પુસ્તક પરિચય

નરેશ પ્ર. માંકડ

Sixteen Stormy Days: The Story of The First Amendment to The Constitution of India
Author: Tripurdaman Singh
Publisher: Penguin

સ્વાતંત્ર્યના ઉગમ સાથે સુદીર્ઘ કાળ પૂર્વે હિંદવાસીઓએ ભારતભાગ્યવિધાતા સાથે નિયત કરેલ કરારને નિભાવવાની ઘડી આવી પહોંચી અને પ્રથમ વડાપ્રધાને પુરાતનમાંથી નવી દિશાઓમાં પગલાં માંડવાનું એલાન કર્યું.  વ્યક્તિ સ્વાતંત્ર્ય અને મૂળભૂત અધિકારોના તરેહ તરેહના ખ્યાલોમાં દેશવાસીઓ રાચતા હતા અને નૂતન ભારતની રાજ્યવ્યવસ્થાને વ્યાખ્યાયિત કરતાં બંધારણની રચનાનું ભગીરથ કાર્ય સંપન્ન થયું ત્યારે એ પ્રસંગ શાનદાર રીતે ઉજવાયો.  બંધારણને સુશોભિત કરવા દેશના નામી ચિત્રકાર નંદલાલ બોઝને જવાબદારી સોંપાઈ.  નાગરિક સ્વાતંત્ર્યના ઉચ્ચ આદર્શો આઝાદ હિંદની નવી સરકારને સંસ્થાનવાદી પુરોગામીથી અલગ   પાડતી મહત્ત્વની બાબત હતી.  દમનકારી વિદેશી શાસનની જેમ સ્વતંત્રતાઓ પર નિયંત્રણો મૂકવાની બદલે નવી સ્વતંત્ર દેશની સરકાર એના રક્ષણ માટે પ્રવૃત્ત રહે એવી અપેક્ષા બંધારણ પાસે રાખવામાં આવતી હતી. મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય અંગેના વિચારો સદીઓથી એક આદર્શ સમાજ અને રાજ્યવ્યવસ્થાની કલ્પનામાં સર્વોચ્ચ સ્થાન પર હતા. હવે દેશ સ્વતંત્ર બની જતાં આ ઉચ્ચ આદર્શોએ નેતાઓ અને ખાસ કરીને જનતાના માનસમાં અતિ મહત્ત્વનું સ્થાન મેળવ્યું.

વિદેશી ધૂંસરી ફગાવી દઈને આંતરરાષ્ટ્રીય તખ્તા પર સીધો જ મહારથીની અદાથી ખડો થઈ ગયેલો જંગી જનસંખ્યા ધરાવતો દેશ અનેક વિડંબનાઓ અને વિરોધાભાસોનું મૂર્તિમંત સ્વરૂપ હતો.  નબળા સ્વાસ્થ્યના ધોરણો ધરાવતી ગરીબ, નિરક્ષર વસ્તીને અચાનક જ એમની માગણી મુજબ એની જાત પર છોડી જવામાં આવી હતી.  વિશ્વના અન્ય દેશો માટે આ કરુણ અચંબા જેવું દૃશ્ય હતું. લોકોના માનસમાં હક્કોને આંચ ન આવે એ અંગે વધુ રક્ષણાત્મક લાગણી પ્રવર્તતી હતી.  એક કાનૂની દસ્તાવેજને કોઈ ધર્મના સર્વોચ્ચ ગ્રંથ જેવું સ્થાન અપાયું હતું.  ડો. આંબેડકરે તો વ્યક્તિના અધિકારો અને તેના અમલ અને  સલામતી માટેના બંધારણીય ઉપાયોને બંધારણના હૃદય અને આત્મા સમાન ગણાવીને કહ્યું હતું કે નવા બંધારણમાં જો કોઈ બાબત મુશ્કેલી ઊભી થાય તો બંધારણ ખરાબ હતું એવું કારણ નહીં હોય; આપણે  એમ કહેવું પડશે કે માણસ નિકૃષ્ટ હતો.  સરદાર પટેલે કહ્યું, ‘ આપણી આઝાદી માટે આપણે સખત મહેનત કરી છે. એને યોગ્ય ઠરાવવા માટે આપણે વધારે મથવું પડશે.”

આવી પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડના હવામાનની જેમ અચાનક પલટો આવ્યો, જે દૂરગામી તોફાનના વરતારા જેવો હતો.

“અમને ખબર પડી કે અમે સર્જેલાં આ ભવ્ય બંધારણનું અપહરણ કરીને વકીલો દ્વારા તેની ઉઠાંતરી કરી જવામાં આવી છે.” આ શબ્દો જવાહરલાલ નહેરુએ ૧૬મી મે ૧૯૫૧ ના રોજ બંધારણ (પ્રથમ સુધારો) ખરડો  Constitution (First Amendment) Bill સંસદની સ્ટેન્ડિંગ કમિટીને રિફર કરવા માટે મૂક્યો ત્યારે કહ્યા હતા. તેમણે બંધારણીય સમિતિમાં ઉચ્ચારેલી ભાવનાઓથી વિપરીત, આશ્ચર્ય અને આઘાતજનક ઉલટો વળાંક લઈને કહ્યું કે મૂળભૂત અધિકારો, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સ્વતંત્રતા ઓગણીસમી સદીના પ્રભુત્વ ધરાવતા, બિનગતિશીલ રૂઢિચુસ્ત યુગના અવશેષ હતા, જે પ્રવર્તમાન સામાજિક સંબંધો અને અસમાનતાઓને ટકાવી રાખતા હતા. હવે આ ખયાલો જૂનવાણી થઈ ગયા છે; એનું સ્થાન સામાજિક સુધારા અને સોશિયલ એન્જિનિયરિંગના ગતિશીલ વિચારોને લઈ લીધું છે. નવા સ્વતંત્ર દેશ માટે આ વિચારોને રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અને કોંગ્રેસ પક્ષના ભવ્ય કાર્યક્રમોમાં અપનાવવામાં આવ્યા છે.

નેહરુના આ બદલાયેલા તેવર પાછળ છેલ્લા ચૌદ માસ દરમિયાન એમને વિક્ષુબ્ધ કરી નાખતા બનાવોની ચાલેલી હારમાળા કારણભૂત હતી. એમની સમાજવાદી સમાજ રચનાની કલ્પના કોંગ્રેસની નીતિઓમાં અમલમાં મૂકવા માગતા નહેરુને માટે નવનિર્મિત બંધારણ જ અવરોધ બનીને ઉભું થયું. જમીનદારી નાબૂદી અને જમીન સુધારા, ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ, નોકરી અને કેળવણીમાં પછાત વર્ગો માટે અનામત, કહ્યાગરા અખબારો – ‘સોશિયલ એન્જિનિયરિંગ’ની એમની યોજનાઓ ઝડપભેર અમલમાં મૂકવાની એમને ઉતાવળ હતી પણ બંધારણમાં મૂળભૂત અધિકારોનું વચન આપેલું એનો સહારો લઈને પત્રકારો, નાગરિકો, ઉદ્યોગ અને વ્યાપારના અગ્રણીઓ સરકારને અદાલતમાં ઘસડી જવા લાગ્યા.

દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખબાર  ઓર્ગેનાઈઝરને સેન્સર કરવાના હુકમને ઉથલાવી દેવામાં આવ્યો. ‘ઓર્ગેનાઈઝર’ના સમર્પિત તંત્રી કે. આર. મલકાનીને સરકારની પૂર્વમંજૂરી પછી જ કોમી બાબતો અને પાકિસ્તાન અંગે લખાણો અને કાર્ટૂનો છાપવાનું ફરમાન કરવામાં આવ્યું. મલકાની, જેઓ પછીથી ઈન્દિરાની કટોકટી દરમિયાન સહુથી પહેલાં ધરપકડ થવાનો રેકોર્ડ ધરાવતા હતા એમણે આ હુકમથી છંછેડાઇને વધારે ઉગ્રતાથી વિરોધનું રણશિંગું ફૂંક્યું.

એવો જ કિસ્સો ડાબેરી વિચારધારા ધરાવતાં સાપ્તાહિક મેગેઝિન Cross Roads ના યુવાન તંત્રી રમેશ થાપરનો હતો.

મદ્રાસ પ્રાંતમાં ૨૦૦ સામ્યવાદીઓને જેલમાં નાખ્યા હતા, તેઓએ રાજકીય કેદી ગણવાની માગણી સાથે જેલમાં વિરોધ આંદોલન શરૂ કર્યું. પોલીસદળે એમના પર દબાણનો ઉપયોગ કરતાં મારામારી શરૂ થઈ,  શક્તિશાળી રાજ્યની સામે નાફરમાનીથી ઉશ્કેરાઇને પોલીસે  ૨૦૦ જેટલા ગુનેગારોને એક હૉલમાં પૂરી દઈને એમના પર ગોળીબાર કર્યો, જેમાં બાવીસ લોકોનું ઠંડા કલેજે મોત નિપજાવ્યું, ૧૦૭ ઘાયલ થયા. સામ્યવાદી પક્ષ વારંવાર કહેતો હતો કે અંગ્રેજોના હાથમાંથી કોંગ્રેસના હાથમાં સત્તાંતરણ થાય એનો અર્થ લોકોની સ્વતંત્રતા નથી થતો. મદ્રાસ સરકારનું નિષ્ઠુર વલણ આ વાતની પુષ્ટિ કરતું હતું. અન્ય કેદીઓ ભૂખહડતાળ પર ઊતરી ગયા. સરદાર પટેલે મદ્રાસ સરકારને ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો. નહેરુએ સરદારને લખેલ પત્રમાં સરકાર વિરુદ્ધ વધતી જતી લાગણી માટે ચિંતા વ્યક્ત કરી.

આ બનાવોથી ક્રોસ રોડ્સના તંત્રી રમેશ થાપર વ્યથિત અને ક્રોધિત થઈ ગયા અને એમના અખબારમાં મદ્રાસ સરકારની આવી સખ્તાઈનો ઉધડો લેતા લેખો છપાયા. વધતા જતા સરકારવિરોધી જુવાળથી ચિંતિત સરકારે એ અખબારના સર્ક્યુલેશન અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યા. અખબારે ઉગ્ર વિરોધ કર્યો.  આ રમેશ થાપર નહેરુના દૂરના સંબંધી જનરલ પી. એન. થાપરના ભત્રીજા થાય.  પત્રકાર વર્તુળમાં એમના સારા સંપર્કો હતાં.  ૧૯૬૦ અને ૧૯૭૦નાં દશકોમાં થાપર કૂણા પડી ગયા હતા અને કોંગ્રેસી સત્તાની નજીક આવ્યા હતા તેમ જ સત્તાના ઘણા લાભકારી સ્થાન પણ મળ્યાં હતાં. ૧૯૫૦માં એ ઉગ્ર વિચારધારા ધરાવતા સામ્યવાદી હતા.

સામ્યવાદી પક્ષના મજબૂત ટેકા સાથે સરકારના સામર્થ્યનો મુકાબલો કરવા માટે એમણે બંધારણનો સહારો લીધો. પ્રતિબંધને પડકારવા માટે ભંડોળ ઉભું કરવા અપીલ કરી અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી.  રસપ્રદ વાત એ છે કે મજદૂર યુનિયન સામે પોલીસની કાર્યવાહીની નિંદા કરવા માટે મુંબઈમાં પણ ક્રોસ રોડ્સ પર પ્રતિબંધ મુકાયો.  એ વાંધાજનક લેખની હેડલાઇન રજાઓમાં મુંબઈની મુલાકાતે આવેલી કોલેજીયન યુવતી- રમેશની બહેન રોમિલા થાપર – એ લખેલી. આગળ જતાં હિન્દુસ્તાનના સહુથી પ્રતિષ્ઠિત ઇતિહાસકારોમાં રોમિલા થાપરની ગણના થઈ.  રોમિલા થાપરે અદાલતમાં પિટિશન દાખલ કરી.  થોડા દિવસોમાં ઓર્ગેનાઈઝરના તંત્રી મલકાની અને મુદ્રક પણ સુપ્રીમ કોર્ટમાં ગયા.  બે વિરોધી ધ્રુવ સમાન લડાઈમાં જોડાયા. આ બધી રસપ્રદ ઘટનાઓ એક સાથે બની રહી હતી. ભવિષ્યના અગ્રણી સામ્યવાદી નેતા સોમનાથ ચેટરજીના પિતા, હિન્દુ મહાસભાનાં ભૂતપૂર્વ પ્રમુખ એન. સી. ચેટર્જી ઓર્ગેનાઈઝરના પક્ષે લડતા હતા. હિન્દુ રાષ્ટ્રવાદી ચળવળની અંદર પણ રહેલી ઉદારમતવાદી વિચારધારાનું આ ઉદાહરણ હતું.  એનું બીજું જ્વલંત ઉદાહરણ સંસદની ઉગ્ર ચર્ચાઓમાં સંસદ ના શ્રેષ્ઠ વક્તા શ્યામાપ્રસાદ મુખરજી પૂરું પાડવાના હતા.

ઓર્ગેનાઈઝર અને ક્રોસ રોડ્સના કેસમાં સરકારની હાર થઈ.

જમીનદારી નાબૂદ કરવાનું વચન કોંગ્રેસની કાર્યસૂચિમાં અગ્રતા ધરાવતી બાબત હતી. ઉત્તર પ્રદેશ અને બિહારના કોંગ્રેસી નેતાઓ એમના કાર્યક્રમને સત્વર અમલમાં મૂકવા માગતા હતા અને એ માટેના એમના પ્રયત્નોમાં વિરોધને કારણે થતી રુકાવટથી અધીરા બની રહ્યા હતા. ચરણસિંહ જનમતનો ટેકો મેળવવા મથી રહ્યા હતા. પરંતુ, ઉત્તર પ્રદેશમાં જમીનદારી નાબૂદી કાનૂન પર કાર્યવાહી કરવા સરકાર પર અલ્લાહાબાદ હાઈકોર્ટે રોક લગાવી દીધી. બિહાર કોંગ્રેસ તો ભોંઠપ અને પ્રતિશોધની ભાવનાથી કોઈ પણ પ્રકારના સમાધાનના મૂડમાં ન હતી. સ્ટેટ મેનેજમેંટ ઓફ એસ્ટેટ્સ એન્ડ ટેન્યોર્સ એક્ટને  અદાલત દ્વારા ગેરકાનૂની ઠરાવવામાં આવ્યો એ કારણે તેઓમાં રોષની લાગણી ફેલાઈ હતી.

