સોરઠની સોડમ

ડૉ. દિનેશ વૈશ્નવ

યુ.એસ.માં મારા રાજ્યમાં વસંત ઋતુ ઉતરીને ઉનાળો મજરુમજરુ આવી રયો છ, જાડપાન વધુ ને વધુ લીલાં થાય છ, રોજ નવી કળીયું ફૂટે છ ને ભાતીગળ ફૂલો ખીલે છ. મારા ઘરની પાછળના એક એકરથી વધુ ઘેરાવાના લોનથી બિછેલ લીલાછમ આંગણે (બેકયાર્ડમાં) હયણાં ને સસલાનાં ટોળાં, શિયાળના જૂંડ, જગલ બિલાડા અને જાતભાતના પંખીઓ દેખાય છ ને કુદરતનું આ રાચરચીલું હું દી’ આખો આંખે આંજું છ ને પાંપણે પંપાળું છ. મારો આ આકાશે ઉડતા, જમીને ફરતા ને પાણીમાં તરતા હજારે વરણના જીવો જોવા-સાંભળવાનો ને ઝાડપાન માલવામલાવાનો શોખ સાસણગર્યના નાકાં સમાં ગામડાંઓમાં મારો ઉછેર છે.

હું હિન્દૂ વિચારધારાથી વિરુદ્ધ જઈ પુનર્જનમમાં નથી માનતો પણ મારા જેવો નિવૃત ને નવરો માણસ નખોદિયું કે નકામું વિચારે એટલે મને પણ બે’ક દી’ પે’લાં મારા બેકયાર્ડમાં પંખી ને પશુધન જોઈને વિચાર આવ્યો કે જો હું આગલે ભવ પશુ કે પંખી તરીકે પેદા થાંઉં તો સું થાવું મને ગમે. એટલે આજની મારી વાત આ વિચિત્ર વિચારવમળમાં મેં જે દી’રાત ઘૂમરા ખાધા છ એમના થોડાક ઘૂમરાની છે.

પે’લાં તો જાણે થ્યું કે હું હાથીની ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ કે સુપ્રતીક જેવી જાતો માંથી એકાદ જાતનો હાથી થઈને આસામના ગીચ જંગલમાં જન્મું. પછી તરત જ થ્યું કે મારા કદાવર કદે મારે તોતીંગ જાડવાં દી’ ઉગ્યાથી સારવાં પડે, માથે ચડેલ માવતના અંકુશના ઘોદા ખાવા પડે ને આ બધા પછી પણ મારે ખાવાં તો કોરાં જાડવાં ને બે ઘડી બેસવું પણ કાદવે ભરેલ માદરામાં જ. ઉપરાંત ક્યારે મારા જીવતાં કે મને મારીને કોક દાંત પાડી નાખે ઈ પણ કે’વાય નહીં એટલે હાથી નથી થાવું એમ નક્કી કર્યું. પછી બીજી જ મિનિટે થ્યું કે થાવું તો ગાંડી ગર્યનો રાંટાપગો “ચાંપલો, કપાળે ચોથના ચાંદ જેવા ધોળા ચાઠા વાળો “ટીલીયો” કે પછી ગરીબ ગાય જેવો “બાપુડિયો” સાવજ જ થાવું કારણ કે:

કરાલ ચાલ કેશવાળ કાળ હાલતા વને
ઝળાહળા ઝળાહળા ઝબૂક નૈન લોચને
ઝનૂન ખૂન અંગ અંગ તંગને મચાવતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.”

પણ સાવજ થાવાનું પણ ભારે પડે કારણ કે મારે ખાવા સારુ સાંજ પડે હયણાં, નીલગાય, રોજડાં, ગાય કે ભેંસ પાછળ હડીયાપટ્ટી કરવી પડે ને જો ઈ ન પકડાય તો પેટે પગ ભરાવીને ડુવામાં ભુખ્યું સુવું પડે. વળી મને જોવા સારુ દી’રાત માણસ ઉમટે એટલે મારી નીંદર પણ હરામ કરીદે.

