નિસબત
ચંદુ મહેરિયા
ખતરનાક બિપરજોય વવાઝોડાના સંકટને ગુજરાતના સાબદા વહીવટીતંત્રે પાર પાડ્યું છે. અગમચેતીના પગલાંને કારણે માનવમૃત્યુ અટકાવી શકાયા છે. જોકે વાવાઝોડાની બીજી ઘણી અસરો ટાળી શકાઈ નથી. વાવાઝોડાથી થયેલી નુકસાનીનો તાગ મેળવાઈ રહ્યો છે. તેમાં ગુજરાતના દરિયાકાંઠાને અને કિનારા નજીકના વિસ્તારોને થયેલા નુકસાનનો સમાવેશ થાય છે કે કેમ તેની ખબર નથી.પરંતુ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય હસ્તકના નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ( એનસીસીઆર)નો તાજો રિપોર્ટ જણાવે છે, બલકે ચેતવે છે કે, દેશની સમુદ્રી સીમા વાવાઝોડા, સમુદ્રી જળસ્તરમાં વધારો અને બીજાં કારણોથી ધોવાઈ રહી છે, સંકોચાઈ રહી છે. અને કિનારાના વિસ્તારો સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યા છે.

હિંદ મહાસાગર,અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર ભારતમાં આવેલા ત્રણ સમુદ્રો છે. દેશના અગિયાર રાજ્યોમાં વિસ્તરેલો કુલ સમુદ્ર તટ ૬૯૦૭ કિ.મી.નો છે. સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ, ચેન્નઈના અહેવાલ પ્રમાણે સમુદ્ર કિનારાનો ઘણો હિસ્સો છેલ્લા ત્રણ દાયકામાં ક્ષતિગ્રસ્ત થયો છે. ગુજરાતના ૫૩૭.૫૦ કિ.મી.ના સમુદ્રકિનારાનું ધોવાણ થયું છે. તમિલનાડુનો ૪૨૨.૯૪ કિ.મી. અને આન્ધ્રપ્રદેશનો ૨૯૪.૮૯ કિ.મી. દરિયાકિનારો ધોવાઈ ગયો છે. ટકાવારીની દ્રષ્ટિએ કેરળના કુલ પૈકી ૫૬.૨ ટકા, તમિલનાડુના ૪૨.૭ ટકા અને ગુજરાતના ૩૬.૨ ટકા દરિયાકિનારાનું ધોવાણ થયું છે.
દેશના સૌથી સુંદર પુડુચેરી અને નાનકડા દમણ-દીવના દરિયાકિનારા પણ ધોવાણમાંથી બાકાત નથી. દેશના ઝડપી ધોવાણના લગભગ સો દરિયાકિનારા અલગ તારવ્યા છે. તેમાં ચોથા ભાગના(૨૮) તમિલનાડુના છે. તે પછીના ક્રમે પશ્ચિમબંગાળ (૧૬) અને આંધ્રપ્રદેશ (૭) છે. નેશનલ સેન્ટર ફોર ઓસન ઈન્ફરમેશન સેન્ટરના આંકડા પ્રમાણે ૧૯૯૦ થી ૨૦૧૮ના અઠાવીસ વરસોમાં સમુદ્રના જળસ્તરમાં વધારાના કારણે કિનારા વિસ્તારોમાં ફેરફાર થયા છે. આ વરસોમાં કિનારાનો ૩૩ ટકા વિસ્તાર સમુદ્રમાં ગરકાવ થઈ ગયો છે અને ૨૬ ટકા પર ખતરો છે.
