પુસ્તક પરિચય
રીટા જાની
મુનશીની આત્મકથા પણ કોઈ નવલકથાથી કમ રસપ્રદ નથી. મુનશીએ પોતાની આત્મકથા ત્રણ ભાગમાં આલેખી છે.
૧ . અડધે રસ્તે
૨ . સીધાં ચઢાણ
૩ . સ્વપ્નસિદ્ધિની શોધમાં
આજે આપણે ઇ.સ. ૧૯૦૭ થી ઇ.સ. ૧૯૨૨સુધીના સંસ્મરણો આલેખતી આત્મકથા ‘સીધાં ચઢાણ’ની વાત કરવી છે. સીધાં ચઢાણ એ આત્મકથા છે પણ એ માત્ર પોતાની વાતો નથી.

સાહિત્ય એ આત્માના ગીત અને સંગીતની અનુભૂતિનો સમન્વય છે. મુનશી દર વર્ષે પોતાની ડાયરીની શરૂઆતમાં બે સૂત્રો લખતા.
* મરણ તો નિશ્ચિત છે જ,
તો પછી શેં બેસી રહેવું –
લાંબા જીવનના અંધકારમય દિવસોમાં –
નકામા, નેમ વગર ને નામ વગર?
* જીવન તો દેવદીધા ભાર છે:
એને નીરખી લે, ઊંચકી લે.
સ્વસ્થ રહી એકનિષ્ઠાથી નિભાવી લે;
શોકનો માર્યો હારતો ના,
પાપનો બીધો ડગમગતો ના.
ને સ્થિર પગલે આગળ વધ.
આગળ ને ઊંચે –
ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી.
આ બે સૂત્રો મુનશીની મનોસ્થિતિ ને જીવન પ્રત્યેના તેમના દૃષ્ટિકોણને સારી રીતે સમજાવે છે. સમય હતો હિંદની સ્વાતંત્ર્ય ચળવળનો. મુનશી વડોદરા કોલેજમાં ભણતાં. સૌ વિદ્યાર્થીઓ અરવિંદ ઘોષની ભાવપ્રધાન તલ્લીનતા અને મહારાજ સયાજીરાવ ગાયકવાડના પ્રજાહિતના કાર્યોથી અંજાયેલા હતા. વિદ્યાર્થી મુનશી પર મહારાજ સાહેબના પ્રવચનનો ઊંડો પ્રભાવ પડ્યો, જેમાં તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાના માટે, ન્યાત માટે નહિ પણ રાષ્ટ્ર માટે કર્તવ્ય કરે. રૂઢિ અને પૂર્વગ્રહને જીતી મહાન રાષ્ટ્રભાવનાના ભાતૃભાવથી, રાષ્ટ્રીય કલાસાહિત્યથી અને સમૃદ્ધ વ્યાપારથી શોભતું રાજ્યતંત્ર બનાવવું એ આ બહાદુર, મુત્સદ્દી અને સમર્થ રાજવીની આકાંક્ષા હતી.
ઇ.સ. ૧૯૦૭માં મુનશી એલ.એલ.બી. નો અભ્યાસ કરવા મુંબઈગરા બન્યા. હવા ઉજાસભરી હવેલીમાં એકલા ઉછરેલા તાપીબહેનના લાડકા દીકરા માટે કોલાહલ, દુર્ગંધ અને ગંદકીથી ભરપૂર ખોલીમાં રહેવું અસહ્ય હતું. તેથી તેઓએ પિટીટ લાઇબ્રેરીને જ પોતાનું પ્રેરણાસ્થાન ને ઘર બનાવ્યું. બી.એ. માં પ્રથમ આવવા માટે ઇલિયટ પારિતોષિક અને પ્રથમ એલ.એલ.બી. માં પહેલા આવવા માટે અંબાલાલ સાકરલાલ પારિતોષિક મળેલું. બંને પારિતોષિક પુસ્તકરૂપે હતા. દલપતરામની સાથે મળી એ પુસ્તકો વેચી ખર્ચ માટે સોએક રૂપિયા મેળવ્યા. એક વર્ષમાં પુસ્તકોના બે સેટ ખરીદનાર માબાપ અને બાળકોને એ યુગની અછત અને કરકસરની વાત કેમ સમજાશે? મુંબઈની રંગભૂમિ અને જયશંકર સુંદરી તેમની ભાવસમૃદ્ધીમાં જડાઈ ગયા હતા.
