અવલોકન

 – સુરેશ જાની

હાઈવે

     તમે એક્સપ્રેસ હાઈવે પર કલાકના સાઠ માઈલની ઝડપે આગળ ધસી રહ્યા છો. રસ્તાની બન્ને દિશામાં બબ્બે લેન છે. પણ તમે તો તમારી બેમાંથી એક લેન પર જ ગાડી ચલાવી શકો છો. જ્યાંથી આવ્યા ત્યાં પાછા નથી જઈ શકતા. નાકની દાંડીએ બસ આગળ ને આગળ, લક્ષ્ય સુધી  ન પહોંચાય ત્યાં સુધી.  બસ સતત દોડતા જ રહેવાનું છે.

વચ્ચે ઘણા ત્રિભેટા ( Exit) આવે છે. પણ એમાંનો એક પણ તમારા કામનો નથી. ઘણા તો બહુ આકર્ષક ત્રિભેટા છે. સરસ મઝાના, કુદરતી સૌંદર્યવાળા પાર્ક, લેક કે મનોરંજનના સ્થળ પર તે લઈ જાય છે. ક્યાંક ખાવાપીવાની સરસ મજાની વાનગીઓ પણ મળે છે. પણ તમે ત્યાં અટકી નથી શકતા. તમારે તો લક્ષ્ય સ્થાને પહોંચવાનું છે – સમયસર. કોઈ અણમોલ તક તમારી રાહ જોઈ રહી છે. નસીબ આડેનું પાંદડું કદાચ ખસી જવાનું છે. હા ! થોડો સમય ખાણીપીણી માટે કે નાનો મોટો છુટકારો લેવા અટકાય; પણ લાંબો વખત નહીં. ન વિરામ ઘટે; ન વિલંબ ઘટે.

થાકી ગયા તો કિનારો આવે,
સતત ચાલવું જોઈએ, એક દિશામાં.

       અને તમારો ત્રિભેટો હવે નજીક આવી રહ્યો છે. જો જરા ગાફેલ રહ્યા, બેધ્યાન રહ્યા કે બીજી કોઈ વાતમાં મન પરોવ્યું અને તમારો ત્રિભેટો તમે ચૂકી ગયા, તો પાછા જ ફરવું પડે. એમ બને કે, આવી ગફલત થઈ છે, તેનો ખ્યાલ તમને બહુ મોડો આવે – ચોથા કે પાંચમા ત્રિભેટા પછી આવે. અને તમે પાછા વળો અને ફરી પાછા તમારી સાચી દિશામાં આગળ વધો. તમારો રસ્તો તમને પાછો મળી પણ જાય. પણ ગયેલી એ ઘડી, એ પળ પાછી નહીં આવે. તમે લક્ષ્ય પર પહોંચો ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય. એ તક જતી રહી હોય. આગળ ચોટલાવાળી અને પાછળથી બોડા તાલકાવાળી સ્ત્રી જેવી તક!

અથવા એટલું મોડું થઈ ગયું હોય કે. ગાઢ અંધારું તમને ઘેરી વળે, અને ન ઊઠી શકાય તેવી કોઇઇક નિદ્રામાં પોઢી જાવ.

——————–

        જિન્દગી પણ આવા એક હાઈવે જેવી જ છે, નહીં વારુ?

ક્રિયા – પ્રતિક્રિયા

      ત્રણ દિવસથી વરસાદ ‘અઠે દવારકા’ કરીને બરાબર જામી પડ્યો છે. જવાનું નામ જ નથી લેતો. સામાન્ય રીતે હું આવા દિવસોમાં ઘરની બહાર નીકળતો નથી. પણ તે દિવસે મારા દીકરાના ઘેર ખાસ અગત્યના કામે જવું પડ્યું; અને તે પણ – વરસતા વરસાદમાં.  આમ તો અમેરિકાના રસ્તાઓની સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી હોય છે. વરસાદ બંધ થાય પછી દસેક મિનિટમાં ક્યાંય પાણી ભરાયાં ન હોય. પણ મૂશળધાર વરસતા વરસાદમાં ક્યાંક તો પાણી ભરાય જ  ને?

