{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

પિયૂષ એમ પંડ્યા

સૌથી વધુ ગીતો ધ્વનિમુદ્રિત કરાવનારા કલાકાર તરીકે લતા મંગેશકરનું નામ ગીનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દાખલ કરવામાં આવ્યું. તે માટે મહંમદ રફીએ પણ પોતાનો દાવો રજૂ કર્યો. એવું માનવામાં આવતું હતું કે આશા ભોંસલે જેમતેમ પણ ત્રીજા ક્રમાંકે હોવાં જોઈએ. ગીતોની સંખ્યામાં ક્યાંય પાછળ એવા મુકેશની કે તલત મહમૂદની કોઈએ નોંધ પણ ન લીધી. આ વિવાદ ચગી રહ્યો હતો ત્યારે કોઈએ એક કલાકારની કારકીર્દિમાં આંકડાનું શું મહત્વ હોઈ શકે તે બાબતે વિચાર્યું નહીં.

 

કારકીર્દિના શરૂઆતના તબક્કામાં ગાયકે કેટલાં ગીતો ગાયાં તે બાબત મહત્વની  હોઈ શકે. પણ આખરે તો એણે શું ગાયું છે તે મહત્વનું બની રહે છે, નહીં કે કેટલું ગાયું. માણસ પાસે ગણાવવા જેવું કશું જ રહેતું નથી ત્યારે તે પોતાની ઉમરનાં વર્ષો ગણાવવા લાગે છે. તે જ રીતે નામાંકિત ગાયકો પોતે ગાયેલાં ગીતોની સંખ્યાને એક સિદ્ધી તરીકે ગણાવે તે દયનીય સ્થીતિ છે.

મુકેશ અને તલત મહમૂદે ગાયેલાં મોટા ભાગનાં ગીતો યાદગાર બની રહ્યાં છે અને હજી પણ ગૂંજતાં રહે છે. લતા, આશા અને રફીએ હજારોની જગ્યાએ સેંકડો ગીતો જ ગાયાં હોત તો પણ તે લોકોએ સમયની રેતમાં તેમનાં પગલાંની છાપ છોડી જ હોત. લતા એવાં કલાકાર હતાં, જેમણે પોતાના કાર્યના જથ્થા બાબતે ફિકર કરવાની જરૂર નહોતી. તેમની કારકીર્દિના પહેલા પ્રથમાર્ધમાં અને તેમાં પણ પહેલા દશકમાં લતાએ ગાયેલાં ગીતોની ગુણવત્તાની સરખામણીએ તે પછીનું તેમનું કામ ખાસ નોંધપાત્ર ગણાવી શકાય એમ નથી. તે શરૂઆતના ગાળામાં સંગીતની  દૃષ્ટીએ તેમને સામાન્ય લાગી હોય તેવી બાબતો પણ સમય વિતવાની સાથે દુર્લભ બની ગઈ છે.

લતા કે જેમણે પોતાનું સ્થાન જમાવવા માટે અને ત્યાં ટકી રહેવા માટે સંઘર્ષ કર્યો છે, તેમને બરાબર જાણ હોવી જોઈએ કે ગમે તેટલા વ્યસ્ત ગાયક પણ આખરે કેટલી માત્રામાં ગાઈ શકે. ગીનીઝ બુકમાંથી હવે હટાવી દેવાયેલી એન્ટ્રી કદાચ બિનઆધારભૂત અખબારી અહેવાલો થકી પ્રવેશપાત્ર ઠરી હશે. આ બાબતનો ઉલ્લેખ જોરશોરથી તેમનાં ગીતોની વીડિઓ ફિલ્મ્સમાં કરવામાં આવ્યો. ઉપરાંત HMV કંપનીએ તેનો પ્રચાર કર્યો ત્યારે કે પછી લંડનમાં તે વિશે ટીપ્પણીઓ થઈ ત્યારે લતાએ આ બાબતે અલગ મત ન દર્શાવ્યો કે તેને રદીયો પણ ન આપ્યો. તે દાવાની સચ્ચાઈ ઉપર શંકા કરવી જરૂરી ન લાગી કેમ કે તે પોતે જ એમ માનતાં હતાં અને તે બાબતે તેમણે ગૌરવ અનુભવ્યું હશે,

ચકાસણીની એરણે ન ચડે ત્યાં સુધી એક કલાકારના ગમે તેવા અતિશયોક્તિભર્યા દાવા પણ ચાલી જાય. હિન્દી ફિલ્મી ગીતોના સર્વસમાવેશક કોશ જેવું હરમંદીર સીંઘ ‘હમરાઝ’નું કાર્ય પ્રકાશિત થતાં જ આખોતખ્તો બદલાઈ ગયો. આગળ જતાં અન્યોએ તૈયાર કરલા ગીત કોશોમાં થતા રહેતા પૃથક્કરણની મદદથી દરેક કલાકારના કાર્યવિસ્તારનું માપન સહેલું થઈ ગયું. આ રીતે મળેલી માહીતિ વડે જણાયું કે આશાએ ૭૬૦૦ હિન્દી ફિલ્મી ગીતો ગાયાં છે. લતાએ ૫૦૦૦ કરતાં થોડાં વધુ અને રફીએ માત્ર ૪૫૦૦ જેટલાં ગીતો ગાયાં છે.

