ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા

(શેર ૧ થી ૩)

મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા
 (સંકલનકાર અને રસદર્શનકાર)

ફિર મુઝે દીદા-એ-તર યાદ આયા
દિલ જિગર તિશ્ના-એ-ફ઼રયાદ આયા (૧)

[દીદા-એ-તર=  ભીની આંખો; જિગર= દિલ, હિંમત; તિશ્ના-એ-ફ઼રયાદ= દુઆ (ફરિયાદ)ની તરસ (આરજૂ)]

ફરી એકવાર આપણને ગ઼ાલિબની શિષ્ટ (Classic), રમતિયાળ શબ્દમઢિત અને તેજસ્વી ટૂંકી બહેરની ગ઼ઝલ મળે છે. પહેલા આ મત્લા શેરમાં આપણને માશૂકાનું માશૂક પરત્વેનું હકારાત્મક વલણ દેખા દે છે. ગ઼ાલિબના મોટા ભાગના શેરમાં માશૂકા રિસાયેલી, માશૂકને દાદ ન આપતી અને માશૂક્થી દૂર ભાગતી જોવા મળશે. પરંતુ અહીં માશૂકને માશૂકાની ભીની આંખોની યાદ આવે છે. માશૂકથી છૂટા પડતી વખતે માશૂકાની આંખોમાં વિરહના દુ:ખે ઉભારાયેલાં ગમગીનીનાં આંસુ માશૂકને વિહ્વળ બનાવે છે.

બીજા મિસરામાં માશૂકાનું પુનર્મિલન ઝંખતા માશૂકના દિલમાં હિંમત જાગે છે અને અલ્લાહને આરજૂસભર દુઆ ગુજારે છે. અહીં માશૂકાની અશ્રુભીની આંખો માશૂકની દુઆ-પ્રાર્થના થવા માટેના ઉદ્દીપક તરીકે કામ કરે છે. સામાન્ય સંજોગોમાં થતી દુઆ કરતાં આ દુઆ અસરકારક નીવડશે, કેમ કે માશૂકાનાં અશ્રુએ માશૂકના દિલમાં એવી તો બેચેની જગાડી છે કે આ દુઆ સાચા દિલથી અને હૃદયના ઊંડાણથી થઈ રહી છે. અહીં ઉર્દૂના રૂઢિપ્રયોગ ‘જિગર તિશ્ના હોના’નો ઉપયોગ થયો છે, જેનો અર્થ થાય છે, ‘દિલમાં તીવ્ર ઝંખના જાગવી’.

આ ગ઼ઝલના તમામ શેરમાં આપણે જોઈશું તો ‘યાદ આયા’ રદીફને ગ઼ાલિબે સુપેરે નિભાવ્યો છે.

* * *

દમ લિયા થા ક઼યામત ને હનૂજ઼
ફિર તિરા વક઼્ત-એ-સફ઼ર યાદ આયા (૨)

[હનૂજ઼=  હજુ; વક઼્ત-એ-સફ઼ર= વિદાયનો સમય]

અર્થઘટન અને રસદર્શન :

ભાષાના અનન્ય અલંકારમાં કહેવું હોય તો કહી શકાય કે ગ઼ાલિબ તો ગ઼ાલિબ છે. ચર્ચાતી ગ઼ઝલના આ બીજા શેરમાં ગ઼ાલિબ આપણને ભવ્યાતિભવ્ય એવી કલ્પનાની સફરે લઈ જાય છે કે આપણે હયાત હોવા છતાં ભવિષ્યે  આવનારા હશ્ર (કયામત)ના દિવસના ચશ્મદીદ ગવાહ બનીને માશૂકની વ્યથાના સમભાવી બની રહીએ છીએ. ઈસ્લામ અને ખ્રિસ્તી મત પ્રમાણે આ દુનિયા ફના થયા પછી એક એવો ન્યાયનો દિવસ આવશે કે જ્યાં જીવાત્માઓનાં સારાંનરસાં કર્મોનો હિસાબ લેવામાં આવશે. પાપીઓ માટે આ દિવસ  એવો ત્રાસદાયક હશે કે તેઓ તોબાહ તોબાહ પોકારતા હશે. આટલી પૂર્વભૂમિકા આપણને આ શેર સમજવા માટે સહાયક બની રહેશે.

અહીં ગ઼ાલિબ એવી કલ્પના કરે છે કે કયામતના એ દિવસે અસહ્ય ગુજારાતા એવા ત્રાસ વચ્ચે થોડોક વિરામ રહેશે. હવે એ વિરામ હજુ શરૂ થયો પણ નહિ હોય અને ત્યાં તો માશૂકને માશૂકાનો એ અંતિમ વિદાયનો સમય યાદ આવી જશે. એ વિદાયનો સમય એવો દુ:ખદ હતો કે તેની સરખામણીએ આ કયામતના દિવસના ત્રાસની કોઈ વિસાત નહિ હોય! અહીં ભાષાશાસ્ત્રનો વ્યતિરેક અલંકાર બને છે. માશૂકને  માશૂકાના મોતની એ આખરી વિદાયવેળાની યાદ માત્ર આવતાં કયામતના ત્રાસનો અલ્પ વિરામ પણ તેમનાથી ભૂલી જવાય છે અને કયામતના ત્રાસથી પણ વધુ પીડાજનક વ્યથા અનુભવાય છે. કયામતના ત્રાસથી બુમરાણ મચાવતા એ જીવાત્માઓની સરખામણીએ માશૂકની એ વિરહની યાદની મૂક વેદના અહીં વધારે બલવત્તર સાબિત થાય છે.

* * *

સાદગીહાતમન્ના યાની
ફિર વો નૈરંગનજ઼ર યાદ આયા ()

[સાદગી-હા-એ-તમન્ના= ઇચ્છાઓની સાદાઈ (Simplicity); નૈરંગ-એ-નજ઼ર=  ઇશ્કનો  આભાસી જાદુ]

અર્થઘટન અને રસદર્શન :

આ ગ઼ઝલનો રદીફ ‘યાદ આયા’ છે. શાયરને દરેક શેરમાંની જુદીજુદી પરિસ્થિતિઓ કે ઘટનાઓમાં યાદ સ્વરૂપે કંઈક ને કંઈક આવતું જાય છે.

અહીં મુંઝવણમાં મુકાયેલા માશૂકનો એવો સાહજિક ઉદ્ગાર છે કે તેમની તમન્નઓમાં સાદગી છે અને તેથી જ તો તેઓ કોઈ મોટી મહેચ્છાઓ ધરાવતા નથી. માશૂકાનો ઇશ્ક નસીબ થાય તેવો પણ તેમનો ખ્યાલ નથી. આમ છતાંય તેઓ પોતાના ચિત્તને માશૂકાના વિચારોથી દૂર રાખી શકતા નથી, એમ જાણતા હોવા છતાંય કે માશૂકા હોશિયારીપૂર્વક તેની લોભામણી નજર દ્વારા તેમના સાથે છેતરપિંડી કરી રહી છે. આમ માશૂક માશૂકાના બદઈરાદાને નજર અંદાઝ કરીને પણ તેના આભાસી ઇશ્કના જાદુમાં સ્વેચ્છાએ ગિરફ્તાર  થતાં જણાવે છે કે ભલે ને તેના દિલમાં ગમે તે ખ્યાલ હોય, પણ તેની ઉપલકિયા ઇશ્કની નજરની યાદ તો આવ્યે જ જાય છે.

                                                                            * * *

(ક્રમશ🙂

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977

નેટજગતનું સરનામુઃ

William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ જીવો અને જીવવા દો