samudr સમુદ્ર તટના સંકોચન, ધોવાણ કે તટ વિસ્તારોના સમુદ્રમાં વિલીન થવાની સમસ્યા મુખ્યત્વે માનવસર્જિત છે. જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રના જળસ્તરમાં વૃધ્ધિ થાય છે.ઓઝોનના કવચનો નાશ તથા વાતાવરણમાં કાર્બન મોનોકસાઈડનું વધતું પ્રમાણ પૃથ્વીનું તાપમાન વધારે છે. તેનાથી સમુદ્રનું જળસ્તર વધે છે. તેના અને સમુદ્રી તોફાનો કે વાવાઝોડાને કારણે દરિયાકિનારાનું ધોવાણ થાય છે. સાગરની લહેરોની દિશા બદલાવાની બાબત ઘણી બાબતો પર નિર્ભર છે. પરંતુ સમુદ્ર કિનારાના સંરક્ષણનો અહેવાલ સ્પષ્ટપણે આ માટેનું સૌથી મોટું કારણ દરિયાકિનારે વધતું શહેરીકરણ અને ઔધ્યોગિકરણને ગણાવે છે. ઉધ્યોગો અને શહેરો દરિયાકિનારાની સાવ નજીક આવતાં કિનારા પરની હરિયાળી નાશ પામી છે, જે ધોવાણ અટકાવતી હતી. જમીનનું ધોવાણ અટકાવવા માટેના મેગ્રોવને મહાનગરોમાં નામશેષ કરાયા છે. પુરીના દરિયાકિનારે લગાવેલા ખજૂરીના ઝાડ પણ કાપી નાખવામાં આવ્યા છે. તેથી ધોવાણ થતું અટકતું નથી.
દરિયામાં વિસર્જિત થતી ઘણી નદીઓના મિલનસ્થળ પર ખાડીઓનું અસ્તિત્વ જેવી ભૌગોલિક સ્થિતિ પણ આ માટે જવાબદાર છે. નદીઓના મુખની સ્થિતિ પણ સમુદ્રના વ્યવહારને અસ્થિર કરે છે. ભરતી-ઓટ, પવનની દિશા અને નદીઓના પ્રવાહમાં પરિવર્તન પણ સમુદ્રને અસર કરે છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ અન્વયે સમુદ્ર કિનારાના સંરક્ષણ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન( સીઆરઝેડ) અને નો ડેવલપમેન્ટ ઝોન બનાવ્યા છે. પરંતુ તેના અમલના અભાવે સમુદ્રકિનારાની નિર્ધારિત સીમાની અંદર કે નજીક બાંધકામો થાય છે. જે સમુદ્રતટને અને કિનારાના વિસ્તારોને અસર કરે છે.
કિનારા વિસ્તારોના દરિયામાં વિલોપનની ગંભીર આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરો પેદા થાય છે. કિનારે રહેતા માછીમારો, ખેડૂતો અને વસ્તીઓ સામે અસ્તિત્વ ટકાવવાનું સંકટ પેદા થાય છે. ઘણા લોકોને વિસ્થાપિત થવું પડે છે. નદીઓ અને સમુદ્રના મિલન સ્થળોના ધોવાણને કારણે નદીઓ ગંદી બને છે. કોઈ શહેરો ડૂબી જવાનો કે પ્રલયનો ખતરો હજુ ઉભો થયો નથી પરંતુ આ સ્થિતિ ચાલુ રહેવાથી ભવિષ્યમાં તેમ થવાની શક્યતા નકારી શકાતી નથી. કેરલના ત્રિવેન્દ્રમ જિલ્લાના ૫૮ કિલોમીટરના સમુદ્ર કિનારાનો ૨.૬૨ વર્ગ કિ.મી. હિસ્સો છેલ્લા પંદરેક વરસોમાં તૂટીને સાગરમાં સમાઈ ગયો છે. આ ધોવાણ હજુ વધશે તેવું યુનિવર્સિટી ઓફ કેરલનું સંશોધન જણાવે છે. દુનિયાના અડધા રેતીલા સમુદ્ર તટ(બીચ) આ સદીના અંતે ગાયબ થઈ જશે તેવો અભ્યાસ દર્શાવે છે કે આ એક વૈશ્વિક સમસ્યા છે પરંતુ ભારતમાં તે બહુ ઝડપથી વકરી રહી છે.
