હરેશ ધોળકિયા

વ્યકિતના- એટલે કે આપણા- જીવનમાં અનેક વાર એકી સાથે વિરોધાભાસી બનાવો બને છે. એકી સાથે આનંદજનક ને દુઃખદાયક ઘટનાઓ સમાંતરે બને છે. દિકરો કે દિકરી પહેલે નંબર આવે અને તે જ પળે માતા પિતામાંથી કોઈનું મૃત્યુ થાય. માંડ માંડ સંતાનનો જન્મ થાય પણ માતા મૃત્યુ પામે. લગ્નના દિવસે જ વડીલ વિદાય લે. આવા તો અનેક બનાવો આપણા જીવનમાં અને ચારે બાજુ બનતા જોવા મળે છે. ત્યારે, જો વ્યકિત વિચાર કરતી હોય તો, તે અવશ્ય વિચારે છે કે કયો બનાવ સાચો ? સારો બનાવ કે અણગમતો બનાવ ? થોડું ધારે વિચારે તો બન્ને બનાવો એકી સાથે સારા પણ લાગે અને કદાચ ખરાબ પણ લાગે. અથવા જેને સારો માન્યો હોય તે અણગમતો બને અને ન ગમતો હોય તે સારો થાય. પસંદ કરેલ છોકરી સમય જતા ન ગમે અને પરાણે પરણ્યા હોય તે સમય જતાં સારી નીકળે. આવા તો અનેક બનાવો સમગ્ર જીવન દરમ્યાન બન્યા કરતા હોય છે.
મોટા ભાગના વિચારતા ન હોવાથી સુખી હોય છે અને જે આવે તે ઈચ્છા અનિચ્છાએ સ્વીકારી લેતા હોય છે અથવા બળતરા કર્યા કરતા હોય છે. પણ કયારેક તો એમને પણ વિચાર ઝબકી જાય છે કે સાચું શું? આ બનાવ કે પેલો બનાવ ?
ભારતીય વેદાંત સાહિત્યે આવા બનાવોનું પૃથ્થકરણ કરેલ છે અને તેના જવાબો શોધવાનો પ્રયાસ કર્યો છે. જે જવાબ હોય છે તે ખૂબ જ શુધ્ધ હોય છે તેથી સમજાતો નથી. શુધ્ધ વિચારને આમ પણ સમજવો કઠીન હોય છે. તેને વિવિધ ઉદાહરણોથી સમજાવો પડે છે. એટલે આ જવાબને પણ વેદાંત સાહિત્યે ઉદાહરણથી સમજાવેલ છે. શુધ્ધ જવાબને સમજવા એક વાર્તા કરેલ
છે.
ભારતીય સાહિત્યમાં રાજા જનક ખૂબ જાણીતા છે. આમ તો તે ઉપનિષદ અને અષ્ટાવક્ર સંહિતાના કારણે જાણીતા છે, પણ આ બત્ને તો ભાગ્યે જ કોઈએ વાંચેલ છે. એટલે તેના માધ્યમથી ઓછા લોકોએ તેમનું નામ સાંભળેલ છે. આપણે જે જનકને ઓળખીએ છીએ તે તો આપણે જેને ભગવાન માનીએ છીએ તે રાજા રામના સસરા તરીકે ઓળખીએ છીએ. વિશ્વામિત્ર સાથે યજ્ઞનું રક્ષણ કરવા ગયેલ રામ અને લક્ષ્મણ પાછા વળતાં જનકની નગરી મિથિલામાં રોકાયા હતા અને અકસ્માતે ત્યાં રામે સીતાના સ્વયંવરમાં ધનુષ્ય તોડયું. તેથી જનક પુત્રી સીતા સાથે તેમનાં લગ્ન થયાં. આ રામાયણ કથાથી આપણા માટે જનક પરિચિત છે.
પણ જનક તો, આપણે જોયું તેમ, ઉપનિષદના કારણે તેનાથી પ્રાચીન છે. અષ્ટાવક્ર સાથેનો તેમનો અદભુત સંવાદ વાંચીએ ત્યારે આપણને જનકની મહાનતાનો ખ્યાલ આવે છે. જનક પરમ જ્ઞાની છે. પરમ વેદાતી છે. સાક્ષાત્કારી છે. આવા જનક જયારે હજી પૂરા જ્ઞાની થયા ન હતા અને અષ્ટાવક્ર પાસે જ્ઞાન મેળવતા હતા ત્યારનો એક પ્રસંગ ટાંકવામાં
આવે છે.
