જન શક્ય ન હોય ત્યાં સ્વરુપ રુપાંતર કરીને જગતને નિત્ય નૂતન રાખે છે. આ દેવ પોતે અજન્મા અને અવિનાશી હોવા છતાં પોતાની મુર્તિઓને પણ આ સંહારલીલાથી બચાવી નથી શકતા.મહાકાલની આ વિસર્જન લીલાના બે પ્રત્યક્ષ દાખલા મેં નજરે જોયેલા છે. એક હિમાચલપ્રદેશમાં આવેલ બિજલી મહાદેવ અને બીજું ગુજરાતનું નિષ્કલંક મહાદેવ બન્ને અદભુત સ્થળો છે.આ સ્થળો પર દેવાધિદેવ પોતે જ પોતાના નામરુપ શિવલિંગને ખતમ કરે છે. આ સ્થળો વિશે વિગતે જોઈએ.

હિમાચલ પ્રદેશના કુલુ શહેરથી સાત કિલોમીટર દૂર એક ઊંચા પહાડ પર બિજલી મહાદેવ બિરાજે છે. સમુદ્રતટથી ૨૪૫૦ મીટર ઊંચાઈ પર આવેલ આ મંદિર વિશે કહેવાય છે કે કુલાન્ત નામનો દૈત્ય અજગર સ્વરુપે બિયાસ નદીનો પ્રવાહ રોકીને બેસી ગયો જેથી નદી છલકાઈ જાય અને આસપાસની જીવસૃષ્ટિ પાણીમાં ગરક થઈ જાય.ભગવન શિવે ત્યાં આવીને ત્રિશુળ વડે આ અજગરનો વધ કર્યો. વધ થતાં જ કુંડલી મારીને બેઠેલ અજગરનું શરીર પહાડ બની ગયું ! આ પહાડ પર શિવના બેસણાં છે જે બિજલી મહાદેવ તરીકે ઓળખાય છે.દર બાર વર્ષે આ મંદિર પર વિજળી ત્રાટકે છે અને શિવલિંગના ટુકડેટુકડા કરી નાંખે છે. આખાયે પહાડ પર આ ટુકડાંઓ જુદીજુદી જગ્યાએ વેરાઈ જાય છે. પૂજારી એ ટુકડાં ભેગા કરી માખણથી ચોંટાડે છે અને થોડા સમયમાં એ શિવલિંગ ફરી નક્કર સ્વરુપ ધારણ કરી લે છે.વિનાશનાં દેવતા પોતે જ જીવોનો બચાવ કરવા દૈત્યને મારે છે અને વિજળીનાં પ્રકોપને પોતાના પર ઝીલીને જીવોને બચાવી લે છે.