પછી ઈ વિચાર આવ્યો કે કાં હું સુરતી, મહેસાણી, જાફરાબાદી, મુરાહ, મરાઠવાડી, નીલીરાવી, નાગપુરી, પંઢરપુરી, ભદાવરી, ટોડા, દાડમી, ભગર, નવચંદરી કે બન્ની કુંઢી ભેંસ થઈને જન્મું અથવા તો પછી કાંકરેજી, ગીર, ડાંગી, સાહિવાલ, લાલ સિંધી, રાઠી કે થરપાર્કર જેવી ગાય થઈને. વળી પાછો વિચાર બદલાણો ને થ્યું કે માણકી, હિરાળ, પ્રવાલ, પારેબી, જબાદ, ટીલાત, રેડી, વીજળી, માછલી, મારૂત, કેસર, હિરણ્ય, ઝડપી, સેંતી, રેશમ, સેનાની, વાંગળી, બગી, વાંદરી, વાઘણ, તાજણ, મની, ખેંગ, ઢેલ, શીંગાળી, દેવમણી, લાડી, સપનાશ, લખી, ભુતડી, બોદલી, ચમરઢાળ, મુગટ, માતંગી, બાઝ, વાલઈ, ફુલમાળ, સિંયણ, હેમન, રીમી, નોરાળ, દાહલી, બેરી, મુંગલી, અટારી, છોગાળી, પાંખાળ., લાંહી, બાંય, પીયુડી કે પટ્ટી જેવા ઘોડા તરીકે જ સુ કામ આવતો ભવ ન ભોગવવો.

પણ હું તો મારા આવતા ભવના જનમના વિચારે એવો અટવાણો તો કે ઘડીક સૂરતી, જમનાપારી, ઝાલાવાડી, મારવાડી, જંગલી, કાળીયાર, સિરોહી, મહેસાણી, કાશ્મીરી બકરી કે કારનાહો, ગડ્ડી, ગુરેઝ, ચાંગથાંગી, પુંચી, રામપુર, બુશિયાર, ચોકલા, જેસલમેરી, નાલી, નીલગિરિ, પુગલ, માગરા, મારવાડી, મુઝ્ઝફરનગરી, કેનગુરી, કોઇમ્બતૂરી, ત્રિચી, દખ્ખણી, નેલ્લોર, બેલ્લારી, માંડયા, મચ્છેરી, રામનાડ, વેમ્બુર, હસન, ગંજમ, છોટાનાગપુરી, તિબેટી, બેલનગીર, બેનપાલા કે શાહબાદી ઘેંટા કે ઘેંટી થઈને જ અવતરવાનું નક્કી કર્યું. પણ જેવું ઈ નક્કી કર્યું ને બીજી જ મિનિટે થ્યું કે મારા વાળ કાપીને લોકો શિયાળે પે’રવા કિંમતી કપડાં બનાવસે, ઘણી જગ્યાએ મારો ભોગ ચડાવસે ને કાંઈ નહીં તો પણ મને લોકો કાપીકુપીને ખાસે ને છેલ્લે બાયું મારા ચામડાના હાથમાં થેલા જાલીને ભરબજારે રખડસે. એટલે આમ ઘેંટાબકરાં થાવાનો વિચાર પણ મેડે મુક્યો.

બસ, આવા મારા બીજા ભવના જનમના ગોથે ગુંથાણો તો યાં ઉનાઉના ચાનો પ્યાલો મને દઈ પોતે લઈને મોરપીછ રંગના બાંડિયામાં મારાં ઘરવાળાં સામે ગોઠવાણાં ને મને યાદ કરાવ્યું કે “આજ અષાડ સુદની ‘હરિનોમ” છે. બસ, એને “અષાડ” કીધું ને મારા હૈયે:

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્…” ને

તવ ડમક ડમક દાદુરદ્રાંવ ડમકત ડેહકત મોર મલ્હાર ગીરા
તવ પિયુપિયુ શબ્દ પુકારત ચાતક કિયુંકિયું કોકિલ કંઠ ગીરા
તવ ઘડડ ઘડડ નભ હોત કડાકા ને ગણણ ગિરિવર શિખર દડે
તવ રૂમ્જુમ રૂમ્જુમ બરસત બરખા ને ઘરર ઘરર ઘનઘોર ગજે.”

