નિસબત
ચંદુ મહેરિયા
કેટલીક વખત અખબારોમાં ત્રણ ચાર પેઢી સાથે રહેતી હોય તેવા કુટુંબની ફોટોસ્ટોરી જોવા મળે છે. આવા બહોળા પરિવારો સમાચાર બને તેનો અર્થ એ કે વસુધૈવ કુટુંબકમની ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ ગણાયેલા સંયુક્ત કુટુંબો હવે અપવાદરૂપ બની ગયા છે. ભારતીય સમાજની સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. વિભક્ત કે એકલ કુટુંબોનું પ્રમાણ વધી રહ્યું છે.

લેટિન શબ્દ ફૈમુલસનું આંગ્લ ભાષાના ફેમિલીમાં રૂપાંતર થયું છે. ગુજરાતીમાં તેના માટે કુટુંબ કે પરિવાર શબ્દ છે. લેટિન ફૈમુલસ શબ્દનો અર્થ એક એવો સમૂહ જેમાં માતા-પિતા, સંતાનો , નોકર અને દાસનો સમાવેશ થાય છે. ગુજરાતીમાં પણ આ શબ્દનો અર્થ એક બાપનો પરિવાર કે કુટુંબકબીલો થાય છે. એટલે પરિવાર મતલબ મોટું, બહોળું કે સંયુક્ત કુટુંબ. તે માનવ સમાજનું પૂર્ણત: મૌલિક, સાર્વભૌમિક અને સૌથી પાયાનું એકમ છે. પરિવાર વ્યક્તિના સમાજજીવનની પહેલી પાઠશાળા પણ છે.
વિસ્તૃત, સંયુક્ત, વિભક્ત કે એકલ કુટુંબવ્યવસ્થાનું સ્વરૂપ દુનિયાભરમાં તેજ ગતિએ બદલાઈ રહ્યું છે. પહેલા પશ્ચિમના અમીર દેશોમાં તેમાં મોટા ફેરફારો આવ્યા અને પછી વિકાસશીલ દેશોમાં પણ પરિવર્તન થયું છે. લગ્ન સંબંધો કુટુંબનો પાયો છે અને તે ઝડપથી બદલાઈ રહ્યા છે કે તૂટી રહ્યા છે તેની મોટી અસર કુટુંબ પર પડવી સહજ છે. ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે એટલે માત્ર તે જ કારણે સંયુક્ત કુટુંબોમાં બદલાવ આવ્યો નથી. પરંતુ વિશ્વમાં છેલ્લા છ દાયકામાં છૂટાછેડામાં જે અતિશય વધારો થયો છે તેણે કુટુંબ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાંખી છે
આપણે ત્યાં ઔધ્યોગિકરણ, શહેરીકરણ, આધુનિકીકરણ અને ઉદારીકરણે કુટુંબવ્યવસ્થામાં ફેરફાર આણ્યા છે. ગામડાઓમાં રોજગારીના અભાવને લીધે લોકોનું શહેરોમાં સ્થળાંતર પણ કુટુંબોમાં વિઘટનનું કારણ છે. વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને સ્વાર્થ, સ્ત્રીની સ્વતંત્રતા અને આર્થિક પગભરતા, એકાકીજીવનની ખુશી, વિસ્થાપન., બદલાતી જીવનશૈલી, બેરોજગારી, મોંઘવારી, કુટુંબના સભ્યોની અસમાન આવક, બે પેઢીઓ વચ્ચેનું અંતર જેવા કારણોથી સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબનું ચલણ વધ્યું છે.
વૃધ્ધો અને મહિલાઓની સામાજિક સુરક્ષા યોજનાઓનો અભાવ, કુટુંબમાં એકાદ ભાઈની નબળી આર્થિક સ્થિતિ, પુત્રોની માતૃ-પિતૃ ભક્તિ હજુ સંયુક્ત કુટુંબોને ટકાવી રાખે છે. ઘરની એકાદ નબળી વ્યક્તિ કે ઘરડા માબાપની સારસંભાળ સંયુક્ત કુટુંબમાં લઈ શકાય છે. બાળકોનો ઉછેર બધાની સંયુક્ત જવાબદારી હોઈ પતિ-પત્ની બંને નોકરી કરી શકે છે.
સંયુક્ત કુટુંબ સામંતી સમાજની દેન મનાય છે તો એકલ કુટુંબ આધુનિકતાની. સંયુક્ત કુટુંબનું તૂટવું આધુનિકતાની દ્રષ્ટિએ પ્રગતિ છે. આધુનિકતા વ્યક્તિને અધિકારસંપન્ન કરે છે, પારિવારીકતા અધિકારોને સીમિત કરે છે. એટલે ઘણા લોકો સંયુક્ત કુટુંબને વ્યક્તિની પ્રગતિમાં કે સ્વતંત્ર વ્યક્તિ વિકાસમાં બાધક માને છે. સંયુક્ત પરિવારમાં સ્વતંત્રતા અને સમાનતા, ખાસ તો મહિલાઓની, અશક્ય છે. જ્યારે વિભક્ત કુટુંબમાં તે ભારોભાર જોવા મળે છે. સંયુક્ત કુટુંબમાં ઘરના વડીલનું નિયંત્રણ હુકમ , જોહુકમી, વડીલશાહી કે તાનાશાહીની કક્ષાનું હોય છે. જ્યાં મોટી ઊમરના પુત્રનો જ અવાજ વડીલો ના સાંભળતા હોય ત્યાં ઘરની મહિલાઓ અને બાળકોના અભિપ્રાયનો તો સવાલ જ ના રહે એવી સ્થિતિ પણ જોવા મળી છે. સંયુક્ત કુટુંબમાં વ્યક્તિની આવક આખા કુટુંબની આવક ગણાય છે.એટલે સહિયારી આવક અને ખર્ચમાં વધુ કમાતી વ્યક્તિનું શોષણ થાય છે. માબાપ પોતાના બાળકોનું તેમની ઈચ્છાનુસાર લાલન-પાલન કે શિક્ષણ કરી શકતા નથી. કુટુંબના અન્ય બાળકોની સમકક્ષ તેમને પણ ગણવામાં આવે છે.એટલે બાળકોના વિકાસમાં માબાપનો અવાજ હોતો નથી. ગતિશીલતાનો પણ સંયુક્ત કુટુંબમાં અભાવ જોવા મળે છે. શિક્ષણ અને રોજગાર માટે બહાર જવું શક્ય ના હોય તો પ્રવાસ-પર્યટનનો તો પ્રશ્ન જ ઉઠતો નથી. આ બધા કારણોથી પણ ભારતમાં પરિવારનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.