બિજલી મહાદેવ શિવલિંગ

કેવી અદભુતવાત ! દર બાર વર્ષે સર્જન થાય…વિસર્જન થાય. પુનઃસર્જન…પુનઃવિસર્જન. આ ચક્ર ચાલ્યાં જ કરે.જો ઈશ્વર ખુદ પોતાના સ્વરુપને સંહારથી ન બચાવતા હોય તો આપણને તો ફરિયાદ કરવાનો કોઈ હક જ નથી રહેતો. જરા વિગતે વિચારીએ તો… દરેક જીવના શરીરના કોષ રોજ મરે છે, રોજ નવા બને છે.પાંદડાઓ પીળા થાય છે, ખરે છે અને નવા ઊગે છે. કાળીઘોર રાત થાય છે, દિવસ થય છે.નદીઓ સુકાઈને પાદર થાય છે અને ફરી પૂર આવતા ગાંડીતૂર થાય છે. આલિશાન મહાલયો બંધાય છે અને ખંડેર થાય છે.વસ્ત્રો વણાય છે અને જર્જર થાય છે. આપણી ચારે તરફ એક સુક્ષ્મ હવન ચાલ્યા કરે છે. જેમાં અનિત્ય હોય તે તે હોમાતું રહે છે.આ હવનનાં હોતા એટલે મહાદેવ જે કણકણને જુના શરીરમાંથી મુક્ત કરવાનું કામ કરે છે.જરા વધુ સુક્ષ્મ રીતે જોઈએ તો અમુક સંહાર બાહ્ય નથી હોતા જેમકે અધુરી ઇચ્છાઓ, મનગમતા વળગણો, ભગ્ન હૃદયો, બિસ્માર સગપણો,જીવલેણ સ્મરણો આવું ઘણુંઘણું આપણી જાણ બહાર કાળનાં ખપ્પરમાં સ્વાહા થતું રહે છે. આ હવનને કારણે જ જીવન આટલા સુંદર અને પ્રફુલ્લિત રહી શકે છે. આમ પણ દરેક ચીજની એક્સપાયરી ડેઇટ હોય જ છે.એક્સપાયર હોય તેને જાતે છોડી દેવું એ ઉત્તમ કક્ષા છે, જે કંઈ કાળના પ્રવાહમાં વહી જાય એ નિયતિ છે એમ માની લેવું એ મધ્યમ કક્ષા છે, અને એ મહાયજ્ઞમાં હોમાતા ભગ્ન અવશેષોને જોઈ રડ્યાં કરવું એ નિમ્ન કક્ષા છે.શા માટે રડવાનું ભલા? જે જીવંત તત્વ હતું એ તો હાથમાંથી રેતીની જેમ સરકી ગયું છે બચેલા અશ્મિઓ પર તે કંઈ રડાતું હશે !

પોતાના નામરુપ શરીરનો હોમ કરી ફરી જીવતા થતાં મહાદેવની વધું એક સંહારલીલાનો પુરાવો એટલે નિષ્કલંક મહાદેવ. ભાવનગર જિલ્લાના કોળિયાક બીચ પર આવેલ નિષ્કલંક મહાદેવ એટલે પુનરપિ જનનમ્ … પુનરપિ મરણમ્ નો નજરે જોયેલ દાખલો છે.કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ પછી પાંડવો પોતાના સગાંવહાલાંઓની હત્યાના પાપથી વ્યથિત હતાં. ભગવાન શ્રી કૃષ્ણએ એક કાળી ગાય અને કાળો ધ્વજ આપી કહ્યું કે તમે યાત્રામાં નીકળો, જે જ્ગ્યાએ આ બન્નેનો રંગ સફેદ થાય ત્યારે સમજજો કે પાપ ધોવાઈ ગયાં અને તે જગ્યા પર શિવજીનું તપ કરજો.પાંડવો આ બન્ને નિશાનીઓ લઈને નીકળી પડ્યાં ગાયને અનુસરતા રહ્યાં. ભારતભ્રમણ કરતાંકરતાં અંતે અરબી સમુદ્રનાં કોળિયાક તટ પર ગાય અને ધ્વજ બન્ને સફેદ થયા તેથી પાંડવોએ ત્યાં તપ કર્યું. ભગવાન શિવ પ્રસન્ન થયાં પાંચેય ભાઈઓને અલગ અલગ શિવલિંગ સ્વરુપે દર્શન આપ્યા. આ જગ્યા પર પાંડવો ભાઈની હત્યાના કલંકમાંથી મુક્ત થયાં તેથી આ જગ્યાનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું.