મધ્યપ્રદેશમાં બીડી ઉત્પાદન પર નિયમો લાદવાના કાયદાને અદાલતે રદ કરી દીધો.

ભવિષ્યના ડી. એમ. કે.ના પુરોગામી પક્ષ જસ્ટિસ પાર્ટીની દૃષ્ટિએ નોકરી અને શિક્ષણમાં બ્રાહ્મણ જ્ઞાતિનું વધારે પડતું પ્રતિનિધિત્વ હતું, એ ટાળવા માટે અનામતનો કાયદો બનાવવામાં આવ્યો. એ મુજબ દર ત્રીસ બેઠકોમાંથી છ કેટેગરીમાં આ મુજબ બેઠક ફાળવવામાં આવી:

બિન – બ્રાહ્મણ હિન્દુ – ૫, મુસ્લિમ – ૨, ઍન્ગ્લો ઇન્ડિયન – ૨, ભારતીય ખ્રિસ્તી – ૨, બ્રાહ્મણ – ૧, અન્ય દલિત વર્ગો – ૧.

આમ વિદ્યાલયોમાં અને સરકારી ખાતાંઓમાં બેઠકની વ્યવસ્થા ચુસ્ત રીતે અમલી બનાવાઇ. આ હુકમ કોમી આદેશ તરીકે જાણીતો બન્યો. કોમી આદેશ ન હોય તો પરિસ્થિતિ કેવી હોય એ જાણવું રસપ્રદ છે.   સામાન્ય સંજોગોમાં, આ આદેશ વગર બેઠકો આ મુજબ ફાળવવામાં આવી હોત:

૨૪૯ બ્રાહ્મણ, ૧૧૨ બિન બ્રાહ્મણ, ૨૨ ખ્રિસ્તી, ૩ મુસ્લિમ અને ૦ હરિજન.

આ સ્થિતિ ટાળવા માટે કોમ અને વર્ગનો આધાર લેવો જરૂરી હતો એવી દલીલ રાજ્ય તરફથી કરવામાં આવી.

“દક્ષિણ ભારતના અગ્રણી કોંગ્રેસી નેતાઓએ જસ્ટિસ પાર્ટીની સંપૂર્ણ રીતે કોમવાદી નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો પણ જ્યારે કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો ત્યારે આ પગલાંઓને કાનૂની રૂપ આપવામાં આવ્યું, એટલું જ નહીં, એની સામેના વિરોધને કચડી નાંખવામાં આવ્યો,” એવો આક્રોશ સામાન્યજન તરફથી વ્યક્ત કરવામાં આવ્યો.

મદ્રાસ હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું કે ધર્મ, વંશ અને જ્ઞાતિના આધારને પ્રવેશના ધોરણ તરીકે અપનાવવું એ ભેદભાવ બંધારણની કલમ ૧૫(૧) અને ૨૯(૨)નું ઉલ્લંઘન છે.  કોઈ ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે નાગરિકના સ્વાતંત્ર્યને કચડી નાંખવું એ સામાજિક ન્યાય છે?  આવા lynch spirit ને રાજ્યની નીતિ દ્વારા પ્રોત્સાહન અને માન્યતા આપવાની છે?

અદાલતે આ આદેશને તોડી પાડ્યો અને જણાવ્યું કે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો સ્પષ્ટ રીતે જ મૂળભૂત અધિકારોથી ગૌણ સ્થાન ધરાવે છે અને  એ હક્કો માટેના બંધારણના ભાગ ૩ નાં પ્રાવધાનોએ પ્રતિબંધિત કરેલ બાબતને ભાગ ૪ ના માર્ગદર્શક સિદ્ધાંતોના પાછલા બારણેથી પ્રવેશ ન આપી શકાય.

મદ્રાસ કોંગ્રેસના નેતાઓએ ભારત સરકારને દરમ્યાનગીરી કરવાની અને ચુકાદાને ઉલ્ટાવવાની માગણી કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે મદ્રાસ કોંગ્રેસ  ઈચ્છે છે, એવો ઉકેલ તો કેવળ બંધારણીય સુધારાથી જ લાવી શકાય જે બંધારણના વર્તમાન લોકશાહી અને સેક્યુલર ચરિત્રનો નાશ કરશે; એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈ કોર્ટનો ચુકાદો કાયમ રાખવામાં આવે તો પણ કોઈ હેતુ સરશે નહીં.

દરમ્યાનમાં, ઉત્તર પ્રદેશમાં જમીનદારી નાબૂદીનું બિલ ધામધૂમથી તાળીઓના ગડગડાટ સાથે પાસ થઈ ગયું. આ આનંદ અલ્પજીવી હતો. બન્ને પક્ષ બિહાર અને મદ્રાસના કાનૂની લડાઈના બનાવોનો ઓછાયો ઝળૂંબી રહ્યો હતો, એનાથી વાકેફ હતા. સરકાર અને જમીનદારો પોતાની તલવારોની ધાર કાઢી રહ્યા હતા.

આ કેસ ચાલી રહ્યા હતા ત્યારે અદાલતની બહાર મૂળભૂત અધિકારો પ્રત્યેનો સરકારનો અણગમો અને સાંસ્થાનિક યુગના પ્રતિબંધક કાયદાના ઉપયોગ સામે ચિંતા વધતી જતી હતી.  ખુદ વડાપ્રધાનની માન્યતાઓ પર પણ વિરોધ ઉઠવા લાગ્યા.  જયપ્રકાશ નારાયણે વડા પ્રધાન સરમુખત્યારની ભાષા બોલતા હોવાનો આક્ષેપ મૂક્યો.  મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ. સી. ચાગલાએ કહ્યું કે બંધારણ સર્વોચ્ચ છે, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો કોઈ પણ ધારો ગેરકાયદેસર છે અને ન્યાયાધીશો જ બંધારણનું આખરી અર્થઘટન કરી શકે છે.

નહેરુની ટીકા કરનાર અનેક લેખકો અને કવિઓ હતા, જેમને જેલમાં નાખવામાં આવ્યા. આવા આપખુદી વલણના ભોગ બનનારાઓમાં એક હતા મજરૂહ સુલતાનપુરી. નહેરુને હિટલર અને મુસોલિની સાથે સરખાવીને એમણે લખ્યું :

ये भी कोई हिटलर का है चेला
मार ले साथी जाने न पाए!
कॉमनवेल्थ का दास है नेहरु
मार ले साथी जाने न पाए।

અન્ય કેટલાક સામ્યવાદીઓની જેમ મજરુહને પણ ૧૯૫૧માં હવાલાતની હવા ખાવી પડી.