જેવા રેણુકી છઁદોના નળિયાં ચૂવા મંડ્યા ને મને સોળે કળાયે ખીલીને ઘનઘોર ગર્યમાં ઘેઘૂર વડ તળે મોરલો થઈને બે ઘડી નાચવાનું મન થ્યું પણ એને પણ તત્કાલ પાછું વાળ્યું કારણ કે મોરલો થઈને જન્મું કે “શોભાનો ગાંઠિયો થઈને ઈ બેય મારે મન તો બિનઉપીયોગી ને સરખાં જ. આ મોર ને ગર્યના વિચારમાં મને અમારી “હિરણ” નદી દેખાણી ને ઘડીક થ્યું કે હું મઘર તરીકે આવતો ભવ લઉં કારણ કે:

ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી”

પણ એમાં પણ દખ જ દેખાણું કે મારે જાડે, કાંટાળે ચામડે ને મોટા પૂંછડે આખો દી’ પાણીમાં ફરવાનું, રે’વાનું ને શ્વાસ લેવા કાંઠે દોડવાનું એટલે ઈ અવતાર મેં ટાળ્યો. એમ જ ભાદરવે છાપરે બેસીને કોકના બાપદાદાના શ્રાદ્ધની ખીરના લૉંદા ખાવા કાગડો કે મણિશંકર ભટ્ટના “કાન્ત”ના “ચક્રવાક મૈથુન” કાવ્યનાં રતાંધળા ચકલો-ચકલી તો મારે નોતું જ થાવું.

ટુંકમાં, આમઆમ કરતાં આવતે ભવ કેટલાંય પશુપંખી થાવાનું મેં વિચાર્યું પણ પછી સમજાણું કે લગભગ બધાંને પોતીકી જરૂરિયાતો છે. સાવજ કોક પશુને મારીને જ ખાય, ગાયભેંસને રાતે સૂકું નીણ જોયે, પરહ ચરવા જાય તીયે લીલું જ ઘાંસ ખાય ને દોવા દે ત્યારે એને બટકો ખોળ જ ખાવો પડે. હાથીને કોક લીલાછમ ઘેઘરું જાડવાની જાડી ડાળો, ઘોડાને રજકો ને ચંદી ને ઘેંટાબકરાંને ગદબ જોયેં. એટલે આમ સું અને ક્યારે ખાવું એની ખાસ જરૂરિયાત મને લાગી. ઉપરાંત આ બધાં પશુપંખીને ક્યાં રે’વું એની પણ ખાસ જરૂરિયાત છે જેમ કે સાવજ ડુવામાં જ રે,’ ગાયભેંસને ગમાણ ને ઢાળીયાં જોયેં, ધોડાને તબેલો જોયેં ને પંખીઓને અમુક જ માળા ને જાડવાં જોયેં.