એક વાર રાતે જનક સૂઈ ગયા. ઊંઘમાં તેમને સ્વપ્ન આવ્યું. તેમાં તેમના રાજય પર દુશ્મન રાજાએ ચડાઈ કરી. જનકના સૈનિકો બહાદુરીથી લડયા પણ ન જીત્યા અને જનક હારી ગયા. દુશ્મન રાજાના સૈનિકોએ જનકને પકડી લીધા અને રાજા સમક્ષ હાજર કર્યા. જનક રાજા સામે હાથમાં બેડી સાથે ઊભા રહ્યા. રાજાએ કહ્યું કે, ” હે જનક, તમે મારા કેદી છો. સામાન્ય રીતે હું કેદી રાજાને મારી નાખું છું, પણ તમે એક સન્માનનીય રાજા છો. એટલે તમને મારી ન નાખતાં તમને તમારા જ રાજય બહાર ચાલ્યા જવા હુકમ કરું છું. તમને દેશનિકાલ કરું છું.” કહી સૈનિકોને જનકને સરહદ બહાર મૂકી આવવા આજ્ઞા કરી.
સૈનિકો જનકને સરહદ સુધી લઈ ગયા અને પછી ધકેલી દીધા. જનક દેશનિકાલ થઈ ગયા. થાકેલા, ત્રસ્ત જનક લથડિયાં ખાતા આગળ વધ્યા. કડકડતી ભૂખ લાગી હતી. તેથી ચાલી શકાતું ન હતું. ખોરાકની શોધમાં તરફડતા હતા. કોઈ એક ગામ પાસે આવ્યા. ત્યાં ભૂખ્યા લોકોને જમાડતા હતા. જનક લાઈનમાં ઊભી ગયા. તેમનો વારો આવ્યો ત્યારે જ અન્ન ખૂટી પડયું. પેલાએ ના પાડી. જનક તેને કરગર્યા. જે હોય તે આપવા વિર્નાતિ કરી. પેલાએ તળીયામાં રહેલ અનાજના કણ એકઠા કર્યા અને એક વાટકામાં આપ્યા. જનક તો ઉતેજનાથી ખાવા ગયા. હજી તો વાટકો મોએ માંડે ત્યાં તો અચાનક આકાશમાંથી એક સમળીએ ઝાપટ મારી અને વાટકાને ધકકો માર્યો. વાટકો તેમના હાથમાંથી છટકી ગયો અને જે કણ હતા તે ધૂળમાં વેરાઈ ગયા. જનક ત્રસ્ત થઈ ઉઠયા અને ધૂળમાં લોટવા લાગ્યા અને બોલવા લાગ્યા, ‘ હાય, હાય ! મારું ખાવાનું ચાલ્યું ગયું.’ અને રડવા લાગ્યા.
તે જ પળે તેમની ઊંઘ ઊડી ગઈ. જોયું તો તેમને પરસેવો વળતો હતો. તે ધ્રુજતા હતા. તેમની બૂમ સાંભળી બહાર ઊભેલ ચોકીદાર અંદર દોડી આવ્યો અને જનક સામે જોવા લાગ્યો. તેમની સ્થિતિ જોઈ ચિંતાપૂર્વક પૂછવા લાગ્યો, ” મહારાજ, કંઈ તકલીફ છે ?”’
જનક તો સ્તબ્ધ હતા. પેલું દશ્ય હજી ભૂલાતું ન હતું. ત્યાં જ વર્તમાનમાં આવી ગયા હતા જયાં તે આરામથી તળાઈ પર સૂતા હતા. બે દશ્યો વચ્ચે ગુંચવાઈ ગયા. તે બડબડવા લાગ્યા, ” આ સાચું કે પેલું સાચું ?”
દરવાન મૂંઝાઈ ગયો.
સવાર પડી. રાજા તૈયાર થઈ દરબારમાં ગયા. દરબારમાં કામગીરી ચાલવા લાગી. પણ કોઈ કંઈ મુદો રજૂ કરે કે તરત રાજા જનક બોલતા, ‘ આ સાચું કે પેલું સાચું ?” દરબારીઓ અને મંત્રીઓ મૂંઝાઈ ગયા. કોઈ જવાબ આપી શકતા ન હતા. રાજા સતત બડબડયા કરતા હતા.
આ સમાચાર અષ્ટાવક્રના કાને પહોંચ્યા. તે સમજી ગયા અને દરબાર ઉપડયા. દરબારમાં રાજા સામે ઊભા રહ્યા. જોયું તો જનક બડબડતા હતા, ” આ સાચું કે પેલું સાચું ?”
અષ્ટાવકે જ્ઞાનથી મૂળ બાબત જોઈ લીધી. તેમણે રાજાને પૂછયું, ” રાજા, તમે જયારે ભૂખે મરતા હતા ત્યારે આ દરબાર હાજર હતો?”
જનકે જવાબ આપ્યો, ” ના, ત્યારે દરબાર હાજર ન હતો. હું તો સરહદ બહાર હતો.”