૧૨ મે ૧૯૫૧ ની સવારે બરાબર ૯:૩૧ કલાકે લાંબા સમયથી ચાલતી ચર્ચાને અધવચ્ચે અટકાવીને નહેરુએ કોંસ્ટીટ્યુશન (ફર્સ્ટ એમેન્ડમેન્ટ) બિલ સંસદમાં પ્રસ્તુત કર્યું. સરકારે શું કરવા માગે છે એની અધિકૃત માહિતી આપી જ નહોતી. બિહાર મુસ્લિમ લીગના સભ્યો મૂંઝવણની સ્થિતિમાં જ ઉભા થઈને બોલ્યા, ” શું સુધારવાનું છે? શું સુધારવાનું છે?” બીજા ઉકળી ઉઠેલા કેટલાક સભ્યો એમને ટેકો આપતા ઊભા થઈ ગયા. આશ્ચર્યચકિત થઈ ગયેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકરે તરત કહ્યું, ” આપણે અત્યારના તબક્કે એ વાત ન ઉઠાવીએ, બિલ અભ્યાસ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.”

સંસદમાં નાના અને વિખરાયેલા પરંતુ મુખરિત અને જુસ્સાદાર વિરોધ પક્ષે નાગરિક સ્વાતંત્ર્યની રક્ષાનો પડકાર ઉઠાવી લીધો. આઝાદીની ચળવળના તેમ જ મૂળ બંધારણીય સભાના દિગ્ગજો શ્યામાપ્રસાદ મુખરજી, આચાર્ય જીવતરામ ભગવતરામ કૃપલાણી, એચ. વી. કામથ, નઝીરુદ્દીન અહમદ અને હૃદયનાથ કુંઝરુએ ખરડો રજૂ થયો ત્યારે ચર્ચામાં તેનાં ચિથરા ઉડાડી દીધાં અને સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા. છંછેડાયેલા નહેરુએ તેઓને ” અહીં, ભરબજારમાં, દેશમાં, દરેક જગ્યાએ અને કોઈ પણ સ્તરે લડાઈ” માટે પડકાર ફેંકયો.  તીખા વાદવિવાદમાં નહેરુએ મુખરજી પર જૂઠાબોલા હોવાનો આક્ષેપ કર્યો, મુખરજીએ નહેરુને સરમુખત્યાર કહ્યા. ચર્ચાની ઉગ્રતામાં આકરાં ભાષણો કરવામાં આવ્યાં જેને એક અખબારે સંસદની ગરિમાના સહુથી નિમ્ન સ્તરના ગણાવ્યાં.

પ્રેસ અને પ્રજાને  તો  સંસદમાં રજૂઆત થઈ ત્યારે બિલની પ્રથમ ઝાંખી મળી હતી.  તેની વીજળીક અસરથી વિરોધ એકદમ ઉત્તેજિત બની ગયો. ભગતસિંહનો લાહોર કાવતરાં કેસમાં બચાવ કરનારા, ભારતના સહુથી સન્માનનીય ધારાશાસ્ત્રીઓમાંના એક,  પી. એન. મહેતાએ સ્વતંત્રતા પરના આ આક્રમણને મારી હઠાવવા હાકલ કરી. પરિણામે કાનૂની વર્તુળોમાં હલચલ મચી ગઇ.  દિલ્હીમાં એન. સી. ચેટરજી  (ભાવિ સામ્યવાદી નેતા સોમનાથ ચેટરજીના પિતા) અને ગોપીનાથ કુંઝરુ (હૃદયનાથ કુંઝરુના ભાઈ) ની નેતાગીરી હેઠળ પચાસથી વધુ વકીલોએ તેમના સાથી વકીલો અને દેશભરના બાર એસોસિયેશનોને મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવાની દરખાસ્તનો વિરોધ કરવાની અપીલ કરી.

૧૬મી મે ૧૯૫૧ના રોજ વડા પ્રધાન નહેરુએ પોતાની નેતાગીરી નીચે મુખરજી, કુંઝરુ, પ્રો. કે. ટી. શાહ ( તેજ બુદ્ધિ ધરાવતા, રાજેન્દ્રપ્રસાદ સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડનારા એકલવીર કચ્છીમાડુ), રાજગોપાલાચારી અને બી. આર. આંબેડકર સહિત એકવીસ સભ્યોની સિલેક્ટ કમિટીને ચર્ચાવિચારણા કરવા માટે બિલ મોકલવાનો ઠરાવ પ્રસ્તુત કર્યો અને બિલની તરફેણમાં દલીલો કરી.

નેહરુના દીર્ઘ, કંઇક અંશે અસંબદ્ધ ભાષણના ઉત્તરમાં અપાયેલું મુકરજીનું વક્તવ્ય ધારદાર અને  જોરદાર હતું.

૧૯૬૦ના દશકના ઉત્તરાર્ધમાં કોંગ્રેસના સંસદ સભ્ય જોઆકીમ આલ્વાએ ઇન્ડિયન એક્સપ્રેસના સેન્ટર પેજ પર છપાયેલા લેખ Life in The Day of Parliament માં સંસદના અતિ પ્રવૃત્ત અને પ્રસિદ્ધ સભ્યો વિષે લખતાં જણાવ્યું હતું કે ” સંસદમાં વકતૃત્વકલા શ્યામાપ્રસાદ મુખરજીના અવસાન સાથે જ મૃત્યુ પામી.”  આવા સમર્થ વક્તાની વકતૃત્વશક્તિ નહેરુને પ્રત્યુત્તર આપતી વખતે સોળે કળાએ ખીલી ઉઠી. નહેરુએ ભારતના લોકો સામે પડકાર ફેંકયો છે.  નહેરુના દાવાઓનું તેઓ સ્વસ્થતાથી ખંડન કરતા ગયા.