મુનશીની બાલસખી ‘દેવી’ની આસપાસ તેમણે એક નાનીશી સૃષ્ટિ રચી હતી. તેમની ઝંખના થોકબંધ કાગળ અને નોંધમાં ધબકતી. ધીમે ધીમે દેવી સંસ્મરણમૂર્તિ મટીને સદાની સહચરી થઈ ગઈ. મુનશી તેની સાથે પ્રેમ સંવાદ કરતાં. અને આ સંવાદોએ જ મુનશીની સર્જનાત્મક કળાનો પાયો નાખ્યો. પોતાની શક્તિના ભાન વિનાના સાહિત્યકારની સર્જકવૃત્તિ આ રીતે ડોકિયાં કરતી હતી :
“સ્વપ્નસૃષ્ટિના પ્રકાશમાં જ્યાં સંસ્મરણો આછી છાયા સમાન પ્રસરે છે, ત્યાં એક સ્વરૂપ દેખાય છે: પ્રકાશમય, દૈવી અને મોહક; આવતી ઉષાના તેજસ્વી અને શરમાતા સૌન્દર્યથી શોભતી. મારા જીવનને શાસતિ એ તારલિકા છે. ઉલ્લાસથી એ મારી નાવ હંકારી જાય છે. એ મારું આશ્વાસન ને એ મારી પ્રેરણા. એ મારે માટે તલસે છે. હું અનંત કાળની અવગણના કરુ છું, વિયોગનો દુસ્તર સાગર હું તરી જાઉં છું. અમે મળીએ છીએ – કદી છૂટાં ન થવાં. અને સાથે ને સાથે જ રહીએ છીએ. દરેક સ્થળે – સ્વર્ગનાં સૌન્દર્ય મંદિરમાં, ભવ્ય કો વિશ્વખંડમાં, દૂર ચમકતા કો તારા પર અને પ્રલયકાળમાં અને સાથે ને સાથે લય પામી છીએ.”
ચાર વર્ષ પછી આ આખો સ્વાનુભવ ‘વેરની વસૂલાત’માં નવો દેહ ધરે છે. મુનશી મહામહેનતે પોતાની અસ્વસ્થ મનોદશા પર સ્વામિત્વ મેળવે છે.
મનુકાકા સાથેનો પત્રવ્યવહાર વિદ્યાર્થી મુનશીને પ્રગટ કરે છે તો તેમની પાસે અંગ્રેજીમાં ભાષણ, પ્રાર્થનાઓ કે માનપત્ર લખાવી નીચે ગુજરાતી ઉચ્ચારણ પણ લખાવી વાંચતા કેવું હાસ્ય નીપજે છે એની વાત મુનશી કરે છે. શિખા, અબોટિયું જેવી રૂઢિઓ છોડી, છોડાવી, મિત્રોને નાટકના ગીતો ગાતાં, કસરત કરતાં કર્યા, સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપ્યું ને અઘરણીની ન્યાતનો રિવાજ બંધ કર્યો એટલું જ નહિ ભરૂચમાં ‘દાદાભાઈ નવરોજી ફ્રી લાઇબ્રેરી’ નું મકાન ઊભું કર્યું. એમાં સમાજ સુધારો કરવાની મુનશીની ધગશ દેખાઈ આવે છે.
મુનશીએ અંગ્રેજીમાં લેખો લખવાનો શરૂ કર્યું, જે ત્રણેક જગ્યાએ પ્રગટ થતાં. ને ૧૯૧૦માં એલ.એલ.બી. પાસ થયા. મુનશી ડિગ્રી લેવા મુંબઈ ગયા ત્યારે એડવોકેટ ભુલાભાઈ દેસાઈને મળ્યા, જેઓ અનાયાસે જ તેમના ભાવિના ઘડતરમાં ફાળો આપી રહ્યા. તેમની તબિયત નાદુરસ્ત રહેતી. તેથી પત્ની લક્ષ્મીને લઈને મુંબઈ આવ્યા. તેમણે અનેક ઉભરા કાઢ્યા. પિતા નહોતા, પૈસાની તાણ હતી, મનુકાકા સાથે મૈત્રીમાં અનેક અપમાનો સહ્યાં હતાં. દામ્પત્યજીવનમાં અપૂર્ણતા હતી. જીજીમાના દુઃખના પ્રત્યાઘાત થતાં હતાં. મનને અને શરીરને નિર્બળતા સાલતી હતી. અસંતુષ્ટ અને અકળાતી મહત્વાકાંક્ષાના શૂળ હૈયું કોરતાં હતાં. જીવનના સીધા ચઢાણ ચડતા અનહદ મુશ્કેલીઓ તેમને ગૂંગળાવી રહી હતી. ત્યારે લક્ષ્મી નિ:શબ્દ સેવાથી પતિદેવને રીઝવતી. એ એટલું બધું કરતી કે એને જોઈ મુનશીના પગમાં નવું ચેતન આવતું ને તેમનું મનસ્વી ને સ્વાર્થી હૃદય લક્ષ્મીને વશ થઈ એના તરફ મમતાથી વળવા લાગ્યું. મુનશી લખે છે કે તેમના સદભાગ્યે કસોટીના અને નિર્ધનતાના સમયમાં તેમને લક્ષ્મી મળી, જે તેમની અભેદ્યતાની સર્જનહાર હતી. એના હસતાં મુખે આવકારથી મુનશીના થાક ને અકળામણ દૂર થઈ એ સ્વસ્થતા અનુભવતા. લક્ષ્મી તેમનામાં પૂર્ણ આત્મશ્રદ્ધા પ્રગટાવતી, જેના વગર મુનશી નિશ્ચિત પણે ભાંગી પડ્યા હોત એવું તેમણે નોંધ્યું છે. તેઓ સાથે હસતાં, બોલતાં, આનંદ કરતાં ને ખૂબ મઝા કરતાં. લક્ષ્મીના અદ્ભુત આત્મસમર્પણથી એ મુનશીના જીવનની ભાગિયણ બની ગઈ.