અષ્ટાવક્રે પૂછયું, ” અત્યારે તમે દરબારમાં છો. તો સરહદ બહારનું ગામ અત્યારે હાજર છે ? “
જનકે નકારમાં મસ્તક હલાવ્યું.
એટલે અષ્ટાવકે કહ્યું, રાજા, આ પણ સાચું નથી અને પેલું પણ સાચું નથી.”
જનકને ઝાટકો લાગ્યો. તે બોલ્યા, ” તો પછી સાચું શું?”
અષ્ટાવક બોલ્યા, ‘ સરહદ બહારના ગામમાં તમે રડતા હતા ત્યારે તમે હાજર હતા ? ”’
રાજાએ મસ્તક હલાવ્યું. ” હા, હતો.”
” અત્યારે દરબારમાં બેઠા છો ત્યારે તમે હાજર છો ?”
“હા, છું.”
“‘ બસ, તો પછી ન તો સ્વપ્નું દશ્ય સાચું કે ન તો અત્યારનું દશ્ય સાચું. “
“તો શું સાચું?”
‘” કેવળ તમે સાચા. બન્ને દશ્યોમાં તમે હાજર હતા. દશ્યો બદલી ગયાં, પણ તમે એ જ છો. માટે કેવળ તમે સાચા. ગમે તેટલાં દશ્યો બદલતાં રહે, પણ દરેકમાં તમે તો રહો જ છો. માટે કેવળ તમે જ સાચા.”
બસ ! આ જ જવાબ છે. જીવનમાં કયારેક સુખ આવે, કયારેક દુઃખ આવે, કયારેક કંટાળો આવે, કયારેક તકલીફ આવે….દશ્યો બદલાતાં રહે છે, ઘટનાઓ બદલાતી રહે છે, સુખ-દુઃખ બદલાતાં રહે છે, પણ આ બધી બાબતોમાં, દશ્યો બદલાવા છતાં, જોનાર વ્યકિત હાજર હોય છે. જગત બદલાતું રહે છે, ” હું” કાયમ રહું છું. જો આ ” હું” – દષ્ટા-ની સભાનતા આવી જાય, તો ખ્યાલ આવશે કે ભલે બહાર બધું બદલાતું રહે, પણ “હું” તો કાયમી છું. શરીરમાં પરિવર્તનો આવતાં રહેશે, મનમાં પરિવર્તનો આવતાં રહેશે, જગતમાં પણ પરિવર્તનો આવતાં રહેશે, પણ આ બધાં જ પરિવર્તનો વચ્ચે તેને જોનાર ” હું” તો હશે જ. તે બધાં જ પરિવર્તનો વચ્ચે સ્થિર રહેશે. એટલે કેવળ ” હું” જ સાચો છે.
ચિંતન આ “હું” નું કરવાનું છે, નહીં કે બહારનાં પરિવર્તનોનું. જયારે પણ કોઈ ઘટના બને- કહેવાતી સારી કે કહેવાતી ખરાબ-ત્યારે ઘટના પર ધ્યાન આપવાનું નથી. ઘ્યાન માત્રને માત્ર આ ઘટનાને જોનાર – હું- પર આપવાનું છે. આ હું હમેશાં સ્થિર રહે છે. જેમ સ્વપ્નું મિથ્યા છે, તેમ આ બહારનું જગત પણ મિથ્યા જ છે. પણ આ બન્ને મિથ્યાને જોનાર ‘ હું ‘ જ સાચો છે. મિથ્યા એટલે પરિવર્તનશીલ. સતત બદલનાર. અસ્થિર. બાકી બધું જ અસ્થિર છે. કેવળ તેને જોનાર, સાક્ષી, હું જ સાચો છે.
ઘ્યાન-ફોકસ- બદલાવવાની જરુર છે. પરિવર્તનશીલતા પર ધ્યાન રહેશે તો સતત ડોલતા રહેવાશે. સતત આઘાતો સહન કરવા પડશે. સુખ-દુઃખ અનુભવાશે. પણ જો દષ્ટા, સાક્ષી એવા ” હું” પર ફોકસ રહેશે તો વ્યકિતત્વ સ્થિર થઈ જશે. અચલ થઈ જશે. અને ખુદ મન પણ અશાંત થઈ જાય, તો પણ તેને જોનાર “હું” તો હાજર રહેશે. શરીર-મન-બુધ્ધિ-જગત બધુંજ સતત પરિવર્તનશીલ રહેશે, તેની વચ્ચે તેને જોનાર -હું- સ્થિર રહેશે. આ જો, જયારે પણ શકય બન્યું, તે પળથી પરમ આનંદ, કેવળ આનંદ, આનંદ જ આનંદ. એટલે આ પણ સાચું નથી અને તે પણ સાચું નથી. કેવળ તેને જોનાર હું સાચો છે.
આ દષ્ટાના દષ્ટા બનવું તે જ એક માત્ર સાધના.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com