બિલની અસાધારણ અને અત્યંત વાંધાજનક જોગવાઈ હેઠળ ગેરબંધારણીય કાયદાઓને અદાલતી પડકારોથી સુરક્ષિત રાખવા માટે નવમું શેડ્યુલ બનાવવામાં આવ્યું. આ શેડયુલમાં ઉલ્લેખિત કાયદાઓ બંધારણની કોઈ જોગવાઇઓનો ભંગ કરતા હોય તો પણ તે અધિકૃત અને અસરકારક રહેશે, એટલે કે ગમે તેવો ખરડો પસાર કરવામાં આવે તે કાયદો જ ગણાશે. શ્યામાપ્રસાદ મુખરજીએ પૂછ્યું  ” તો પછી તમારે બંધારણ શા માટે જોઈએ છે?  મૂળભૂત અધિકારો શા માટે જોઈએ છે? તમારી સમક્ષ અત્યારે પડેલા કાયદાઓની જ વિચારણા હોય તે હું સમજી શકું છું. પણ તમે કહો છો કે ભવિષ્યમાં આ વિષયો પર કાયદો પસાર થશે, એને પણ માન્ય ગણવામાં આવશે. આનાથી વધારે વિચિત્ર અને હાસ્યાસ્પદ કંઈ હોય શકે?”  તમે બંધારણને કાગળના ટુકડાની જેમ ગણો છો. તમે અનંતકાળ સુધી કદાચ ચાલુ રહેશો, આવતી પેઢી અને હજી ન જન્મેલી પેઢી સુધી રહેશો, પરંતુ બીજો કોઈ પક્ષ સત્તા પર આવશે તો? તમે કઈ પ્રથા-પરંપરા સ્થાપિત કરી રહ્યા છો?  લોકોના સ્વાતંત્ર્ય પર થતા દબાણ સામે અડગ ઊભા રહેવા અને પ્રતિકાર કરવા માટે અનુરોધ કરતાં એમનાં અદભુત વક્તવ્યના અંતે હૃદયને સ્પર્શી જાય એવા શબ્દોમાં કહ્યું,” લુપ્ત થયેલી સ્વતંત્રતા માટે સહુથી દુઃખદ એપીટાફ (સ્મૃતિલેખ) એમ લખી શકાશે કે એ સ્વતંત્રતાના માલિકો સમયસર તેને બચાવવા માટે હાથ લંબાવવામાં નિષ્ફળ જવાના કારણે તેને ગુમાવી.”

શ્યામા પ્રસાદના અસ્ખલિત, જુસ્સાદાર વકતૃત્વને સાર્વત્રિક -કોંગ્રેસી સભ્યો સહિત- આવકાર મળ્યો. એમના પછીના વક્તા (ભવિષ્યના સ્વતંત્ર પક્ષના નેતા) એન. જી. રંગાએ શ્યામાપ્રસાદના વક્તવ્યની પ્રશંસા કરતાં એમને બ્રિટિશ સંસદના ધુરંધર વક્તા એડમન્ડ બર્ક સાથે સરખાવ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ મુખરજીના ભાવપૂર્ણ તર્કને નહેરુની લાગણીઓ કરતાં ચડિયાતો ગણાવ્યો.

કેટલાક કોંગ્રેસી સભ્યોના બિલને ટેકો આપતાં ભાષણો વચ્ચે વિરોધીઓના અને વિદ્રોહી કોંગ્રેસીઓ એચ.વી. કામથ, દેશબંધુ ગુપ્તા અને શ્યામનંદન સહાયના આક્રમણે નહેરુની દલીલોને નબળી પડી દીધી. કુંઝરુએ જાહેર કર્યું કે કલમ ૧૯ અને ૩૧ માં સુધારો નહોતો થઈ રહ્યો, એને અસરકારક રીતે રદ કરવામાં આવી રહી હતી. એચ. વી. કામઠે કહ્યું, ” સુધારાની જરૂર બંધારણને નહીં પણ સરકારની નીતિઓને હતી.”.

૧૯૪૭થી અપ્રમાણસર અને નિરંકુશ સત્તા ભોગવનારા  – બંધારણીય ઇતિહાસકાર હર્ષન કુમારસિંઘમ જેને “મહાજનોનું જૂથ” (cluster of notables) કહે છે, એવા- પોતાનું સ્થાન સહેલાઈથી જતું કરવાના ન હતા.

(નોંધ: notables નો એક અર્થ વિશિષ્ટ છે, એ પણ અહીં લાગુ પડી શકે. રાજા અમુક પદની નિમણૂંકની પદ્ધતિ નક્કી કરવા માટે ઉચ્ચસ્થાને બેઠેલા ઉમરાવ અને રાજ્યના અધિકારીઓની સભા બોલાવે તેઓને notables અથવા Assembly of Notables કહેવામાં આવતા.)

કૃપલાણીના શબ્દો યાદગાર હતા: આ તબક્કે બોલવું નિરર્થક છે. સરકાર પાસે મજબૂત બહુમતી છે, જે પ્રસ્તાવ આવશે તે પસાર થઈ જશે. વ્યક્તિપૂજાના આરોપ અંગે એમણે કહ્યું, મને ખાતરી છે કે આ idol worship નો સહુથી વધુ ફાયદો મેળવનાર આપણા વડાપ્રધાન અને કોંગ્રેસ છે.

એ સમયે વિરોધપક્ષે કોંગ્રેસ માટે વાપરેલા શબ્દો અત્યારે કોંગ્રેસ સત્તાધારી પક્ષ સામે વાપરે છે એ વિધિની વક્રતા છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને છીનવી લેવાની વ્યવસ્થા બંધારણમાં સુધારા વડે જેઓએ કરી હતી, તેઓ આજે ફરિયાદી બની ગયા છે. આવાં તો ઘણાં ઉદાહરણો આ ઘટનામાં જોવા મળશે. સરકારના સમર્થનમાં સી. રાજગોપાલાચારી, જેઓ પછીથી સ્વતંત્ર પક્ષના નેજા હેઠળ સ્વતંત્રતા માટે અને સરકારી અધિકારક્ષેત્રના વધતા જતા વિસ્તારની વિરુદ્ધ લડવાના હતા – અને આંબેડકર જેવા નેતાઓએ સરકારના સમર્થનમાં સામાન્ય બુદ્ધિ ન સ્વીકારે એવી દલીલો  કરી. આવા નેતાઓમાં ઘણા પ્રખ્યાત નામ છે. ત્રિપુરદમને એવા લોકો માટે યોગ્ય રીતે કરણ થાપર સાથેના ટીવી ઇન્ટરવ્યૂમાં “માટીપગા” શબ્દ વાપર્યો છે.

વિરોધના વંટોળને ખાળવા અસમર્થ નહેરુએ કાયદાપ્રધાન બી. આર. આંબેડકરને આગળ ધર્યા. અઢી કલાક સુધી આંબેડકરે બચાવમાં રજૂઆત કરી. નવમું શેડ્યુલ જેના માધ્યમથી ઉમેરવામાં આવ્યું હતું, એ કલમ ૩૧ B જેવી વાંધાજનક વ્યવસ્થા વડે ખરાબ અને સંભવતઃ બિનબંધારણીય કાયદાઓને રક્ષણ આપવા સામે સવાલ ઉઠાવ્યા.

સમાપન-વક્તવ્યમાં નહેરુએ માર્ગદર્શક સિદ્ધાંતોનો હવાલો આપ્યો.

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સંસદની અંદર અને બહાર ફૂંકાતા વિરોધના વંટોળ પર નજર રાખી રહ્યા હતા. નહેરુને સમજાવવાના એક આખરી પ્રયાસ રૂપે એમણે એક નોંધ મોકલી. એમાં તેઓએ સારી પ્રણાલિકાઓ (conventions) સ્થાપીને ઉદાહરણ દ્વારા દોરવણી આપવાની ડહાપણભરી સલાહ આપી. બંધારણીય સુધારા દ્વારા ન્યાયતંત્રના ચુકાદાઓને ઉલ્ટાવવાના પ્રયાસ સામે ચેતવણીનો સૂર ઉચ્ચારતાં તેમણે જણાવ્યું કે એનાથી ધારાસભા અને ન્યાયતંત્રના અલગ કાર્યક્ષેત્રને લગતા પાયાના પ્રશ્નો ખડા થશે.