લૉ ક્લાસમાંથી ટ્રામમાં ઘેર આવતાં તેમનો પરિચય ચંદ્રશંકર પંડ્યા સાથે થયો. ને તેમણે ‘ધી યુનિયન’ સભામાં જવાનું શરૂ કર્યું, જે પાછળથી ‘ગુર્જર સભા’ કહેવાઈ. ત્યાં દર રવિવારે મિત્રમંડળ ભાષણ કરવા મળતું. પહેલા તો મુનશીને સંકોચ થતો કે તેમને સારું અંગ્રેજી બોલતાં નથી આવડતું. પણ એક વાર તેમણે પોતાની ચિત્રાત્મક અંગ્રેજીમાં તીખી તમતમતી રીતે આગળના વક્તાની ઝાટકણી કાઢી ને પોતાની પ્રગતિનું એક સીમાચિહ્ન વટાવી દીધું. પહેલી વાર મુનશીને એવું મંડળ મળ્યું, જે સાહિત્યને જીવનનું પ્રથમ અંગ માનતું હતું, એના સંસ્કારો સાહિત્યકારોએ ઘડ્યા હતા, ઉચ્ચ અભિલાષાઓ રાખવી એને ધર્મ માન્યો હતો. મુનશી પણ સંસ્કાર તરસ્યા હતા, સાહિત્યિક જીવન તેમને પ્રિય હતું. તેથી તરત જ તેઓ આ મંડળમાં ભળી ગયા. મુનશીની પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓ વધતી ગઈ. નવા નવા મંડળોમાં ભાષણ આપતાં થયાં. ‘મોતીલાલ પારિતોષિક નિબંધ’માં વિજેતા બન્યા, જેનું પારિતોષિક લેડી રતન ટાટાના હાથે મળ્યું. ‘ગુર્જર સભા’માં મંત્રી બન્યા. ‘ભાર્ગવ ત્રિમાસિક’ની સ્થાપના કરી ને તેના તંત્રી બન્યા. ‘સમાજ સુધારા કોન્ફરન્સ’ માં પણ મંત્રી બન્યા.
મુનશીના સમયમાં એડવોકેટની પરિક્ષા જાણે જુવાનિયાના જીવન વેડફી મારવા રાખવામાં આવી હોય એમ મનાતું. શું વાંચવાનું તેની કોઈ મર્યાદા નહિ, ક્યા વિષયના પ્રશ્નપત્ર નીકળશે એ પણ નક્કી નહિ, માર્ક્સ પણ નહિ, ભાગ્યે જ કોઈ પહેલે વર્ષે પાસ થાય. બેચાર વર્ષ બેસવું પડે એ તો સામાન્ય અનુભવ. ડુમ્મસના બંગલે જઈ પરીક્ષાની તૈયારી કરી ને પરિક્ષા પૂરી કરી માથેરાન ગયા. મુનશી નોંધે છે કે તેમણે જિંદગીમાં પહેલી જ વાર પર્વત જોયો. એનાં પરના વૃક્ષોની ઘટા, એની એકાંત ઝાડીઓ, એનાં ગાતા બુલબુલ ને જંગલી પુષ્પોએ હંમેશા તેમને શાંતિ અને પ્રેરણા આપ્યા છે. અહીં તેમણે જીવનના કેટલાક મહાસંકલ્પો કર્યા ને આ જીવન કથની પણ ત્યાં બેસીને જ લખી. પહેલા પ્રયત્ને જ એડવોકેટની પરિક્ષા પાસ કરવા મુનશી નસીબદાર રહ્યા. બહુ પડ્યા, આથડ્યા, ઘા પણ બહુ ખમ્યા. આખરે સીધા ચઢાણ વાળી ટૂક તેમણે વટાવી….પણ એનાથી બીજી વધારે કપરી ટૂક મુનશીની આંખ સામે ઉભી હતી….આત્મકથા એક તરફ જીવન સિદ્ધિની પ્રસ્તુતિ છે તો બીજી તરફ સાહિત્યરસનો આસ્વાદ પણ છે . જીવનસિદ્ધિ એ સોપાનસિદ્ધિ છે અને સ્વપ્નસિદ્ધી અને લક્ષ્યસિદ્ધિની વચ્ચે અગત્યના સોપાનનું ગૌરવપ્રદ સ્થાન છે સંકલ્પસિદ્ધિનું. સાહિત્યરસની આ સફર એ જીવન સંગીતની સુરાવલી છે. સૂર વહેતાં રહે છે, સુરાવલીઓ સર્જાતી રહે છે અને સફરના મુકામો બદલાતા રહે છે.
સાહિત્યરસ સહિત જીવન સંગીતની સુરાવલીઓના વિશેષ પ્રસંગો સાથે મળીશું આવતા અંકે…..
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