૧૯૮૨માં હિન્દી ફિલ્મી ગીત કોશના વિમોચન સમયે હરમંદીર સીંઘ લતા મંગેશકરને મળ્યા ત્યારે લતા પોતે ગાયેલાં ગીતોની સંખ્યા જાણવા ઉત્સુક હતાં. તે સમયે ગાયક અનુસાર વર્ગીકરણ ઉપલબ્ધ ન હોવાથી હરમંદીરે સાવધાનીપૂર્વક ૧૦,૦૦૦ આસપાસ ગીતોનો આશરો જણાવ્યો. આ જવાબ લતાને અનુકૂળ ન આવ્યો. એ આંકડો તે સમયે પ્રવર્તી રહેલા ૩૦,૦૦૦થી વધુ ગીતોના આંકડા કરતાં ક્યાંયે ઓછો હતો. હકીકતે તે આંક તો ફિલ્મો માટે સર્જાયેલાં કુલ ગીતો સાથે મેળ પાડતો હતો. આખરી અભિપ્રાય તો લતાનો જ રહ્યો, જ્યારે તેમણે લગભગ તોછડાઈથી કહ્યું કે  આફ્રીકાના સ્વાઝીલેન્ડમાં રહેતા તેમના એક મિત્ર પાસે પોતાનાં ૨૫.૦૦૦ ગીતો છે!

બીજા દિવસે હરમંદીર સીંઘ ‘હમરાઝ’ને મળતી વેળા આશા ભોંસલેએ કોઈએ ૨૦,૦૦૦ ગીતો પણ ગાયાં હોય તેવા દાવાને હસી કાઢ્યો. તેમણે કહ્યું કે પોતે માત્ર હિન્દી જ નહીં, અન્ય ભાષાઓમાં પણ સૌથી વધારે ગીતો ગાયાં છે. ગીતોની સંખ્યાની ગણતરી ઉપર મદાર રાખનારાંઓમાંથી કોઈએ સહેજ થોભી ને વિચાર્યું નહીં કે તેનું વજૂદ કેટલું હતું. મુકેશ અને તલત મહમૂદે અનુક્રમે લગભગ ૧૦૦૦ અને ૭૫૦ ગીતો ગાયાં હશે. પણ એમાંનાં મોટા ભાગનાં એટલાં લોકપ્રિય થયાં છે કે જેથી એવું લાગે કે તે બન્નેએ ઘણાં વધારે ગીતો ગાયાં હશે. લતાએ ગમે તેટલાં ગીતો ગાયાં હોય, ૧૯૪૮ થી ૧૯૫૨ના પાંચ વર્ષના ગાળામાં તેમણે ગાયેલાં ગીતો તેમને અમર બનાવી દેવા માટે પૂરતાં છે. ગર્વ કરવો જ હોય તો તેમણે એ સિદ્ધી માટે ગર્વ કરવો જોઈતો હતો

ઉદાહરણ તરીકે માસ્ટર મદને પોતાના ટૂંકા જીવનકાળમાં માંડ દસ ગીતો રેકોર્ડ કરાવ્યાં હશે.

પણ તેના ૧૪ વર્ષની નાની વયે થયેલા દેહાંતના દાયકાઓ પછી પણ તે પૈકીના એક જ ગીત યૂં ના રહ રહ કર હમેં તરસાઈએ ની પ્રચંડ લોકપ્રિયતા થકી તેમની યાદગીરી જળવાઈ રહી છે. ૪૨ વર્ષની નાની ઉમરે દુનિયા છોડી જનારા કે.એલ.સાયગલે તેમની ૧૬ વર્ષની ટૂંકી કારકીર્દિમાં લગભગ ૨૦૦ જેટલાં ગીતો ગાયાં હશે. પણ   સાયગલ એક બેજોડ ગાયક તરીકે દંતકથા સમાન બની રહ્યા છે. તડપત બીતે દિન રૈન (‘ચંડીદાસ’, ૧૯૩૪) થી લઈને તૂટ ગયે સબ સપને મેરે (‘પરવાના’, ૧૯૪૭) સુધીની તેમની સ્વરયાત્રામાંનાં માત્ર ૨૫ ગીતો તેમને ફિલ્મી સંગીતની દુનિયામાં અમર બનાવવા માટે કાફી છે. અને આ હકીકત સાયગલના એક ચાહક તરીકે લતા કરતાં બહેતર કોણ સા  જાણતું હોય!


નોંધ :

તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.

મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com