જંગી બહુમતીથી ખરડો સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યો. ઘર્ષણમાં વધુ તનાવ ઊભી કરતી ઘટના હતી, કોંગ્રેસમાંથી આચાર્ય કૃપલાણીનું રાજીનામું. સરકાર સામે યુદ્ધની ઘોષણા કરતાં તેમણે બધાં વિરોધી બળોને  એકજૂટ કરવાનો ઉદ્દેશ પણ જણાવ્યો. નહેરુના પ્રધાનમંડળમાંથી ત્રણ પ્રધાનોએ રાજીનામું આપ્યું: શ્યામાપ્રસાદ મુખરજી,  કે. સી. નિયોગી અને નાણા પ્રધાન જ્હૉન મથાઈ. આમ નહેરું બધી બાજુએ વિરોધથી ઘેરાઈ ગયા હતા.

સિલેક્ટ કમિટીને મોકલાયેલો ખરડો ૧૮ પાનાના રિપોર્ટ સાથે આવી ગયો. કમિટીના પાંચ વિરોધી સભ્યોએ રિપોર્ટમાં પોતાની અસંમતિ નોંધાવી હતી. શ્યામાપ્રસાદ મુખરજીએ ધારદાર દલીલ રજૂ કરતાં કહ્યું કે બંધારણમાં ફેરફાર કરવાની આવશ્યકતા સાબિત કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવામાં આવી નથી;  પ્રવર્તમાન અંકુશો જ પૂરતા કરતાં વધારે પ્રતિબંધક છે એટલે કોઈ નવાં નિયંત્રણો ન મૂકવાં જોઈએ.

હૃદયનાથ કુંઝરુએ પ્રશ્ન કર્યો કે વિશ્વયુદ્ધ સમયે સમાચારની પ્રિ-સેન્સરશિપ જેવાં નિયંત્રણો મુકાયાં હતાં, તેનો શાંતિના સમય દરમ્યાન અંગ્રેજી શાસનમાં પણ ઉપયોગ નહોતો થયો, તો સ્વતંત્ર ભારતમાં કોંગ્રેસી સરકારને શા માટે એની છૂટ આપવી જોઈએ?

અનામતના મુદ્દામાં “સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત” સિવાયના આર્થિક પછાતના ઉલ્લેખો દૂર કરી નાખવામાં આવ્યા, અતિશય વિવાદાસ્પદ નવમા શેડ્યુલ જેવા મુદ્દા પર દુર્લક્ષ કરવામાં આવ્યું અને સરકારી ખરડાને કમિટીની બહુમતીએ મંજૂરી આપી દીધી.

કડવાશભરી અને ઉગ્ર ચર્ચા તરફેણમાં ૨૨૮ મત, ૨૦ વિરુદ્ધમાં અને મતદાનથી દૂર રહેલ ૫૦થી વધારેની સંખ્યા સાથે આખરે બિલ પાસ થયું. એ આંકડા વિવાદની ઉગ્રતાને અસ્પષ્ટ બનાવે છે. તોફાન ઊભું થયું એટલી જ ઝડપે શમી ગયું. આ કારણે એની ગંભીરતા ઢંકાઈ ગઈ, પણ કોઈ એનાથી છેતરાયા નહીં.

આ એક રીતે બંધારણના ભાગ ૩ નું પુનઃઘડતર હતું. મૂળભૂત અધિકારોની મૂળ જોગવાઈઓને અસરકારક રીતે નષ્ટ કરવામાં આવી. બંધારણને તદ્દન સામાન્ય રીતે, સરળતાથી સુધારવાની મિસાલ બેસાડવામાં આવી. ન્યાયતંત્રના પુનરવલોકન (judicial review)ને બાજુએ મૂકી દેવાની તંત્રવ્યવસ્થા ઊભી કરવામાં આવી. ઇન્ડિયન પિનલ કોડના સેક્શન ૧૨૪A ના sedition (રાજદ્રોહ) જેવા કાયદા પુનર્જિવિત કરવામાં આવ્યા. પૂરા માહિતગાર ન હોય એવા લોકો ઘણી વાર આ કાયદાને સંસ્થાનવાદી ભૂતકાળના અવશેષ તરીકે ગણાવે છે, પણ હકીકત એથી વિરુદ્ધ છે. આવા બધા પ્રતિગામી કાયદાઓના મૂળ બંધારણના પ્રથમ સુધારામાં રહેલાં છે.  એ ત્રિપુરદમનના મતે સિડિશનનો કાયદો “સંસ્થાનવાદી અવશેષ તો નથી જ,  બલ્કે, નહેરુવાદી  રાજ્યસત્તાના રાજકીય વિકલ્પોને દબાવી દેવાના નિર્ધારનું પરિણામ છે, નહેરુવાદનો એક મહત્વનો ભાગ છે”. એમનાં નિરીક્ષણ પ્રમાણે “નવા ભારતના વિઝનમાં નહેરુની રાજકીય કારકિર્દીનાં મૂળ હતાં. નહેરુનું સંકુલ અને એટલું જ વિરોધાભાસી વ્યક્તિત્વ એમના રાજકારણ પર ભારે પ્રભાવ પાડતું હતું.”

આ બધું ચૂંટાયેલી નહીં, એવી કામચલાઉ સંસદ દ્વારા પાર પાડવામાં આવ્યું એ પણ એને સંમતિ આપનારાઓ માટે અસાધારણ શરમની વાત છે.

આ સુધારા સામેની લડત એ ભારતીય ઉદારમતવાદી પ્રથમ લડત હતી. જેમાં પરસ્પર વિરુદ્ધ દિશાના મત ધરાવતા મહાનુભાવો સંગઠિત થયા હતા. એ પણ અદભુત ઘટના હતી. એ આગેવાનોમાં શ્યામાપ્રસાદ મુખરજી અને એમ. આર. જયકર જેવા હિન્દુ રાષ્ટ્રવાદીઓ, આચાર્ય કૃપલાણી જેવા ગાંધીવાદીઓ, શિબ્બનલાલ સક્સેના અને જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદીઓ, એચ. વી. કામઠ, શ્યામનંદન સહાય અને કે. કે. ભટ્ટાચાર્ય જેવા સંનિષ્ઠ કોંગ્રેસી બળવાખોરો, પ્રાણનાથ મહેતા અને એમ. સી. ચાગલા જેવા ધારાશાસ્ત્રીઓ, પ્રેસનાં સંગઠનો, તંત્રીઓ, વકીલો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થતો હતો.

જે કોંગ્રેસી સભ્યો સુધારાનો વિરોધ કરતા હતા, એમાંથી બહુ થોડા ડીવીઝનનો બેલ વાગ્યા પછી વિરોધમાં ઊભા રહ્યા. આવું થવાનું મુખ્ય કારણ સંસદસભ્યો પર તોળાઈ રહેલી ચૂંટણીની ડેમોકલિસની તલવારનું હતું. બીજું કારણ એ પણ હતું કે સ્વાતંત્ર્યને દેશના સ્વાતંત્ર્ય તરીકે જોવાતું હતું, વ્યક્તિસ્વાતંત્ર્ય અને ઉદારમતવાદી લોકશાહીની પૂરતી સમજ ન હતી.