મારી કાર એ હાઈવે પર કલાકના ૫૫ માઈલની ઝડપે જઈ રહી હતી. કોરો દિવસ હોય તો તો કલાકે ૬૫ માઈલની  ઝડપ જ હોત. પણ વરસાદના કારણે સાવચેતી માટે હું થોડો ધીમો હતો. કાર એક ફ્લાય ઓવર પાસેથી પસાર થઈ. સારું એવું પાણી ભરાયેલું હતું. આખી લેન પર ત્રણ ચાર ઈંચ પાણી હતું. પાણીનો મોટો શાવર ફ્લાય ઓવરના કોલમ પર અને આજુબાજુ ફેંકાયો: જાણે કે, મોટો પમ્પ ચલાવ્યો ન હોય? બારીઓ બંધ હોવા છતાં સારો એવો છબ્બાક અવાજ પણ સંભળાયો. સાથે સાથે કારને પણ જબરદસ્ત થડાકો લાગ્યો. કાર થોડીક ઊંચી અને વાંકીચૂકી થઈ ગઈ. મહાપ્રયત્ને, સ્ટિયરિન્ગનું નિયમન કરીને કારને લેનની બહાર જતાં રોકી.

આમ તો પાણીનાં નાનકડા બિંદુઓ જ. પણ એમના મસ મોટા સમૂહને કારણે આપણી રોજિંદી ક્રિયા પર નિયમન આવી ગયું.

     અમે કેરમની રમત રમી રહ્યા છીએ. મારી બે કુંકરીઓ મારી લાઈનની અંદર છે. પણ હું નિયમ પ્રમાણે તેમને સીધી કાઢી શકતો નથી. સામેની દીવાલ પર સ્ટ્રાઈકર અફળાવી,  તેની વળતી ગતિમાં જ એ કુંકરી પર નિશાન અજમાવી શકાય છે. સ્ટ્રાઈકર જે દિશામાંથી  દીવાલ સાથે અફળાયો હોય, તેની વિરુધ્ધ દિશામાં એટલા જ વેગથી પાછો ફેંકાય છે. દીવાલ સાથે  અથડાય ત્યારે, ખટ્ટાક અવાજ પણ થાય છે.

    મારી દીકરાના દીકરાને હું દીવાલ તરફ બોલ ફેંકીને કેચ કરવાની રમત શીખવાડી રહ્યો છું. બોલ અફળાઈને પાછો આવે છે. જો સીધો નાંખ્યો હોય તો, મારા હાથમાં જ આવીને ઊભો રહે છે. પણ સહેજ ત્રાંસો હોય તો વિરુધ્ધ દિશામાં ગતિ કરી, મારાથી દૂર જતો રહે છે, એને પકડવા મારે ખસવું પડે છે. દીવાલ સાથે  અથડાય ત્યારે, ધબ્બ જેવો અવાજ પણ થાય છે.

ક્રિયા અને પ્રતિક્રિયા – ન્યુટનનો ત્રીજો નિયમ – અને મન વિચાર કરવા  લાગે છે.

માનવ મન પણ સતત પ્રતિક્રિયા કરવા ટેવાયેલું છે. કાંઈક બને કે તરત જ તે વિચારવા લાગે છે; મૂલ્યાંકન કરે છે; અને તેને આનુષંગિક નિર્ણયો લે છે. કદીક એ નિર્ણયો અમલમાં પણ મૂકે છે. સામેની વ્યક્તિ કે સમૂહ પણ એમજ કરવા ટેવાયેલાં છે. અને આમ સામસામે ક્રિયા – પ્રતિક્રિયાની વણઝાર ચાલુ થઈ જાય છે. દરેક વખતે ઘોંઘાટ તો ખરો જ! કદીક આ પ્રક્રિયાની શ્રુંખલા ( chain reaction) પણ જન્મ ધારણ કરે છે – અને વાતનું વતેસર!

  • અપરિવર્તનશીલ પૂપુર્વગ્રહો, ગેરસમજુતીઓ, વિવાદ અને વિસંવાદ
  • આયખા ભરના સંબંધોમાં તિરાડ:  અબોલા અને વિચ્છેદ
  • યુધ્ધ, સંઘર્ષ, વિનાશ, તબાહી
  • અનાથો, આંસુ, લોહીની નદીઓ.

