આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર

પણ સમજવું તો જોઇએ

પ્રકરણ # ૩ – અંશ : ૩ થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

આપણી પાસે કયાં અને કેવાં સંસાધનો છે?

આપણા અર્થશાસ્ત્રી મિત્રો કહેતા રહે છે તેમ નાણાં જરૂર બહુ મહત્ત્વનું સંસાધન છે. અર્થવ્યવસ્થાની ગોઠવણી જ એ રીતે કરવામાં આવેલી છે કે આપણાં જીવનનાં ઉદ્દેશ્યો સિદ્ધ કરવા આપણે નાણાનો જ ઉપયોગ કરતાં રહીએ.

પરંતુ જીવનના બધા જ વાંછિત ઉદ્દેશ્યોની  સિદ્ધિ માટે નાણાં જ એક માત્ર સંસાધન છે એવું નથી. આપણી પાસે એક બીજું મોટું સાધન છે આપણો સમય. નાણાને કામે લગાડ્યા સિવાય આપણા સમયના યથોચિત ઉપયોગ વડે પણ આપણે આપણાં લક્ષ્યો સિદ્ધ કરી શકીએ છીએ.

આ ઉપરાંત, આપણી પાસે આપણી શારીરિક તાકાત, બૌદ્ધિક શક્તિ અને આપણી કળા કે હુન્નર જેવાં સંસાધનો પણ છે. આ સંસાધનોના ઉપયોગનું એક પરિમાણ સમયનું છે અને બીજું પરિમાણ આપણી તાકાત કે આવડત, અને તેને કામે લગાડી શકવાનું, છે.

અહીં મહત્ત્વની એ વાત યાદ રાખવાની છે કે આપણે માત્ર અને માત્ર પૈસા કમાવા કે વાપરવા માટે જ આપણું જીવન નથી જીવતાં. આપણે બીન-નાણાકીય પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ આપણા સમયનું રોકાણ કરી શકીએ છીએ. આર્થિક લાભાલાભનો વિચાર કર્યા સિવાય આપણે કેટલીય શારિરીક, બૌદ્ધિક કે કળાત્મક પ્રવૃત્તિઓ કરતાં જ હોઈએ છીએ ને!

૨૧મી સદીએ આપણને (ડિજિટલ) ટેક્નોલોજિના રૂપમાં એક નવું, અને ઘણું સશક્ત, સાધન આપ્યું છે. ડિજિટલ ટેક્નોલોજિએ આપણા સમક્ષ અનેક નવાં ઉપકરણો મુકવાની સાથે ૨૦મી સદીના કેટલાંય ઉપરકરણોને વધારે સશક્ત અને વધારે સક્ષમ સ્વરૂપે મુકી દીધાં છે. આજે ઘરનો ઉંબર ઓળંગ્યા વિના જ  વર્ચ્યુઅલ માર્ગો પર ભમી ભમીને તમે, ગણત્રીની મિનિટોમાં, આખી દુનિયાની સફર કરી આવી શકો છો.  ડિજીટલ ટેક્નોલોજી તમને દુનિયાને બીજે છેડે ઉપલબ્ધ કૉલેજમાં ભણવા/ભણાવવાની પણ ક્ષમતા આપી શકે છે. તમને ખુબ ગમતું, પણ પરંપરાગત રીતોથી અપ્રાપ્ય એવું,  સંગીત, ચિત્ર, ફિલ્મ કે પુસ્તક દુનિયાને કોઈ પણ ખૂણેથી તમે તમારા મોબાઈલ ફોન પર થોડાંક ક્લિક માત્ર કરીને મેળવી લઈ શકો છો.

નાણાના પ્રભાવને  હાવી થવા દેવા સિવાય આપણી પાસેનાં દરેક પ્રકારનાં સંસાધનોને કામે લગાડીએ