દુર્ભાગ્યે પોતાનું ધાર્યું કરવાના અને આપખુદશાહીના નહેરુના વલણનો સામનો કરી શકે અથવા એને નિયંત્રિત કરી શકે એવા એક માત્ર શક્તિશાળી નેતા સરદાર પટેલ ૧૫ મી ડિસેમ્બરે અવસાન પામ્યા. સરદારે જ નહેરુને શ્યામાપ્રસાદ પર ઉશ્કેરણી સાથે બગાવત ઉશ્કેરણીનો (sedition) આરોપ મૂકવાના પગલાં લેતાં અટકાવ્યા હતા.

સરદારે બંધારણ સુધારવાના વિચારનો વિરોધ કર્યો હોત, કે નહેરુ જે હદે એ પગલાં લેવા વિચારતા હતા, એને હળવાં બનાવ્યાં હોત? એ વિષય હવે કેવળ ધારણાનો જ રહ્યો છે. ત્રિપુરદમનના અભિપ્રાય પ્રમાણે નહેરુના આવેગોને ઘણી વાર સરદારે નિયંત્રિત કર્યા હતા. તો એટલા જ પ્રસંગોએ એમને અનુસરવાનું પસંદ કર્યું હતું. એમ છતાં તેઓ ફર્ક જરૂર પાડી શક્યા હોત. એમની ગેરહાજરીથી નહેરુનો માર્ગ પ્રમાણમાં સરળ બની ગયો.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના રાજનીતિશાસ્ત્રના  અધ્યાપિકા નિવેદિતા મેનનના મંતવ્ય પ્રમાણે પ્રથમ સુધારાની બીજી અસર એ હતી કે તેણે ભારતીય બંધારણમાં વ્યક્તિનું મહત્ત્વ ઘટાડ્યું.

બંધારણવિદ ઉપેન્દ્ર બક્ષી પ્રથમ સુધારા પછીના બંધારણને બીજું બંધારણ અથવા નહેરુવીયન બંધારણ કહે છે.

આ બનાવોની સ્મૃતિ ઝાંખી થતી જાય છે, તો પણ વર્તમાન રાજકારણ, કાયદા અને જાહેર ચર્ચામાં એની પ્રસ્તુતતા વધતી જાય છે. બધી સરકારો દબાણ અને દમનકારી કાયદાઓ બનાવવા માટે તૈયાર જ હોય છે, એથી પ્રથમ સુધારા દ્વારા એવા કાયદાઓ માટે કેવી રીતે બંધારણીય આધાર ઊભો કરવામાં આવ્યો હતો એ સમજવું વધુ જરૂરી બનતું જાય છે.  આ બાબતની પુષ્ટિ ૨૦૧૮માં નાણામંત્રી અને ધારાશાસ્ત્રી અરુણ જેટલીએ એવો ઇશારો કર્યો હતો કે તેઓનું માનવું છે કે પ્રથમ સુધારો આપણા કાયદાશાસ્ત્રના ઉદ્વિકાસમાં વિરોધાભાસ છે અને પડકારી શકાય તેમ છે.

નહેરુએ બંધારણમાં જે ધરખમ ફેરફાર કર્યા, એને વર્તમાન સંદર્ભ સાથે જુઓ.  કાશ્મીરને લગતી કલમ ૩૭૦ વર્તમાન સરકારે નાબૂદ કરી ત્યારે કોંગ્રેસપક્ષે એ પગલાને વખોડી કાઢ્યું હતું, પણ નહેરુએ બંધારણના હૃદય અને આત્મા સમાન મૂળભૂત અધિકારોની વ્યવસ્થાને તોડીફોડીને પોતાની જરૂરત પ્રમાણેનું સ્વરૂપ આપ્યું હતું. બન્ને વડાપ્રધાનોએ ‘હાથચાલાકી’ કરી હતી, એવું કરણ થાપર સાથે વાત કરતાં ત્રિપુરદમને સ્વીકાર્યું. તેમણે એમ પણ કહ્યું કે નહેરુવીયનવાદ બીજું જે હોય તે પણ ઉદારમતવાદ તો નથી જ.  રાષ્ટ્રપતિનું પદ સત્તા વગરનું જણાતું હોવા છતાં વડાપ્રધાને એમની સાથે સલાહ-સૂચન માટે અને અણધારી કટોકટી સમયે બંધારણ મુજબ એ મહત્વનું હતું પરંતુ નહેરુને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ કોઈ મુદ્દા પર પ્રશ્ન ઉઠાવે એ બિલકુલ પસંદ ન હતું.  એમનાથી ભિન્ન વિચારને તેઓ સહન નહોતા કરી શકતા.

આ સમગ્ર ઇતિહાસના પ્રકરણનું મુખ્ય પાત્ર નહેરુ હતા. એમનો વારસો મિશ્ર વસ્તુઓનો છે. સંસદમાં નિયમિત હાજરી, સલાહસૂચન, એ બધા ગુણોની સામે એમનું ગુમાન, પોતાનું ધાર્યું કરવા માટે આપખુદ પણ બને, એ તેમની નબળાઈઓ હતી. તેમનું વ્યક્તિત્વ આત્યંતિક વિરોધાભાસોનાં મિશ્રણ જેવું હતું.

સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની નજીકના વર્ષોમાં નહેરુ કેટલીક બાબતોમાં પોતાનો મત હઠપૂર્વક પકડી રાખતા. મહમદઅલી જીન્ના નહેરુના ગુણો વગર કેવળ હઠાગ્રહી હતા. નહેરુની અને જિન્નાની ખાસિયતોએ ઉપખંડના ઇતિહાસ પર કાયમી અસરો છોડી. લોર્ડ વેવેલ પણ ઉપખંડના ઘણા લોકોની જેમ વિચારે છે અને એમની ડાયરીમાં લખે છે, “નહેરુ અને જિન્ના સિવાયના કોઇએ આખો મામલો (ભાગલાનો અને સંલગ્ન બાબતોનો) સંભાળ્યો હોત તો બધી વસ્તુઓ કેટલી જુદી જ હોત!”

પુસ્તકનાં ચોથા કવર પર આપેલાં ત્રણ ઉદ્ધરણો પુસ્તકને મૂલવવા કે સમજવા માટે વાંચવા જેવાં છે. ભા.જ.પ.ના ભૂતપૂર્વ સાંસદ અને અંગ્રેજીમાં સુંદર પ્રવાહી શૈલીમાં નિયમિત લેખો લખનારા સ્વપન દાસગુપ્તા સરસ વિધાન કરે છે: “સ્વતંત્રતાના પ્રારંભિક વર્ષોનું સુષ્ઠુ ચિત્રણ અને રાજકારણની ભદ્દી વાસ્તવિકતા વચ્ચેની ખાઈની વિગતોનો આ પુસ્તકમાં ત્રિપુરદમન સિંહે રસાળ દસ્તાવેજ રજૂ કર્યો છે. આ પુનર્લેખન કે સુધારણાવાદી ઇતિહાસ નથી. પરંતુ, બંધારણીયમૂલ્યો અને રાજકીય અગ્રતાઓ વચ્ચેના પ્રથમ તનાવોની સ્પષ્ટ તસવીર છે. નહેરુ વિલન તરીકે નહીં, પણ દૃઢ વાસ્તવવાદી તરીકે બહાર આવે છે.”