જેટલી સંયુક્ત કુટુંબની વાહવાહી ભારતીય સમાજમાં જોવા મળે છે તેના કરતાં વાસ્તવિકતા જુદી છે તેવું ૨૦૧૧ના વસ્તીગણતરીના આંકડા દર્શાવે છે. ત્રણ પેઢી (દાદા-દાદી, માતા-પિતા, પુત્ર-પુત્રવધૂ અને તેમના સંતાનો) સાથે રહેતા હોય તેવા ઘર શહેરી ભારતમાં ૨ થી ૪ ટકા જ છે. માતા-પિતા અને દીકરા-વહુનું કુંટુબ સાથે રહેતું હોય તેવા ઘર ૮ થી ૧૨ ટકા છે. જ્યારે જેને ન્યૂક્લીયર કે એકલ કુટુંબ કહેવાય તેવા પતિ-પત્ની અને તેમના બાળકો( અમે બે અને અમારા બે કે હવે તો એક) વાળા ઘર સૌથી વધુ ૭૦ થી ૭૫ ટકા છે. આ હકીકત દર્શાવે છે કે ભારતમાં હવે સંયુક્ત કુટુંબોનું પ્રમાણ અતિ અલ્પ છે અને દેશના પોણાભાગના ઘર વિભક્ત કુટુંબના છે.
એક તરફ સંયુકતને બદલે વિભક્ત કુટુંબો વધ્યા છે તો બીજી તરફ તાજેતરના અદાલતી ચુકાદા પરિવારના દાયરાને વિસ્તૃત કરે છે. કુટુંબ કોઈ સ્થિર કે અપરિવર્તનીય સંરચના નથી કે બધી જ કુટુંબ વ્યવસ્થા સમાન હોતી નથી. તેમાં ફેરફારો થાય છે તે સર્વોચ્ચ અદાલતના ૨૦૨૨ના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું. નોકરી કરતાં એક મહિલાએ પતિના પ્રથમ લગ્નના બાળકોની સંભાળ માટે રજાઓ લીધી હોઈ તેમની પ્રેગન્સી વખતે માત્રુત્વની રજાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમના મેટરનિટી લીવના અધિકારને માન્ય રાખ્યો હતો. આ ચુકાદાથી અદાલતે અસામાન્ય પારિવારિક એકમોની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો હતો અને તેને વૈધાનિક સુરક્ષાને પાત્ર માન્યા હતા. .
પરિવારના પરિવર્તનીય સ્વરૂપને બહાલ રાખતા સુપ્રીમના માનવીય અને પ્રગતિશીલ ચુકાદા જેવો બીજો ચુકાદા આ વરસે મુંબઈ હાઈકોર્ટે આપ્યો છે. જિલ્લા અદાલતે નોકરી કરતી એકલ સ્ત્રી દત્તક બાળકની યોગ્ય સારસંભાળ લઈ શકે નહીં તેમ કહીને દત્તક લેવાના તેના અધિકારનો ઈન્કાર કર્યો હતો. પરંતુ વડી અદાલતે પતિ-પત્ની અને બાળકોનું બનેલું કુટુંબ એવી પરિવારની વ્યાખ્યાને પૂર્વગ્રહયુક્ત ગણાવી હતી. તે પરિવારનું માન્ય અને લોકપ્રિય સ્વરૂપ હોઈ શકે છે પરંતુ એકમાત્ર નથી. સભ્યોની સંખ્યા એ કુટુંબ નથી પણ પરસ્પરની ચિંતા, સહયોગ કુટુંબ છે તેમ પણ અદાલતે કહ્યું હતુ. આ અદાલતી ચુકાદા પરિવાર એટલે કાં સંયુક્ત , કાં વિભક્ત એથી આગળની દિશાના છે.
એકલ પરિવારને જીવનનો હિસ્સો બનાવવા માંગતા અને તે પ્રમાણે જીવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. તો તેઓ ગામ-ઘર- માબાપ સાથે જોડાયેલા રહે છે અને વાર-તહેવાર, સાજે-માંદે કે લગ્ન-મરણ જેવા સામાજિક પ્રસંગોએ પરિવાર સાથે હોય છે. તેના પરથી ભારતમાં ફેરફારો છતાં કુટુંબવ્યવસ્થા સાવ પડી ભાંગી નથી તેમ કહી શકાય.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