હવે પાણી – કે જે પ્રાણવાયુ જેટલું જીવવા જરૂરી છે – ઈ પીવા સારુ સાવજને દોડતી નદી કે ઘુનો જોયેં, ઢોરઘોડાને ગામને ગોંદરે હવેડો જોયેં તો પંખીને ખાબોચિયું જોયેં. પછી ઈ પણ વિચાર આવ્યો કે સાવજને નાવા સારુ વોંકળો જોયેં, ઢોરને રાડાંમાં આળોટવા જોયેં કે માદરામાં બેસવા જોયેં તો ઘોડાને વેકૂરમાં આળોટવા જોયેં. વળી ગર્યમા કે ગામમાં દુકાળ જેવું લાગે તો ઢોરને માણસના ફંડફાળા ને ગઢવીઓના ડાયરે કે ભજનિકોના ભજને નભવું પડે. આ ઉપરાંત લગભગ બધાં પશુપંખીઓ અલૌકીક તત્વોના તાબામાં પણ છે; જેમ કે માતાજીનું વહાન વાઘ, જમરાજાનું પાડો, કાર્તિકેયનું મોર, શંકરનું આખલો, બ્રહ્મા અને સરસ્વાતીનું બતક, લક્ષ્મીનું ઘુવડ, ગંગાનું મઘર, ભૈરવનું કૂતરો, ગણેશનું ઉંદર, વ. ટૂંકમાં હું ઈ નિર્ણયે આવ્યો કે આ બધા જીવો એની અને હિન્દુ ભગવાનોની અનોખી જરૂરિયાતોને લઈને સ્વંતંત્રત રીતે, બિનદાસ જીવન જીવતા નથી, જીવી સકતા નથી ને ઈ મને મંજુર નથી એટલે છેલ્લે માથું ખંજોળી, જાજુ વિચારી ને મેં મારા માતુશ્રીના દાદા મણિલાલ નાણાવટીની:

કાળી તો એ સરસ રસની, વસ્તુ કસ્તૂરી સારી,
ધોળું તો એ વિષમય દિસે થોરનું દૂધ ભારી
ધોળું તો સૌ પય ન ગણજો ગુણ જોજો બધેના
શું લેખાનું સરસ રૂપ છે કાર્ય કાળાં જ જેનાં …”

કવિતામાંથી બોધ લીધો કે કાળું બધું અમલ નથી ને ધોળું અમૃત નથી. પરિણામે મેં નક્કી કર્યું કે જે પ્રાણીને ભાગ્યે જ કોઈ ચાહે છ, જેને જનમોજનમ મજૂરી જ કરી છ ને ઈ સારુ જ ભગવાને એને સર્જ્યો છ ને જેની ગણતરી અક્ક્લમઠામાં થાય છ ઈ “ગધેડા” તરીકે જ મારે આગલે ભવ અવતરવું. હવે, એમ ન માનતા કે મેં ગધેડો થાવાનો નિર્ણય કોઈ જલદબાજીમાં લીધો છ કે ઈ મારી છોકરમત છે. મેં આ અવતારના અનેક ફાયદાગેરફાયદાની તુલના કરી ને પછી જ આ નક્કી કર્યું છ. તો મારી તુલનના ગણ્યાગાંઠ્યા જ દાખલાઓમાં:

૧) ગધેડો શીતળામાતાનું વહાન છે ને ઈ રોગ હવે ભૂંડો ભૂતકાળ થઇ ગ્યો છ. બીજું આ માતાજીને વરસે એકવાર શીતળાસાતમે કેટલાક લોકો યાદ કરે છ. એટલે આમ આ એક દી’ સિવાય નવરો ને નવરો.

૨) ઈ ઘરની ફળીમાં કે ગમાણે પણ ટેસથી રે’ છ ને ડબ્બે પુરાય તો યાં પણ મોજે તોરા છોડે.

૩) એની ખાવાની ખાસ કોઈ જરૂરિયાત નથી. ઈ લીલુસૂકું જે ઘાંસ મળે ઈ ખાઈલે ને જો ઈ ન મળે તો ઉકયડો ને એઠવાડ પણ પાંચ પકવાન ખાતો હોય એટલી મોજે ખાય.

૪) ઈ માણસ કે જીવજંતુનું બોટેલું પાણી પી લે, હવડે પણ પાણી પીવે ને કાંઈ ન મળે તો કોકનાં ઉભરાતાં ગટરે કે ખાળે પણ એની તરસ ધરવી લે.

૫) ઈ વેકૂરમાં પણ પલોટ ને જો ઈ ન મળે તો કોકના ઘર કે દુકાનની દીવાલે ઘસાઈ લે.