માનવ સંબંધોમાં ન્યુટનના ત્રીજા નિયમને ખોટો ઠરાવે તેવો કોઈ આઈનસ્ટાઈન – બ્રાન્ડ સુધારક પ્રગટે તો કેવું? નહીં વારુ? એમ ન બને કે,  આપણા મર્યાદિત ક્ષેત્રમાં આપણે જ આપણા આઈનસ્ટાઈન બની શકીએ? પ્રતિક્રિયા કરવામાંથી  આપણા મનને રોકીએ? કોઈ પૂર્વગ્રહો, પાયાવિહિન માન્યતાઓ ઊભા ન જ થવા દઈએ?

હાઈવે ઉપર સફર

     રાતનું અંધારું શરુ થઈ ગયું હોય તેવી, શિયાળાની મોડી સાંજે, તમે મુસાફરીએ આવેલા સ્થળથી તમારા ઘેર પહોંચવા નીકળ્યા છો. નજીકના નાના અને જાણીતા રસ્તા છોડી, તમે સ્ટેટ હાઈવે પર આવી ગયા છો. આજુબાજુ, ચોગમ, કાળો ડીબાંગ અને ઝાડી ઝાંખરાથી ભરપૂર વગડો માત્ર જ છે. મધુરું બાળપણ છોડીને જવાબદારી અને માથાકૂટથી ભરેલા વિદ્યાર્થી કાળના જેવો જ તો.

કાળા ઘોર વગડાની વચ્ચે એક પ્રકાશનો પુંજ કલાકના સાઠ માઈલની ઝડપે સરકી રહ્યો છે. આગળનો રસ્તો બરાબર દેખાય તે માટેની ઝળાંહળાં થતી હેડ લાઈટ અને પાછળ આવનાર વાહનને તમે પણ રસ્તા પર છો; તેની જાણ કરવા માટેની લાલ ચટ્ટાક ટેઈલ લાઈટ. જીવન સંગ્રામમાં ઝઝૂમવા માટે જરુરી, પ્રજ્ઞા, શાણપણ અને સુરક્ષાની પાયાની વૃત્તિ જેવા,  તમારાં આ એક માત્ર સાધનો છે. અલબત્ત શરીરનાં મહત્વના અંગો અને ઉપાંગો જેવું એન્જિન તો એની મેળે ચાલતું જ રહ્યું છે – પ્રાણતત્વ જેવું ઈંધણ ભરેલું છે ત્યાં સુધી.

તમે જે દિશામાં જઈ રહ્યા છો , તે જ દિશામાં રડ્યાં ખડ્યાં વાહનો તમારી આગળ અને પાછળ મુસાફરી કરી રહ્યાં છે. પણ એ તમારા કશા ખપનાં નથી. કોઈક તેજ ચાલનારાં તમારી કારને ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે; તો કો’ક મંદગતિવાળાને તમારી કાર ઓવરટેક કરી દે છે.

પણ જો આવા કોઈ વાહનની વધુ નજીક તમે આવી ગયા તો? અને તેય કોઈ માતેલા સાંઢ જેવો કે, કોઈ બળીયા પ્રતિસ્પર્ધી જેવો ખટારો હોય તો? શું વલે થાય? બરાબર જીવન સંગ્રામની જેમ જ તો!

સામેની દિશામાંથી પણ તમારી કાર જેવા કોઈક પ્રકાશના પુંજ ધસમસતા જઈ રહ્યા છે. સદભાગ્યે, એમની અને તમારી વચ્ચે ભેદી ન શકાય તેવી આડશ છે. પણ જો એમની સાથે મુઠભેડ થઈ ગઈ તો? બન્નેનો ખુડદો જ બોલી જાય ને – હાથોહાથની અથડામણની જેમ? તમારી જીવનદ્રષ્ટિથી સાવ વિપરિત દ્રષ્ટિ ધરાવતા લોકોથી આમ સાવ છેટા રહેવામાં જ શાણપણ!

ક્યાંક ક્યાંક એ કાળા ડીબાંગ ફલકમાં દૂદુર કોઈક તગમગતા તારલા જેવા ગામ કે એકલદોકલ ફાર્મ હાઉસના અણસાર પણ દ્રષ્ટિગોચર થઈ જતા હોય છે. પણ આ કાળઝાળ રાત્રિમાં તમે એકલા નથી – એટલો સધિયારો પૂરવા સિવાય એમની કશી ઉપયોગિતા નથી. તમારે તો ગાતાં જ રહેવાનું છે –

એકલા આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના.‘

બેફામ

     પણ છેક એમ તો નથી. તમારી સાથે ગાડીમા જીવનભર સાથ આપનાર તમારી જીવનસંગિની તો છે જ; પણ આગલી સીટમાં તમારા બન્નેનો અંશ તમારો પુત્ર સારથી બનીને તમારી જીવનસફરમાં – ભુલ્યો, તમારી આ મુસાફરીમાં – તમને દોરી રહ્યો છે. એની બાજુમાં એની જીવનસંગિની છે. જીવનના અંતિમ તબક્કામાં તમારા કુટુમ્બની આ એકવાક્યતાથી તમે જીવન – સાફલ્યના પરિતોષના ભાવમાં રમમાણ છો.

અંધારિયાની એ રાતના આકાશમાં ટમટમતા તારલા ચમકી રહ્યા છે. એમનો નજારો આકર્ષક છે; પણ એય કશા ઉપયોગનો નથી; સિવાય કે, બ્રહ્માંડની વિશાળતાની સાક્ષી પૂરતા એ તમારી ક્ષુદ્રતાની વારંવાર યાદ આપતા રહે છે. વિતેલા કાળમાં સાચી દિશાની એંધાણી આપવાનું એમનું કામ હવે કારના ડેશબોર્ડ પર ટિંગાડેલા જી.પી.એસ. સાધને લઈ લીધું છે. એમને માનવ પ્રજ્ઞાની સીમા જેવા ત્રણ ત્રણ સેટેલાઈટો દરેકે દરેક, નાનકડી હિલચાલની ચોક્કસ માહિતી આપી રહ્યા છે. હવે એ જી.પી.એસ. જ તમારો ધ્રુવતારક છે.

તમારો વક્રદ્રષ્ટિ સ્વભાવ આ સાધનોને તુચ્છાકારી રહ્યો છે. ‘તમારા યુવાની કાળની સફરની, બધી સનસનાટી અને આવેગો તમારો પુત્ર એના થકી ખોઈ બેઠો છે.’ એવો મિથ્યા વિચાર તમારા અહંકાર અને નવી પેઢી પ્રત્યેની તમારી ઈર્ષ્યા અને અણગમાને પોષી રહ્યો છે!

અને લો ! દૂરથી પ્રકાશિત દીવાઓનો સમૂહ તમારી નજીક આવી રહ્યો છે. થોડીક જ વારમાં તમે ઝળહળતા કોઈક નાના નગરના સીમાડે પહોંચી ગયા છો. તમારી સફરનો એક માઈલ સ્ટોન તમે સર કર્યો છે. પણ શહેરની લાલ લીલી લાઈટો તમારી સફરને અટકાવી દે છે – જેમ સમૃધ્ધિ મળતાં જીવન સફરનો વેગ ધીમો બની જાય તેમ. આ સિધ્ધિનો લાભ લઈ, પગ છૂટો કરવા થોડા રોકાઓ છો. પણ ક્ષણિક રાહત સિવાય, આ મુકામ તમારા કશા કામનો નથી. તમે અહીં અટકી નથી શકતા. આગળ અને આગળ અંતિમ મુકામ સુધી તમારે સફર ચાલુ જ રાખવાની છે.

આવાં અનેક નગરો આવે છે; અને વિદાય લે છે. એમાંનો કોઈ ઝળહળાટ તમારી સફરના ધ્યેય સાથે સુસંગત નથી. એને તમારે અલવિદા કહેવી જ પડે છે. અને એક મોટું જન્ક્શન આવી ગયું. હવે તમારી જીવનકાર સ્ટેટ હાઈવે પરથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવી ગઈ છે. તમારી જીવનભૂમિકાનો હાઈવે તમને લબ્ધ થઈ ચૂક્યો છે.  તમારી કારની ઝડપ હવે વધી ગઈ છે. હવે રસ્તે આવતા નગરોની કોઈ લાલલીલી બત્તી તમારી સફરને રોકી શકે તેમ નથી. તમારી પ્રગતિ હવે તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. હવે રસ્તો બહુ ઝડપથી કપાવા માંડે છે. સંવાદિતાથી ચાલતી કારના બધા નાદ અને આઈપોડમાંથી રેલાતું સૂરીલું સંગીત તમને નિદ્રાધીન/ સમાધિસ્થ કરી દે છે.

અને આ શું?

તમારી કાર રસ્તાની બાજુના શોલ્ડર ઉપર, ખોટકાઈને ખડી થઈ ગઈ છે. તમે ચારે જણ હાંફળા ફાંફળા બનીને મદદ માટે હાથ લાંબા કરી સનસનાઈને પસાર થઈ જતાં વાહનોને રોકવાનો મિથ્યા પ્રયત્ન કરો છો. પણ જીવનની જેમ કોઈના માટે , કોઈ રોકાતું નથી. તમે નીરાશ વદને, આ ઘનઘોર રાત્રિમાં, આ કાળાડીબાંગ, અવાવરુ અને ભયજનક વગડામાં બેબસ, બેસહારા, નિરાધાર બની ગયાની હતાશામાં માથે હાથ દઈ બેસી પડો છો. આકાશમાંથી બે ચાર છાંટા પડ્યાનો તમને અહેસાસ થાય છે. દુકાળમાં અધિક માસ જેવી આવી પડેલી આ આપત્તિને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ તમારી પાસે નથી. તમે ચારે જણ કારનું શરણું લેવા પારોઠનાં પગલાં ભરો છો.

અને ત્યાં કોઈ હાથ તમારી ગરદન ઉપર ફરતો તમે અનુભવો છો. તમારા સમગ્ર શરીરમાં ભયનું એક લખલખું ફરી વળે છે. શિયાળાની આ કડકડતી ઠંડીમાંય તમે પસીને રેબઝેબ થઈ જાઓ છો. પણ તમારી પત્નીનો સ્નેહાળ અને રણકતી ઘંટડી જેવો અવાજ તમને સંભળાય છે.

“ હું કહું છું; તમને કંઈ થાય છે? શરીરે ઠીક તો છે ને?”

અને તમે પાછા સ્વપ્નજગતની એ ભયાનક અનુભૂતિમાંથી પાછા, કારની સવલત ભરેલી દુનિયામાં પુનરાગમન કરો છો. તમારી જીવનસંગિની જ તમારી એક માત્ર સાચી મિત્ર છે; એની સ્વાનુભવી પ્રતીતિ તમને થઈ જાય છે.  જીવનમાં આવતી કસોટીઓની જેમ આ દુઃસ્વપ્ન પણ પસાર થઈ જાય છે. તમને હવે ખબર પડે છે કે, એક લાલ લીલી સિગ્નલ લાઈટ આગળ કાર થંભેલી છે. તમારી નજર રસ્તાની બાજુએ આવેલા તમારાં જાણીતાં ગેસ સ્ટેશન, હોટલ અને બેન્કના મકાન તરફ જાય છે.

તમે ધન્યતા અનુભવો છો કે, છેવટનો મુકામ આવી ગયો છે. તમારું કાયમનું ઘર હવે ઢૂંકડું છે. ત્યાં જઈ તમે આરામની ઉંઘમાં ગરકાવ થઈ જવાના છો. એમાંથી જ્યારે ઉઠાય ત્યારે ખરું. એ તમારી આ સફરની ચિંતા, વ્યથા, થાક, હતાશા, અસલામતી – બધાંનો છેવટનો ઉકેલ છે. તમારી ગાડી અહીં ગતિ કરતી અટકી જવાની છે. પણ તમને એનું કોઈ દુઃખ નથી.

તમારી મુસાફરી થોડી ઘણી અગવડ અને પેલા દુઃસ્વપ્ન સિવાય નિર્વિઘ્ને પૂરી થયાનો સંતોષ માણી તમે ‘સ્વધામ’માં થાકેલા તને, પણ પ્રફુલ્લ મને પ્રવેશ કરો છો.

હાઈવે પરનો એક્ઝિટ 

     દરરોજનો અનુભવ છે. આમ તો લાંબા અંતરે જવાનું હોતું નથી. દીકરીના દીકરાને નિશાળેથી બપોરે લઈ આવવાનું એ રોજનું કામ. પાંચ માઈલનો એ રોજનો રસ્તો. પણ એ પાંચ માઈલની મુસાફરી માટે પણ હાઈવેનો સહારો લેવો પડે છે. એ વિના પણ મુસાફરી થઈ તો શકે છે. પણ એ રસ્તો બહુ લાંબો પડે છે. તેની ઉપર ધીમી ગતિએ જવું પડે છે. વચ્ચે રૂકાવટો પણ ઘણી આવે છે. ક્યાંક ટ્રાફિક સિગ્નલ તો ક્યાંક સ્ટોપ સાઈન. વળાંકો પણ ઘણા આવે. ક્યાંક તો રસ્તો સાવ નાનો હોય, બન્ને દિશામાં માત્ર એક એક જ લેન.

