અત્યંત ખેદ સાથે જણાવવાનું કે વેબ ગુર્જરી સંપાદક મંડળના આદ્યસભ્ય અને સદા સક્રિય સહયોગદાતા મુ. વલીભાઈ મુસાનું દેહાવસાન થયેલ છે.

તેમનાં વ્યવહારદક્ષ માર્ગદર્શનને કારણે વેબ ગુર્જરીને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી સલામતપણે નીકળી જવામાં મદદ મળતી રહી છે. થોડા થોડા સમયે બધાંને રૂબરૂ એકત્ર કરવાની તેમની અનોખી પહેલને કારણે વેબ ગુર્જરીનાં અનેક મિત્રોને એકબીજાંનો રૂબરૂ પરિચય થવાનો પણ યોગ થયો છે.

વેબ ગુર્જરી પ્રત્યેની તેમની નિષ્ઠા એટલી પ્રબળ હતી કે છેલ્લાં થોડાંક વર્ષોમાં તેમને કંપ્યુટર પર લાંબો સમય કામ ન કરવાની તબીબી સલાહ છતાં પણ તેમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તેઓ તેમની ‘ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન’ અને વલદાની વાસરિકા’ લેખમાળાઓના લેખો તેઓ તૈયાર કરી લેતા અને દર વર્ષે ડિસેંબર મહિનાનાં પહેલાં અઠવાડીયામાં પછીનાં આખાં વર્ષના બાર બાર લેખો અચૂક્પણે મોકલી આપતા. તેમના લેખોમાં ક્યારે પણ જોડણી કે ફોર્મેટીંગની નાની સરખી પણ સરતચૂક ન હોય.

તેમની રૂબરૂ હાજરીની ખોટ વેબ ગુર્જરીને કાયમ સાલશે, પણ તેમનાં માર્ગદર્શન અને નિષ્ઠાની પરોક્ષ હુંફ આપણને સદા મળતી રહેશે.

તેમના પરમાર્થી આત્માને ચિરઃશાંતિ મળે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ.

વેબ ગુર્જરી