**************

અનુસંધાન

ભારતીય બંધારણના ઇતિહાસના આ સહુથી મહત્ત્વના પ્રકરણ સાથે સંકળાયેલા અને તેની યાદને સંકોરનારા બે ચકચારી કેસ ભવિષ્યમાં ઊભા થવાના હતા. એમાંનો એક હતો ગોલકનાથ કેસ (૧૯૬૭) અને બીજો હતો કેશવાનંદ ભારતી કેસ (૧૯૭૩).  આપણે તેની વધારે વિગતથી ચાતરીને મુખ્ય અને સંબંધિત મુદ્દાઓની કેવળ  પરિચય પૂરતી માહિતી જોઈએ.

ગોલકનાથ કેસમાં ચીફ જસ્ટિસ સુબ્બારાવે તેનું મહત્ત્વ સમજીને અગિયાર ન્યાયાધીશોની બેન્ચ બનાવી.

આ પહેલાના બે કેસ – શંકરી પ્રસાદ અને સજ્જન સિંહમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે સંસદને બંધારણ સુધારવાની અમર્યાદ સત્તા છે. આવા ચુકાદાથી કેટલીક હાસ્યાસ્પદતાની હદને સ્પર્શતી વિચિત્ર અને અસ્વીકાર્ય પરિસ્થિતિઓ ઊભી થવાની સંભાવનાઓ નરી આંખે દેખાઈ આવતી હતી. એક સ્થિતિ એવી પણ શક્ય હતી કે કોઈ સામાન્ય કાયદો કેવળ એક મૂળભૂત અધિકારની વિરુદ્ધ જતો હોય તો એ બિનબંધારણીય ઠરે પણ કોઈ સુધારો તમામ મૂળભૂત હક્કોને રદ કરી નાખે તો એ સ્વીકાર્ય બનતું હતું!

બહુમતીએ ઠરાવ્યું કે સુધારો કરવાની સત્તા તેના પરના પ્રગટ કે ગર્ભિત મર્યાદાઓની ઉપરવટ જવાની શક્તિ નહીં આપે અને સંસદ ભાગ ૩ (મૂળભૂત અધિકારો)માં સુધારો નહીં કરી શકે. શંકરીપ્રસાદના  તથા સજ્જનસિંહના કેસની વિરુદ્ધના છેડે લોલક ફરી ગયું. એક જ વખતના ઉપયોગ માટે અને કૃષિવિષયક સુધારાઓ માટે જ ઉભું કરેલું નવમું શેડયુલ ખોટી રીતે અને વારંવાર વપરાયું હતું. કદાચ જસ્ટિસ સુબ્બારાવ વધુ પડતા આગળ વધી ગયા હતા પણ એમના માટે કોઈ રસ્તો પણ રહ્યો નહોતો. જૂના કેસમાં આ ચુકાદાને લાગુ પાડવાથી ભારે ઊથલપાથલ અને અંધાધૂંધી થઈ જતો, ઘડિયાળને પાછું ફેરવવાનું શક્ય નહોતું, એ બાબતને ધ્યાનમાં લઈને અદાલતે અમેરિકન બંધારણના ‘prospective overruling ‘ નો બંધારણીય સિદ્ધાંત અપનાવ્યો.

દુર્ભાગ્યે આ બહુમતી નિર્ણય સંસદને સાવ જ સત્તાહીન બનાઈ દેતો હતો. પરિણામે આ ચુકાદાની વ્યાપક રીતે ટીકા કરવામાં આવી. છ વર્ષ પછી કેશવાનંદ ભારતીના ઐતિહાસિક કેસના ચુકાદામાં તમામ તેર જજોની સર્વાનુમતિથી ગોલકનાથ કેસને ઓવરરૂલ કરવામાં આવ્યો.

૧૯૭૩માં અત્યંત મહત્વનો, નાટ્યાત્મક, સુદીર્ઘ દલીલો અને વિશાળ ક્ષેત્રને આવરી લેતો કેસ કેશવાનંદ ભારતી વિ. કેરાલા રાજ્યનો કેસ આવ્યો જે સર્વોચ્ચ અદાલતની તવારીખમાં સહુથી મોટી – ચીફ જસ્ટિસ સિક્રી સહિત ૧૩ જજોની બેન્ચ સમક્ષ રજૂ થયો. આ કેસના ચુકાદાએ, ત્રિપુરદમનના શબ્દોમાં, ભારતીય ગણતંત્રનું ભવિષ્ય બદલાવી નાખ્યું.

નોંધપાત્ર વાત તો એ છે કે કાલ્પનિક વાર્તા કરતાં પણ વધુ વિચિત્ર વિધિના વળાંકની એક ઘટના બની. જસ્ટિસ ખન્ના સંસદના દાવાને અત્યાર સુધી સમર્થન આપતા હતા એમણે છેલ્લી ઘડીએ એવું ઠરાવ્યું કે સંસદની બંધારણ સુધારવાની સત્તામાં બંધારણનું મૂળભૂત માળખું ( basic structure) કે આવશ્યક લાક્ષણિકતાઓ (essential features) માં ફેરફાર કરવાની સત્તાનો સમાવેશ નહીં થાય. ભવિષ્યના બનાવો બતાવી આપવાના હતા કે જસ્ટિસ ખન્ના ના નિર્ણયે ભારતની લોકશાહીને ઉગારી લીધી.

મૂળભૂત અધિકારોના કેસ તરીકે વધુ જાણીતા આ કેસમાં પાલખીવાલાની ભૂમિકા યાદગાર બની ગઈ. એકદમ સાંકડી બહુમતી ૭:૬ થી સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે સંસદની સુધારા કરવાની સત્તા અમર્યાદ નથી અને એ સત્તા બંધારણના માળખાને કે અનિવાર્ય રીતે આવશ્યક લાક્ષણિકતાઓને સુધારવા માટે નહિ ઉપયોગમાં લઈ શકાય. આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે નહેરુ દ્વારા ન્યાયતંત્રની છીનવી લેવાયેલી સત્તાઓમાંથી ઘણી પાછી મેળવી લીધી.

આ કેસની સુનાવણી સહુથી મોટી બેન્ચ સમક્ષ અને સહુથી લાંબા સમય, ૬૮ દિવસ સુધી ચાલી. આ કેસ સાથે સંકળાયેલ વ્યક્તિવિશેષ – જજો, સમર્થ ધારાશાસ્ત્રીઓ વિશેની અને બીજી ઘટનાઓની વાત બહુ રસપ્રદ હોઈ ભવિષ્યમાં ક્યારેક વાત કરશું.


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે