કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

મારી-અમારી ૭૦ -૮૦ વર્ષ વટાવી ગયેલ પેઢીએ આપણી જૂની પરંપરાગત અને હવે વિજ્ઞાનના સહારે બદલી રહેલી: બન્ને ખેતીની પદ્ધત્તિઓનો પ્રત્યક્ષ અનુભવ લીધો છે. આમાંનું કેટલુંક નવી પેઢીને જલદી ન મનાય તેવું નવાઇ પમાડનારું લાગશે. હવેના ખેત-સાધનોએ ખેતીને ખૂબ સરળ બનાવી છે. નવી પેઢીને ખેતીકામો સિવાયનું મુક્ત જીવન જીવવા મળી રહ્યું છે. પરંતુ તે વખતે ખેડૂત પરિવારના એંસી વરસના ભાભાથી માંડી પાંચ વરસના બાળકના હ્ર્દયનો ધબકાર “ખેતી” હતી. દિવસ રાતનો તમામ સમય ખેતીનો હતો. શરીરશ્રમ શ્વાસોશ્વાસ જેટલી સામાન્ય ક્રિયા ખેતી હતી. ખેડૂતો જ નહીં, વહવાયા, ખેતમજૂરો, ગોપાલકો – એવાં તમામ ગ્રામજનો કહો કે આખું ગ્રામજગત ખેતી સંસ્કૃતિમાં જીવતું હતું. પર્વો, ગીતો અને ઉત્સવોમાંયે કૃષિ સંસ્કૃતિ ગૂંજતી હતી. હવેના વિજ્ઞાને તેમાં આણેલો ફેરફાર જાણવો સૌને રસપ્રદ બનશે.

પહેલાં હાડકાં ગાળતી શિયાળાની કડકડતી ટાઢમાં કોશિયો “ બાપો ! હાલો મારા ધીંગા ધોરીડા હાલો !” કહી, કોહે જૂતેલા બળદિયાને ડચકારી કીચૂડ….કીચૂડ પૈડાના અવાજ સાથે કોહ થાળામાં ભખળ…ળ કરતો પાણી ઠાલવે અને એના ધીમા ધીમા આવતા પાણીના પ્રવાહે કંટાળાજનક નાકા ફેરવતા પાણતિયાને છૂટકારો ઓઇલ એંજીન, સેંટ્રીફ્યુગલ પંપ, ઇલેક્ટીક મોટરો અને હવે તો સબમર્સિબલ મોટરે તથા ઓછામાં ઓછા પાણીથી ખેતીપાકોને વધુમાં વધુ સંતોષ અર્પણ કરનારી ટપક સિંચાઇ પદ્ધતિની ભેટ ધરીને કાયમી વિટંબણાઓમાંથી મુક્તિ  કોણે અપાવી છે ? કહો, ખેતીના આધુનિક વિજ્ઞાને જ ને !

અરે ! અમારા વડદાદા વાત કરતા કે અમારા વખતમાં કૂવો ગાળવા માટે તો ફીણા માથે ઘણ મારી મારી દમ નીકળી જતો ! કૂવો ગાળવો એ જીંદગીભરનું એક કામ ગણાતું. અરે, એકવાર તો એવું બન્યું કે ગાળતા ગાળતા કૂવો અંદરથી સાંકડો થઈ ગયો.પછી તો તેને ખોલવી પૂરા માપે કરવા સલાટ બેસારવા પડેલા કે જેણે છીણી-હથોડીથી ચારે બાજુ કોતરી કોતરી-કઠ્ઠણ પથ્થરોને કાપી કૂવાને ઘાટ આપેલો બોલો ! અને અત્યારે ? કૂવો ગાળવા ઘણ-ફીણા લેવાની જરૂર જ નહીં ભૈ ! કૂવાનો પથ્થર કઠ્ઠણનો બાપ કેમ નથી ! લાવો એરકંપ્રેસર, પાડી દો દાર, ભરો અંદર ટોટા ને દબાવો સ્વીચ ! હડુડૂડુ….ભમ…કરતો થાય અવાજ અને કૂવાના તળિયે શીલાઓનો કરી દે મોટો ઢગ !! ચાલુ કરો ચરખી ને કાઢી નાખો ગાળ કૂવા બહાર. કૂવો ઊંડો ન થાય ને જાય ક્યાં ? અને હવે તો ૧૦ બાય ૧૦ નો કૂવો કે ૨૦ બાય ૨૦ જેવડી જળમ ગાળવાનીયે ક્યાં જરૂર છે ભલા ! બોલાવો બોરવેલ મશીનવાળાને, કરાવી લ્યો દાર, ૪-૫ કલાકમાં જ તળમાં હોય તો પાણીને લાવે બહાર ! આ ખુબી વિજ્ઞાનની જગણાયને ભાઇઓ !

યાંત્રિક સાધનો બાબતે વિજ્ઞાન એટલું મદદગાર બની રહ્યું છે કે એકે એક કામમાં ખેડૂતના સમય, શ્રમ અને કામની ગુણવત્તા-બધામાં ફાયદો કરી દીધો છે. દા.ત. ઘઉં વાવવાના હોય તો પ્રથમ બળદના વાવણિયાથી બે સર કાઢી બીજ વાવવાનાં,, ઉપર રપટો ચલાવવાનો, પછી ક્યારા-પાળી બનાવવા સુતરણા નાખ્યા પછી પાછો અંદર ક્યારો સમતળ કરવા લોઢિયો ફેરવવાનો, અને ખંપાળી લઈ માણસ દ્વારા પાળા પલોટી, ક્યારા રોડવા સુધીના કાર્યો પાર પડે પછી ઉભાર માટે નીકણું નખાય અને ધોરિયો ખોરી લીધા પછી ઘઉં પાણી પીવે એવું થતું. તમે જૂઓ ! પાર વિનાની બળદ અને માનવશક્તિ ઉપરાંત કેટલોય સમય જતો. તેને બદલે આવ્યો “ઓટોમેટિક વાવણિયો” ! પાયાનું ખાતર અને બીજ બન્ને યોગ્ય ઊંડાઇએ અને સપ્રમાણરીતે વવાતા જાય, બીજ પર માટીનું ઢાંકણ, યોગ્ય દબાણ, અને ક્યારો સમતળ થવા ઉપરાંત પાળા પણ સાથોસાથ બનતા જાય ! નીકણું નાખી ઉભાર કરી વાળો, પડું તૈયાર !

અને ઘઉંના છોડવા વાઢવા, એના પાળા બનાવવા, ભરોટા ભરી ખળામાં પહોળા કરી-તપાવ્યા પછી, ઉપર ગાડું-બળદિયા ચાલાવી, પગર પકાવી, ઘોડીઓ માંડી, વાવલી-ઉપણી,કુંવળ-ઘઉં જુદા પાડી, ચારણે ચાળી, દાણાની ધાર કરીએ ત્યારે કોથળા ભરાતા. જ્યારે આજે ? ઘઉંને વાઢવાની, કે પાળા કરી, ઓપનરમાં નાખી મસળવાની યે જરૂર નહીં ! પાકી ગયેલા ઘઉંનો ઊભો ઘેરો હાર્વેસ્ટરને સોંપી દો, ઘડીકની વારમાં વાઢી, મસળી, ઉપણી જ્યાં કહો ત્યાં બુંગણ કે સીધા ટ્રેકટરના ટ્રેલરમાં કોઠીના સાણાંમાંથી ધોધ છૂટે એમ હબહબાવીને ટ્રેલર ભરી દે !

આવું જ, કપાસનો પાક પૂર્ણ કરી હવે ચિપિયાથી સાંઠી ખેંચી, પાથરા બનાવી, ભરોટા ભરી પડા બહાર કાઢી, તેનો ભૂકો કરી, માટી-ભેજ આપી સેડવીએ ત્યાં છ મહિના વીતી જાય. જ્યારે અત્યારે તો નક્કી કર્યું કે હવે કપાસ પૂરો થઈ ગયો છે, ને પાણીની સગવડ છે, તો પછી આ જ પડામાં ઘઉં કરી વાળ્યા હોય તો ? તો ઊભી સાંઠીમાં મૂકાવો “શ્રેડર” ! સાંઠી ભલે માથાઢક ઊભી હોય ! થડિયેથી કાપી, કુંવળ જેવડા કટકા કરી વિખેરી દે આખા પડામાં, અને જમીનમાંથી મૂળિયા સમેત થડિયાં પણ ખેંચીને કાઢી આપે બહાર, વીણી લ્યો, બાર મહિનાના બળતણનો સવાલ થઈ જાય હલ અને જમીનમાંથી પાકે લીધેલું જમીનને કરી દીધું પરત-કુંવળ જેવડા કટકા સ્વરૂપે, તે જમીનમાં ભળી આપમેળે સારશે સેંદ્રીય ખાતરની ગરજ ! બસ, કરી વાળો દાંતી-રાંપ, પસિયું ઘઉં વાવવા થઈ જાય તૈયાર !