આથી દરરોજ એ હાઈવેનો સહારો અચૂક લેવો પડે છે. અમારા ઘરની નજીકના મુખ્ય રસ્તા પરથી તેમાં પ્રવેશવાનું અને નિશાળની નજીકના નાનકડા રસ્તા પર પ્રવેશવા તેમાંથી નીકળી જવાનું. પાછા વળતાં આનાથી ઉંધી પ્રક્રિયા. આ બન્ને માટે એક્ઝિટનો સહારો લેવાનો.

હવે વાત એ કરવાની છે કે, જ્યારે એક્ઝિટ પરથી હાઈવેમાં પ્રવેશવાનું હોય ત્યારે ખાસ સતેજ રહેવું પડે. હાઈવે પર ચાલી રહેલી ગાડીઓનો પ્રવાહ દૂર હોય ત્યારે જ એમાં પ્રવેશી શકાય. મોટા ભાગે તો જગ્યા મળી જ જાય. પણ કો’ક વખત લાંબી વણજાર આવી રહી હોય ત્યારે બહુ જ અસમંજસ રહે. ગતિ વધારે પણ ન રાખી શકો અને ધીમી પણ નહીં. કદીક સાવ અટકી પણ જવું પડે અને ચાલ મળતાં ત્વરાથી ઝડપ વધારી હાઈવેની ઝડપ સાથે તાલ મેળવી લેવો પડે  – કલાકના સાઠ માઈલ ! હાઈવે પર ચાલ મળી જાય ત્યારે હાશકારો થાય. ચાલો હવે નિરાંત – ઝડપથી લક્ષ્ય તરફ પહોંચી જવાશે.

હાઈવે પરથી બહાર નીકળતી વખતેય સતેજ તો રહેવું જ પડે, પણ પ્રમાણમાં તકલીફ ઓછી પડે. જેવા એક્ઝિટમાં પ્રવેશી જઈએ અને ઝડપ ઓછી કરવા માંડીએ એટલે પહોંચ્યાનો હાશકારો થાય. ધીમે ધીમે શહેરની કલાકના  ૩૫ – ૪૦ માઈલની ઝડપ ઉપર આવી જઈએ. હવે અટકવાનું સરળ બની જાય. તાણ પણ ઓછી થાય.

બે હાશકારા – પણ બન્નેની અનુભૂતિ અલગ. એકમાં ઝડપ વધવાનો આનંદ; બીજામાં અટકી શકાવાનો આનંદ. પહેલામાં તાણના વધતા પ્રવાહ સાથે તાલ મેળવવાનો આનંદ, લક્ષ્ય .  અંતર હવે ઝડપથી કપાશે તે આશાનો આનંદ. બીજામાં તાણ ઘટી શકાવાનો આનંદ – લક્ષ્યની નજીક આવી ગયાનો આનંદ. પહેલાંમાં ઉપર ચઢવાનું તાણ. બીજામાં નીચે ઉતરવાની હળવાશ. ઉપર ચઢવાનું હમ્મેશ વધારે શક્તિ, વિશેષ ધ્યાન, વિશેષ સતર્કતા માંગી લે છે. એમાં વિશેષ જોખમ છે. નીચે ઉતરવાનું પ્રમાણમાં બહુ સરળ છે.

રસ્તો ટૂંકો હોય તો આ ઉપર અને નીચે જવાના અનુભવોની એક આવ્રુત્તિ થાય એટલે પત્યું. લાંબા રસ્તે જતાં હોઈએ તો આવા બે, ત્રણ કે વધારે ચઢાવ ઉતારમાંથી પસાર થવું પડે.

પર્વત ઉપર ચડવાનું અને ઉતરવાનું – એમાં પણ આ જ અનુભૂતિ દોહરાય છે. નાની ટેકરી હોય કે મસ મોટો પર્વત હોય.

જીવનમાંય આમ જ છે ને વારુ?


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.