આપણે જ્યારે આપણી પાસેનાં કોઈ પણ સાધનને કામે લગાડીએ છીએ ત્યારે તેની નાણાકીય કિંમત ગણી શકવી મુશ્કેલ નથી. પરંતુ, કેટલાંક લોકો જેમ પોતાની દરેક પ્રવૃતિનો હિસાબ નાણામાં કરવાનું પસંદ નથી કરતાં એમ સંસાધનોના વપરાશની પણ દરેક વખતે નાણામાં કિંમત ગણવી જરૂરી નથી. આપણી જિંદગી જીવવાની રીતની, અને જીવન દરમ્યાન કરવાની પ્રવૃત્તિઓની, પસંદ-નાપસંદ એ આપણી મનમરજીની બાબત છે.  આપણા બધા નિર્ણયો નાણાને જ ધ્યાનમાં રાખીને આપણે નથી પણ કરતાં. આપણાં જીવનની બધી ખુશીઓનો હિસાબ પણ નાણામાં જ માંડવો જરૂરી નથી. આપણા જીવનના નાણા પથ અને બીન-નાણા પથના માર્ગો એક સાથે જ વહેતા રહે છે. જે સમયે જે યોગ્ય હોય તે પથ પર આપણે એટલી સફર કરી લેતાં હોઇએ છીએ. એ જ રીતે નાણા કેન્દ્રિત અર્થશાસ્ત્ર અને આપણી પોતાની અર્થવ્યવસ્થા એ બન્ને વ્યવસ્થાઓ હંમેંશાં આપણી સામે જ હોય છે. કયા સમયે કઈ વ્યવસ્થા વધારે પ્રસ્તુત છે તે આપણે નક્કી કરીએ છીએ.

જોકે, નાણા કેન્દ્રિત અર્થવ્યવસ્થાના પથ પર જ સફર કરવાના આગ્રહની મનોદશામાં કેળવાયેલા અર્થશાસ્ત્રીઓનો આગ્રહપૂર્વકનો મત રહ્યો છે કે આપણા સમય અને આપણી આવડત કે આપણા પ્રયત્નો કે આપણાં જ્ઞાનની કિંમત હંમેશાં નાણામાં આંકવી જ જોઈએ. તેમનું એ પણ માનવું છે કે, સંસાધનોના વપરાશની આ રીતે નાણામાં અંકાયેલી કિંમતને આપણે પરંપરાગત ખર્ચ અને લાભાલાભનાં વિશ્લેષણની ગણત્રીમાં લઈએ તો એ વિશ્લેષણ વધારે વાસ્તવિક અને વધારે પુરૂં બની રહેશે. દાખલા તરીકે, ગૃહિણી દ્વારા કરાતાં ગૃહજીવનનાં કામોની કિંમત નાણાના પરિપ્રેક્ષ્યમાં જ આંકવાનું તેઓ પસંદ કરે છે !

આપણી આસપાસના સમાજમાં એવા કેટલાય વ્યવસાયો છે જેને આપણે ‘અસામાન્ય’ કહીએ છીએ. જેમકે, દેહવિક્રયનો એક બહુ જ જુનો વ્યવસાય. તેમાં સક્રિય એવી દરેક સ્ત્રી પોતાના હુન્નર અને કળાને વેંચીને માત્ર નાણાં જ કમાવા માગતી હશે? પરંપરાગત અર્થશાત્રીઓ તો એમ જ માને છે. પોતાના પ્રયત્નો કે હુન્નરનાં પ્રોત્સાહક વળતરનાં અપેક્ષિત તેમ જ અન-અપેક્ષિત, આર્થિક તેમજ સામાજિક અને સાંસ્કૃતિક, પાસાંઓના અભ્યાસની અર્થશાસ્ત્રની ‘ફ્રીકોનોમિક્સ’ તરીકે જાણીતી એક શાખા છે. એ શાખાના સિદ્ધાંતોને અનુસરતા અર્થશાસ્ત્રીઓ દેહવિક્રયના વ્યવસાયને કાયદાની માન્યતા આપવાની તરફેણ કરતા રહ્યા છે. તેમનું માનવું છે કે જેમ ગર્ભપાતને કાનુની માન્યતા આપવાથી મહિલા સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની સકારક અસરો થઈ એમ જ દેહવિક્રયને કાયદાની માન્યતા આપવાથી પણ થશે. સામાન્ય નાગરિકથી લઈને સમાજશાસ્ત્રીઓ અને ન્યાયવિદો આ બાબતે અનેક પક્ષમાં વહેંચાઈ ગયા છે.

તમાકુજન્ય ઉપાદનો, મદ્યજન્ય ઉત્પાદનો, લોટરી, બંદુકનાં ઉત્પાદન જેવા કેટલાય વ્યવસાયો માટે આર્થિક અને સામાજિક પરિપ્રેક્ષ્યોમાંના અનેક પક્ષોમાં વહેંચાઈ ગયેલી આવી ચર્ચાઓ સમયે સમયે આપણું ધ્યાન ખેંચતી જ રહી છે.

આપણે આપણા મુળ વિષય તરફ પાછાં ફરીએ.

અર્થશાસ્ત્રીઓની દૃષ્ટિએ તો કોઈ પણ વ્યવસાયમાં પોતાનાં જ્ઞાન અને આવડતનો વિનિમય મહત્તમ નાણાકીય વિનિમયમાં કરવો એ તો શુદ્ધ તર્ક છે. તેમનાં સન્નિષ્ઠ મંતવ્ય દરેક વ્યક્તિ પોતાની જે આવડત હતી તેનો ઉપયોગ વધારેમાં વધારે નાણાં કમાવામાં કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ગાંઠમાં પુરતાં નાણાંનું હોવું જીવનનાં દરેક સુખની પ્રાપ્તિમાં બહુ ઉપયોગી નીવડી શકે છે.

આટલી ટુંકી ચર્ચામાંથી પણ, ફરી ફરીને, એટલું  તારણ નીકળતું જણાય છે કે પરંપરાગત અર્થશાસ્ત્રીઓ હંમેશાં બીનનાણાકીય અર્થવ્યવસ્થાના અસ્વીકારની મનોદશામાં જ રહે છે. એ લોકો બીનનાણાકીય અર્થવ્યવસ્થાને, અને તેની સાથે સંકળાયેલ નિર્ણયકર્તાઓને, અવગણતા રહે છે. એ લોકો સંન્નિષ્ઠપણે માને છે કે બીન-નાણાકીય અર્થવ્યવસ્થાને અનુસરતાં લોકો બિન-તાર્કિક છે, અને તેથી નાણાકીય નફાનુકસાનની તેમને કોઈ ગણતરી જ નથી.  પરંતુ જમીની હકીકત તો એ જ છે કે બીનનાણાકીય અર્થવ્યવસ્થાનાં અસ્તિત્વ વિશે કોઈ શંકાને સ્થાન નથી, તેમજ આપણા જેવાં તથાકથિત બિનતાર્કિક લોકો અવગણી ન શકાય એટલી બહુમતીમાં છે. એટલું જ નહીં પણ એ બિનતાર્કિક લોકોના નિર્ણયો તેમની પોતાની નાણાકીય તેમ બિણનાણાકીય અર્થવ્યવસ્થા મુજબના હોય છે. કુટુંબ માટે આપણે જે કંઈ કરીએ છીએ તેને નાણામાં મુલવવાનું, અને તેના નાણાકીય લાભાલાભ ગણવાનું, કહેવું એ આ બહુમતી નિર્ણયકારોની વિવેકબુદ્ધિનું અપમાન પણ છે અને નાણાકીય અર્થવ્યવસ્થાના નિયમોની બહાર પોતાની આગવી અર્થવ્યવસ્થામાં રહેવાની તેમની જીવનશૈલીનું અવમાન પણ છે. અર્થશાસ્ત્રીઓની દૃષ્ટિએ આપણી દરેક પ્રવૃત્તિનાં નાણાકીય મૂલ્યની ગણતરી કરવી જોઈએ એવી માન્યતા ભલે ‘તાર્કિક’ હશે, પણ નાણાકીય અર્થવ્યવસ્થાની  બહાર થતા બીન-નાણાકીય નિયમો, અને એ નિયમોની નાણાકીય અર્થવ્યવસ્થા પર સામુહિક સ્તરે થતી અસરોની, સરાસર અવગણના જ છે.

આપણાં જીવનના અનેક તબક્કે, ઘણી વાર, આપણે પરંપરાગત નાણાકીય પ્રાધાન્ય ધરાવતી અર્થવ્યવ્સ્થાની બહાર ગણાય એવા નિર્ણયો લેવા પડતા હોય છે, લેતાં જ હોઈએ છીએ.  જીવનને અમુક તબક્કે પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ જ કરવા માટે ખુબ ઊંચા પગારોવાળી નોકરીઓ છોડી દેનારાં લોકોના કેટલાય દાખલાઓ આપણી સમક્ષ આવ્યા જ કરે છે.  નાણાંથી મળતાં સુખ, સગવડો કે માન-અકરામો કરતાં સંગીત, કળા, સમાજ સેવા જેવી પોતાની મનપસંદ પ્રવૃતિ કરવાથી જે આનંદ, જે સુખ, જે સંતોષ તેમને અનુભવાય છે તેનું કોઈ નાણકીય મૂલ્ય આ લોકો માટે નથી. નાણાકીય વળતર સિવાયની અપેક્ષાથી કરાયેલ અન્ય વ્યવસાયની પસંદગી એ દરેક વ્યક્તિનાં પોતાનાં અંગત સ્વાતંત્ર્ય અને સમજ મુજબ લેવાયેલ,  બિનઆર્થિક દેખાતો,વ્યક્તિગત, ‘આર્થિક’, નિર્ણય છે. પોતાનાં જીવનની સુખની એ કેડી પસંદ કરવાનો એ નિર્ણય દર્શાવે છે કે આપણાં સુખની દરેક વ્યાખ્યા નાણાનાં મૂલ્યમાં સીમિત નથી થતી. નાણા સિવાય પણ આપણે ખુશ રહી શકીએ છીએ !