મેં ખેતી શરૂ કરી ૧૯૬૫માં. તે દિ’ દવા છાંટવાના પંપ નહોતા. મરચીમાં કુકડ આવ્યે ડોલમાં પાણી ભરી, તેમાં દવા ભેળવી, સાવરણીએ સાવરણીએ મેં છાંટેલી. જરૂરિયાત સંશોધનની જનની છે ને ? શરૂઆતમાં કોઠી પંપ, પછી આવ્યા હેંડલવાળા ખભાપંપ, અને હવે તો હેંડલે નહીં મારવાનાં, નાની બેટરીનું જોડાણ લાગી ગયું. દવાનો ફૂવારો આપમેળે થયા કરે. છાંટનારે માત્ર છંટકાવ જ કર્યે જવાનો. અરે ! સોલાર-પાવરથી ચાલતા પંપો અને મોટાપાયે દવા છાંટવાની થાય તો હેલીકોપ્ટરથી એકી સાથે કેટલોય વિસ્તાર છાંટી દે તેવી સુવિધા વિજ્ઞાને જ કરી ગણાય ને ?

આવી જ રીતે જમીન લેવલ કરવાના, પાળા બાંધવાના, ચર ગાળવાના, તલાવડી બનાવવાના, ઝાડ ઉખેડવા જેવા કામ કરનારા જેસીબી-હીટાચી મશીનો, ઝાડ કાપવાના કટરો, જુવાર-ઘઉં-મકાઇ-ડાંગર જેવા પાકને વાઢવાના બ્લેડરો, બટેટા-ડાંગર ચોપવાના યંત્રો, માટીમાંથી બટેટા-મગફળી જુદા કરવાના ચારણાઓ, ફળોના ગ્રેડિંગ મશીનો, જમીનમાં હોલ કરવાના, અરે ! આખેઆખા ઝાડવાને મૂળસમેત પીંડલો ઉખાડી અન્ય જગ્યાએ રોપી દેનાર રાક્ષસી મશીનો, નાના મોટા પ્રાથમિક ખેડ, આંતરખેડ અને પાછલી ઊંડી ખેડ કરી આપનારા વિવિધલક્ષી નાનામોટાં ટ્રેક્ટરો-કેવા કેવા યંત્રો વિજ્ઞાને નથી આપ્યાં કહો !

ખેતી હોય એટલે ગાય-ભેંશ વર્ગના ખેતકચરો ખાઇ દૂધ-ખાતર દેનારાં પશુઓ પણ હોવાનાં જ, એના અડાણમાંથી દૂધ દોહવાનું કામ તો હાથથીજ કરવું પડે ! ક્યારેક જાનવર તોફાની પણ નીકળે ! દોહનારને લાગીભાગી જવાનો પૂરો રહે ભય, અને દૂધેય પૂરું મળે કે ન પણ મળે !  અને વખત કેટલો બધો લાગે કહો ! જ્યારે અમે થોડા દિ’ પહેલાં ઇઝરાયેલ તેની ખેતી જોવા જ ગયેલા. તો ત્યાં એકી સાથે 48 ગાયોને ગોળાકારમાં બાંધી યંત્ર વડે ફટાફટ ૧૫-૨૦ મીનીટમાં દરેકનું 80-90 લીટર દૂધ દોહવાઇ જઈ પાઇપ દ્વારા દૂધઘરમાં પહોંચી, કઈ ગાયનું કેટલા લીટર દોહવાયું છે તેની નોંધ રેકર્ડબૂકમાં થતી જોઇ.