આ જગ્યાની વિશેષતા એ છે કે આ મંદિર સમુદ્રતટથી અડધો કિલોમીટર અંદર આવેલ છે તેથી પાણીમાં જ ભગવાન બિરાજે છે.રોજ સાંજે ભરતી આવે અને મંદિર પાણીમાં ડૂબવા લાગે રાત  પડ્યે માત્ર ધજા જ દેખાતી હોય.મધ્યરાત્રિએ આખું મદિર પાણીમાં ગરક થઈ ગયું હોય.રોજ સવારે ભરતી ઓસરે ત્યારે મંદિર ફરી સપાટી પર આવી જાય!કેવું અદભુત ! રોજ ડૂબવું..રોજ તરવું.રોજ મરવું…રોજ જીવતા થવું.રોજ ભરતી…રોજ ઓટ.કેવી અકળ લીલા! વિનાશના દેવ પોતે જ પોતાના સ્વરુપો પર પાણી ફેરવી દે અને ફરી તેને સપાટી પર લાવી દે.આ કામ માત્ર મહાકાલ જ કરી શકે.રોજેરોજ જાતે સમાધિ લેતા શિવલિંગોને જોઈ આંખો ભીની થયા વગર ન રહે…અને એ જ શિવલિંગો ફરી સૂર્યની સાક્ષીએ પાણીમાંથી ડોકાં બહાર કાઢી દર્શન દે ત્યારે પણ આંખ કોરી ન જ રહે.

હે ઈશ્વર…હે મહાકાલ…આ તારી કેવી અકળ ગતિ? ક્યાંક તું જાતે જ તારા ટુકડાં કરીને જાતને વિસર્જિત કરી દે છે અને ક્યાં તું જાતે જ જળસમાધિ લઈને વિલિન થાય છે !તું જ તને તોડે અને તું જ તને જોડે? તું જ તને ડૂબાડે અને તું જ તને તારે ? અમે નાદાન મનુષ્યો તારી પાસે નાનીનાની ફરિયાદો લઈને રડવા આવીએ ત્યારે તને હસવું આવતું હશે ને ? આ જગતને નિત્ય-નૂતન-નવપલ્લવિત રાખવા તું તારી જાતને ય છોડતો ન હોય તો અમે શું ચીજ છીએ? હે દેવ…તમે તૂટીને પણ ફરી નક્કર સ્વરુપમાં સ્થિર થાઓ છો . હું ય ટૂકડેટૂકડા થઈને વિખેરાઈ જાઉ છું અને મહામહેનતે ફરી મૂળ સ્વરુપે સ્થાપિત થાઉં છું પણ ફરક એટલો કે હું બધું રડતાં રડતાં કરું છું. તમારી જેમ હું ય ડૂબું છું…માથાબુડ પાણીમાં ગરક થઈ જાઉં છું. નાકમાં, આંખમાં, ગળામાં ખારા પાણી ઘૂસી જાય. અસહ્ય મુંઝારો થાય. શ્વાસ લેવો પણ મુશ્કેલ થાય છતાં ટકી જાઉં છું એ અગાધ જળમાંથી મહામહેનતે બહાર આવું છું પણ ફરક એટલો કે થાકીને લોથપોથ થઈ જાઉં છું.

કહેવાય છે કે નિષ્કલંક મહાદેવની લિંગ પર મૃત સ્વજનોની લાશની રાખ ચોળીએ તો એ સ્વજનનો મોક્ષ નિશ્ચિત છે. હે સ્મશાનપતિ અમારા માથા પર ધુણતાં ભૂતકાળનાં ભૂતની ચોટલી બાંધી આપો, અમારે પણ અમારા મૃત સ્મરણોની રાખને પાણીમાં વહાવી દેવી છે. એ સ્મરણોને મોક્ષ અપાવવો છે.હે નાથ…અમે અમારી જાતને વિસર્જિત કરીને ફરી તટ પર આવીએ અને નિષ્કલંક બનીએ એવી શુભેચ્છા આપો.અમે તૂટીશું પણ જોડાઈશું, અમે ડૂબીશું પણ તરી જઈશું એવી અમે ખાતરી આપીએ છીએ. હે દેવ…તમારી સંહારલીલાનો જય હો . હે દેવ…તમારા કાળયજ્ઞનો જય હો. હે દેવ…તમારી વિનાશકલાનો જય હો.હે મહાકાલ…તમારા રાખના રમકડાનો જય હો .


સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.