કુદરત સાથેની મનુષ્યની છેડછાડનું બીજું ઉદાહરણ પહાડોમાં થતું માઈનિંગ (ખાણકામ) છે. ગુજરાતના ખેડબ્રહ્માથી દિલ્હીના રાયસીના હિલ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એ ચાર રાજ્યોમાં ફેલાયેલી ૬૭૦ કિ.મી.લાંબી અરવલ્લીની વિશ્વની પ્રાચીનતમ પર્વતશ્રુંખલા એક સદી પછી લુપ્ત થઈ જવાની દહેશત ઉભી થઈ છે. કેન્દ્રીય વિશ્વવિધ્યાલય રાજસ્થાનના સંશોધકોએ ચાર રાજ્યોની સરહદો પર સેટેલાઈટ ઈમેજ અને જમીન વપરાશના નકશાનો અભ્યાસ કર્યો છે. ૧૯૭૫ થી ૨૦૧૯ના ૪૪ વરસોના તેમના અભ્યાસનું તારણ છે કે અરવલ્લીની ૫૭૭૨.૭ ચો.કિમી. પર્વતમાળા, જે કુલ પર્વતમાળાનો ૭.૬ ટકા હિસ્સો છે, માઈનિંગમાં નષ્ટ કરી દેવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર અને રાજકારણીઓની ઓથને લીધે ખાણમાફિયાઓ આમ કરી શક્યા છે. અદાલતો, ખાસ કરીને સર્વોચ્ચ અદાલત, ની દરમિયાનગીરીથી અરવલ્લીના અસ્તિત્વ સામેનું સંકટ બહાર આવ્યું છે. અરવલીનો ૮૦ ટકા હિસ્સો રાજસ્થાનમાં છે અને રાજસ્થાનને થારના રણવિસ્તારને આગળ વધતું તે અટકાવે છે પરંતુ રાજસ્થાનમાં પણ ખાણમાફિયાઓનું જોર છે. ૧૩૮માંથી ૨૮ પહાડી ટેકરીઓ રાજસ્થાનમાં ગાયબ થયાનું ખુદ સરકારે કબૂલ્યું છે.
હરિયાણા સરકારે ૨૦૧૯માં અરવલ્લીના સંરક્ષિત વન ક્ષેત્રમાં થયેલા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા, નવા બાંધકામની મંજૂરી આપવા અને વૃક્ષો કાપવા કાયદો સુધાર્યો હતો. આ સુધારાથી અરવલ્લીની ૨૯૬૮૨ હેકટર સંરક્ષિત જમીન બાંધકામ માટે ખુલ્લી થવાની હતી પરંતુ સુપ્રીમ કોર્ટે હરિયાણાના લો એમેન્ડમેન્ટને સ્ટે કર્યો હતો. તેથી અરવલ્લીનું કામચલાઉ રક્ષણ થયું છે.
અરવલ્લી પર્વતમાળા ક્ષેત્રમાં ૧૯૮૦માં ૨૪૭ વર્ગ કિ.મી.માં વસ્તી હતી. ૨૦૨૧માં ૬૩૮ વર્ગ કિ.મી. થઈ છે. તેના ૪૭ વર્ગ કિ.મી. વિસ્તારમાં કારખાના છે. એકવીસમી સદીના આરંભે અરવલ્લીનો ૮૦ ટકા વિસ્તાર લીલોછમ્મ હતો, જે વીસ વરસમાં ઘટીને ૭ ટકા જ રહ્યો છે. શહેરીકરણ, જમીનઅતિક્રમણ અને ગેરકાયદે ખાણકામ અરવલ્લીની બરબાદી નોતરી રહ્યા છે. કેટલીક પહાડીઓ ખીણમાં કે ઉજ્જડ જમીનમાં ફેરવાઈ ગઈ છે તો કેટલીક પર વસાહતો બની ગઈ છે.
પ્રદૂષણ, રેતીના વંટોળ-આંધીમાં વૃધ્ધિ, રણનો વિસ્તાર અને દુષ્કાળનો ભય જેવી ગંભીર અસરો અરવલ્લીની ટેકરીઓ લુપ્ત થવાથી થશે. સમુદ્ર કિનારાનું ધોવાણ અને પહાડોનું અત્યાધિક દોહન મનુષ્યના વિનાશનું કારણ બની શકે છે તેનાથી જ્ઞાત હોવા છતાં આપણે કેમ જાગૃત થતા નથી ?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Very alarming, something should be done quickly and strictly!
LikeLike