તમારી ગાયને વાછરડી જોઇએ છે કે વાછરડો ? શું જોઇએ છે, બોલોને ! જેની જરૂર હોય તેવા જ બચ્ચા ગાય જન્માવી શકશે એવું આધુનિક વિજ્ઞાને ગોઠવી દીધું છે. પશુધનના ગોબરના છાણાં બનાવી રસોઇ અર્થે બાળી દેવાથી તો નુકશાનીનો પાર રહેતો નથી. વિજ્ઞાને એ જ ગોબરને સળગાવ્યા વિના ઇંધણઅર્થ તો સરે ઉપરાંત લાઈટ અને ઉત્તમ સેંદ્રીય ખાતર મળી રહે તેવા અવાતજીવી જીવાણુંઓની ભેર દેનાર ગોબરગેસ પ્લાંટની ભેટ ધરી ખેતીની બહુ મોટી સેવા કરી છે. એવું જ સેંદ્રીય કૂચો  જલ્દી સેડવી દેનાર, જમીનમાંના અલભ્ય ફોસ્ફરસ તથા પોટાશને સુલભ બનાવી દેનાર અને હવામાંથી નાઇટ્રોજન પકડી જમીનમાં ઉમેરનાર વિવિધ બેક્ટેરિયાની ભેટ પણ વિજ્ઞાને જ ધરી છે. વિજ્ઞાન કયાં નથી પહોંચ્યું કહેશો ? ખેતીપાકોમાં ફલીકરણના અર્થસરણ ઉપરાંત માનવ આરોગ્ય અર્થે અમૃત સમાન મધ પણ મળી રહે તે માટે મધમાખીઓને પાલતુ બનાવવાના ઘર-મધપેટીની શોધ, અરે ઓફ સિઝનમાં મોલ ઉગાડી ઉત્તમ કમાણી કરી શકાય તેવા નેટ અને ગ્રીનહાઉસ અને ઉત્પન્ન માલના ભરાવા વખતે સંગ્રહી રાખી યોગ્ય સમયે વેચણ કરવાની સુવિધા બક્ષતા શીતાગારોની ભેટ પણ વિજ્ઞાને જ પૂરી પાડી છે મિત્રો !

અમારું મૂળ ગામ ચોસલા. ત્યા રહેતા હતા તે દરમ્યાન અમારા કોઇ સગાવહાલાને અમારે ત્યાં ચોસલા આવવું હોય તો એક અઠવાડિયા અગાઉ ટપાલ લખે કે “અમે ત્રણની રેલગાડીમાં માંડવા રેલ્વેસ્ટેશને ઉતરશું, ગાડું સામું મોકલજો.” ચોસલાથી માંડવાનું રેલ્વેસ્ટેશન ૬ કી.મી દૂર થાય. અને ત્યાંથી અમારે ગામ આવવા કોઇ બસ તો શું, તે દિવસોમાં છકડો-રિક્ષાની પણ સગવડ નહોતી. એટલે જો ટપાલ સમયસર મળે તો માંડવા-રેલ્વે સ્ટેશને બળદગાડું સામું જાય અને મહેમાન તેમાં બેસી ચોસલા આવે. પણ જો ટપાલ મોડી પડી ? તો મહેમાનને ૬ કી.મી. ગુડિયાગાડીમાં-એટલે કે પગે ચાલતાં આવવું પડતું. અને આજે ? મોબાઇલ ફોન, અને એમાંયે પાછી કેટ કેટલી સુવિધા ? હું મારી વાડીમાં ઊભો ઊભો અમેરિકામાં વસતાં સંબંધી સાથે એનો ફોટો દેખાતો હોય એવી રીતે વાત કરી શકું ! અરે ! મારા ખેતીપાકમાં કોઇ રોગ-જીવાત લાગ્યા હોય તો છોડને કેવું નુકસાન થયું છે તેનો ફોટો પાડી, નજરો નજર જોવા તેના વોટ્સપમાં રવાના કરી, મોલાતમાં ઊભા ઉભા જ કૃષિ વિજ્ઞાનીની સલાહ-માર્ગદર્શન મેળવી શકું છું બોલો !

અરે, મારા મોબાઇલમાં હવામાનમાં થતા ફેરફારો, એમાં રાખવી જોઇતી સાવચેતી, વરસાદની આગાહી, જુદીજુદી ખેત-પેદાશોના ઘણાબધા માર્કેટયાર્ડોના બજારભાવ જેવી કેટ કેટલીય વિગતો આવતી રહેતી હોવાથી બધી બાબતોથી હું વાકેફ રહી શકું અને ઘટતાં પગલાં લઈ શકું, કેવી સગવડ કહેવાય કહો !

અન્ય  વ્યવસાયોની જેમ ખેતીમાં પણ પૂર ઝડપે વિકસતા વિજ્ઞાનના હિસાબે સવારમાં નવી લાગતી વાત સાંજ થાય ત્યાં જૂની થઈ કોઇ નવું બીજ, નવી પદ્ધતિ, કે નવી દવા કે પાકને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા અર્થેની અજીબ તરકીબો “નવી” તરીકે ઊભરી આવે છે.