૬) કોઈ પણ પ્રાણી એની સામે ભસે, ભોંકે, બણબણે, હણહણે કે ડણકે તો પણ જો એને સામું “હોંચીહોંચી” કરવું હોય તો જ કરે બાકી “હાથી પાછળ કૂતરાં ભસે” ઈ ગજરાજની અદાએ ઈ ઉભો રે’ ને જો કોઈપણ કારણે ઈ નિરાશ હોય તો સામે મોં વકાસીને ઊભો રે’. ટૂંકમાં, આજની રાજકીય બોલીએ ગધેડું “ટેફલોન કોટેડ” છે એને કોઈ ટીકાટિખળ કે વખાણ અડતાં નથી, પલાળતાં નથી.

૭) ગાંડો હાથી સૂંઢે ઉપાડીને માવતને ફેંકે, વણપલોટેલો ઘોડો અસવારને ઉલાળે કે ચોકઠું પેરાવતાં બટકું ભરી લે, વણહેવાયાં ગાયભેંસ એને દોતી વખતે લાત મારે કે આખલો ચોમાસે કે લાલ કપડું ભાળીને તોફાને ચડે  ને કોકને શિંગડે ચડાવે. ગધેડાને આવું કાંઈ નહીં કારણ કે ઈ એની દુનિયામાં મસ્તીમાં જ જીવતો હોય છ.

૮) ઈ નીચી મૂંડીએ પીઠે ધોબીએ ખડકેલ ઘોણનાં કપડાંની લાદી કે કુંભારે મુકેલ છાલકાનો ભાર વહેતો જનક રાજાની જેમ અનાસક્તભાવે હાલે છ. બીજું, લક્ષ્મણે નમાવેલા મસ્તકે સીતાનાં ઝાંઝર જ માત્ર જોયેલાં પણ બાપડું ગધેડું તો એમનાથીયે આગળ વધી પોતાના પગમાં ધોબી કે કુંભારે બાંધેલ દોરડાના ડામણને જ માત્ર જોઈ રહે છે. જે લાદી કે માટીનો એને ભાર વેઠવો પડે છે એના માટે એને ઈ મમતાય ભારે લાગે છે ને ઓછામાંઓછા વળતરે આજીવન, ગર્વથી મજૂરી કરતો રે’ છ.

૯) જે માણસે એની જિંદગીમાં અપશબ્દ ન ઉચ્ચાર્યો હોય એને પણ ગુસ્સામાં કમસેકમ કોકને “તું ગધેડા જેવો છ” એમ તો કીધું જ હશે. એટલે આમ એનું નામ સર્વવ્યાપી ને સર્વમુખી છે.

૧૦) છ્પનીયા જેવો દુકાળ પડે તો પણ એને કોઈ દી’ સાંભળ્યું નથી એની સારું ફંડફાળા થ્યા, ભીખુદાન જેવા એ ડાયરા કર્યા, કિર્તીદાન જેવાએ આખી રાત ગાયુ ને ઘોરનો વરસાદ થ્યો કે મોરારીબાપુ જેવા એ “રામકથા” કરી.

ટૂંકમાં મિત્રો, ગધેડામાં કાંઈ ખૂટતું નથી ને ઈ પરગજ્જુ ને સેવાભાવી છે. બીજું, જમરાજા તો એના પાડે બારેમાસ ને ચોવીસે કલાક બેઠાબેઠા ફરતા હોય છ ત્યારે ગધેડે તો વરસે એક જ વાર શીતળામાં સવાર થાય છ એટલે આમ ઈ કોઈ દેવ કે દાનવના તાબામાં પણ નથી ને સંપૂર્ણ સ્વતંત્ર, નિસ્વાર્થ જિંદગી જીવે છ ને એટલે જ હું ભગવાનને પ્રાર્થના કરું છ કે મને આવતે ભવ ઈ ગધેડો બનાવે.


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.