આર્થિક અને બીનઆર્થિક એવાં દરેક શક્ય પરિમાણોના સંદર્ભમાં, ખર્ચાઓ અને તેમાંથી નીપજી શકતા લાભાલાભનાં ગણત્રીઓ 

નાણાકીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જે ખર્ચાઓ માટે સાચું છે તે તેમાંથી નીપજતા લાભાલાભો અને તેમનાં વિશ્લેષણો માટે પણ એટલું જ સાચું છે.  અર્થશાસ્ત્રીઓ આપણને થતા દરેક લાભાલાભની ગણતરી નાણાકીય મૂલ્યમાં કરતા હોય છે. જ્યારે એ લાભાલાભોની ગણત્રી નાણામાં ન થાય એમ હોય, કે આપણા જે લાભાલાભો  તેમનાં નાણાકીય મૂલ્યાંકન અભ્યાસોનાં માળખામાં બંધબેસતા ન હોય એવા લાભાલાભોને તેઓ ગણતરી ન લેવાનું પસંદ કરતા હોય છે. પોતાનાં કુટુંબમાં માટે કરાતી, કે સખાવતોની ભાવનાથી કરાતી, કે સામુહિક સમાજ સેવાની ભાવનાથી કરાતી દરેક પ્રવૃત્તિઓની નાણામાં કિમત ગણવાનો કોઈ અર્થ આપણને આપણાં વ્યક્તિગત સ્તરે સરતો હોય એવું આવશ્યક નથી.

જોકે સારી વાત એ છે કે, બહુધા, અર્થશાસ્ત્રીઓની નાણાપ્રાધાન્ય મનોદશા અને તેનાથી પ્રેરિત ખર્ચ-લાભાલાભ વિશ્લેષણોની અવગણના કરી લઇએ છીએ.

એ સમયે આપણા માટે બીન-નાણાકીય લાભાલાભ વધારે મહત્ત્વ ધરાવતા હોય છે.

અણીના સમયે આપણી જરૂરિયાત પુરી કરે એવી સેવા આપણા માટે વધારે મૂલ્યવાન હોઈ શકે છે. જેમને આપણે બહુ જ ઝંખતાં હોઈએ તેમને ગમે એટલા સમય અને ખર્ચના વ્યય પછી મળ્યા બાદ એ પળનાં સ્મિતની આપણે મન ઘણી વધારે કિંમત હોઈ શકે છે. આપણી મનપસંદ સામાજિક સેવા સંસ્થામાં સભ્ય તરીકે આપણી સ્વીકૃતિ આપણા માટે વધારે મહત્ત્વ ધરાવતી હોઈ શકે છે. આપણી આવી બધી અપેક્ષાઓ પુરી કરવામાં આપણે ઘણી વાર રૂપિયા પૈસા કે સમય કે મહેનત જેવી બાબતોનાં  ખર્ચને ગૌણ ગણતાં હોઈએ છીએ એ સ્થિતિમાં આવી બધી બાબતોમાં આનંદની કે લાગણીનું જે અકથ્ય મૂલ્ય છે તેની સાથે નાણાંનો હિસાબ આપણને કે આપણાં આપ્તજનોને અપમાનજનક લાગી શકે છે.

આમ આપણા જીવનનાં સુખની ખોજ માટે આપણે ‘વૈજ્ઞાનિક’ અર્થશાસ્ત્ર તેમ આપણી અંગત અર્થવયવ્સ્થા એમ બન્ને પ્રકારનાં માળખામાંથી આપણે તે સમયે જે સૌથી વધારે – ઘણીવાર એક સાથે બન્ને પણ –  યોગ્ય લાગે તે વિકલ્પની પસંદગી કરી લેતાં હોઈએ છીએ.

આપણી અંગત અર્થવ્યવસ્થાનાં માળખાં અને અંગત અર્થવ્ય્વસ્થામાં નાણાનાં સ્થાન વિશે પણ થોડી વાત કરી લઇએ.


હવે પછી આપણી અંગત અર્થવ્યવસ્થાનું માળખું અને અંગત અર્થવ્યવસ્થામાં નાણાનું સ્થાનની વાત કરીને આ પ્રકરણ પુરૂં કરીશું.


ક્રમશઃ


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.