અને આગળ કહું ? આ ઇંટરનેટના આગમન અને એના પ્રચાર-પ્રસાર અને વ્યવહારમાં લેવાણા પછી તો જો ખેડૂત એનો ઉપયોગ કરતો થઈ જાય તો દુનિયા આખી એની નજર આગળ ખડી થઈ જાય એવું વિજ્ઞાને ગોઠવી દીધું છે. આપને શેની માહિતી જોઇએ છે બોલોને ! કોઇ પણ પાક, એનું બીજ, એને આપવી જોઇતી માવજત, એનું બીજ કેવા ભાવે અને  ક્યાં મળે ? દુનિયાના ક્યા ક્યા દેશોમાં એ થાય છે ? બધી જ વિગતો કમ્પ્યુટર ચાલુ કરી [હવે તો મોબાઇલ ફોનમાં પણ કરી શકાય છે ] “ગુગલ” જેવી એજન્સીને પૂછ્યા ભેળો મળી જતો હોય છે જવાબ !

અરે ! “ગાય” એમ લખીએ ત્યાં ગાયોની કેટલી ઓલાદ છે ? કઈ ઓલાદનો શારિરિક દેખાવ કેવો છે ? ક્યા દેશમાં એ ઓલાદનું ચલણ છે ? તેને કેવી બીમારીઓ લાગી શકે ? અને ત્યાંના લોકો તેના કેવા ઉપાય કરે છે ? એ કેટલું દૂધ કરે ? જેવી બધી વિગતો ફટાફટ ફોટા સહિત જોવા મળે, એ શું નાનીસૂની વાત ગણાય ? અરે ! આપણને એક બીજ, પધ્ધતિ કે નુસ્ખો સફળ લાગ્યો તો ફટ કરતોકને એ સંદેશો ફોટા સહિત ફોનના વોટ્સપ દ્વારા તરત જ જેટલાને મોકલવા ધારીએ એટલાને ઇસી મીનીટે મોકલી ગમતાનો ગુલાલ કરી શકીએ !

હું જ્યારે કૃષિ કોલેજમાં ભણતો હતો ત્યારે ખેતીના આનુવંશિક વિજ્ઞાનમાં મેંડલનો  1 : 3 નો નિયમ ભણવામાં આવતો. પણ એમાં તો સંકરણ દ્વારા બે લક્ષણોને ભેગા કરી સારા લાગેલ ગુણોને સ્થિર કરી ઉત્તમ બીજ તૈયાર કરવામાં ઘણા વરસોની મહેનત અને સમય લાગી જતાં. જ્યારે આજે તો જનીન વિજ્ઞાન એટલું બધું આગળ નીકળી ગયું છે કે એક વનસ્પતિ સાથે બીજી વનસ્પતિના જીન તો સમજ્યા મારાભાઇ ! વનસ્પતિ સાથે અન્ય જીવના જીન્સ ચોટાડી ન કલ્પ્યા હોય તેવા પરિણામો જીનેટીકલ વિજ્ઞાન દેખાડી રહ્યું છે. તેમાં કેટલુંક સારું તો કેટલુંક ન ધાર્યું હોય એવું નબળા ગુણોવાળુ માઠું પરિણામ પણ મળી જતું હોઇ બહુ વિવેકથી આગળ વધવા જેવું છે ભાઇ !

અંતે કહેવાનું એટલું કે વિજ્ઞાન તો ટેક્નોલોજી- રીત-પદ્ધતિ-યંત્ર આપી જાણે છે. પછી તેનો કેવો, કેટલા પ્રમાણમાં તથા કેવી સાવધાની-વિવેકથી ઉપયોગ કરવો તે આપણા- ખેડૂતના હાથની વાત છે.  એના વ્યવસ્થિત ઉપયોગથી વીજળી આપણા ૧,૦૦૦-૧,૨૦૦ ફૂટ ઊંડા દારમાંથી સબમર્સિબલ મોટર દ્વારા પાણી બહાર ફેંકી શકે છે, પણ એ જ વીજળીનો કરંટ ખુલ્લા વીજ વાયરને હાથ અડાડી દેતાં તરત જ ફટાક…કરતો આપણા દેહનો ફટાકિયો કરી પ્રાણ પણ હરી શકે છે એ વાત ખ્યાલ બહાર ન રહેવી જોઇએ મિત્રો !


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com