ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
જેમ શકીલ – નૌશાદ એકમેકના અભિન્ન અંગ એવું જ ગીતકાર બેલડી શૈલેન્દ્ર – હસરતનું. હસરત જયપુરીની મોટા ભાગની ફિલ્મો શંકર – જયકિશનના સંગીત નિર્દેશન હેઠળ હતી. ગીતકાર તરીકે એમનું ક્ષેત્ર અને વિષયો મર્યાદિત હતા. એમના મોટા ભાગના ગીતો – ગઝલો હુસ્ન-ઓ-ઈશ્ક, આશિક-માશુક, નકાબ-પરદા-ચિલમન-શબાબ અને ગુલબદન – ગુલનારથી આગળ ન ગયા. એ વાત જૂદી છે કે ફિલ્મો વેચવા માટે આ પ્રકારના ગીતોની જરૂર અને માંગ હતી. એ વાત પણ કબૂલ કે લોકપ્રિયતાની બાબતમાં એમના ગીતો સ્હેજેય ઉતરતા નહોતા, પછી ભલે એ ગીતોની લોકપ્રિયતાનો યશ એ ગીતોની ધુનોને આપીએ ! ખાલિસ ઉર્દૂના કેટલાય શબ્દો એમના ગીતોને કારણે લોકજીભે ચડ્યા ( ચશ્મે બદ્દૂર, ગુસ્તાખી માફ )
એમના અપવાદરુપ કેટલાક ગીતો એવા પણ ખરા જેના અલફાઝ આપણને ચકરાવામાં નાંખી દે કે એ શૈલેન્દ્રના જ શબ્દો હોય, પણ નીકળે હસરત ! જેમ કે ‘ દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મેં સમાઈ ( તીસરી કસમ – ૧૯૬૭ ), ‘ હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈં ( સીમા – ૧૯૫૫ ) અને ‘ જાઉં કહાં બતા ઐ દિલ ‘ ( છોટી બહન – ૧૯૫૯ ). જોકે એવા ગીતો બહુ જૂજ.
એમણે ખાસ્સી સંખ્યામાં ગઝલો લખી. શૈલેન્દ્ર કરતાં ક્યાંય વધારે. એમની એક ઓછી જાણીતી ગઝલ :
તડપ તડપ કે કટી ઉમ્ર આશિયાને મેં
મિલા ન ચૈન હમેં તો કભી ઝમાને મેં
બહાર આઈ ખિલે ફૂલ હમ તો યે સમઝે
કિસી ને આગ લગા દી હૈ આશિયાને મેં
કિસી સે કુછ ન કહા અપને દિલ સે બાતેં કી
હમ આપ જલ ગએ દિલ કા દિયા જલાને મેં
હમારે સબ્ર કા ભગવાન ઈમ્તેહાન ન લે
કહીં યે દમ ન નિકલ જાએ આઝમાને મેં..
ફિલ્મ : દો ફૂલ – ૧૯૫૮
– લતા
– વસંત દેસાઈ
આ બીજી ગઝલ શોખીનોને સુવિદિત છે :
આએ બહાર બન કે લુભા કર ચલે ગએ
ક્યા રાઝ થા જો દિલ મેં છુપા કર ચલે ગએ
કહને કો વો હસીન થે આંખેં થી બેવફા
દામન મેરી નઝર સે બચા કર ચલે ગએ
ઈતના મુઝે બતાઓ મેરે દિલ કી ધડકનોં
વો કૌન થે જો ખ્વાબ દિખા કર ચલે ગએ..
– ફિલ્મ : રાજહઠ – ૧૯૫૬
– રફી
– શંકર જયકિશન
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

સરસ…
LikeLike